ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
આવો તો સંવાદ રચીશું સપનામાં
ઊંઘ અમે રાખી છે નહિતર અથવામાં.
ધીમે ધીમે એની આદત થઈ ગઈ છે
વર્ષોથી છું ખાલીપાના કબજામાં.
લોકો વચ્ચે જલદી વહેતાં કરવા’તા,
તેથી સત્યો ફરતાં કીધાં અફવામાં.
કૂંપળ ફૂટું ફૂટું થાતી જોઈને
પીળા પાને વાર ન કીધી ખરવામાં
સહેલો ક્યાં છે સતરંગી દુનિયાનો ત્યાગ ?
કંઈક તો આકર્ષણ હોવાનું ભગવામાં.
એની સામે કાયમ સાચુ રહેવું છે
દુનિયા સામે છો ને દંભી પડદામાં.
તેથી અમને લગની લાગી ગઝલોની
આપ રહ્યા છો હરદમ એના મત્લામાં
– શબનમ ખોજા
ગુજરાતી ગઝલ સાથે સંવાદ કરતી કવયિત્રી શબનમ ખોજા ‘તસ્બીહના બે પારા વચ્ચે’ પોતાનું તેજ મૂકે છે. એ શબ્દનું તેજ ભાવકને પણ પ્રકાશિત કરે છે. સરળ બાનીમાં સહજ કાવ્ય રચતી તેમની કલમ વર્તમાન ગુજરાતી કવયિત્રોમાં પોતાની આગવી છાપ ઉપસાવે છે.
આપણે હંમેશાં શબ્દોની સડક પર ચાલીને સંવાદ રચવા ટેવાયેલા છીએ. પણ નજરથી બંધાતા પુલ ક્યારેક શબ્દમાંથી નીકળતા અર્થને ઓળંગી જાય છે. વાણીના વહેણ કરતા કરતા મૌનનું કહેણ વધારે ધારદાર હોય છે. કવિને અહીં સંવાદ તો રચવો છે, પણ સપનામાં. જો પ્રિયતમ આવે તો સ્વપ્નમાં સંવાદની સાખે બેસીશું, વાતો કરીશું, પણ જો ન આવે તો આરામથી ઊંઘી જઈશું. તમે આવશો એવી પ્રતીક્ષાનું પોટલુંં ઊંચકીને શું કામ ઊભા રહીએ? અમે તો એ જ પોટલાને ઓશીકું બનાવી નીરાંતે પોઢીશું. પણ હા, જો તમે આવશો તો જાગીને સંવાદની રંગોળી પૂરીશું એમાં ના નહીં.
ગાલિબે કહેલું, दर्द का हद से गुज़रना है दवा हो जाना. વ્યથા વધી જાય ત્યારે એ પોતે જ ઇલાજનું સ્વરૂપ લઈ લે છે, જેમ પાણીનું એક ટીપું સમંદરમાં ભળીને સમંદરનું રૂપ લઈ લે છે! અહીં કવિના જીવનમાં વ્યથા દરિયાની જેમ મોટી થઈ ગઈ છે એમ નથી, પણ ખાલીપાની બેડીઓ એટલા વર્ષોથી જડાઈ છે કે હવે તે એક ટેવમાં પરિણમી ગઈ છે - આદત બની ગઈ છે. જેમ હાથીના નાના બચ્ચાને જન્મથી એક નાના દોરડાથી બાંધી દેવામાં આવે, તે ગમે તેટલું છૂટવા પ્રયત્ન કરે, તો પણ છૂટી નથી શકતું, પછી જ્યારે તે મોટા હાથીનું સ્વરૂપ ધારણ કરે - દોરડાને એક ઝાટકે તોડી નાખવાની ક્ષમતા પામી લે, છતાં દોરડુંં તોડતો નથી કેમ કે એ દોરડું એની આદત બની ગયું છે. કવિ ખાલીપાના દોરડે વર્ષોથી બંધાઈ ગયેલા છે, અને હવે એ ખાલીપો આદત બની ગયો છે.
માર્ક ટ્વેને કહેલું, “જ્યાં સુધીમાં સત્ય પોતાનાં પગરખાં પહેરી રહે, ત્યાં સુધીમાં તો જૂઠ આખી દુનિયામાં ફરી વળ્યુંં હોય છે.” હિટલરના મંત્રી ગોબેલ્સે પણ કહેલું કે, એક જુઠ્ઠાણું સોવાર બોલવામાં આવે તો તે સાચું થઈ જાય છે.
લોકો વારંવાર જે સાંભળે છે તે સત્ય માની લે છે. ભાગ્યે જ કોઈ હકીકતની પુષ્ટિ કરે છે. બધા એમ જ માને છે કે આટલા બધા લોકો તો ખોટું ના જ બોલતા હોયને? ઈસપની એક કથા સરસ કથા છે, તેમાં નવ્વાણું પૂંછડી વગરના વાંદરા એક પૂંછડીવાળા વાંદરા પર હસતા હતા. અરે આને તો પૂંછડી છે, કેવો વિચિત્ર વાંદરો છે આ! પણ પૂંછડી એ વાંદરાનો મુખ્ય આધાર છે - લાંબી છલાંગો મારવા અને કૂદવા માટે, એ પેલા નવ્વાણું વાંદરા ભૂલી જાય છે. એ પોતાના બાંડિયાપણાને જ સત્ય માની લે છે. આપણે પણ બહુમતીને જ ખરી સમજવાની ભૂલ કરી બેસીએ છીએ. સત્ય એકલું હોય કે ટોળામાં સત્ય સત્ય જ રહે છે. પણ સત્યની ચાલ બહુ ધીમી હોય છે, એના માર્ગમાં અનેક શંકાના પથ્થરો પડ્યા હોય છે, એને હટાવટા હટાવતા એણે આગળ વધવું પડે છે, પણ અફવા તો પર્વતોને ઓળંગીને પણ પળમાં પહોંચી જાય છે. આ વાત કવિ સારી રીતે સમજે છે, એટલે તેમણે સત્યનું મોતી જ અફવાના ધાગામાં પરોવી દીધું.
શબનમ ખોજાની ગઝલ અર્થસભર છે, તેના અન્ય શેર ભાવકના આનંદને સમર્પીને લોગાઉટ કરીએ, તેમના જ બે શેરથી-
લોગઆઉટઃ
વાત સુધરી શકે, વાત જો થાય તો,
આટલી વાત બંનેને સમજાય તો!
આપ સીધા જ રસ્તે જતા હો અને
માર્ગ સામે ચડી જાતે ફંટાય તો?
- શબનમ ખોજા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો