ક્યાં સુધી કરગરે; દવા પીધી, બે જણે આખરે દવા પીધી.




લોગઇનઃ

ક્યાં સુધી કરગરે; દવા પીધી,
બે જણે આખરે દવા પીધી.

ના ખૂણેખાંચરે ગયાં બન્ને,
જઈ ખુલા ખેતરે દવા પીધી.

ભીંત ભાંગી પડી છે ઢગલો થઈ,
છત અને ઉંબરે દવા પીધી.

દ્વાર ભીડીને ગામ બેઠું'તું,
એટલે પાદરે દવા પીધી.

પાંખ ગીરવે પડી'તી પક્ષીની
શું કરે? પિંજરે દવા પીધી.

જાવ... વિદ્યાના ધામ બંધાવો,
આંધળા અક્ષરે દવા પીધી.

સાક્ષરો પેનથી રડી લેશે,
હાય...રે, હાય...રે દવા પીધી!

- પારુલ ખખ્ખર

આ કવિતા વાંચીને તમારા મનમાં તાજેતરમાં મધ્યપ્રદેશમાં બનેલી હીચકારી ઘટના ચોક્કસ આવી જશે. કેમકે આ કવિતા પણ એ જ ઘટના સંદર્ભે લખાયેલી છે. આ સમગ્ર ઘટનાના ફોટોગ્રાફ અને વીડિયો જોયા પછી કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિની આંખ ભીની ન થાય તો જ નવાઈ.

દલિત દંપતીએ વાવણી માટે જમીન ભાડે રાખી હતી. તેની પર મોલ ઊભો હતો. આ ઊભા પાક પર સ્થાનિક તંત્ર બુલડોઝર ફેરવવા આવી પહોચ્યું. કેમ કે આ જમીન પર એક કૉલેજ કોલેજ બનવા જઈ રહી છે. કોન્ટ્રાક્ટ એજન્સીએ તંત્રને જમીન ખાલી કરાવી આપવા કહ્યું. બાપડા ગરીબ પતિપત્નીએ પોલીસને હાથ જોડીને વિનંતી કરી કે પાક ઉભો છે ત્યાં સુધીનો સમય આપો. મોલ લેવાઈ જાય પછી તમે જમીન લઈ લેજો. છોકરાંઓ નાના છે અને માથે રૂ. ત્રણ લાખનું દેવું છે. પાક નહીં થાય તો કદી દેવામાંથી બહાર નહીં આવી શકાય, પણ જાડી ચામડી પર આવી સંવેદનાની અસર કંઈ થાય? તેમણે તો રીતસર જોહુકમી વાપરી. ખેતર ખાલી કરાવવા પતિ-પત્નીને ઢોર માર માર્યો. ન સંભળાયો બાળકોનો કલ્પાંત કે તેમની ગરીબાઈની મરણચીસ. બિલ્ડરોના તરફદાર સરકારે તે માન્યું નહીં. ઉલટાનું તેના ભાઈ, પત્ની અને અન્ય પરિવારજનોને માર માર્યા. આખરે આ અન્યાયથી કંટાળી દંપતીએ દવા પી લીધી. આ ઘટનાને કવયિત્રી પારૂલ ખખ્ખરે ગઝલમાં ઉતારી.

તંત્ર સામે ક્યાં સુધી કરગર્યા કરે? કોઈ સાંભળનાર તો છે નહીં. પોલીસનું કામ તો પ્રજાના રક્ષણનું છે, રક્ષક જ ભક્ષક બને ત્યારે સામાન્ય લોકોનું શું? સરકાર માઈબાપ કહેવાય. એ આવું કરે તો આવા ગરીબડાં લોકોનું શું? રોજનું કમાઈ રોજ ખાનારા આવા લોકો ક્યાં ક્યાં કેટલે કેટલે પીલાતા હશે, પીંખાતા હશે એનો તો હિસાબ જ ક્યાં છે આપણી પાસે? આ એક ઘટના સામે આવી, આવી સેંકડો ઘટનાઓ સામે આવ્યા વિના અંધારિયા ખૂણામાં બન્યા કરતી હશે. અનેકો ગરીબો આવાં રાક્ષસી અન્યાય તળે કચરાતાં હશે. તેમનો અવાજ સાંભળનાર કોઈ નથી. બધાએ પોતાના દરવાજા વાસી દીધા છે. પાંખો ગિરવે મુકાઈ હોય એવાં પંખીએ વળી ઉડવાનું શું? એના નસીબમાં તો પીંજરાં જ લખાયેલાં હોય છે. પીંજરા લખનાર તે વળી કોણ? સમાજ જ ને! પાયામાં આવો કરપીણ અન્યાય દાટીને એ જગાએ હવે વિદ્યાપ્તાપ્તિ અર્થે કૉલેજ બનશે. જેના પાયામાં જીવલેણ અન્યાય પડ્યો હોય, કોઈ નિર્દોષની આંતરડી કકડી હોય ત્યાં કૉલેજ તો શું મંદિર પણ ન બનાવવું જોઈએ. આ ગરીબ દંપતીએ ખેતરમાં ભાવિના સપનાં વાવ્યાં હતાં, આ સપનાં જ એમને દેવામાંથી ઉગાવાના હતાં. પણ તેમનું સપનું હણાઈ ગયું. પાશે કહ્યું છે તેમ, સબસે ખતરનાક હોતા હૈ હમારે સપનોં કા મર જાના. સપનું મર્યા પછી જીવીને શું કરવાનું? દંપતીએ દવા પી લીધી.

આવાં અન્યાય સાંભળીને કોઈ પણ માણસનું હૈયું કકડી ઊઠે. આવા સમયે કવિની કલમ કલ્પાંત ન કરે તો જ નવાઈ. આ આ કલ્પાંત એકાદ સત્તાધીશને કાને પણ અથડાય તો એ સાર્થક. એક કવિતા લાખો લોકોમાં સંવેદના જગાડી શકે છે. પણ દુર્ભાગ્ય એ કે એ લાખો લોકોમાંથી એક પણ નેતા કે ઉચ્ચ સત્તાધીશ નથી હોતો. તેમના થકી કરાયેલી વાહ માત્ર જે તે સભા પૂરતી રહી જાય છે. ન જાણે ખુરશીમાં બેઠા પછી કોઈ પણ માણસની સંવેદના મરી જતી હશે કે શું?

કોઈ પણ અન્યાય હોય તેમાં છેવટે તો ગરીબોને જ ભોગવવાનું થાય છે. આજે પણ કરસનદાસ માણેકની આ કવિતા કેટલી જીવંત લાગે છે!

લોગઆઉટ

મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે!

ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે!

ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે!

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે!

કામધેનુને મળે ના એક સુકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે!

છે ગરીબોના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે!

- કરસનદાસ માણેક

ગુજરાત સમાચારમાં દર રવિવારે, રવિપૂર્તિમાં આવતી મારી કોલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ...


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો