થોડા દિવસ પહેલા જ Khaled Hosseiniની ‘The kite runner‘ નવલકથા પૂરી કરી.
આ નવલકથા માત્ર એક કથા નથી, પરંતુ દોસ્તી, અપરાધ, પ્રેમ, ધર્મ, રાજકારણ, આતંકવાદ અને માનવતાવાદ જેવાં અનેક લેયર્સની ઝાંખી કરાવતું દર્પણ છે.
સમગ્ર વાર્તા અફઘાનીસ્તાનના બે છોકરા-આમીર અને હસન-ની આસપાસ ફરે છે. એક છે માલિકનો છોકરો, બીજો નોકરનો. પણ બાળપણના દિવસોમાં આવો ભેદ ઓગળી જતો હોય છે. પતંગની સ્પર્ધા, બાળપણની રમતો, એકબીજાને કરાયેલા ભોળા વાયદાઓથી કથામાં માસુમિયત આવે છે. પરંતુ જેવા સામાજિક, રાજકિય અને આર્થિક પરિવર્તનોનાં પગલાં પડે છે કે તરત માસૂમિયત મહાત્રાસમાં ફેરવાઈ જાય છે. સૌથી મહત્ત્વની વાત એ કે નવલકથા માત્ર અફઘાનિસ્તાનની સામાજિક-રાજકીય પરિસ્થિતિની વાત નથી કરતી, પરંતું માણસના મનમાં રહેલા અપરાધભાવ અને પસ્તાવાની મોટી પાળ બાંધે છે, જેમાં વસવવસાનું જળ સંઘરાયેલું હોય છે.
પ્રેમ અને ઈર્ષા, વફાદારી અને પ્રામાણિકતા, ધર્મ અને ધાર્મિક અંધતા, ગરીબી-અમીરી, સન્માન-અપમાન જેવી અનેક વાતોને સ્પર્શીને લેખક આપણને આપણા અમુક અંગત વસવસા તરફ ખેંચી જાય છે. ભૂતકાળમાં કરેલી ભૂલો ક્યારેક જીવનભર પીછો નથી છોડતી. સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ અંદર ને અંદર ઘૂમરાતી રહે છે.
ખાલીદ હુસૈનીની શૈલી સરળ અને હૃદયસ્પર્શી છે. એક વાર વાંચવાનું શરૂ કર્યા પછી પુસ્તકને અધવચ્ચે મૂકવું અઘરું છે. વાર્તાનું સ્ટ્રક્ચર, પાત્રો અને શૈલી તમને ચૂંબકની જેમ ખેંચ્યા કરશે. આ પુસ્તક એવા લોકોને પણ ગમશે, જેમને વાંચવાનો શોખ નથી.
ગુજરાતી વાંચવા માગતા લોકો માટે આનંદની વાત છે. નવભારત સાહિત્ય મંદિરે ગુજરાતી અનુવાદ પ્રકાશિત કર્યો છે.
રસ ધરાવતા મિત્રો નીચેની લિંક પરથી ખરીદી શકશે
- ગુજરાતીઃ ધ કાઈટ રનર
- હિન્દીઃ ध काइट रनर
- અંગ્રેજીઃ The Kite Runner
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો