ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
હું ને મારું ફળિયું,
એકબીજાની આંખે વળગી, બની જતાં ઝળઝળિયું.
પગરવનાં એંધાણ મળે તો ફૂટે હરખની હેલી;
રોમ રૂવાંડા દોટ મૂકે છે ખખડે જ્યારે ડેલી.
જેમ રેત પર પાણી વહેતું, એમ વહે છે તળિયું,
હું ને મારું ફળિયું.
સાંજ પડે ને એકલવાયાં, ભાંભરતાં અજવાળાં;
અંધારાની અંદર પુરી, કોણે માર્યાં તાળાં?
હું ને ફળિયું બહુ હાંફતાં, તાળી પાડે નળિયું,
હું ને મારું ફળિયું.
કેટકેટલાં સુખ ચાવ્યાનાં, સ્મરણ સ્વાદમાં ઝૂલે;
કંઈક જનમની પીડા લઈને, બળ્યાં-ઝળ્યાંતા ચૂલે.
કાંઈ નથી આ નગર હવેલી, એ તો ખાલી ઠળિયું,
હું ને મારું ફળિયું.
- નરેશ સોલંકી
આજે જ્યારે બહુમાળી બિલ્ડિંગના વધતા વસવાટમાં આંગણા ઓછાં થતાં જાય છે, ત્યારે નરેશ સોલંકીની આ કવિતા ખાસ ધ્યાનથી વાંચવા જેવી છે, માત્ર વાંચવા જેવી જ નહીં, અનુભવવા જેવી પણ છે. જૂની સ્મૃતિના પટારાને ખોલીને ફળિયામાં જીવાયેલી જિંંદગીનાં થોડાંક ચિત્રો આંખની ઝાંખી થઈ ગયેલી દીવાલ પર ચીતરવા જેવાં છે. એપાર્ટમેન્ટની અટારીએ બેસીને બહાર ચાલતાં વાહનો જોવા ટેવાઈ ગયેલી આંખોને ફળયે ઊગેલાં ફૂલોનાં દર્શન કરાવવાની જરૂર છે, તેની મહેકથી મઘમઘતી કરાવવાની જરૂર છે. ઘરનુંં બારણુંં ખોલતાની સાથે લિફ્ટમાં ગોઠવાઈ જતુંં શરીર ફળિયાથી ટેવાયેલું નથી હોતું. આજે, ઘણાં બાળકોને ફળિયામાં રમવાનું કહેશો તો પણ બાપડાં મૂઝાંશે, પૂછશે- એ વળી કઈ જગા?
એક ફળિયું કેટકેટલી ઘટનાનું સાક્ષી હોય છે.
બાળપણમાં મિત્રો સાથેની રમતો, ઝઘડાઓ, ખાટામીઠાં અનુભવોનો એક આખો યુગ જિવાયો હોય છે ફળિયામાંં. જ્યાં દીકરીની પાપા પગલીઓ પડી હોય છે, જ્યાં દીકરીએ પોતાના મખમલિયા હાથે રંગોળી પૂરીને આંગણાને અવસરવંતું કર્યું હોય છે, જે બારણે દીકરીએ લીલાં તોરણ લટકાવી આખા ઘરને હરિયાળું કર્યુંં હોય છે, એ દીકરીની વરવી વિદાયનું સાક્ષી પણ હોય છે ફળિયું. એ જ ફળિયું કોઈ નવવધૂના આગમનની ઉજવણીનુંં મૂક છતાં જીવંત દૃષ્ટા પણ હોય છે. દિવાળી જેવા તહેવારમાંં દીવડાં જ નથી પ્રગટતાં, એ ફળિયામાં આખા ઘરનો ઉમંગ અજવાળું થઈને પથરાતો હોય છે.
કવિ કાગે લખ્યું છે- તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે… ફળિયુંં આતિથ્યના મંદિરનું પ્રથમ પગથિયું છે. કેટકેટલા અતિથિઓને મળતો આદર અને પ્રેમ તેણે સગી આંખે નિહાળ્યો હોય છે. સારા-નરસા પ્રત્યેક સમાચાર સૌથી પહેલાં તેણે સાંભળ્યા હોય છે. જાણે અજાણે, પૂછીને કે ચોરીછૂપીથી આવેલાં દરેક પગલાંનો હિસાબ તેની પાસે હોય છે.
સુખ-દુઃખની વાતો, હસી-મજાક અને ટોળટપ્પાં, ખીખિયાટાં અને દેકારાં, તોફાની છોકરાઓની ફરિયાદો અને વહાલાંદવલાં, અઢળક ઊભરાતા પ્રેમના પ્રસંગો અને ઝઘડાની જમાવટ, બધું જ ફળિયાએ સાક્ષીભાવે જોયું હોય છે.
આજે જ્યારે ઘરમાંથી આંગણું ગાયબ થતું જાય છે, ત્યારે માત્ર અમુક ચોરસવારની જગ્યા ઓછી નથી થતી, પણ એક આખી જીવંત સંસ્કૃતિ ભૂંસાતી જાય છે. બાળકોના ઉછેરથી લઈને, યુવા યુગલોના રોમાન્સ સુધી, આધેડ દંપત્તિથી લઈને વૃદ્ધાવસ્થાના ઊંબરે ઊભેલ વ્યક્તિઓના અનુભવ-ભાથા સુધીના તમામ લોકોના જીવનમાં ફળિયુંં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગાઢ અસર કરતુંં હોય છે. ફળિયું જવાથી એક પરંપરા આછી થતી હોય તેવો અનુભવ પણ થાય.
આજના સમયમાં ફળિયાવાળા ઘર હોવા એ મોઘીં મૂડી છે. કવિ નરેશ સોલંકીએ ફળિયામાં જીવાતી જિંંદગીને માત્ર કવિતામાં નથી પરોવી, પણ વાંચનારનાં હૃદયમાં પરોવી છે. જેણે ફળિયાની જાહોજલાલી ભોગવી છે, તેમને તો પ્રત્યેક પંક્તિ સ્મરણોત્સવ જેવી છે.
ઘર, ઉંબર અને ફળિયું એ સ્થાન નથી, અનુભૂતિ છે, વાંચો ભગવતીકુમાર શર્માની આ કવિતામાં.
લોગઆઉટઃ
હું ‘હું’ ક્યાં છું? પડછાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં;
હું જન્મોજન્મ પરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
તું રાત બની અંજાઈ જજે આ ગામનાં ભીનાં લોચનમાં;
હું ઘેનભર્યું શમણાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
આ માઢ,મેડી ને હિંડોળો ફોરે છે તારા ઉચ્છવાસ્;
હું હિના વગરનો ફાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
કંકુ ખરખર, તોરણ સૂકાં, દીવાની ધોળી રાખ ઊડે;
હું અવસર એકલવાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં
સાન્નિધ્યનો તુલસીક્યારો થૈ તું આંગણમાં કૉળી ઊઠે;
હું પાંદ-પાંદ વીખરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
શ્વાસોના પાંખાળા અશ્વો કંઈ વાંસવનો વીંધી ઊડ્યાં;
હું જડ થઈને જકડાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
ગઈકાલના ઘૂઘરાઓ ઘમક્યા, સ્મરણોનાં ઠલવાયાં ગાડાં;
હું શીંગડીએ વીંધાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
– ભગવતીકુમાર શર્મા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો