ચાલો રમીએ મીરાં મીરાં...

મસ્ત બનીને આજ ફકીરા, ચાલો રમીએ મીરાં મીરાં;
અંગ અધીરાં શ્વાસ અધીરા, ચાલો રમીએ મીરાં મીરાં.

ગોકુળથી લઈ મથુરા, મથુરાથી મેવાડ લગી જે વ્હેતા,
એ સૂર બધાયે લીરે લીરા, ચાલો રમીએ મીરાં મીરાં.

ગીત-ગીતમાં પ્રીત-પ્રીતમાં રીત-રીતમાં અજબ-ગજબની,
છાની છલકે એક મદિરા, ચાલો રમીએ મીરાં મીરાં.

મોરપીંછની કલગી સાથે રંગ-રંગનાં સમણાં મારાં,
સઘળાં બોલ્યાં ધીરાં ધીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.

રોમરોમમાં આજ અચાનક લાગ્યું એવું તીણું તીણું,
રણક્યાં છાતી વચ મંજીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો