લેબલ અંતરનેટની કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અંતરનેટની કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

હું ને મારું ફળિયું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

હું ને મારું ફળિયું,
એકબીજાની આંખે વળગી, બની જતાં ઝળઝળિયું.

પગરવનાં એંધાણ મળે તો ફૂટે હરખની હેલી;
રોમ રૂવાંડા દોટ મૂકે છે ખખડે જ્યારે ડેલી.
જેમ રેત પર પાણી વહેતું, એમ વહે છે તળિયું,
હું ને મારું ફળિયું.

સાંજ પડે ને એકલવાયાં, ભાંભરતાં અજવાળાં;
અંધારાની અંદર પુરી, કોણે માર્યાં તાળાં?
હું ને ફળિયું બહુ હાંફતાં, તાળી પાડે નળિયું,
હું ને મારું ફળિયું.

કેટકેટલાં સુખ ચાવ્યાનાં, સ્મરણ સ્વાદમાં ઝૂલે;
કંઈક જનમની પીડા લઈને, બળ્યાં-ઝળ્યાંતા ચૂલે.
કાંઈ નથી આ નગર હવેલી, એ તો ખાલી ઠળિયું,
હું ને મારું ફળિયું.

- નરેશ સોલંકી

આજે જ્યારે બહુમાળી બિલ્ડિંગના વધતા વસવાટમાં આંગણા ઓછાં થતાં જાય છે, ત્યારે નરેશ સોલંકીની આ કવિતા ખાસ ધ્યાનથી વાંચવા જેવી છે, માત્ર વાંચવા જેવી જ નહીં, અનુભવવા જેવી પણ છે. જૂની સ્મૃતિના પટારાને ખોલીને ફળિયામાં જીવાયેલી જિંંદગીનાં થોડાંક ચિત્રો આંખની ઝાંખી થઈ ગયેલી દીવાલ પર ચીતરવા જેવાં છે. એપાર્ટમેન્ટની અટારીએ બેસીને બહાર ચાલતાં વાહનો જોવા ટેવાઈ ગયેલી આંખોને ફળયે ઊગેલાં ફૂલોનાં દર્શન કરાવવાની જરૂર છે, તેની મહેકથી મઘમઘતી કરાવવાની જરૂર છે. ઘરનુંં બારણુંં ખોલતાની સાથે લિફ્ટમાં ગોઠવાઈ જતુંં શરીર ફળિયાથી ટેવાયેલું નથી હોતું. આજે, ઘણાં બાળકોને ફળિયામાં રમવાનું કહેશો તો પણ બાપડાં મૂઝાંશે, પૂછશે- એ વળી કઈ જગા?

એક ફળિયું કેટકેટલી ઘટનાનું સાક્ષી હોય છે.

બાળપણમાં મિત્રો સાથેની રમતો, ઝઘડાઓ, ખાટામીઠાં અનુભવોનો એક આખો યુગ જિવાયો હોય છે ફળિયામાંં. જ્યાં દીકરીની પાપા પગલીઓ પડી હોય છે, જ્યાં દીકરીએ પોતાના મખમલિયા હાથે રંગોળી પૂરીને આંગણાને અવસરવંતું કર્યું હોય છે, જે બારણે દીકરીએ લીલાં તોરણ લટકાવી આખા ઘરને હરિયાળું કર્યુંં હોય છે, એ દીકરીની વરવી વિદાયનું સાક્ષી પણ હોય છે ફળિયું. એ જ ફળિયું કોઈ નવવધૂના આગમનની ઉજવણીનુંં મૂક છતાં જીવંત દૃષ્ટા પણ હોય છે. દિવાળી જેવા તહેવારમાંં દીવડાં જ નથી પ્રગટતાં, એ ફળિયામાં આખા ઘરનો ઉમંગ અજવાળું થઈને પથરાતો હોય છે.

કવિ કાગે લખ્યું છે- તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે… ફળિયુંં આતિથ્યના મંદિરનું પ્રથમ પગથિયું છે. કેટકેટલા અતિથિઓને મળતો આદર અને પ્રેમ તેણે સગી આંખે નિહાળ્યો હોય છે. સારા-નરસા પ્રત્યેક સમાચાર સૌથી પહેલાં તેણે સાંભળ્યા હોય છે. જાણે અજાણે, પૂછીને કે ચોરીછૂપીથી આવેલાં દરેક પગલાંનો હિસાબ તેની પાસે હોય છે.

સુખ-દુઃખની વાતો, હસી-મજાક અને ટોળટપ્પાં, ખીખિયાટાં અને દેકારાં, તોફાની છોકરાઓની ફરિયાદો અને વહાલાંદવલાં, અઢળક ઊભરાતા પ્રેમના પ્રસંગો અને ઝઘડાની જમાવટ, બધું જ ફળિયાએ સાક્ષીભાવે જોયું હોય છે.

આજે જ્યારે ઘરમાંથી આંગણું ગાયબ થતું જાય છે, ત્યારે માત્ર અમુક ચોરસવારની જગ્યા ઓછી નથી થતી, પણ એક આખી જીવંત સંસ્કૃતિ ભૂંસાતી જાય છે. બાળકોના ઉછેરથી લઈને, યુવા યુગલોના રોમાન્સ સુધી, આધેડ દંપત્તિથી લઈને વૃદ્ધાવસ્થાના ઊંબરે ઊભેલ વ્યક્તિઓના અનુભવ-ભાથા સુધીના તમામ લોકોના જીવનમાં ફળિયુંં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગાઢ અસર કરતુંં હોય છે. ફળિયું જવાથી એક પરંપરા આછી થતી હોય તેવો અનુભવ પણ થાય.

આજના સમયમાં ફળિયાવાળા ઘર હોવા એ મોઘીં મૂડી છે. કવિ નરેશ સોલંકીએ ફળિયામાં જીવાતી જિંંદગીને માત્ર કવિતામાં નથી પરોવી, પણ વાંચનારનાં હૃદયમાં પરોવી છે. જેણે ફળિયાની જાહોજલાલી ભોગવી છે, તેમને તો પ્રત્યેક પંક્તિ સ્મરણોત્સવ જેવી છે.

ઘર, ઉંબર અને ફળિયું એ સ્થાન નથી, અનુભૂતિ છે, વાંચો ભગવતીકુમાર શર્માની આ કવિતામાં.

લોગઆઉટઃ

હું ‘હું’ ક્યાં છું? પડછાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં;
હું જન્મોજન્મ પરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

તું રાત બની અંજાઈ જજે આ ગામનાં ભીનાં લોચનમાં;
હું ઘેનભર્યું શમણાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

આ માઢ,મેડી ને હિંડોળો ફોરે છે તારા ઉચ્છવાસ્;
હું હિના વગરનો ફાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

કંકુ ખરખર, તોરણ સૂકાં, દીવાની ધોળી રાખ ઊડે;
હું અવસર એકલવાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં

સાન્નિધ્યનો તુલસીક્યારો થૈ તું આંગણમાં કૉળી ઊઠે;
હું પાંદ-પાંદ વીખરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

શ્વાસોના પાંખાળા અશ્વો કંઈ વાંસવનો વીંધી ઊડ્યાં;
હું જડ થઈને જકડાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

ગઈકાલના ઘૂઘરાઓ ઘમક્યા, સ્મરણોનાં ઠલવાયાં ગાડાં;
હું શીંગડીએ વીંધાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

– ભગવતીકુમાર શર્મા

બૉમ્બ જેટલો દેખાય એટલો નાનો નથી હોતો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો
અને એની અસરકારક પહોંચનો વ્યાસ લગભગ સાત મીટર હતો,
જેમાં છે ચાર મૃતક અને અગિયાર ઘાયલ.
અને એની ફરતે, દર્દ અને કાળના
વધુ મોટા વર્તુળમાં, પથરાયેલ છે બે હૉસ્પિટલ
અને એક કબ્રસ્તાન. પણ યુવાન સ્ત્રી
જેને દફનાવાઈ, જ્યાંથી એ આવી હતી એ શહેરમાં
જે સો કિલોમીટરથીય વધુ અંતરે છે,
વર્તુળને નોંધપાત્ર રીતે વિસ્તારે છે;
અને દરિયાપારના એક દેશના દૂરના કિનારાઓ પર
એના મોત પર શોક કરનાર એકાકી પુરુષ
આખી દુનિયાને વર્તુળમાં સમાવી લે છે.
અને અનાથોના હીબકાંઓનો તો હું ઉલ્લેખ પણ નહીં કરું
જે પહોંચે છે ઈશ્વરના સિંહાસન સુધી અને
એથીય આગળ, એક વર્તુળ
બનાવતાં જેનો નથી કોઈ અંત અને નથી ઈશ્વર.

– યહુદા અમિચાઈ (અનુ. વિવેક મનહર ટેલર)

બ્રિટનની કવયિત્રી Carol Ann Duffyએ લખેલું, “યુદ્ધ ત્યારે ખતમ નથી થતું, જ્યારે બંદૂકો ચુપ થઈ જાય, એ ટકે છે એવાં આક્રંદિત હાલરડાંઓમાં જે ક્યારેય ગવાયાં જ નથી હોતાં.” દેખાવે સાવ નાનો લાગતો બૉમ્બ નાનો નથી હોતો. તેની અસર ક્યાં ક્યાં પહોંચે છે તેની વાત યહુદા અમિચાઈએ ખૂબ ઊંડાણથી કરી છે, છે અંતરથી ધ્રૂજાવી દે તેવી છે. યહુદા અમિચાઈ ઇઝરાયેલના અગ્રણી આધુનિક કવિ હતા, જેમણે હિબ્રૂ ભાષાને વિશ્વકવિ સ્તરે પહોંચાડી. તેમણે યુદ્ધ, શોક, પ્રેમ અને માનવતા વિશે ગહન અને સરળ શૈલીમાં લખ્યું.

કવિ કહે છે, બોમ્બનો વ્યાસ માત્ર ત્રીસ સેન્ટિમીટર હતો. અર્થાત્ સાવ નાનો, પણ આ તો થયું એનું ભૌતિક માપ. એ ફૂટ્યો ત્યારે તેના ધડાકાએ સાત મીટર સુધીનું બધું ભસ્મીભૂત કરી નાખેલું. તેના લીધે ચાર માણસો મૃત્યુ પામ્યા અને અગિયાર ઘાયલ થયા. ઘાયલો હૉસ્પિટલમાં ગયા અને મૃતકો સ્મશાનમાં. હૉસ્પિટલ સારવારનુંં પ્રતીક અને સ્મશાન મૃત્યુનુંં! બૉમ્બે બંનેને ઘેરી લીધા. તેણે જિંદગી, સારવાર અને મૃત્યુની વચ્ચેની રેખાઓ ધૂંધળી બનાવી દીધી.

મૃતકોમાં એક સ્ત્રી સો કિલોમીટર કરતા પણ વધારે દૂરના કોઈ શહેરથી અહીં આવી હતી. બૉમ્બનો વ્યાપ સો કીલોમીટર કરતાં પણ વધારે વિસ્તર્યો. એ સ્ત્રી કોઈનું અડધું અંગ હતી. પોતાના અડધા અંગને ગુમાવનાર પુરુષ દરિયા પારના કોઈ દેશમાં વિલાપ કરે છે. બોમ્બનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યો! તેણે આખા વિશ્વને પોતાના વર્તુળમાં સમાવી લીધું.

અને એથીય આગળ, તેનો વ્યાપ વિશ્વ પૂરતો સીમિત નથી રહેતો, કવિ કહે છે કે તે બૉમ્બના વિસ્ફોટથી જે બાળકો અનાથ થયાં છે, મારી કલમ તેમની વ્યથાના વ્યાપને દર્શાવવા માટે અસમર્થ છે. તેનો વ્યાપ તો ઈશ્વરની ગાદીથીયે આગળ જાય છે.

ટી.એસ. એલિયટે લખેલું, ‘દુનિયા બૉમ્બના મહાધડાકાથી નહીં, પણ ડૂસકાંથી ખતમ થાય છે.’ નરી આંખે ત્રીસ સેન્ટિમીટરનો દેખાતો બૉમ્બ ત્રીસ સેન્ટિમીટરનો નથી હોતો, તેનું ભૌતિક માપ એ ખરું માપ નથી. તેનું સાચું માપ તો માનવજીવનની મહાવ્યથાઓથી જ આંકવું પડે, જેની અસર માત્ર એક ઘટના પૂરતી સીમિત ન રહેતા મહિનાઓ, દાયકાઓ અને યુગો સુધી વિસ્તરે છે. જાપાનમાં થયેલા અણુબૉમ્બની યાતના આજે પણ પડઘાય છે. જે બતાવે છે કે બોમ્બનુંં માપ માત્ર સેન્ટિમીટર, મીટર, ઈંચ કે ફૂટ પૂરતુંં નથી રહેતુંં, એક સ્થળ કે પ્રદેશ પૂરતુંં પણ નથી રહેતું, તે કાળની મામપટ્ટીથી અંકાય છે. જેના પડઘા માનવતાની સંવેદનભરી ગલીઓમાં યુગો સુધી પડઘાય છે.

પોલેન્ડની નોબેલ પુરસ્કાર વિજેતા કવયિત્રી વિસ્લાવા શિમ્બોર્સ્કાએ બોમ્બ ફૂટ્યા પહેલાની ઘટનાને પોતાની કવિતામાં કેદ કરી છે, તેનાથી લોગાઉટ કરીએ.

લોગઆઉટઃ

કેન્ટિનમાં બરોબર એકને વીસ મીનિટે બૉમ્બ ફૂટશે
હજી બારને સોળ મીનિટ થઈ છે
અમુક લોકો પાસે અંદર જવાનો સમય છે,
અમુક પાસે બહાર આવવાનો.

આતંકવાદી પહેલા જ બહાર નીકળીને સલામત સ્થળે ગોઠવાઈ ગયો છે,
આ અંતર તેને ભયથી બચાવે છે
અને તક આપે છે આખું દૃશ્ય બેરહેમીથી જોવાની!

પીળું જેકેટ પહેરેલી સ્ત્રી અંદર જઈ રહી છે
કાળા ચશ્માવાળો માણસ બહાર આવી રહ્યો છે
જિન્સવાળા છોકરાઓ વાતોમાં મશગુલ છે
સમય 1:13 મીનિટ.

નાનો છોકરો ભાગ્યશાળી તે સ્કૂટરમાં બહાર બેઠો,
મોટો હડબડાટી કરતો અંદર ગયો

હવે દસ સેકન્ડ બચી છે
હવે માત્ર પાંચ
એક સ્ત્રી પસાર થઈ,
તેના હાથમાં છે લીલા રંગની બેગ
અફસોસ કે અંદર જઈ રહી છે

અને બૉમ્બ….

- વિસ્લાવા શિમ્બોર્સ્કા

મા વિશે તો ખૂબ લખાયું કેમ ન પપ્પા વિશે?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કવિઓને ને લેખકોને સમજાવો કોઈ રીતે,
મા વિશે તો ખૂબ લખાયું કેમ ન પપ્પા વિશે ?

બાપ બન્યો એ ત્યારે એની આંખોમાં ઝાંકેલું?
સપનાઓનું એક પતંગિયું એમાં પણ નાચેલું.

એની કદર પણ થવી જ જોઈએ સર્જનહાર તરીકે,
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?

ઘણા દિવસ તો એ પણ એક જ પડખે સૂઈ રહેલો,
ઘણા દિવસ તો પત્નીથી પણ અળગો થઈ ગયેલો,

તો પણ બજાર, બેન્ક બધે બસ મુન્નો એની જીભે
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?

- ભરત ભટ્ટ 'પવન'

માને યાદ કરતાની સાથે પાલવનો છાંયડો, ખોળાની હૂંફ, રસોઈનો સ્વાદ, અને અપાર વહાલ આપોઆપ ઊભરી આવે. પણ પિતા… એ હોય છે દ્વારની બહાર ઘસાયેલા પગરખામાં, બંધ પડેલી ઘડિયાળમાં, પુરાણા વાહનની ઘરઘરાટમાં, બારણા પાછળ લટકાવેલ જૂના શર્ટમાં, જે બારણું ઊઘડતાની સાથે ઢંકાઈ જાય. ક્યારેક તે હોય છે ઘરની કોઈ જૂની છત્રીમાં, જેણે વર્ષો સુધી પરિવાર પડતા તાપ, ટાઢ, ચોમાસાં ઝીલ્યા હોય છે, પણ જેવી મોસમ પતે કે માળિયે ચડી જાય.

માનો મર્માળુ સ્નેહ જગતમાં બધે ગવાયો, પણ પિતા એ ચોકથી થોડેક દૂર અંધારી ગલીમાં ખોવાઈ ગયેલા નામ જેવા છે. તેમને સમજવા સરળ નથી. તે ન પોતાનો થાક જણાવે છે, ન તો પસંદગી. તે એક એવા આગિયા જેવા હોય છે, જે અંધારામાં પ્રકાશિત થઈને અજવાળામાં ખોવાઈ જાય છે.

દરેક પિતા પાસે ગજબનું ગાંભીર્ય હોય છે – ભારે, ઠોસ, અને ખૂબ જરૂરી. તેમનું ગાંભીર્ય બાળપણમાં ધમકી જેવું જેવું લાગે, કિશોરાવસ્થામાં સરમુખત્યાર જેવું, યુવાનીમાં પડકાર સમાન, એ સમયે તે લાઇબ્રેરીના જૂનાં પુસ્તક દેખાય, જેને વાંચવાની ઇચ્છા જ ન થાય. પણ પોતે પિતા બનીએ ત્યારે ખબર પડે કે એ જર્જરિત પુસ્તક નહોતા, મહાકાવ્ય હતા, અને આપણે વાંચવામાં મોડું કરી નાખ્યું. આધેડ ઉંમરે પહોંચીએ ત્યારે સમજાય કે એમના કૂવા જેવા ઊંડા ગાંભીર્યના તળિયે તો નર્યો નિતરતો પ્રેમ હતો – અમૃતનો દરિયો.

ગમે તેટલો થાક હોય, છતાં બાળકનું મુખ જોતાની સાથે પિતાનો ચહેરો ખીલી ઊઠે. પણ શું એ થાક માત્ર કામનો હોય છે? ના, આ થાક હોય છે જવાબદારીઓનો, પોતાનાં અધૂરાં સપનાંઓનો, અને એવા સંઘર્ષનો જે માત્ર ને માત્ર પોતે જોઈ શકે છે.

બાળક માંદું હોય તો મા રાતભર જાગે, પણ પિતા સૂઈ ગયાનો ઢોંગ કરીને બાજુમાં પડ્યા રહે. બાળકના ખાંસવાનો અવાજ આવે તો આપોઆપ તેમનું શરીર પથારીમાંથી ઊભું થઈ જાય. જ્યારે મા એમ કહે, તમે સૂઈ જાવ, સવારે કામે જવાનું છે, ત્યારે તે એટલું જ કહે, હું તો સૂઈ ગયો’તો, અવાજ આવ્યો તો ઊંઘ ઊડી ગઈ. પણ હકીકતમાં એમની આંખોએ ઊંઘને ચાખી પણ નથી હોતી. છતાં સવારે ઊઠીને ચુપચાપ કામે ચાલી જાય છે. તે જાગે છે, જેથી પરિવાર નિરાંતે ઊંઘી શકે.

બાળક પડી જાય તો માનો જીવ ઊંચો થઈ જાય, દોડીને બાથોડી લે. પણ પિતા દૂર ઊભા રહીને તેને પડતું જોઈ રહે, એ રાહ જુએ કે તેના જાતે ઊભા થઈ જવાની, આ નિર્દયતા નથી, આ એવો પ્રેમ છે, જે આત્મનિર્ભરતા તરફ દોરી જાય છે. પિતાની આંખો ઘણું કહેવા માગે છે, પણ કંઈ બોલતી નથી, એ રડે છે, પણ એકાંતમાં. એ દરેક આંસુ પોતાના સુધી સીમિત રાખે છે. એ જાણે છે કે દરિયો તૂટે પૃથ્વી રસાતાળ જાય. એનો પરિવાર એ જ એની પૃથ્વી છે.

સમય જતા આપણે માની વધારે નજીક આવીએ, અને પિતાથી વધારે દૂર. કેમકે મા નદી જેવી છે, તેમાં ઓગળી જવાની ઇચ્છા થાય, જ્યારે પિતા ખરબચડા પર્વત જેવા. કોઈ પહાડને બાથ ક્યાંથી ભરી શકે? માત્ર તેની છાંયામાં ઊભા રહી શકે.

બાળકની આંખમાં આખું આકાશ તરવરતું હોય, પણ તે આકાશ આવ્યું હોય છે પિતાના ખિસ્સામાંથી. પિતાનો પ્રેમ પ્રદર્શન નથી કરતો, એ ચૂપચાપ તમારી સ્કૂલના ફોર્મ ભરી દે, ખબર ન હોય તેમ કોચિંગ ક્લાસની ફી જમા કરી દે, તમે જ્યારે નવા જાકીટમાં શોભતા હોવ, ત્યારે શિયાળામાં જૂના સ્વેટરમાં થિજીને પડ્યો હોય છે પિતાનો પ્રેમ. તેમના વિચારો તમને જૂના એટલા માટે લાગતા હોય, કેમકે પોતાની તમામ નાવિનતા તેમણે તમને આપી હોય છે.

પિતાના ગયા પછી તેમનો વારસો મિલકતમાં શોધવાને, મહેનતમાં શોધતા બાળકોને ફાધર્સ ડે ઉજવવાની જરૂર નથી હોતી. કેમકે તેઓ જાણે છે, પિતા એક એવું ઝાડ છે, જેના છાંયડા નીચે બેસીને આપણે મોટા થઈએ. તેનાં ફળ-ફૂલથી રાજી થઈએ, પણ તેનાં મૂળ જમીનમાં ક્યાં, કેટલાં ધરબાયેલાં છે, તે આપણે ક્યારેય નથી જાણી શકતા. વૃક્ષ પડી ભાંગે ત્યારે પણ નહીં.

લોગઆઉટઃ

દીકરી આવી ત્યારે પણ રાખી'તી ભવ્ય ઊજાણી
સાસરિયે ગઈ, તો પપ્પાની આંખો બહુ ભીંજાણી
આખું ઘર સચવાઈ રહે છે પપ્પાની છત નીચે,
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે ?

- ભરત ભટ્ટ ' પવન '

વાત કપડાંની નથી, રંગની છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

વાત કપડાંની નથી, રંગની છે
હું ઘણીવાર કપડાં ધોઉં છું
અમુક કપડામાંથી રંગ નીકળે છે
આપણે કહીએ છીએ કે
રંગ કાચો છે.

પણ એ રંગ સાથે રહેલા બીજા કપડામાં લાગી જાય છે
એવો કે પછી નીકળે જ નહીં
જાણે કે રંગને હવે એ મળ્યું,
જેના પર એને લાગવું હતું.

રંગ કાચા નથી હોતા
આપણને જે કાચા લાગે છે
એમને સાચું પાત્ર નથી મળ્યું હોતું
કે જેના પર સરખું લાગી શકાય

વ્હેલા મોડા આપણને પણ પોતાનો રંગ મળશે
ને જ્યારે એ મળશે ત્યારે એ છૂટશે નહિ

– ચંદન યાદવ (ભાવાનુવાદ : યાજ્ઞિક વઘાસિયા)

ચંદન યાદવે બહુ સરળ શબ્દોમાં ગહન વાત કરી આપી છે. ઘણી વાર બધાં કપડાં એક સાથે ધોવા નાખીએ ત્યારે પલળેલાં કપડામાં પરસ્પર રંગ લાગી જતો હોય છે. અને આપણે કહ્યા કરીએ છીએ કે આ કપડાનો રંગ ખરાબ છે, એના લીધે બીજાં કપડાં બગડ્યાં, એનો રંગ અન્ય વસ્ત્રો પર લાગ્યો. આ ઘટના મોટાભાગના માણસોના જીવનમાં બની હશે. પણ કવિ અહીં માત્ર કપડાના રંગની વાત નથી કરતા. એ તો કપડાને પ્રતીક બનાવીને મનુષ્યના આંતરમનની વાત કરે છે.

કાચો રંગ અન્ય કપડામાં લાગી જાય છે, વળી લાગે તો એવો લાગે કે નીકળે જ નહીં, જેને પાકો સમજતા હોઈએ એને પણ ઢાંકી દે એટલો ઘટ્ટ રીતે ઊપસી આવે. ત્યારે પ્રશ્ન થાય કે જે કપડાં પર એ હતો ત્યાં તો ટક્યો નહીં હવે નવાં વસ્ત્ર પરથી જતો કેમ નથી? કદાચ એ રંગ આ કપડને લાગવા ઇચ્છતું હતું, પણ રંગારાએ તેને અન્ય કપડાં પર રંગી દીધું. દરેક રંગને પોતાની પસંદગીનું કપડુંં હોય છે, દરેક કપડાને ગમતીલો રંંગ. એ મળી જાય તો ઉમંગ.

માણસોનું પણ આવું જ હોય છે. ઘણી વાર વિરોધાભાષી પાત્રો મળી જાય છે, જોડાય છે. કવિએ અહીં કપડાં અને રંગની વાત કરી છે તેમ જ. બંને એકબીજામાં એકરૂપ થવા પ્રયત્ન કરે છે, પણ અંદરથી રંગ નથી ચડતો. મથામણ વધતી જાય છે તેમ રંગ ઝાંખો થતો જાય છે. કપડુંં પોતાનો રંગ શોધે છે અને રંગ પોતાનું ઇચ્છિત કપડું. પછી જ્યારે સમયના પ્રવાહમાં બંને પરિસ્થિતિ નામના વોશિંગ મશીનમાં પડે ત્યારે એકમેકના રંગ છૂટા પડી જાય છે અને જ્યાં લાગવા ઇચ્છતા હતા તે તરફ ગતિ કરવા લાગે છે. વૃક્ષો પોતાના પરથી પસાર થતાં વાદળોને ખેંચીને વરસાદ લાવી દે, એવી રીતે આ રંગોનું આકર્ષણ પોતાનું કપડું પામીને તેમાં ભળી જવા પ્રયત્ન કરે છે.

અમુક રંગો એવા ચુપચાપ આવીને હૃદયમાં ઊતરી જાય છે કે ગમે તેવા કાળના થપેડા વાગે, ઘસારા આવે, પણ તે ઉખડતા જ નથી. તે રક્તમાં ભળી જાય છે, રક્ત બનીને વહેતા રહે છે.

આ માત્ર બે પુરુષ-સ્ત્રીના બે પાત્રો પૂરતું સીમિત નથી. એ રંગના છાંટણા પ્રત્યેક સંબંધમાં થતા રહે છે. દરેક લાગણીનો રંગ પોતાના ગમતા સંબંધનું વસ્ત્ર ઇચ્છે છે, જ્યાં તે પોતાના અસ્તિત્વને ઓગાળી શકે. દરેક વ્યક્તિત્વ આવા રંગની શોધમાં હોય છે. હૃદયમાં ઊંડાણમાં પાંગરતી ઇચ્છાઓ રંગ જેવી હોય છે, તે અન્ય રંગની શોધમાં હોય છે. ભૂલમાં ક્યાંક લાગી જાય તો તે સંજોગોના ઘસારા સાથે ઊખડી જાય છે અને પોતાને અનુરૂપ અન્ય વસ્ત્ર શોધવાનો પ્રયત્ન કરે છે. પણ જ્યારે યોગ્ય વસ્ત્ર મળી જાય ત્યારે આયખું ખપાવી દે છે એને ઉજાગર કરવામાં. દરેક રંગની આ જ તો નિયતિ છે - અને દરેક વસ્ત્રની પણ.

લોગઆઉટઃ

ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ કહે છે, મજાનો રંગ લાગ્યો છે.

ભલે ના ના કહો, એના વિના ન્હોયે ચમક આવી,
તમે મારું કહ્યું, માનો ન માનો રંગ લાગ્યો છે.

મલકતું મોં અને ચમકી જતી આંખો કહી દે છે,
ભલે છૂપી એ રાખો વાત, છાનો રંગ લાગ્યો છે.

નથી લાલાશ આંખોમાં હૃદય કેરી બળતરાથી,
પડ્યા ચરણોમાં એના કે હિનાનો રંગ લાગ્યો છે.

અહીં ને ત્યાં, બધે એક જ સમંદર રંગનો રેલે,
કહેશે કોણ, કોને કેની પાનો રંગ લાગ્યો છે?

થયો રંગીન વાતો લાવતો ગઝલોમાં તું ‘ગાફિલ’ !
તને આ અંજુમન કેરી હવાનો રંગ લાગ્યો છે.

– મનુભાઈ ત્રિવેદી

બૉમ્બ જેટલો દેખાય એટલો નાનો નથી હોતો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો
અને એની અસરકારક પહોંચનો વ્યાસ લગભગ સાત મીટર હતો,
જેમાં છે ચાર મૃતક અને અગિયાર ઘાયલ.
અને એની ફરતે, દર્દ અને કાળના
વધુ મોટા વર્તુળમાં, પથરાયેલ છે બે હૉસ્પિટલ
અને એક કબ્રસ્તાન. પણ યુવાન સ્ત્રી
જેને દફનાવાઈ, જ્યાંથી એ આવી હતી એ શહેરમાં
જે સો કિલોમીટરથીય વધુ અંતરે છે,
વર્તુળને નોંધપાત્ર રીતે વિસ્તારે છે;
અને દરિયાપારના એક દેશના દૂરના કિનારાઓ પર
એના મોત પર શોક કરનાર એકાકી પુરુષ
આખી દુનિયાને વર્તુળમાં સમાવી લે છે.
અને અનાથોના હીબકાંઓનો તો હું ઉલ્લેખ પણ નહીં કરું
જે પહોંચે છે ઈશ્વરના સિંહાસન સુધી અને
એથીય આગળ, એક વર્તુળ
બનાવતાં જેનો નથી કોઈ અંત અને નથી ઈશ્વર.

– યહુદા અમિચાઈ (અનુ. વિવેક મનહર ટેલર)

બ્રિટનની કવયિત્રી Carol Ann Duffyએ લખેલું, “યુદ્ધ ત્યારે ખતમ નથી થતું, જ્યારે બંદૂકો ચુપ થઈ જાય, એ ટકે છે એવાં આક્રંદિત હાલરડાંઓમાં જે ક્યારેય ગવાયાં જ નથી હોતાં.” દેખાવે સાવ નાનો લાગતો બૉમ્બ નાનો નથી હોતો. તેની અસર ક્યાં ક્યાં પહોંચે છે તેની વાત યહુદા અમિચાઈએ ખૂબ ઊંડાણથી કરી છે, છે અંતરથી ધ્રૂજાવી દે તેવી છે. યહુદા અમિચાઈ ઇઝરાયેલના અગ્રણી આધુનિક કવિ હતા, જેમણે હિબ્રૂ ભાષાને વિશ્વકવિ સ્તરે પહોંચાડી. તેમણે યુદ્ધ, શોક, પ્રેમ અને માનવતા વિશે ગહન અને સરળ શૈલીમાં લખ્યું.

કવિ કહે છે, બોમ્બનો વ્યાસ માત્ર ત્રીસ સેન્ટિમીટર હતો. અર્થાત્ સાવ નાનો, પણ આ તો થયું એનું ભૌતિક માપ. એ ફૂટ્યો ત્યારે તેના ધડાકાએ સાત મીટર સુધીનું બધું ભસ્મીભૂત કરી નાખેલું. તેના લીધે ચાર માણસો મૃત્યુ પામ્યા અને અગિયાર ઘાયલ થયા. ઘાયલો હૉસ્પિટલમાં ગયા અને મૃતકો સ્મશાનમાં. હૉસ્પિટલ સારવારનુંં પ્રતીક અને સ્મશાન મૃત્યુનુંં! બૉમ્બે બંનેને ઘેરી લીધા. તેણે જિંદગી, સારવાર અને મૃત્યુની વચ્ચેની રેખાઓ ધૂંધળી બનાવી દીધી.

મૃતકોમાં એક સ્ત્રી સો કિલોમીટર કરતા પણ વધારે દૂરના કોઈ શહેરથી અહીં આવી હતી. બૉમ્બનો વ્યાપ સો કીલોમીટર કરતાં પણ વધારે વિસ્તર્યો. એ સ્ત્રી કોઈનું અડધું અંગ હતી. પોતાના અડધા અંગને ગુમાવનાર પુરુષ દરિયા પારના કોઈ દેશમાં વિલાપ કરે છે. બોમ્બનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યો! તેણે આખા વિશ્વને પોતાના વર્તુળમાં સમાવી લીધું.

અને એથીય આગળ, તેનો વ્યાપ વિશ્વ પૂરતો સીમિત નથી રહેતો, કવિ કહે છે કે તે બૉમ્બના વિસ્ફોટથી જે બાળકો અનાથ થયાં છે, મારી કલમ તેમની વ્યથાના વ્યાપને દર્શાવવા માટે અસમર્થ છે. તેનો વ્યાપ તો ઈશ્વરની ગાદીથીયે આગળ જાય છે.

ટી.એસ. એલિયટે લખેલું, ‘દુનિયા બૉમ્બના મહાધડાકાથી નહીં, પણ ડૂસકાંથી ખતમ થાય છે.’ નરી આંખે ત્રીસ સેન્ટિમીટરનો દેખાતો બૉમ્બ ત્રીસ સેન્ટિમીટરનો નથી હોતો, તેનું ભૌતિક માપ એ ખરું માપ નથી. તેનું સાચું માપ તો માનવજીવનની મહાવ્યથાઓથી જ આંકવું પડે, જેની અસર માત્ર એક ઘટના પૂરતી સીમિત ન રહેતા મહિનાઓ, દાયકાઓ અને યુગો સુધી વિસ્તરે છે. જાપાનમાં થયેલા અણુબૉમ્બની યાતના આજે પણ પડઘાય છે. જે બતાવે છે કે બોમ્બનુંં માપ માત્ર સેન્ટિમીટર, મીટર, ઈંચ કે ફૂટ પૂરતુંં નથી રહેતુંં, એક સ્થળ કે પ્રદેશ પૂરતુંં પણ નથી રહેતું, તે કાળની મામપટ્ટીથી અંકાય છે. જેના પડઘા માનવતાની સંવેદનભરી ગલીઓમાં યુગો સુધી પડઘાય છે.

પોલેન્ડની નોબેલ પુરસ્કાર વિજેતા કવયિત્રી વિસ્લાવા શિમ્બોર્સ્કાએ બોમ્બ ફૂટ્યા પહેલાની ઘટનાને પોતાની કવિતામાં કેદ કરી છે, તેનાથી લોગાઉટ કરીએ.

લોગઆઉટઃ

કેન્ટિનમાં બરોબર એકને વીસ મીનિટે બૉમ્બ ફૂટશે
હજી બારને સોળ મીનિટ થઈ છે
અમુક લોકો પાસે અંદર જવાનો સમય છે,
અમુક પાસે બહાર આવવાનો.

આતંકવાદી પહેલા જ બહાર નીકળીને સલામત સ્થળે ગોઠવાઈ ગયો છે,
આ અંતર તેને ભયથી બચાવે છે
અને તક આપે છે આખું દૃશ્ય બેરહેમીથી જોવાની!

પીળું જેકેટ પહેરેલી સ્ત્રી અંદર જઈ રહી છે
કાળા ચશ્માવાળો માણસ બહાર આવી રહ્યો છે
જિન્સવાળા છોકરાઓ વાતોમાં મશગુલ છે
સમય 1:13 મીનિટ.

નાનો છોકરો ભાગ્યશાળી તે સ્કૂટરમાં બહાર બેઠો,
મોટો હડબડાટી કરતો અંદર ગયો
હવે દસ સેકન્ડ બચી છે
હવે માત્ર પાંચ
એક સ્ત્રી પસાર થઈ,
તેના હાથમાં છે લીલા રંગની બેગ
અફસોસ કે અંદર જઈ રહી છે

અને બૉમ્બ….

- વિસ્લાવા શિમ્બોર્સ્કા

આવો તો સંવાદ રચીશું સપનામાં

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

આવો તો સંવાદ રચીશું સપનામાં
ઊંઘ અમે રાખી છે નહિતર અથવામાં.

ધીમે ધીમે એની આદત થઈ ગઈ છે
વર્ષોથી છું ખાલીપાના કબજામાં.

લોકો વચ્ચે જલદી વહેતાં કરવા’તા,
તેથી સત્યો ફરતાં કીધાં અફવામાં.

કૂંપળ ફૂટું ફૂટું થાતી જોઈને
પીળા પાને વાર ન કીધી ખરવામાં

સહેલો ક્યાં છે સતરંગી દુનિયાનો ત્યાગ ?
કંઈક તો આકર્ષણ હોવાનું ભગવામાં.

એની સામે કાયમ સાચુ રહેવું છે
દુનિયા સામે છો ને દંભી પડદામાં.

તેથી અમને લગની લાગી ગઝલોની
આપ રહ્યા છો હરદમ એના મત્લામાં

– શબનમ ખોજા

ગુજરાતી ગઝલ સાથે સંવાદ કરતી કવયિત્રી શબનમ ખોજા ‘તસ્બીહના બે પારા વચ્ચે’ પોતાનું તેજ મૂકે છે. એ શબ્દનું તેજ ભાવકને પણ પ્રકાશિત કરે છે. સરળ બાનીમાં સહજ કાવ્ય રચતી તેમની કલમ વર્તમાન ગુજરાતી કવયિત્રોમાં પોતાની આગવી છાપ ઉપસાવે છે.

આપણે હંમેશાં શબ્દોની સડક પર ચાલીને સંવાદ રચવા ટેવાયેલા છીએ. પણ નજરથી બંધાતા પુલ ક્યારેક શબ્દમાંથી નીકળતા અર્થને ઓળંગી જાય છે. વાણીના વહેણ કરતા કરતા મૌનનું કહેણ વધારે ધારદાર હોય છે. કવિને અહીં સંવાદ તો રચવો છે, પણ સપનામાં. જો પ્રિયતમ આવે તો સ્વપ્નમાં સંવાદની સાખે બેસીશું, વાતો કરીશું, પણ જો ન આવે તો આરામથી ઊંઘી જઈશું. તમે આવશો એવી પ્રતીક્ષાનું પોટલુંં ઊંચકીને શું કામ ઊભા રહીએ? અમે તો એ જ પોટલાને ઓશીકું બનાવી નીરાંતે પોઢીશું. પણ હા, જો તમે આવશો તો જાગીને સંવાદની રંગોળી પૂરીશું એમાં ના નહીં.

ગાલિબે કહેલું, दर्द का हद से गुज़रना है दवा हो जाना. વ્યથા વધી જાય ત્યારે એ પોતે જ ઇલાજનું સ્વરૂપ લઈ લે છે, જેમ પાણીનું એક ટીપું સમંદરમાં ભળીને સમંદરનું રૂપ લઈ લે છે! અહીં કવિના જીવનમાં વ્યથા દરિયાની જેમ મોટી થઈ ગઈ છે એમ નથી, પણ ખાલીપાની બેડીઓ એટલા વર્ષોથી જડાઈ છે કે હવે તે એક ટેવમાં પરિણમી ગઈ છે - આદત બની ગઈ છે. જેમ હાથીના નાના બચ્ચાને જન્મથી એક નાના દોરડાથી બાંધી દેવામાં આવે, તે ગમે તેટલું છૂટવા પ્રયત્ન કરે, તો પણ છૂટી નથી શકતું, પછી જ્યારે તે મોટા હાથીનું સ્વરૂપ ધારણ કરે - દોરડાને એક ઝાટકે તોડી નાખવાની ક્ષમતા પામી લે, છતાં દોરડુંં તોડતો નથી કેમ કે એ દોરડું એની આદત બની ગયું છે. કવિ ખાલીપાના દોરડે વર્ષોથી બંધાઈ ગયેલા છે, અને હવે એ ખાલીપો આદત બની ગયો છે.

માર્ક ટ્વેને કહેલું, “જ્યાં સુધીમાં સત્ય પોતાનાં પગરખાં પહેરી રહે, ત્યાં સુધીમાં તો જૂઠ આખી દુનિયામાં ફરી વળ્યુંં હોય છે.” હિટલરના મંત્રી ગોબેલ્સે પણ કહેલું કે, એક જુઠ્ઠાણું સોવાર બોલવામાં આવે તો તે સાચું થઈ જાય છે.

લોકો વારંવાર જે સાંભળે છે તે સત્ય માની લે છે. ભાગ્યે જ કોઈ હકીકતની પુષ્ટિ કરે છે. બધા એમ જ માને છે કે આટલા બધા લોકો તો ખોટું ના જ બોલતા હોયને? ઈસપની એક કથા સરસ કથા છે, તેમાં નવ્વાણું પૂંછડી વગરના વાંદરા એક પૂંછડીવાળા વાંદરા પર હસતા હતા. અરે આને તો પૂંછડી છે, કેવો વિચિત્ર વાંદરો છે આ! પણ પૂંછડી એ વાંદરાનો મુખ્ય આધાર છે - લાંબી છલાંગો મારવા અને કૂદવા માટે, એ પેલા નવ્વાણું વાંદરા ભૂલી જાય છે. એ પોતાના બાંડિયાપણાને જ સત્ય માની લે છે. આપણે પણ બહુમતીને જ ખરી સમજવાની ભૂલ કરી બેસીએ છીએ. સત્ય એકલું હોય કે ટોળામાં સત્ય સત્ય જ રહે છે. પણ સત્યની ચાલ બહુ ધીમી હોય છે, એના માર્ગમાં અનેક શંકાના પથ્થરો પડ્યા હોય છે, એને હટાવટા હટાવતા એણે આગળ વધવું પડે છે, પણ અફવા તો પર્વતોને ઓળંગીને પણ પળમાં પહોંચી જાય છે. આ વાત કવિ સારી રીતે સમજે છે, એટલે તેમણે સત્યનું મોતી જ અફવાના ધાગામાં પરોવી દીધું.

શબનમ ખોજાની ગઝલ અર્થસભર છે, તેના અન્ય શેર ભાવકના આનંદને સમર્પીને લોગાઉટ કરીએ, તેમના જ બે શેરથી-

લોગઆઉટઃ

વાત સુધરી શકે, વાત જો થાય તો,
આટલી વાત બંનેને સમજાય તો!
આપ સીધા જ રસ્તે જતા હો અને
માર્ગ સામે ચડી જાતે ફંટાય તો?

- શબનમ ખોજા

ચિનારના વૃક્ષોનાં લોહિયાળ વૃક્ષો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

चिनार के पेड़
अब
खारे उगेंगे
अब सींचे जा चुके हैं
उन्हें हमारे
आँसुओं से।
वो अब, तब तक रहेंगे
खारे
जब तक उनकी जड़ें
बदली नहीं जाती ।

- અજ્ઞાત હિન્દી કવિ

કાશ્મીરનો એક ભાગ મિની સ્વીત્ઝરલેન્ડ તરીકે ઓળખાય છે, આ ધરા પર કુદરત સોળે કળાએ ખીલી છે. કાશ્મીરમાં હોવાનો અર્થ છે સ્વર્ગમાં હોવું, આ પ્રદેશની સુંદરતા માટે સુફી કવિ હઝરત અમીર ખુશરોએ ગાયું હતું ‘અગર ફિરદૌશ બર-રુ-એ-ઝમીં અસ્ત, હમીં અસ્ત, ઓ હમીં અસ્ત, ઓ હમીં અસ્ત’. અર્થાત્ ધરતી ઉપર જો ક્યાંય સ્વર્ગ છે – તો તેં અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે.’ આપણા ગરવા ગુજરાતી કવિ કલાપીએ પણ કાશ્મીરદર્શન કરીને આ જ પંક્તિઓ ઉચ્ચારેલી.

ચિનારના વૃક્ષોથી છવાયેલા બરફીલા પર્વતોને જોઈને હૃદયમાં પ્રેમ પાંગરે છે, ખળખળ વહેતા નાનાં ઝરણાંઓ જોઈ અંદરનો આનંદ ઉછાળા મારે છે. લીલીછમ નાની ટેકરીઓ આંખોને ઠારે છે. સુંવાળા ઘાસ વચ્ચેથી નીકળતી નાની પગદંડીઓ પગલાને આવકારે છે. તેના મનમોહક દૃૃશ્યોને જોઈને આંખો ઠરે છે. એટલા માટે જ લોકો આ ભૂમિ પાછળ આટલા ઘેલા છે.

આ આંખો ઠારતાં થાનકો હવે આંખો દઝાડી રહ્યાં છે. જ્યાં તાંજાં પુષ્પોની મહેક નાસિકામાં પ્રવેશતાની સાથે પ્રસન્નતા થતી હતી ત્યાં હવે દારૂખાનાની ગંધ આવે છે, પંખીના ટહુકા અને ઝરણાના ખળખળની જગ્યાએ હવે બંદુકની ગોળીઓ અને ઘરમશીનોની ધણધણાટી સંભળાયે છે. જે દૃશ્ય જોઈને આંખો આનંદથી છલકાવી જોઈએ, તે દૃશ્યોથી હવે આંખો ભીંજાઈ રહી છે. જેની રળિયામણી કેડીઓ પર હરખભેર સફર કરવા તલસતા પગ હવે ખીલો થઈને એક જગાએ ખોડાઈ ગયા છે. ચિનારથી શોભતા રળિયામણા લીલા પર્વતો હવે લોહીથી લાલ થઈ ગયા છે.

ઉપરોક્ત હિન્દી કવિતામાં કવિએ ચિનારના વૃક્ષોના માધ્યમથી પોતાની પીડા વ્યક્ત કરી છે. ખારું પાણી વૃક્ષને પીવડાવવામાં આવે ત્યારે તે વિકસી શકતા નથી, અહીં કવિ કહે છે હવે પછી ચિનારના બધાં વૃક્ષો ખારા ઊગશે, કારણ કે તેના મૂળમાં અમારાં આંસુઓ સીંચાયાં છે. એ વૃક્ષોમાં ત્યાં સુધી ખારાશ રહેશે જ્યાં સુધી તેનાં મૂળ બદલી નાખવામાં ન આવે. અને મૂળ બદલાવવા માટે તો વૃક્ષ ઉખાડવુંં પડે! હવે આવાં પોતાનાં મૂળિયાં મજબૂત કરીને બેઠેલા આતંકી ઓછાયાને હટાવવા પડશે.

અમેરિકન લેખક ડેવિડ લેવિથોને લખેલું, એક જ ખાસ વાત એવી છે જે આપણને પ્રાણીઓથી અલગ કરે છે, અને તે એ છે કે આપણે જે લોકોને ક્યારેય મળ્યા પણ નથી હોતા, તેવા લોકોની કરૂણતા સાંભળીને આપણે શોકમાં ડૂબી જઈએ છીએ. કાશ્મીરમાં બનેલી બીનામાં સામેલ લોકોને ઘણા પ્રત્યક્ષ ક્યારેય મળ્યા નહીં હોય, ઓળખતા પણ નહીં હોય છતાં તેમના વિશે સાંભળીને તેમની આંખો ભીની થઈ ગઈ હશે, હૃદય પીડાથી ઊભરાઈ ગયું હશે. આજ તો તેમનામાં રહેલી માનવતાની સાબિતી છે.

પૃથ્વી પરનું સ્વર્ગ હવે નર્કમાં ફેરવાઈ ગયું છે. કોઈ નવોઢા પોતાના પિયુસંગે એ આહલાદક ભૂમિમાં પોતાના નવજીવનને જિંદગીભર યાદ રાખી શકાય તેવાં સમણા સજી રહી હતી, પણ એ શમણા આવી પીડામાં પરિવર્તિત થશે એનો તો સપનેય ક્યાંથી ખ્યાલ હોય? કોઈ સહપરિવાર કુદરતના ખોળે થોડા દિવસો ગમતો આનંદ એકઠો કરવા ગયા હોય ત્યારે અચાનક ધરબાયેલી ગોળીઓ પરિવારને ખેદાનમેદાન કરી નાખશે એવી તો કલ્પના જ ન હોયને. આ એક પ્રવાસે કેટકેટલા લોકોની જિંદગી લોહિયાળ બનાવી નાખી. આતંકવાદની યાદના આજે આખો દેશ ભોગવી રહ્યું છે.

હિન્દી કવિ રાજેન્દ્ર રંજને કહ્યું આવા હિણપતભર્યા આતંકવાદ પર કવિતા શું લખવાની?

લોગઆઉટઃ

तू मनुष्यता के तन-मन पर विषमय डंक
तू मनुष्यता के ज्योतिर्मय पथ का पंक

तू मनुष्यता के शशिमुख का कलुष कलंक
तू मनुष्यता के विरुद्ध अपकर्म अशंक

तू अनक्ष, तू अनय अनंकुश, तू आतंक!
तुझ पर कैसी कविता! तुझ पर थू आतंक!

- राकेश रंजन

ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

એ ટોટલ સોળ હતા.
એક અસહાય છોકરી પર બળાત્કાર કરનારા.
આઠ હિંદુ
છ મુસલમાન
બે ખ્રિસ્તી.

યુરેકા યુરેકા
સાંપ્રદાયિક એકતા !
સાંપ્રદાયિક એકતા !

- મલયાલી કવિ કુરીપુઝા શ્રીકુમાર, અનુવાદઃ ઇલિયાસ શેખ


ગ્રીસના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક આર્કિમિડિઝને તેમના રાજાએ એક મુગટ આપ્યો અને કહ્યું કે આમાં મને અન્ય ધાતુની મિલાવટ કરી હોય તેમ લાગે છે. તપાસ કરો. વળી આ મુગટને તોડ્યા વિના જ તેમાં ધાતુની મિલાવટ છે કે નહીં તે જાણવાનું હતું, કેમ કે મુગટ સાથે રાજાની ધાર્મિક શ્રદ્ધા જોડાયેલી હતી. મુગટને તોડીએ તો તો દેવતાઓ કોપાયમાન થાય. આર્કિડિઝ બહુ દિવસ મથ્યો પણ મુગટને જરા પણ નુકસાન કર્યા વિના કઈ રીતે તપાસવું તે સમજાતું નહોતું. એક દિવસ તે બાથટબમાં નહાતા અને અને અચાનક તેમને ધાતુના મિશ્રણને શોધી કાઢવાનો આઇડિયા મળી ગયો. તે એટલા ઉત્સાહમાં આવી ગયા કે નિર્વસ્ત્ર સ્થિતિમાં જ શહેરની ગલીમાં યુરેકા યુરેકા કરીને દોડવા માંડ્યા. અર્થાત્ મળી ગયું, મળી ગયું…


આ જ યુરેકા શબ્દનો ઉપયોગ કરીને મલ્યાલમ કવિ કુરીપુઝા શ્રીકુમારે ખૂબ ધારદાર કવિતા લખી છે. જાણી કોઈ મોટી શોધ કરી હોય તેવા સંદર્ભમાં તે સમાજ પર, અને આપણી સાંપ્રદાયિક એકતાની દંભી વાતો પર જનોઈવઢ ઘા કરે છે. કવિતાનું શીર્ષક છે - યુરેકા.


મલયાલમ ભાષાના આ મોડર્ન મલ્યાલમ સાહિત્યમાં મોખરાનુંં નામ છે. સમાજમાં પ્રવર્તતા પ્રશ્નોને પોતાની કવિતામાંં તેઓ બખૂબી રજૂ કરે છે. ધર્મ, પરંપરા અને સમાજના નામે ચાલતા દંભો પર તેમણે આકરા ચાબખા માર્યા છે. તેમના શબ્દો તીખા છે, હૃદયમાં ખંજર ઘોંપાયું હોય તેમ વાગે છે. કવિ ઇલિયાસ શેખે તેમની કવિતાનો ખૂબ સરળ રીતે અનુવાદ કર્યો છે.

આપણે ત્યાં અનેકવાર ગેંગરેપના કિસ્સાઓ બને છે. નાની બાળકી પર તૂટી પડેલા નરાધમો, એકલી જોઈને યુવતી પર પાશવી બળાત્કાર, જેવા અનેક સમાચારો વાંચીને આપણે ધ્રૂજી ઊઠતા હોઈએ છીએ. આવી ઘટનામાં ન્યાય અન્યાયને બાજુમાં મૂકીને ઘણા લોકો ધર્મના ઉંબાડિયાં કરવા માંડે છે. રાજકીય રંગ પણ અપાય છે. કવિએ કવિતામાં એક બળાત્કારના કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. એક અસહાય છોકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. તેમાં કોણ કોણ હતું તેમણે જણાવ્યું છે. સામુહિક બળાત્કારના આ કિક્સામાં ટોટલ સોળ વ્યક્તિઓએ જવાબદાર હતા. એ સોળ વ્યક્તિઓમાં આઠ હતા હિન્દુ, છ મુસલમાન અને બે ખ્રિસ્તી. આટલું કહીને પછી તરત કહે છે યુરેકા યુરેકા… અર્થાત્ તેમને સાચું કારણ મળી ગયું છે - તેનું કારણ છે સાંપ્રદાયિક એકતા!

કેવી સાંપ્રદાયિક એકતા! આપણી કહેવાતી સાંપ્રદાયિક દંભી એકતા પર આકરો ચાબુક ફટકાર્યા પછી કશું કહેવાનું રહેતું નથી. બળાત્કારીઓનો ધર્મ હોતો નથી. પણ આપણે જ્યારે ન્યાય અન્યાયની વાતો કરવા બેસીએ છીએ ત્યારે ધર્મની ધજા લઈને છાપરે ચડીએ છીએ. ધર્મ, જાતિ, જ્ઞાતિ, જેવા વાડામાં રહીને આપણે જોવા લાગીએ છીએ. કુરીપૂજાએ અહીં બળાત્કારીઓને તો આડેહાથે લીધા જ છે, પણ ધાર્મિક એકતાની ફિક્કી વાતો કરતા લોકો પર કટાક્ષ કર્યો છે.

માટીમાં ભળી ગયેલો માણસ નથી હિન્દુ હોતો નથી મુસલમાન. અમૃત ઘાયલનો સરસ શેર છે-
ન હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયુંં તો ઇન્સાન નીકળ્યા.

આપણે એ વાત ભૂલી ગયા છીએ કે ધર્મ આપણી માટે છે, આપણે ધર્મ માટે નથી. કુરીપુઝા શ્રીકુમારની ‘કુહાડી’ શીર્ષકથી લખાયેલી અન્ય કવિતા પણ એટલી જ ધારદાર છે.

લોગઆઉટઃ

હિંદુની કુહાડીએ
મુસલમાનની કુહાડીને કહ્યું:
'આજે જે લોહી આપણે ચાખ્યું,
એનો સ્વાદ એક સરખો હતો.!'

- કુરીપુજ્જા શ્રીકુમાર, અનુ. ઇલિયાસ શેખ

શિવના ત્રીજા નેત્ર જેવો આકરો તડકો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

સૌમ્ય બે શિવનાં નેત્રો સમાં પ્રાતઃ અને નિશા,
મધ્યે મધ્યાહ્નની ત્રીજા હરનેત્રની ઉગ્રતા.

ઘટામાં વૃક્ષની ઘેરી ક્લાન્ત આતપથી ઢળ્યો,
માતરિશ્વા રહ્યો હાંફી ઉષ્ણ શ્વાસે દઝાડતો.

આકાશી આમ્રના વૃક્ષે, પાતળાં જલદાન્વિત,
શોભે મધ્યાહ્નનો સૂર્ય, પાકેલી શાખ સો પીત.

ઉઘાડે અંગ જાણે કો જોગી ફાળ ભરી જતો,
છુટ્ટી ઝાળજટા એની તામ્રવર્ણી ઉડાડતો.

ઢળતી સાંજ ને ઓછી થતી સર્યની ઉગ્રતા,
વળતી સૃષ્ટિની મૂર્છા; રૂંધાયા શ્વાસ છૂટતા.

ઢળેલો દ્રુમછાયામાં ધીમેથી વાયુ જાગતો,
લહેરોમાં શીળી ધીમી ગતિનું ગાન ગુંજતો.

આકરા તાપને અંતે રાત્રિ શી સૌમ્ય ને શીત!
આકરા તપને અંતે જાણે પાર્વતીનું સ્મિત!

– જયંત પાઠક

આપણે ત્યાં ઋતુકાવ્યોનો આગવો મહિમા છે. અત્યારે ઉનાળો પૂરબહાર ખીલ્યો છે ત્યારે જયંત પાઠકની ગ્રિષ્મઋતુની આ કવિતા માણવી સૌને ગમે તેવી છે.

ઉનાળાના આકરા તાપને વર્ણવવા નિરંજન ભગતે લખેલું, “તગતગતો આ તડકો, ચારેકોર જુઓને કેવી ચગદાઈ ગઈ છે સડકો!” બપોરે બહાર નીકળવું એ યુદ્ધે જવા બરોબર છે. ઘણા માણસો બફાયેલા બટેકા જેવા થઈ જતા હો છે. તાપની તોરભરી તુમાખીને સહન કરવી જેવાતેવાનું કામ નથી. સવારે મીઠો લાગતો તડકો બપોર સુધીમાં તો અગ્નિની જ્વાળા જેવો બની જાય છે. મકાઈના દાણા પોપકોર્ન બની જાય એ હદનો તાપ વરસતો હોય છે. તડકામાં સૂકાવા મૂકેલા કાચા પાપડોને શેકવાની જરૂર રહેતી નથી.

રમેશ પારેખે લખેલું, “ઉનાળો ફેલાતો જાય… માતેલો તાપ ઠેઠ જીવ સુધી પહોંચ્યો તે દરિયા પણ સુક્કા દેખાય…” એના તાપમાં તપીને દરયા જેવા દરયા ઠરીને સૂક્કા ભઠ થઈ જતા હોય છે. આ લેખ લખનાર કવિએ લખેલું, “ઉનાળો કાળઝાળ થાય છે, પાંપણથી ગાલ સુધી પહોંચે એ પહેલાં તો આંસુ વરાળ થઈ જાય છે.” આવેલુંં આંસુ ગાલ પર રેલાય એ પહેલાં તો બાષ્પીભવન થઈ જતું હોય છે. દલપતરામે મનહર છંદમાં લખેલું, “ક્રોધમય કાયા ધરી અરે આ આવે છે કોણ, જેના અંગઅંગોમાંથી ઉપજતી ઝાળ છે.”

કાકાસાહેબ કાલેલકરે ઉનાળાને મધ્યાહ્નનું કાવ્ય કહેલું. ઘણાને તે ગરમાળો અને ગુલમહેલરનો પીળચટ્ટો રળિયામણો સંગમ દેખાય છે. ખલિલ જિબ્રાને કહેલું કે ઉનાળો વધારે અજવાળું લઈને આવે છે. એ ગાળામાં દિવસો મોટા થઈ જાય છે. સમય તો એટલો જ રહે છે, પણ સૂરજની અવધિ વધી જતા આપણને દિવસ મોટો લાગે છે, કામ માટે વધારે સમય મળે છે. અર્થાત્ આ સમય વધારે જિદગી જીવવાનો છે.

જયંત પાઠકે ગ્રિષ્મઋતુનું છંદોબદ્ધ આલેખ્યું છે. પ્રભાત અને સંધ્યા શિવનાં બે શાંત નયનો જેવાંં છે. પરોઢ ઊઘડે તો થાય કે જાણે પ્રભુનાં બે નેત્રો ઊઘડ્યાં. સાંજ ઢળતા લાગે ભોળાનાથની આંખ મીંચાઈ. પણ બપોરના સમય તો એવો અહેસાસ થાય જાણે શિવનું ત્રીજું નેત્ર ખૂલી ગયુંં. ચારે બાજુ અગનજ્વાળાઓ… જાણે સમગ્ર ધરતી પર ક્રોધપૂર્વક તેમની નજર ફરી રહી હોય… બધું બાળીને ભસ્મીભૂત કરી દેવાનું હોય તેમ ધરતી સળગતી હોય છે. સૂર્ય તો જાણે આકાશના આંબાની પક્વ ડાળ પર પાકેલુંં પીળું ફળ. બપોરનો સમય કોઈ તામ્રવર્ણી જોગી જટાળો ઉઘાડે ડિલો નીકળ્યો હોય અને તેની ઝાળજટા ચારેબાજુ લહેરાઈ રહી તેવો લાગે છે.

ઢળતી સાંજના સમયે સૂર્યનું રદ્રરૂપ શાંત પડે છે. આખા દિવસના ધધગતા તાપથી મૂર્છિત થઈ ગયેલી વસુંંધરાના શ્વાસ ધબકતા થાય છે. પવન પણ લૂ મટીને શીતળ વાયુનું સ્વરૂપ ધારણ કરે છે. દિવસભરના આકરા તાપને અંતે થયેલી રાત્રી સૌમ્ય અને શીતળ લાગે છે, શિવના ખૂલેલા ત્રીજા નેત્ર જેવો વરવો તાપ વેઠ્યા પછીની રાત્રી પાર્વતીના મધુર સ્મિત જેવી લાગે છે.

જયંત પાઠકે ઉનાળાને કાળ સાથે પણ સરખાવ્યો છે. આ રહી તેમની અન્ય કવિતા.

લોગઆઉટઃ

રે આવ્યો કાળ ઉનાળો
અવની અખાડે, અંગ ઉઘાડે, અવધૂત ઝાળજટાળો.

એના શ્વાસે શ્વાસે સળગે ધરતી કેરી કાયા;
એને પગલે પગલે ઢળતા પ્રલય તણા પડછાયા.
ભરતો ભૈરવ ફાળો. રે આવ્યો કાળ ઉનાળો….

એના સૂકા હોઠ પલકમાં સાત સમુન્દર પીતા
એની આંખો સગળે જાણે સળગે સ્મશાન ચિતા.
સળગે વનતરુડાળો, રે આવ્યો કાળ ઉનાળો…
કોપ વરસતો કાળો રે આવ્યો કાળ ઉનાળો.

- જયંત પાઠક

વરી હું વિઠ્ઠલવરને વરી

લોગઇન:

સતત રહીને પરી, વરી હું વિઠ્ઠલવરને વરી.

હું જાણું કે સામો ચાલી એ તો શીદને આવે,
દૂર રહીને બહુ બહુ તો એ વેણુનાદ બજાવે.
મેં તો મારી સઘળી સુરતા ચરણકમળમાં ધરી,
વરી હું વિઠ્ઠલવરને વરી.

એ પંડે ઘનશ્યામ, ગમે તો ભલે ખાબકી પડે,
હું તો ખાલી વાદલડી તે બેત્રણ છાંટા જડે,
તોય પલળતાં આવી ઊભો, શી અણધારી કરી!
વરી હું વિઠ્ઠલવરને વરી.

– હરિકૃષ્ણ પાઠક

એક ખૂબ જાણીતું પદ છે,
હરિ તારાં નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી,
રોજરોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી?

હરિ નામનો હંસલો સચરાચરમાં ઊડ્યા કરે છે. આતમ એની પાંખનો સ્પર્શ અનુભવે છે. અનેકાદિ નામમાં ઓગળી ગયેલું હરિનામ કોઈ એક નામની ખીંટીએ ટાંગીને ક્યાંથી રાખી શકાય? કોઈ એને શ્યામ કહે, કોઈ કહે ઘનશ્યામ, કોઈ કહે રણછોડ, વળી કોઈ શ્રીજી કહીને સ્મરે, કોઈ કહાન કહી બોલાવે, કોઈ વિઠ્ઠલવર કહી પોકારે કોઈ કૃષ્ણ નામની સંભારે, કોઈના હૈયામાં ઠાકોરના નામનો દરબાર ભરાય. કોઈ દ્વારકાધીશ કહીને નમન કરે, તો કોઈ ગોવાળિયો કહીને એની દોસ્તી પણ કરે. કોઈનું હૈયું મોરપીચ્છ બને તો કોઈનો સ્વર વાંસળી. હરિ તો અનેક નામમાં વિલિન થઈ ગયેલું તત્ત્વ છે. એ તત્ત્વને વિઠ્ઠલ નામે આત્મસાત કરીને કવિ હરિકૃષ્ણ પાઠકે સુંંદર પ્રેમસમર્પણભાવનું ભક્તિમય કાવ્ય લખ્યું છે. અને કવિના નામનો સંયોગ પણ અદભુત છે, કવિના નામમાં જ હરિ અને કૃષ્ણ બંને સમાઈ જાય છે.

ગોપીભાવે કૃષ્ણને ભજવાની આ ભાવમય ભક્તિપરંપરા તો આપણે ત્યાં વર્ષોથી છે. મીરાંબાઈએ લખેલું,
મોરમુગટ ને કાને રે કુંડલ, મુખ પર મોરલી ધરી
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ, વિઠ્ઠલ વરને વરી

નરસિંહે પણ ગોપીભાવે અનેક પદોની રચના કરી. આ પ્રણયરાગ અનેક કવિઓએ પોતાનાં પદોમાં ભાવપૂર્વક ઝીલ્યો છે. રમેશ પારેખે પણ મીરાંમય થઈને અનેક કાવ્યોની રચના કરી, તો માધવ રામાનુજે પણ ગોકુળમાં કોક વાર આવો તો કહાન હવે રાધાને મુખ ના બતાવશો’ દ્વારા રાધાભાવે કવિતામાં કૃષ્ણપ્રેમ વ્યક્ત કર્યો. કૃષ્ણનું દરેક સ્વરૂપ જ એટલું રળિયામણું છે કે તેમના વિશે લખતા કવિ સહજભાવે ગોપી બની જાય છે.

હરિકૃષ્ણ પાઠકે ઉપરોક્ત કવિતામાં પ્રેમભક્તિ અને આત્મસમર્પણનો ઊંડો ભાવ વ્યક્ત કર્યો છે. અહીં પ્રભુને પામવાની ઘેલછા નથી, પ્રભુ તો પામી લીધા છે, કાવ્યનાયિકા વિઠ્ઠલવરને વરી ચૂક્યાં છે. હવે તો વિઠ્ઠલને વર્યા પછીના ઊર્મિનો આનંદ છે. રિસામણા મનામણા છે. પ્રણય અને સમર્પણ છે. કાવ્યનાયિકા જાણે છે કે પ્રભુ સામે ચાલીને મારી પાસે નહીં આવે, મારે જ તેમણે બજાવેલો વેણુનાદ સાંભળીને તેમની પાસે જવું પડશે. કેમ કે મેં જ તો એમના ચરણકમળમાં મને સમર્પિિત કરી છે. બંસરીને સૂર કાને પ઼ડતાની સાથે જ હરિના સાંનિધ્યની અનુભૂતિ થઈ જાય છે.

પ્રભુ તો પ્રણયનું ગોરંભાતું આકાશ છે, ગમે ત્યારે ખાબકી પડે. ભલે એ અનરાધાર વરસે મને પરવા નથી. હું તો ભીંજાવા જ બેઠી છું. હરિનામનાં વાદળો મારી પર વરસી પડે, મને તેમના ભક્તિના ઝરણામાં વહાવીને લઈ જાય. વાંધો નથી. પણ હું તો માત્ર એક નાનકડી વાદળી છું. પ્રભુ અનરાધાર વરસે તોય હું ઝીલી ઝીલીને કેટલું ઝીલુંં, એકબે છાટાં તો બહુ… છતાં હું એ ઘનશ્યામ નામના આભને પામવા આવી ચડી છું.

કવિએ અહીં ગોપીભાવે પ્રણયપૂર્વક ભક્તિરંગ બરોબર ઘૂંંટ્યો છે. હરિકૃષ્ણ પાઠકની આ રચના હૈયાને સ્પર્શી જાય તેવી છે. તેમણે માત્ર ગીતો જ નહીં, ગઝલ, અછાંદસ, છાંદસ જેવાં વિવિધ કાવ્યસ્વરૂપોમાં સુપેરે પ્રદાન કર્યું છે. એટલું જ નહીંં, તેમણે વાર્તા, નિબંધો, વિવેચન જેવાં ગદ્યસ્વરૂપમાં પણ સારું એવું ખેડાણ કર્યું છે. આપણે થોડા દિવસ પહેલા જ આ ગૌરવવંતા સર્જકને ગુમાવ્યા. કલમની શક્તિના જોરે તેઓ લાંબા સમય સુધી ગુજરાતી ભાષામાં જીવંંત રહેશે. તેમના જ એક અન્ય ગીતથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

ઝીલો જળની ધારા;
આજ છલ્યો દરિયો આકાશી તોડી સઘળા આરા,

જળની રેલમછેલ મચી છે, જળની ઝીંકાઝીંક;
જળનો સાંઢ ચડ્યો તોફાને જોજો, લાગે ઢીંક!
પડ્યો નગારે ઘાવ, કાળના દ્હાડા ગયા અકારા;
ઝીલો જળની ધારા.

પડી તિરાડો પળમાં દેતા જળના રેલા સાંઘી,
સચરાચર કોળ્યું, જે બેઠું જીવ પડીકે બાંધી!
જળહળતું નભ જળથી, નીચે જળના ભર્યા ઝગારા!
ઝીલો જળની ધારા.

– હરિકૃષ્ણ પાઠક

શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી

લોગઇન:

ચણોઠીઓના ઢગલે દાઝ્યા કંઈક કવિના કિત્તાજી,
શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી.

– અનિલ જોશી

શબ્દના સર્જનહારે અનેકવાર અગ્નિપરીક્ષા આપવી પડતી હોય છે તે વાત બે જ પંક્તિમાં કેટલી સચોટ રીતે દર્શાવી આપી છે કવિએ.

ગુજરાતી ગીતોમાં નવોન્મેશ લાવનાર બે મહત્ત્વના કવિઓ તે અનિલ જોશી અને રમેશ પારેખ. બંનેમાં ફાટફાટ મૌલિકતા, અભિવ્યક્તિનું નાવિન્ય અને કલ્પનાની સચોટ રજૂઆત કરવાની ઊંડી આવડત. રમેશ પારેખનું સર્જનવિશ્વસ ખૂબ બહોળું - વિશાળ પટમાં પથરાયેલું, જ્યારે અનિલ જોશીનું સર્જન ઓછું, પણ ખૂબ મજબૂત. તેમણે કેટકેટલાં નવકલ્પનોના રસથાળ આપણને ધર્યા. એમાંય ગીતમાં તેમની સવિશેષ હથોટી. તે એમ લખે, ‘મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું’ તુલસીના પાંદડાને આપણે ત્યાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે, તેને બિયરમાં નાખવાનું સાહસ કોણ કરે? એમાં તો ઘણા પરંપરાગત મૂલ્યો ધ્વસ્ત થાય. વળી એ એમ પણ લખે કે ‘મેં તો આબરૂના કાંકરાથી પાણીને કૂંડાળું દીધું’ આપણે ત્યાં નાલેશી વહોરવાની થાય ત્યારે લોકો કહે છે કે આબરૂના કાંકરા થઈ ગયા. બાળકોને પાણીમાં પથ્થર નાખીને કુંડાળાં કરવાની રમતમાં મજા પડે છે. આ કવિ પણ પોતાની મહામૂલી આબરૂના કાંકરા થઈ ગયા, તો એ કાંકરા પાણીમાં ફેંકીને તેમાંથી કુંડાળા કરે છે.

અનિલ જોશીની કવિતામાં મૌલિકતા નિરંતર મહોરતી રહે છે. તેમણે દીકરી-વિદાય વિશે લખેલું કાવ્ય ગુજરાતી ભાષાના ઘરેણા જેવું છે.
‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.’

ક્યાંય વરરાજાનો ઉલ્લેખ નથી, પણ પંક્તિ વાંચતાની સાથે આંખ સામે એક દૃશ્ય ખડું થઈ જાય કે સાંજની વેળા છે, જાન ઊઘલી રહી છે, ઢોલ વાગી રહ્યો છે, તમે કવિનો કમાલ જુઓ, ‘ઢોલ ઢબૂકતો’ શબ્દને વારંવાર બોલશો તો ખરેખર ઢોલ ઢબૂકતો હોય તેવો નાદ સર્જાશે. શબ્દોનો ઉપયોગ પણ ખૂબ મહત્ત્વનો છે. ક્યાં કયો શબ્દ વાપરવો તેની ઊંડી સૂઝ હોવી જરૂરી છે. આ સમજ કવિતામાં પ્રાણ પૂરે છે. ‘ઢોલ ઢબૂકતો’ શબ્દો માત્ર શબ્દો ન રહેતામાં તેમાંથી અવાજ પણ ઉત્ત્પન્ન થાય છે. તેને બદલે ‘ઢોલ વાગતો’ શબ્દો વાપરીએ તો પણ લયભંગ નથી થવાનો, પણ કવિને ખબર છે કે કવિતા વધારે તીવ્રતાથી અને ભાવનાત્મક રીતે વ્યક્ત કરવા કયા શબ્દોનું પ્રયોજન જરૂરી છે. તેણે પ્રયોજેલો એકેએક શબ્દ ખૂબ મૂલ્યવાન મોતી છે. એ મોતીની ચમક પામવા માટે શબ્દના અર્થને ઉજાગર કરવો પડે. અનિલ જોશી શબ્દની આ શક્તિને ખૂબ ઊંડાણપૂર્વક સમજતા હતા, તેથી જ તેમણે લખેલો શબ્દ પોતાની આગવવી છાપ છોડે છે.

વળી આ કવિ એમ પણ લખે, ‘સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ’ અરે! પાણીમાં તે કાંઈ ગાંઠ પડતી હશે? પણ કવિએ ખૂબ સમજપૂર્વક પંક્તિ વાપરી છે. યુવતી વહેલી પરોઢે પાણી ભરવા ગઈ છે, અને પાણીની સપાટી પર તે બરફના ટુકડાઓ તરતા જુએ છે, તે બરફના ટુકડાને પાણીમાં પડેલી ગાંઠ તરીકે જુએ છે!

મોટા કર્કશ ઘોંઘાટમાં નાના માણસોનો અવાજ ક્યાં દબાઈ જાય છે, ખબર પણ નથી પડતી. એ વાતને ઉજાગર કરતા અનિલ જોશીએ લખેલું, ‘ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો, તમને નથીને કાંઇ વાંધો?’ ધ્યાનથી જોશો તો હિંમતભેર ખોંખારો ખાનાર કીડીઓ તમને દેખાશે. જ્યાં જ્યાં ક્રાંઉ ક્રાંઉ વધતું જતું હશે ત્યાં ત્યાં આવી કીડીઓ ખોંખારા ખાવાનું સાહસ કરતી જોવા મળશે. કીડીની વાત સાથે આ કવિની અન્ય પંક્તિઓ પણ તરત સાંભરી આવે છે, ‘એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર!’

આવાં અનેક ઉમદા કાવ્યો સર્જનાર કવિ હવે આપણી વચ્ચે નથી. ચોરાસી વર્ષનું આયુષ્ય ભોગવી તેમણે જગતથી વિદાય લીધી, અને આપણે ખોળે ધરતા ગયા તેમનાં અમૂલ્ય કાવ્યો. તેમનો ક્ષરદેહ આથમ્યો છે, પણ અક્ષરદેહ તો હરહંમેશ ગુજરાતી ભાષાના પાલવમાં કિંમતી મોતી જેમ સચવાશે.

લોગઆઉટઃ

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે;
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો!

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર,
એક પછી એક ડાળ ખરતી જોઈને
થાય પડવાને છે કેટલી વાર?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો!

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો!

- અનિલ જોશી

બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિંદગી

લોગઇન:

આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ,
બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિંદગી.

હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,
ફક્ત શ્વાસોચ્છ્વાસની અટકળ બની ગઈ જિંદગી.

સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું,
હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિંદગી.

વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી પડ્યો,
કાળની અબજો અજીઠી પળ, બની ગઈ જિંદગી.

ફૂલને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો–
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી.

દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો,
આપ આવ્યા? હાય! દાવાનળ બની ગઈ જિંદગી.

– વેણીભાઈ પુરોહિત

મોટાભાગના માણસો બે પ્રકારની જિંદગીમાં અટવાયા કરે છે. એક - પોતે જીવી રહ્યા છે તે જિંદગી, અને બીજી, જે જીવવા માગે છે તે. આ બે છેડા ભેગા કરવામાં ઉંમરનાં થર પર થર બાઝતાં જાય છે અને છેલ્લે કબરમાં જઈને એ થર તૂટે છે. ઇચ્છિત જિંદગીને પામવાની ઝંખના દિવસે દિવસે ઝાંખી થતી જાય છે અને જે જીવી રહ્યા હોઈએ એ જ જિંદગી આખરે ઇચ્છેલી લાગવા માંડે છે. ઘણા લોકો કહેતા હોય છે, જે જિદગી જીવવા માગો છો તે પામો, અથવા જે જીવી રહ્યા છો તેને ગમાડી લો. પણ તે ઇચ્છિત જિંદગી પામવી અને અનિચ્છિત જિંદગીને સ્વીકારી લેવી તે મંચ પર જુસ્સાથી બોલવા જેટલું સરળ નથી હોતું. ગમતી જિંદગીનું ગીત બધા નથી ગાઈ શકતાં. ઘણાને અન્યએ જીવેલી જિંદગીનાં ગીત સાંભળીને આનંદ લેવો પડે છે. એટલા માટે જ તો આપણને ફિલ્મનાં ગીતો આટલો રોમાંચ આપે છે. સિનેમાના પરદા પર નાચતાં હીરો-હીરોઈનો જેમ આપણે બગીચામાં નાચવાના નથી. એક હીરો દસ વીલનને ધોઈ નાખે, તેવું પણ આપણે કરી શકવાના નથી, પણ આપણે મનોમન એવું ઇચ્છતા હોઈએ છીએ ખરા. એ જિંદગી આપણે પણ જીવવા માગતા હોઈએ છીએ. પણ રિયલ લાઇફમાં આપણે તે નથી જીવી શકતા એટલા માટે પરદા પરનીએ જિંદગીને જોઈને સંતોષ માનીએ છીએ. ગમે તેવા ખેરખાંને મોઢામોઢ સંભળાવી દેવું, એક સ્મિતમાં અપ્સરા જેવી છોકરીને પોતાની કરી નાખવી. આ બધું સિનેમાના પરદા પર દેખાતા પાત્રોની જિંદગીમાં બનતું હોય છે, પણ એ જ પાત્ર ભજવનાર પોતાની રિયલ જિંદગીમાં તેમ નથી કરી શકતા. પવિત્ર અમર પ્રેમીનું પાત્ર ભજવાનાર અભિનેતા રિયલ લાઇફમાં ચાર ચાર છૂટેછેડા કરીને બેઠો હોય છે અને પાંચમી સાથેની સગાઈના સમાચાર આપણે ન્યૂઝમાં વાંચી રહ્યા હોઈએ છીએ. ઇચ્છિત જિંદગીની દોડ ઘણી વાર નદી જેમ આમથી તેમ કૂદતી ઊછળતી ચાલતી રહે છે. પર્વતો જેવી અડચણો કે ખીણો જેવી મુશ્કેલીઓમાંથી પણ વહીને છેવટે તે દરિયામાં વિલિન થઈ જાય છે. આપણી ઝંખનાઓ પણ આખરે મૃત્યુના મહાસાગરમાં જઈને ઓગળી જાય છે. મરીઝનો એક સુંદર શેર છે.
જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.

આજે આટલું દુઃખ વેઠી લઈને પછી કાલે સુખ જ છે. એ દોડમાં દોડમાં જિંદગીનું ઝરણું વિલુપ્ત થઈ જાય છે. એ કાલ ક્યારેય આવતી જ નથી. મરીઝ એ જ ફિલસૂફી સમજાવે છે કે જે સુખ આજે મળે છે તેને આજે જ માણી લેવું, કાલ પર છોડવાનો કશો અર્થ નથી. વેણીભાઈ પુરોહિતે જીવનની ફિલસૂફી પોતાની આંખે નિહાળી છે. તેમની મત્લા વગરની આ ગઝલને આસ્વાદના પથ્થર પર લસોટીને તેમાંથી રસ કાઢવાની હિંમત કરવા જેવી નથી. કવિતા સ્વયંસ્પષ્ટ છે. જિંદગની સંઘર્ષમય અટપટી આંટીઘૂંટીને તેમણે પોતાના શબ્દોના દોરામાં પરોવી છે.

મકરંદ દવેએ જિંદગીને પોતાની આંખે નિરખી છે, જે અનુભવી તેને ગઝલમાં પરોવી છે. તેનાથી વિરમીએ.

લોગઆઉટઃ

જિંદગી, કાચી નિશાની જિંદગી,
સાચની જૂઠી કહાની જિંદગી.

કંકુ ઝરતી કોઈ પાની જિંદગી,
કે રહસ્યોની રવાની જિંદગી!

કોઈ મારકણાં નયન જેવી છતાં,
મ્હોબતીલી છે મજાની જિંદગી.

તુચ્છ તલ શી કોઈ ગોરા ગાલ પર,
તે છતાં કેવી તુફાની જિંદગી!

મોત - આલમગીરની છાતી ઉપર,
નાચતી હરદમ ભવાની જિંદગી.

જોતજોતામાં અલોપ થઈ જતી,
ભૂતિયા વ્હાણે સુકાની જિંદગી.

શ્વાસ ને ઉચ્છ્વાસ પર દેતી કદમ,
દોડતી હરણી હવાની જિંદગી.

રાખતાં રાખી શક્યો ના ઈશ પણ,
એક એવી વાત છાની જિંદગી.

કેટલા ભોળા ગુન્હાની, હે પ્રભુ!
બાવરી, તૂટક જુબાની જિંદગી!

બે ઘડી - ને માય છે, ક્યાંયે બરો!
વાહ રે! મારી ગુમાની જિંદગી!

- મકરંદ દવે

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ

લોગઇન:

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

રંગ બ્હારનો હોય તો એને ભૂંસું હું પળભરમાં,
ફૂલગુલાબી પડ્યો શેરડો, ઊતરી ગ્યો અંતરમાં.
રુંવે રુંવે રંગ ફૂંવારા ઉડ્યા રે તત્કાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

ઊંચાનીચા શ્વાસ અને ધબકારા પીટે ઢોલ,
સખીઓ પૂછે, ગામ વચાળે કોણ રંગી ગ્યું બોલ,
દોટ મૂકી હું દોડી પાછળ પગલાં રહી ગ્યા લાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

– વિમલ અગ્રાવત

દયારામ એક પદમાં કહે છે,
“મુજને અડશો મા, આઘા રહો અલબેલા છેલા, અડશો મા!”

રાધાજી કૃષ્ણને વિનંતી કરી રહ્યા છે કે હે શ્યામ તમે મને અડશો નહીં, તમે કાળા છો, અને હું તો કેટલી રૂપાળી… તમે મને અડશો તો મને પણ તમારો રંંગ લાગાડશો, હું પણ કાળી થઈ જઈશ. આવું કહીને રાધાને પોતાના વહાલા પ્રેમી સામે ખોટું ખોટું રિસાવું છે. પણ આ તો કૃષ્ણ છે, એની પાસે બધા જ જવાબ હોય છે. રાધાના રીસામણાનો જવાબ કૃષ્ણ બહુ તાર્કિક રીતે આપે છે, કહે છે, મને અડીને તું કાળી પડી જવાની હોય તો તને અડીને હું પણ ગોરો તો થઈશ જ ને! જો એમ થાય તો ફરી આપણે એકબીજાને અડકી લઈશું, જેથી મારો રંગ ફરી કાળો થઈ અને તારો ફરીથી ગોરો. “ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મોરો, તુજ તોરો!” ધૂળેટીના રંગભર્યાં ગીતોની વાત હોય અને રાધા-કૃષ્ણ ન સાંભરે એ તો બને જ કેવી રીતે?

પણ વિમલ અગ્રાવતનું ગીત વાંંચીને કોઈ રંગની જરૂર જ નથી રહેતી, ન તો પિચકારીની, ન અબિલ ગુલાલની. તેમણે શબ્દોના લસરકાથી હોળી-ધૂળેટીના રંગોનું અદ્ભુત પ્રણયચિત્ર દોરી આપ્યું છે. તેમાં હૃદયના રંગો ઊડે છે. શરમના શેરડા ફૂટે છે, ફૂલગુલાબી ચહેરા ખીલે છે, અને ગુલાબી રંગ છેક અંતરના આંગણામાં રંગોળી પૂરે છે. ગીત વાંચીને કૃષ્ણ-રાધાની કલ્પના તો થાય જ, પણ કોઈ પણ પ્રેમી જોડાંને આ ગીતમાં કલ્પી શકાય.

શેરીમાં પ્રેમીની નજર પ્રેમિકા પર પડે છે. પ્રેમિકાને તેનું ભાન થતા જ તે શરમમાં લાલલાલ થઈ જાય છે. તેના ગાલે શરમના શેરડા ફૂડે છે. રુંવેરુંવે રંગ રેલાવા લાગે છે. શ્વાસોમાં મઘમઘતી ફોરમ વહેવા લાગે છે. રાજેન્દ્ર શુક્લ લખે છે તેમ, “અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી, ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી!” અહીં ભૌતિક રીતે કોઈ રંગ નથી કે નથી ગુલાલ. પણ પ્રેમીની એક નજર કાફી છે રંગાવા માટે. બહારનો રંગ તો સમય જતા ઝાંખો થાય, ભૂંંસાઈ જાય. દુનિયા એને નરી આંખે જોઈ પણ શકે કે રંગ લાગ્યો છે, પણ અંદર લાગેલા રંગને તો ક્યાંથી કાઢી શકાય, અને જગત એને જોઈ પણ નથી શકતું. બીજો તે રંગ સાવ કાચો, એક હૃૃદિયાનો રંગ સાવ સાચો.

પ્રેમી સંગે નજર મળે, તારામૈત્રક રચાય ત્યારે જાણે શ્વાસ ખુદ શરણાઈના સૂર રેલાવા માંડે છે. ધબકારા તો ઢોલ પર પડતી દાંડી જેમ વાગે છે. પ્રેમિકાની આવી હાલત બીજા કોઈ જાણે ન જાણે, બહેનપણીઓ પામી જાય છે, તે વહાલથી ટોણો મારીને પૂછે છે, અલી આ શું થઈ ગયું તને? આમ ભરબજારે કોણ રંગી ગયું કે આવી શરમમાં લાલઘૂમ થઈ રહી છે? બહેણપણીઓનો આવો સવાલ સાંભળીને તો વળી શરમ બેવડાય છે. જવાબ આપવાને બદલે પ્રેમિકા તો શેરીમાંથી દોટ મૂકે છે. પણ એની દોટમાં પણ જાણે કે દરેક પગલે લાલ રંગ રેલાતો હોય એવું લાગે છે.

વિમલ અગ્રાવતે પ્રણયના રંગને બરોબર ઘોળ્યો છે. તેમણે પોતાની કલમ દ્વારા રંગો વિના જ સૌને રંગી નાખ્યા છે. એક અચ્છા કવિની આ જ તો ખાસિયત હોય છે.

લોગઆઉટઃ

ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ કહે છે, મજાનો રંગ લાગ્યો છે.
મલકતું મોં અને ચમકી જતી આંખો કહી દે છે,
ભલે છૂપી એ રાખો વાત, છાનો રંગ લાગ્યો છે.
– મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

ભેંત્યની તેડ્ય તો ગારાથી હોંધીએ

લોગઇન:

ભેંત્યની તેડ્ય તો ગારાથી હોંધીએ માંયલીન ચ્યમ કરી હોંધવી?
ઊંઘનારું લોંબું ન પશેડી ટૂંકી ઓંમ ટૂંટીયે તે રાત ચ્યંમ કાઢવી?

તોય મનં ઈમ કો’ક ઉપા કરીએ જો થોડા ઘણા ફેર કાંય થાય
એટલામાં તેડ્ય તો બાકોરું થઈ જઈ, મું હં નાખું તો એ પુરાય!
દનિયોના કીધ તારો રાશ્યો ભરૂંહો અવ તનજ લાજ જોઈય આવવી.

હૌના તો લેખ તમે લખો લલાટે પણ મારા લસ્યા તમે ઓંશ્યે
ન – કાપાય પાસા એવા પાડ્યા ક – મારઅ ચોમાહા રે’હે બારમાશે
ઓંશ્યોનાં પોંણી તો પાતાળે ઠેલ્યાં એ આવ એવી રાશ ચ્યોંથી લાવવી.

હારી થાચીન મીં તો મનનું મનાયું ક – આપણ જ આપણાં ફોડવાં
પણ આ બધું ગન્યાંન તો ઘડી બે ઘડી પસ મંન હાથે માથાં રોજ ફોડવાં
કાઠ્ઠાં થઈ પીડ્યા માં ભોમાં ભંડારી તોય દેખાય તો ચ્યમની હંતાડવી?

– પ્રશાંત કેદાર જાદવ

આપણે ત્યાં કહેવત છે બાર ગાઉએ બોલી બદલાય. ભાષા તો ગુજરાતી જ, પણ તેમાં વિવિધ પ્રદેશોમાં બોલાતી જુદી જુદી બોલીઓ ભાષાનુંં ઘરેણું છે. ભાષા એક, બોલી અનેક. લોકબોલીનો અર્થ જ એ છે કે લોકો દ્વારા બોલાતી બોલી. તેને કાગળ પર છપાતી લિપિ કરતા બોલાતી વાણી સાથે વધારે સંબંધ છે. કોઈ પણ બોલી રચાય તો તેમાં જે તે પ્રદેશના લોકોની જાતિ-જ્ઞાતિ, સામાજિક રીતરિવાજો, પરંપરાઓ, રહેણીકરણી, વ્યવહાર-વર્તન પણ જવાબદાર હોય છે. ગુજરાતમાં પારસીઓ અને નાગરોની બોલી અલગ છે, તો વળી વોરા, આહિર, મેર, અને ખારવાની બોલી પણ જુદી છે. પ્રદેશ પ્રમાણે બોલી તેનું સ્વરૂપ બદલે છે. ગુજરાતમાં જ સોરઠી, ઝાલાવાડી, કચ્છી, પારસી, ચરોતરી, મહેસાણી, સુરતી જેવી વિવિધ બોલીઓ બોલાય છે. પ્રાદેશિક ભાષા જે તે પ્રદેશની લોકો દ્વારા બોલાતી બોલીની છબી છે. ચારણો દ્વારા વપરાતી દેશી ભાષા જ તેમના કાવ્યસર્જનને રોશન કરે છે. ઘણાને એવુંં કહેતા પણ સાંભળ્યા છે, બોલીમાંં બમણી મજા.

પ્રશાંત કેદાર બારોટે પોતાના ઉત્તર પ્રદેશના તળની બોલીને કવિતામાં ખપમાં લીધી છે અને સમગ્ર કાવ્યમાં વપરાયેલી આ લોકબોલી જ કાવ્યમાં મજબૂત રીતે પ્રાણ પૂરે છે. આ એ જ પ્રશાંત કેદાર જાદવ કે જેમણે ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય’, ‘સનેડો’, ‘કુમકુમનાં પગલાં પડ્યાં’, ‘મેં તો થોડો પીધો ને ઘણો ચડિયો રે…’, ‘હંબો હંબો વીંછુંડો’ જેવાં અનેક સુપ્રસિદ્ધ ગીતો ગુજરાતી ભાષાને આપ્યાં. આ ગીતો વિના અનેક ગાયકોના કાર્યક્રમો અને નવરાત્રીઓ પૂરી નથી થતી. જેમણે આ ગીતો નથી સાંભળ્યાં તે પૂરો ગુજરાતી નથી. આ ગીતો ગવાતાની સાથે લોકોના પગ ઝૂમવા લાગે છે.

કવિએ પ્રાદેશિક બોલીમાં ઊંડાણવાળી ગહન લાગતી વાતને બહુ સરળતાથી આપણી સામે મૂકી આપી છે. બોલીની એ જ તો વિશેષતા હોય છે કે ગંભીર જ્ઞાનને પણ સરળતાથી પીરસી આપે. ગામના માટીવાળા ઘરમાં તિરાડ પડે તો એને ગારાથી અર્થાત્ માટીથી સાંધી શકાય, પણ માંહ્યલામાં-અંતરમાં તિરાડ પડે એને કોઈ કાળે ઠીક નથી કરી શકાતી. તેને સાંધવા માટે કરવામાં આવતા તમામ પ્રકારના લેપ નિર્લેપ પૂરવાર થાય છે. દેહ પર મરાયેલા ચાબૂક કરતા શબ્દનો ચાબખો બહુ વરવો હોય છે. આપણે ત્યાં એક લોકગીત છે, ‘લાકડીના માર્યા કદી ના મરીએ, મેણાંના માર્યાં મરી જઈએ…’ દેહ પર પડેલા ઘાવ સમય જતાંં ભરાઈ જાય છે, દિલ પર પડેલા ઘા જીવનભર દુઃખતા રહે છે. આપણને ખબર હોય કે મનમાં પડેલી આ તિરાડ ક્યારેય પૂરાવાની નથી, છતાં આપણે મથતા રહીએ છીએ. સમય જતાં તિરાડ મોટું બાકોરું થઈ જાય છે, તોય આપણે વલખાં માર્યા કરીએ છીએ તેને સાંધવા.

વિધિના લેખ લલાટે લખાય તેવી આપણે ત્યાં માન્યતા છે. એક પ્રસિદ્ધ ગીત પણ છે, ‘વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય…’ આ ત્રણ વખત ‘થાય’માં દૃઢતા દર્શાવાઈ છે કે વિધિએ જે ભાગ્યમાં લખ્યું છે તે થઈને જ રહેશે. કવિએ પોતાની વ્યથાને વ્યક્ત કરવા સરસ પ્રયુક્તિ કરી છે, તેમણે કહ્યું કે વિધિએ બધાના લેખ લલાટે લખ્યા છે, પણ મારા લેખ તો આંખે લખ્યા છે. એટલે જ તો અશ્રુ અટકતાં નથી. પ્રભુએ મારી આંખે બારેમાસ ચોમાસું રોપી દીધું છે. આ બધું થયા પછી એટલું જ સમજાય છે કે આપણી મુશ્કેલીઓ સાથે આપણે જ લમણા લેવાના છે. આપણી મદદ કોઈ કરવાનું નથી, આપણા સિવાય.

લોગઆઉટઃ

ચાલો સાજણ થંભેલી ચોપાટ ફરી પાથરીએ,
વેરાણછેરણ વેરાયેલાં સોગઠાં ભેગાં કરીએ.
હારજીત તો મનની વાતો કહુ વાયરા જેવી,
કશું જ નક્કી હોય નહીં એ અદ્દલ માણસ જેવી.
સોગઠાં ટેરવાની ઓળખાણ ફરીથી તાજી કરીએ.
- પ્રશાંત કેદાર જાદવ

મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં

લોગઇન:

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.

શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.

પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.

જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.

– હર્ષવી પટેલ

સો વર્ષ કરતા પણ વધારે સમય પ્રગટેલી ગુજરાતી ગઝલની જ્યોત આજે એક મુકામે પ્રજ્વળી રહી છે, કે તેના અજવાળામાં અનેક શાયરો પોતાની કલમના પોતને પ્રકાશવા મથી રહ્યા છે. ગઝલ બાલાશંકર કંથારિયા અને કલાપીથી માંડીને વર્તમાન સમયના અનેક સર્જકોની કલમનું કામણ પામી છે, વધારે નિખરી છે, વિસ્તરી છે, ફુલી-ફાલી છે. આજનો કોઈ ફૂટડો નવયુવાન હોંશથી છંદોબદ્ધ ગઝલ રજૂ કરે ત્યારે વર્ષો સુધી જેઓ ગઝલને પ્રતિષ્ઠા આપવામાં જિંદગી ખર્ચી નાખી, તેમનો આત્મા ખૂબ રાજી થતો હશે. મરીઝે લખ્યુંં છે,
આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.

મરીઝ-ઘાયલ-શૂન્ય-સૈફ જેવા અનેક શાયરોના શ્વાસો આજની પેઢીને નવી આબોહવા આપી રહ્યા છે. આદિલ મન્સૂરી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, ચિનુ મોદી, મનહર મોદી જેવા આધુનિક સર્જકોની કલમનું સત્વ વર્તમાન કલમવીરોને નવું જોમ પૂરું પાડી રહ્યું છે. બુઝુર્ગોના પગલે ચાલીને પોતાની આગવી કેડી કંડારનાર કવિઓએ માત્ર ગઝલને જીવતી નથી રાખી, ગુજરાતી ભાષાને પણ પ્રાણવંતી બનાવી છે. મુનવ્વર રાણાનો શેર છે-
ખુદ સે ચલકર નહીં યે તર્જ-એ-સુખન આયા હૈ,
પાંવ દાબે હૈ બુઝુર્ગો કે તબ યે ફન આયા હૈ.

હર્ષવી પટેલ પરપંરાના પથ પર ચાલવા છતાં પોતાના શબ્દના જોરે આગવી કેડી કંડારે છે. ગઝલ તેમને સહજસાધ્ય છે. કવિ ડૉ. વિવેક ટેલર તેમના વિશે લખે છે, “હર્ષવી નખશિખ ‘ભારતીય’ પરવીન શાકિર છે. એના શેરમાં પરવીનની નજાકત છે, મીનાકુમારીનું દર્દ છે અને સાથે જ અમૃતાની પરિપક્વતા પણ છે. હર્ષવી ગુજરાતી ગઝલની ઊજળી આજ છે.”

કવિને મળ્યા પછી તમે, તમે રહો કે નહીં તે ખ્યાલ નથી, પણ તેમની કવિતાને મળ્યા પછી ચોક્કસ તમે તમે ન રહી શકો. રમેશે પારેખે કવિતાએ શું કરવાનું હોય તે વિશે સુંદર કાવ્ય લખ્યું છે. “જ્યાં ઈશ્વરનાં હાથ ન પહોંચે / ત્યાં પંહોચવાનું હોય કવિતાએ / એ બધું તો ખરું જ / પણ સૌથી મોટું કામ એ કે / તેણે આખું ગામ ઊંઘતું હોય ત્યારે / જગાડવાનો હોય કવિને…”

કવિનો આત્મા જાગ્રત હોવો જોઈએ. અંદરનું ઓજસ આથમી ગયેલુંં હોય ત્યારે તે બહાર રોશની ક્યાંથી રેલાવી શકે? જે કવિનો શબ્દ ભાવકના હૃદયની ભાવના, સંભાવના કે વિભાવનાને વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર નથી કરતો તેના શબ્દનું આયુષ્ય લાંબું નથી હોતું. એક સારો કવિ આ વાત સારી રીતે જાણતો હોય છે અને તે પોતાના હૃદયભાવ તો શબ્દની પ્યાલીમાં રેડતો જ હોય છે, પણ એ ભાવવ વાચકને પણ પોતાના લાગે તેની તકેદારી રાખે છે. હર્ષવી પટેલની કવિતામાં આ તકેદારી અનુભવાય છે. એટલે તે આત્મવિશ્વાસપૂર્વક ગઝલમાં કહી શકે છે કે, મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.

તેમની અન્ય સુંદર ગઝલથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

જાણે કે ખુદ ‘મરીઝ’,’અખા’,’કાન્ત’ હોય છે,
થોડાક ‘પેનપકડુ’ અજબ ભ્રાંત હોય છે.

હૈયું ચહે છે શાંતિ ને હુલ્લડ મગજ કરે,
ભીતર બધાંને બે’ક અલગ પ્રાંત હોય છે.

એક જ જગા ઉપર ન ઘડીભર ટકી શકે,
પૂર્વજ ઘણામાં એટલો ઉત્ક્રાંત હોય છે.

કૈં કેટલાને માટે સમય તો સમય નહીં,
સરકારે ફાળવેલ કશીક ગ્રાન્ટ હોય છે.

ધરતી હલી ય જાય, જો બોલે કશુંક એ;
એવા વિચારથી તો અમુક શાંત હોય છે.

– હર્ષવી પટેલ

પ્રણયના રંગ મરીઝને સંગ

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.
- મરીઝ

પૂરું નામ અબ્બાસઅલી વાસી, અટક વાસી, પણ ગઝલો આજે ય એકદમ તાજી - ફ્રેશ ફ્રેશ… તખલ્લુસ મરીઝ, પણ તેમનો શબ્દ આજે પણ એટલો જ તંદુરસ્ત અને સ્વસ્થ છે, જેટલો લખાયો ત્યારે હતો. ગુજરાતી ગઝલને આકાશ આંબતી કરવામાં મરીઝની કલમનો ફાળો અનન્ય છે. જીવવના અનેક રંગો તેમની ગઝલમાં ગૂંજ્યા કરે છે. જીવનની અમુક વણસ્પર્શાયેલી બાબતોને તેમની કલમ એટલી સહજતાથી અને ગહન રીતે સ્પર્શી શકતી કે આપણે આશ્ચર્ય અને અચંભામાં મુકાઈ જઈએ. અનેક ઊંડી વ્યથાને તેમણે ખૂબ સરળતાથી આપણી સામે મૂકી આપી. ઘણા શેરમાં તો તેમનુંં પોતાનું જીવન પણ પડઘાયા કરે.

જાણીતા કવિ શોભિત દેસાઈ મરીઝના અનેક કિસ્સાઓ અવાર નવાર શેર કરતા હોય છે. મરીઝની એક પ્રેમિકા હતી. એની તરફ એમને એક તરફી પ્રેમ હતો. એમની પ્રેમિકાનાં લગ્ન થઇ ગયા. પ્રેમિકાનું નામ ‘રબાબ’. એક દિવસ પ્રેમિકાએ કહ્યું, મેં તો સાંભળ્યું છે કે મારી યાદમાં તમે મોટા શાયર થઇ ગયા. તો મારું નામ આવે એવી ગઝલ લખોને. એમણે ગઝલ લખી નાંખી.
હવે ગમે તે કહે કોઈ હુનર બાબત
કરી રહ્યો છું મારી સમજથી પર બાબત

ગઝલ સાંભળીને પ્રેમિકાએ કહ્યું કે, પણ આમાં મારું નામ ક્યાં છે? નામ તો ગઝલમાં હતું જ, કાફિયામાંથી છેલ્લો અક્ષર ‘ર’ લો અને રદિફમાંથી પહેલા બે અક્ષર ‘બાબ’ લો, એટલે પ્રેમિકાનું નામ બની જાય, પણ મરીઝે જવાબમાં બીજો શેર કહ્યો,
જુઓ શી કલાથી તમને છુપાવ્યા
ગઝલમાં આવ્યા તો નામે ન આવ્યા

એક વખત મરીઝ તેમની પત્ની સાથે મુંબઇની લોકલ બસમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેની મુગ્ધાવસ્થાની પ્રેમિકા તેમને તે જ બસમાં જોવા મળી. એકદમ નિખાલસતાથી પત્નીને પોતાના ભૂતકાળ વિશે જણાવતા કહ્યું કે, "આ છોકરી જે સામે બેઠી છે તે એ જ છે... " થોડો સમય જોયા પછી પત્ની બોલી, "કેવી પ્રેમિકા છે, બોલાવવાની વાત તો દૂર એ તો તમારી સામે પણ જોતી નથી." મરીઝ બોલ્યા "રાહ જો. હમણા જોશે" પણ લાંબા સમય સુધી પેલી છોકરીએ આ તરફ નજર પણ ન કરી. ફરી પત્નીએ કહ્યું. તમે ગપ્પાં મારો છો. થોડા સમય પછી એક સ્ટોપ આવ્યું. ઉતરતા પહેલા પેલી છોકરીએ ત્રાંસી નજરે મરીઝ સામે જોઈ લીધું અને જતી રહી. ત્યારે મરીઝે એક શેર કહ્યો-
બધો આધાર છે તેની જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવા.

શાયરો-સાહિત્યકારોના પ્રયણરંગી કિસ્સાઓ ગજબના હોય છે. મને વિનોદ ભટ્ટે કહેલો એક કિસ્સો યાદ આવે છે. ચંદ્રવદન ચી. મહેતાનો એક દોસ્ત તેમની પત્ની વિલાસ સાથે પ્રેમમાં પડ્યો. તે સમયે સ્ત્રી માટે એક બીજા સામે તલવાર ખેંચાઈ જાય. જોકે આજે પણ એવું ક્યાં નથી થતું? પણ આ તો લેખક નાટ્યકાર ચંદ્રવદન મહેતા. એમણે એ જમાનામાં સામે ચાલીને પોતાની પત્નીને મિત્ર સાથે પરણાવી. થોડાં વર્ષો પછી વિલાસનું અવસાન થયું. ચંદ્રવદન મહેતા પણ ત્યાં ગયા. એ વખતે અવસાન પામેલ પત્નીનો એક હાથ વર્તમાન પતિના હાથમાં હતો ને બીજો હાથ ચંદ્રવદનના હાથમાં! પેલો મિત્ર ચંદ્રવદનના ખભા પર માથું મૂકી પોક મૂકીને રડવા લાગ્યો. ત્યારે ચંદ્રવદને તેને આશ્વાસન આપેલું કે, “ દોસ્ત રડીશ નહીં હું હજી બીજું લગન કરવાનો છું.”

લોગઆઉટઃ

એ રીતે એ છવાઈ ગયાં છે ખયાલમાં;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફતગૂ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

– મરીઝ

દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે.

દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.

એક છત નીચે રહે બે માનવી,
જોજનોની તોય દૂરી હોય છે.

શક્ય છે, શ્રધ્ધા કદીયે ડગમગે,
સાથ દેવાને સબૂરી હોય છે.

આ ગઝલ, ‘ચાતક’ લખાયે શી રીતે ?
લાગણીની જીહજૂરી હોય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

ચિનુ મોદીનો એક અદભુત શેર છે-
કોઈ ઇચ્છાનું હવે વળગણ ન હો,
એ ય ઇચ્છા છે હવે એ પણ ન હો.

ક્યા બાત હૈ. કેટલો સહજ, સ્પષ્ટ અને ગહન શેર છે. ભગવાન બુદ્ધે પણ કહેલું કે તૃષ્ણા અર્થાત્ ઇચ્છા માણસના દુઃખનું મુખ્ય કારણ છે. આપણને કશુંક મેળવવાની, પામવાની કે કશુંક સિદ્ધ કરવાની ઇચ્છા થાય છે અને તેમ ન થાય ત્યારે દુઃખ જન્મે છે. આ દુઃખમાંથી મુક્ત થવા માટે ઇચ્છામુક્તિ જરૂરી છે. એટલા માટે જ કદાચ સંતો વિચારમુક્તિ, ઇચ્છામુક્તિ અને નિર્વિકાર સ્થિતિને ખૂબ પ્રાધાન્ય આપતા હોય છે. ધ્યાનમાં તો વિચારવિહિન થવું ખૂબ જરૂરી હોય છે. રાજેશ વ્યાસ મિસ્કીને પણ લખ્યું છેને, ‘રસ્તા જોયા, વાહન જોયા, વિચારને પણ જોતા શીખ્યો’ એક વસ્તુ જેમ વિચારને જોવાનું કૌવત આવડી જાય પછી આપોઆપ નિર્વિચારના જગતમાં પગલું માંડી શકાતું હોય છે. પણ ઇચ્છા જ નથી રાખવી, એ પણ એક ઇચ્છા છે, અને તેનાથી પણ મુક્ત થવું જરૂરી છે. એ વાત ચિનુ મોદીએ બહુ માર્મિક રીતે કરી છે. ઇચ્છાનો પાર નથી. પણ પ્રત્યેક ઇચ્છા ફલિત થાય જ એ જરૂરી નથી. અને એ અધૂરી રહે એમાં જ તો મજા છે. અધૂરા રહીને મધુરા રહીને જીવવામાં જે આનંદ છે, એ તો પૂર્ણતામાં પણ નથી. પૂર્ણતા એ તો મૃત્યુની નિશાની છે. એટલા માટે જ સંતોષી માણસ કહેતો હોય છે કે જીવનમાં બધું મેળવી લીધું, હવે મોત આવે તોય વાંધો નથી. પણ ખરેખર આવું કહેનાર માણસ પણ બધી રીતે પૂર્ણ તો નથી જ હોતો, પૂર્ણ છું એવું તો એનામાં રહેલો સંતોષ બોલતો હોય છે. એનો એક અર્થ એવો થાય છે કે તેણે જે મેળવ્યું છે તેનાથી તે સંતુષ્ટ છે. પૂર્ણતા પામી ગયા પછી તો નર્યો ખાલીપો રહેતો હોય છે. મંજિલને પામીને તો આનંદનો અંત આવી જતો હોય છે. ખરી મજા તો રસ્તાની જ હોય છે.

દક્ષેશ કોન્ટ્રાક્ટરે અધૂરી ઇચ્છાની મધુરી વાત કરી છે. તેમના શબ્દોમાં જિંદગીના ઊંડાણને સાદગીપૂર્વક સમજવાનું કૌવત છે. એ અધૂરપનો ભાર માથે લઈને રોદણાં રડવા કરતા તેનો આનંદપૂર્વક સ્વીકાર કરે છે. એટલા માટે જ તે સરળ શબ્દોમાં આટલી સુંદર વાત કરી શક્યા છે. દિલીપ શ્રીમાળીનો એક સુંદર શેર છે-
અડધી અડધી ઓઢી છે બેઉ જણે,
અડધી અડધીમાં બહુ પલળાય છે.

કવિએ ક્યાંય છત્રીનો ઉલ્લેખ નથી કર્યો, છતાં આપણી આંખ સામે છત્રી લઈને ઊભેલું એક યુગલ છતું થાય છે, વરસતો વરસાદ દેખાય છે. બંને થોડા થોડા ભીંજાઈ પણ રહ્યા છે એ પણ દૃશ્યમાન થાય છે. આ અડધા ભીંજાવામાં જ તો આખી મજા હોય છે. આખી છત્રી માથે આવી જાય તો આનંદ સૂકો રહી જાય, ભીંજાય નહીં. દક્ષેશ કોન્ટ્રાક્ટર અધૂરી ઇચ્છામાં કંઈક આ જ રીતે મધુરતા શોધે છે.

ઘણી બાબતોમાં આપણી પહોંચ ન હોય ત્યારે તેને શિયાળની વાર્તા જેમ દ્રાક્ષ ખાટી છે કહીને અવગણી નાખતા હોઈએ છીએ. એનો સ્વાદ નથી બરોબર એવું કહીને દોષ તેને આપીએ છીએ. આપણી મર્યાદા નથી જોતા. આપણો કૂદકો ટૂંકો છે એ નથી સ્વીકારતા. તાવ આવે એટલે આપોઆપ સ્વાદિષ્ટ વાનગી પણ ફિક્કી લાગવા માંડે છે. આપણને સંજોગોનો તાવ ચડ્યો હોય છે. આપણી ઊણપનું તાપમાન આપણા વિચારોને એટલે શેકી નાખે છે કે પોતાની કમી સ્વીકારવાને બદલે જે તે વસ્તુ કે વ્યક્તિની ખામી આપણે બધાને બતાવીએ છીએ. આમ હતું એટલે મેં આમ કર્યું, બાકી તો હું આમ કરત જ. ટૂંકમાં દ્રાક્ષ ખાટી છે! એ નથી જોતા કે આપણી જીભ તૂરી છે!

દક્ષેશ કોન્ટ્રાક્ટરની ગઝલનો પ્રત્યેક શેર સરળ, સહજ છતાં કેટલો માર્મિક છે! આવા જ કાફિયો સાથેની વિવેક ટેલરની ગઝલના બે શેર માણીએ.

લોગઆઉટઃ

છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.
પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે.

– વિવેક મનહર ટેલર

સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
ઉક્કેલવી એ કેમ કરી આ પરપોટાની વાણી?

આંખ ખોલું તો મોસૂઝણું
ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચવા વચ્ચે
આપણી છે ઠકરાત
પળમાં પ્રગટે ઝરણાં જેવી કોઈની રામકહાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

ટહુકો નભમાં છલકી ઊઠે
એટલો હો કલરવ
સાંજનો કૂણા ઘાસ ઉપર
પથરાયો પગરવ
લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

- દિલીપ જોશી

યુગોથી માનવી સુખ પાછળ ભાગતો રહ્યો છે. સુખ પાછળની આંધળી દોટે જ તો માણસને ગુફામાંથી નીકળીને ઘર બાંધવાનો અને ખેતી કરવાનો વિચાર આપ્યો. વધારે સગવડો પામવાની ભૂખે જ તો પૈડું શોધ્યું, વાહનો શોધ્યાં, વિમાન ઉડાડ્યુંં… વળી એનાથી સંતોષ નહોતો તો મનોરંજનનાં સાધનો વિકસાવ્યા… નાટકો, કવિતાઓ, વાર્તાઓ જેવી કલાઓ રચી. એ કલાને વધારે પ્રાણવાન બનાવવા રેડિયો, ટીવી મોબાઇબલ ઉમેરાયાં. આ બધુ જ માણસની સુખની ભૂખ સંતોષવા માટે જ ને! પણ સુખ છે શું? એક મૃગજળ? કે જે દૂરથી પાણી હોવાનો ભાસ કરે, પણ પાસે જઈએ તો કશું નહીં! કે પછી આકાશના દૂરના તારા? જેને જોઈ શકાય, પણ સ્પર્શી ન શકાય! કે પછી આપણી અંદર રહેલો એક છુપો ઇચ્છાનો રાક્ષસ, જેને આપણે ગમે તેટલું સુખ આપીએ છતાં તે ભૂખ્યો ને ભૂખ્યો રહે છે.

ઓશો રજનીશે એક વાર્તા કહેલી. એક જ્ઞાની ઋષિ હતા. ધોધમાર વરસતા વરસાદમાં અડધી રાત્રે એક માણસ તેમની પાસે આવી ચડ્યો. અને પૂછ્યું, પ્રભુ મને જણાવો કે સુખ શું છે? અડધી રાત, વરસાદ, અને હાંફળોફાંફળો માણસ… ઋષિ કહે, ભાઈ બેસ, થાકી ગયો હોઈશ. આ જો કેટલો સરસ વરસાદ આવે છે. પેલો માણસ કહે હું ઉતાવળમાં છું.

આપણી એ જ તકલીફ છે, આપણે હંમેશાં ઉતાવળમાં હોઈએ છીએ અને ઉતાવળિયો ક્યારેય આનંદ નથી પામી શકતો. પેલા માણસે ફરી કહ્યું, ગુરુજી મને જલદી જણાવો સુખ એટલે શુંં? ઋષિએ એક ટોપલી તરફ આંગળી ચીંધીને કહ્યું, જો પેલી ટોપલીમાં બે ફળ છે, એક ખાઈશ તો તને આનંદનો અનુભવ થશે અને બીજું ફળ ખાઈશ તો આનંદનું જ્ઞાન થશે. પણ એ ફળની ખાસિયત એ છે કે જો કોઈ પણ એક ફળ ખાઈશ તો બીજા ફળનો સ્વાદ નહીંં આવે. આપણા જીવનમાં પણ એ જ થાય છે. જો સુખનું જ્ઞાન થાય તો અનુભવ નથી થતો અને અનુભવ થાય તો જ્ઞાન નથી થતું.

કવિ દિલીપ જોશીએ સુખની સરળ અને સચોટ વ્યાખ્યા કરી આપી છે. વરસાદ પછી ઝાડના પાદડાં પર કેટલો સમય પાણી ટકી રહે છે? વહેલી પરોઢે ઘાસ પર ઝાકળ ક્યાં સુધી ઝમેલું રહે છે? સુખનું અસ્તિત્વ પણ જીવનમાં એટલુંં જ હોય છે. એક રીતે સુખના છુપા તાર તમારા સુસુપ્ત સમજણ સાથે જોડી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી તમે માનશો નહીં ત્યાં સુધી સુખી થશો નહીં. અર્થાત્ સુખ આંતરિક અનુભવમાં રહેલુંં છે, બાહ્ય વસ્તુમાં નહીંં. અંધકાર એ આશ્વત છે, પ્રકાશ નહીં. પ્રકાશિ થવા માટે કશુંક ને કશુંક પ્રગટતું હોવું જોઈએ. આપણે દિવસે અજવાળું મળે છે, કારણે કે નભમાં સૂર્ય સતત તપી રહ્યો છે. રાત્રે આપણને અજવાળું મળે છે, કારણ કે આપણે વીજળીનો ઉપયોગ કરીએ છીએ. લાઇટની સ્વીચ પડે છે ત્યારે કશેક વીજળી બળતી હોય છે. જ્યારે અંધકાર માટે એવું નથી. લાઇટ જશે એટલે આપોઆપ અંધકાર થઈ જશે, અર્થાત્ સુખના અજવાસ માટે સતત કોઈ ઊર્જા પ્રગટેલી રહેવી જોઈએ. અને એ ઊર્જા બહાર ક્યાંય નથી. બહાર સુખનું સરનામું ક્યાં છે એની તો કોઈને ખબર નથી.

લોગઆઉટઃ

સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;

સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો?
સુખનું સરનામું આપો.

- શ્યામલ મુનશી