શ્વેત ચાદર ને ફૂલોના હારનો ઉપહાર

શ્વેત ચાદર ને ફૂલોના હારનો ઉપહાર આપ્યો,
મૃત્યુ વેળાએ તમે જબરો વળી શણગાર આપ્યો!

સૌપ્રથમ તો આગિયાની આંખનો ચમકાર આપ્યો,
ને પછીથી સૂર્યની સામે થવા પડકાર આપ્યો.

આપતાં તો આપી દીધા હાથ બે દમયંતિના પણ,
તો પછીથી કેમ માછીમારનો અવતાર આપ્યો?

પાંદડુંયે જો હલાવ્યું તો ખબર મેં મોકલાવ્યાં,
મૂળ સોતાં ઝાડ તેં કાપ્યાં, છતાં અણસાર આપ્યો?

આ તો એનું એ જ ને, આમાં અમારી મુક્તિનું શું?
ઈંટમાંથી બ્હાર કાઢી ભીંતનો આકાર આપ્યો.

- અનિલ ચાવડા

આ ગઝલનો વીડિયો પણ જુઓઃ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો