છેક પેલે પારથી આવેલું તેડું...

છેક પેલે પારથી આવેલું તેડું હોય;
ગામમાં મારી વ્યથાઓનું ફુલેકું હોય!

એમ પીડાઓ બધી બેઠી છે જીવન પર,
કોઈ પંખી પર ચડીને ઝાડ બેઠું હોય.

કંઈ યુગોથી ચૂકવે પર્વત નદી રૂપે,
એની પર દરિયાનું જાણે કોઈ દેવું હોય.

નોકરીએ ક્યારનું લાગી ગયું છે એ,
દુઃખ મારામાં રહે, બેકાર શેનું હોય?

જોઈ ઈશ્વરને ચહેરો એમ લાગે છે,
કે જીવન જાણે પરાણે ના દીધેલું હોય!

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો