ટળવળવાનું સોંપે તું...

ટળવળવાનું સોંપે તું, ભડભડ બળવાનું સોંપે;
અંધારાના દેહ બનાવી ઝહળહળવાનું સોંપે!

આપ હુકમ તું વહેવાનો ને ભીનું ભીનું કહેવાનો,
ઝરણા જેવું કશું નહીં ને ખળખળવાનું સોંપે.

સીધી ધાર કરે છે કે મારી પર વાર કરે છે?
પથ્થરનાં બે પૈડાં આપી જળ દળવાનું સોંપે!

વૃક્ષ હતો તેં કાપ્યો, પાછો કાપી ટેબલ કીધો,
ટેબલ જેવી નિર્જીવતામાં સળવળવાનું સોંપે.

નામ ન દે તું, ઠામ ન દે તું, દે ના એક્કે શબ્દો,
પળપળ પાછું એક જ ધારું ગણગણવાનું સોંપે.


- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો