નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ

લોગ ઇનઃ

કોણે કીધું ગરીબ છીએ? કોણો કીધું રાંક?
કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ?

ઉપરવાળી બેન્ક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કંઈક મળે જો આપણા જેવો સાથ,
સુખ-દુઃખોની વારતા કહેતા, બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખે-પડખે માથે ભીડી આભ,
વચ્ચે એવું ગામડું બેઠું ક્યાં છે એવો લાભ?

સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત,
દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત.

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ.

- મકરન્દ દવે

આજે વિશ્વની એક સમયની સૌથી પૈસાદાર વ્યક્તિ બિલ ગેટ્સનો જન્મદિવસ છે. જોકે અત્યારે એમેઝોનના માલિક જેફ બેઝોસ વિશ્વમાં સૌથી ધનાઢ્ય છે. વિશ્વની ધનાઢ્ય વ્યક્તિના જન્મ દિવસે નોટ ને સિક્કા પાણીમાં નાખવાની વાત થોડી અજુગતી છે, પણ આપણી ભારતીય સંસ્કૃતિ તો આધ્યાત્મનો અહાલેક જગવતી સંસ્કૃતિ છે. રૂપિયા કે સંપત્તિ સાવ બિનજરૂરી છે એવું નથી, પણ આપણી સંસ્કૃતિએ ક્યારેય શિખર પર રૂપિયાને રાખ્યો નથી. હંમેશાં આત્માના અમીને જ ટોચ પર રહેવા દીધો છે. મકરન્દ દવે તો નોટ ને સિક્કા પાણીમાં નાખીને આત્માનું અમી પીતાં પીતાં ધૂળિયે મારગ નીકળી પડવાની વાત કરે છે. તેમની કવિતા પણ ગેરુઆ રંગની છે.

આપણે માણસને પૈસાથી જ આંકવાનું શીખીએ છીએ, તેની અંદર પડેલી ગુણોની સંપત્તિને ધ્યાનમાં લેતા જ નથી. કવિ અહીં કહે છે કે આપણા જુદા આંક છે. ગણતરી જુદી રીતથી કરવાની છે, થોડાક પાસે સિક્કા ન હોય તો એમાં વળી શું બગડી જવાનું છે? પૈસા મહત્ત્વના છે તે સમજ્યા, પણ પૈસા જ બધું છે એવું નથી. પહેલાના સમયમાં સાટાપદ્ધતિથી વસ્તુના બદલે વસ્તુ આપીને વ્યવહાર ચલાવતા હતા. આ વ્યવહારને વધારે સુગમ અને સરળ બનાવવા માટે પૈસાથી શોધ થઈ અને ડખા શરૂ થયા. દિલીપ શ્રીમાળીએ લખ્યું છે, ‘આમ જવાનું તેમ જવાનું રોજના સત્તર સલાળા, ને આ  પૈસાની થયેલી શોધના સત્તર સલાળા.’ આ સલાળા શબ્દ ગજબનો છે, એને લખવા કરતા બોલવાની જ વધારે મજા છે. મકન્દર દવે ઓલિયા કવિ છે, તે ઉપરવાળી બેન્કમાં શ્રદ્ધા ધરાવે છે. આ ઉપરવાળી બેન્ક ખૂબ જ માલંમાલ છે, પણ માણસોને ઉપરવાળી બેન્ક પાસેથી પૈસા નથી જોઈતા. તેમને તો નીચેવાળી બેન્કનું એકાઉન્ટ ભરચક રાખવું છે. આપણે ભવિષ્યની સેફ્ટી પણ અત્યારથી જ કરી લેવામાં માનીએ છીએ. પણ જે ફકીર છે, બેફિકર છે, દુનિયાથી પર છે તેવા કવિને તો આજનું ખાણું આજ મળી રહે એટલે બસ છે. કાલની વાત કાલ ઉપર છોડવાની. ઓશોએ પણ કહ્યું છે વર્તમાનમાં મેં જીના શીખો. આપણે હંમેશાં ગઈ કાલની ચિંતા અને આવતી કાલના પ્લાનિંગમાં જીવતા હોઈએ છીએ. વર્તમાનમાં જીવતા જ નથી. મકરન્દ દવે પણ કાલની ચિંતા કાલ કહીને વર્તમાનમાં જીવવાની વાત કરે છે.

કવિ કહે છે જગત સંપત્તિની પાછળ પડ્યું છે, પણ એવામાં જો કોઈ પોતાના જેવો ઓલિયો મળી જાય તો મજા મજા પડી જાય. હેયને અલક-મલકની સુખદુઃખની વાતો થાય. આજુબાજુમાં સુંદર ખુલ્લાં ખેતરો હોય, એ ખેતરોની વચ્ચે નાનકડું ગામડું હોય, માથે ખુલ્લું તારાભર્યું આભ હોય, કુદરત સોળે કળાએ ખીલી હોય પછી બીજું શું જોઈએ? આપણા મહાનુભાવો પણ પ્રકૃતિના ખોળે જીવવાનું કહી ગયા છે. આપણે પ્રકૃતિને બાજુએ મૂકીને શ્હેરના ખોળે માથું મૂકવામાં પડ્યા છીએ. ચીલ્ડ એસી રૂમમાં બેસીને ગામડાની સમસ્યાઓ ઉપર હાયવોય કરવાનું આપણને ખૂબ ગમે છે. કુદરતી વાતાવરણમાં રોજનું કમાઈને રોજ ખાનારને શ્હેરના લોકો જેટલી હાયવોય નથી. સવારથી સાંજ સુધી રૂપિયા પાછળ ભાગતા લોકો જીવતા પ્રેત જેવા લાગે છે. મકરન્દ દવે એટલે જ કહે છે, ‘દોઢિયા પાછળ ભાગતા લોકો જીવતા જાણે પ્રેત.’ આપણે જીવીએ છીએ, પણ પ્રેત જેવા થઈ ગયા છીએ. સોનાની ગલી સાંકડી છે, આપણા હેતમાં પણ હેતુ હોય છે. કહેવાય છેને કે ‘લાલો લાભ વગર ન લોટે’! આપણા મનનો લાલો લાભ વગર લોટતો નથી. આપણો પ્રેમ પણ કશુંક પામવાના સ્વાર્થથી ઉદભવેલો હોય છે. સંપૂર્ણ શુદ્ધ પ્રેમ તો જાણે ચકલી અને ગિદ્ધોની જેમ મૃતઃપ્રાય થઈ ગયો છે.
એક માણસને બીજા માણસ પ્રત્યે કારણ વિના જ પ્રેમ ઉદભવે તેના જેવો ઉત્તમ સમય બીજો એક પણ નથી. મકરન્દ દવે તો ઓલિયાની જેમ નોટ ને સિક્કા નદીમાં નાખીને ધૂળિયે મારગ ચાલનારા કવિ છે. એટલે જ તે કહી શકે કોઈ દિન ઇદ અને કોક દિન રોજા.

લોગ આઉટઃ

કો દિન ઇદ અને કોક દિન રોજા,
ઉછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર,
કઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર,

આવે ને જાય એના વેઠવા શા બોજા!
કો દિન ઇદ અને કોક દિન રોજા.

- મકરન્દ દવે

(“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી
કોલમનું નામઃ અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો