વો કાગજ કી કશ્તી વો બારીશ કા પાની...!

ગુજરાત સમાચારમાં દર રવિવારે, રવિપૂર્તિમાં આવતી મારી કોલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ


લોગઇનઃ

મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ...
આમ તો હું હોઉં ચાર દીવાલે બંધ,
આમ ઉઘાડી આંખ તોયે ઝાઝેરો અંધ,
જરા ઢાળું જ્યાં પોપચાં ત્યાં શૈશવની શેરીના
વ્હેતા તે રેલામાં કાગળની હોડીનો આવે રે સાદ...
મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ...

પછી છબછબાછબ અને ધબધબાધબ,
પછી ઉઘાડી કાય ઢાંકે ફોરાં ગજ્જબ,
થપ્પથપ્પાથપ્પ નાના પગના પંજા પે રચ્યા રેતીના
કૂબાથી ‘ભોગળ તોડીને ભાગ’ આવે છે નાદ....
મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ...

હવે ઘરને આધાર રહ્યા કોરાકટ્ટાક મારા ઉઘાડું
પોપચાં કે ભીતર ને બ્હાર બધે કેવો સંવાદ...
મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ...

- ધીરુ પરીખ

વરસાદ પર એકે કવિતા ન લખી હોય તેવો કવિ ભાગ્યે જ કોઈ હશે, અને જો હોય તો સમજવું કે તેની કવિતા હજી સૂકી છે. અંદરથી સૂકાયેલા માણસને બહારનો વરસાદ પલાળી શકતો નથી. વરસાદ અને કવિનો સંબંધ તો મોર અને વાદળની ગર્જના જેવો છે. ફોનની રિંગ વાગતાની સાથે ઘરમાં રહેલું બાળક હરખાઈને ફોન આયો... ફોન આયો... એમ પોકારવા માંડે, તે જ રીતે આકાશમાં મેઘગર્જના થાય ત્યારે કુદરતના વાદળરૂપી ફોનકોલને પિછાણીને મોર પેલા મુગ્ધ બાળક જેમ મેઘ આયો... મેઘ આયો... બોલવા લાગે છે. મોરનો સંબંધ વાદળગર્જના સાથે એવો જ કવિનો વરસાદ સાથે.... એમાંય બાળકો માટે વરસાદનો આહલાદ તો કોઈ કાળે વર્ણવી શકાય એમ નથી. બાળક થઈને વરસાદમાં ઝૂમવા સામે બધાં જ સુખ તુચ્છ છે. ધીરુ પરીખે બચપણની મસ્તીને વરસાદના રંગે રંગી છે. ધોધમાર પડતો વરસાદ જોઈને ઘરડા પણ થનગડી ઊઠતા હોય તો બાળક શેનું હાથઝાલ્યું રહે. ઘરમાં બંધ રહેવા છતાં તેને તો બહારની શેરી જ સાદ દીધા કરતી હોય છે. તેનું મન તો ક્યારનું કાગળની હોડની જેમ પાણીમાં તરતું મૂકાઈ ગયું હોય છે.
વરસાદી બચપણની વાત આવે અને સુદર્શન ફાકિરની જગજિતે ગાયેલી ગઝલ યાદ ન આવે એવું બને?

યે દોલત ભી લે લો યે શોહરત ભી લે લો,
ભલે છીન લો મુઝસે મેરી જવાની.
મગર મુજ કો લૌટા દો બચપન કા સાવન,
વો કાગજ કી કશ્તી વો બારીશ કા પાની.

પૈસા-માન-મોભો બધું જ લઈ લો, પણ મને મારો બાળપણનો વરસાદ આપો. યુવાની કે વૃદ્ધાવસ્થાનો નહીં. આ નોંધવા જેવું છે. બાળક થઈને મોજમસ્તી કરવાની જે મજા પડે છે તેની સામે સ્વર્ગ ટૂંકું પડે. એટલે જ સુદર્શન ફાકિરે કહ્યું કે ભલે છીન લો મુઝ સે મેરી જવાની. લોકો તો જવાનીને ઝંખતા હોય છે, આપણે ત્યાં તો રાજા યયાતિની આખી કથા છે. યયાતિને શુક્રાચાર્યે શ્રાપ આપ્યો કે જા તું જરાગ્રસ્ત થા. યયાતિ ઘરડો થઈ ગયો. તેણે શુક્રાચાર્યની માફી માગી અને યુવાની પરત આપવા કહ્યું. શુક્રાચાર્યે કહ્યું કે જો તારો કોઈ પુત્ર તારું ઘડપણ લે તો તું ફરી યુવાન થઈ શકે. યયાતિએ પોતાના દીકરાઓને કહ્યું કે મને તમારી જવાની આપો અને મારું ઘડપણ લો. કોણ પોતાની જવાની આપવા તૈયાર થાય? છેવટે સૌથી નાનો દીકરો પુરુ રાજી થયો. એણે યુવાની આપી ઘડપણ સ્વીકાર્યું. દીકરાની યુવાની પણ ભોગવી લેવાની કથાઓ આપણે ત્યાં છે, ત્યારે કવિ સામેથી કહે છે કે મારી યુવાની લઈ લો પણ મને બાળપણનો એ વરસાદ પરત આપો.

પાણીમાં છબછબિયાં કરવાં, વરસાદી ફોરાં ઝીલવાં, કોઈ મકાનેથી પડતા દંદૂડા નીચે ઊભા રહેવું... કાગળની હોડીને તરતી મૂકી તેની પાછળ દોડવું... આ બધા સુખ પાછળ તો ત્રણે લોક કુરબાન... ધીરુ પરીખે આ કવિતામાં બાળપણના એ વરસાદી સુખને આબાદ ઝીલ્યું છે. ધીરુ પરીખે વર્ષો સુધી કવિતા સેવી છે. બુધસભાના મોભી તરીકે રહી અનેક યુવા કવિઓને દોરવણી આપી છે; અને આ દોરવણી તેમની અંદર જીવંત રહેતા ખરા કવિને પ્રતાપે છે. એવો કવિ કે જેનો જીવ વરસતા વરસાદમાં બાળક જેમ છબછબિયા કરવા માંડે, એવો કવિ કે જેનું મન કાગળની હોડીની જેમ વરસાદમાં તરતું મુકાઈ જાય.

તેમની જ એક અન્ય વરસાદી કવિતાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

ગોરંભ્યું આકાશ ઝર્યું,
અહીં ઝરમર ઝરમર ફોરાં,
ભીંજ્યાં અંગો થોડાં
ને વળી થોડાં રહ્યાં જ કોરા!

તદાપિ ભીતર ભીંજ્યું એવું
ઉચ્છવાસે ઉચ્છવાસે ફોરી
ભીની માટીની ગંધ,
નસનસમાં ઊછળ્યાં નિર્ઝર નિર્બંધ,
ભીતર ધરણી આખી લીલંલીલી,
રોમરોમમાં તૃણશ્રી ખીલી,
તરડાએલું હતું વિસ્તર્યું,
ચારે પાસ સુકાણ...
આજ અચાનક થોડા ફોરે
લોઢલોઢનું તાણ!

- ધીરુ પરીખ


સુખ અને દુઃખ

સુખ અને દુઃખ નામના બબ્બે નિરંતર ધાંધિયા વચ્ચે;
તેં મને ભીડી દીધો છે સૂડીનાં બે પાંખિયાં વચ્ચે.

ક્યાં, જવું ક્યાં? જ્યાં સુધી પ્હોંચે નજર દરિયો જ દરિયો છે,
ને હું ઘેરાઈ ગયો છું આ ક્ષણોના ચાંચિયા વચ્ચે.

તારી આ અંગત ગણાતી ડાયરીનાં પેજ અંદર પણ,
સાવ અળગો રાખી મૂક્યો છે મને તેં હાંસિયા વચ્ચે.

છે સફરમાં આજ સૌનું સ્થાન મારાથી ઘણું નીચું,
હું સૂતો છું એકદમ આરામથી સૌ કાંધિયા વચ્ચે.

મારું આ ખાલીપણું મેં એક બાળક જેમ ઉછેર્યું,
છું અહીં હું એકલો સંતાનવાળો; વાંઝિયા વચ્ચે.

~ અનિલ ચાવડા

આ કવિતાનું પઠન પણ સાંભળોઃ


આવે? ના આવે?

હળવે હળવે મંદિરિયામાં હરજી આવે? ના આવે;
તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે? ના આવે.

જીર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે,
અને કહો છો ‘આવો સરજી’ સરજી આવે? ના આવે.

નવું નવું મંદિર ચણ્યાની જાહેરાતો દો છાપામાં,
બાયોડેટા લઈ ઈશ્વરની અરજી આવે? ના આવે.

તારી તમામ હદ છોડીને આવકાર તેં દઈ દીધો,
છોડ હવે તું ચિંતા; એની મરજી, આવે ના આવે.

આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ,
વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે? ના આવે.

– અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


ચોતરફ અજવાળું ઊઠી ગયું છે

ચોતરફ અજવાળું ઊઠી ગયું છે,
કોઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે.

મેં ચણાવી એક દીવાલ ભીતર,
કોક આ દીવાલ કૂદી ગયું છે.

તું ઊછળતી એક એવી નદી છે,
મારું જેમાં વ્હાણ ડૂબી ગયું છે.

કેમ તારામાંથી હું બ્હાર આવું,
દોરડું વચ્ચેથી તૂટી ગયું છે!

ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,
એટલે એ પાન ઝૂકી ગયું છે.

ડાળ પર પડઘાય છે એક ટહુકો,
ક્યારનું પંખી તો ઊડી ગયું છે.

– અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


કોઈ વીંટી જેમ અંગત...

કોઈ વીંટી જેમ અંગત એક ઘાવ પ્હેર્યો છે મેં;
આવ કે વર્ષોથી આ તારો અભાવ પ્હેર્યો છે મેં.

દુઃખની ના એક પણ રેખા જરાય જેવો મળે,
એમ આ ચ્હેરા ઉપર મારો સ્વભાવ પ્હેર્યો છે મેં.

કેમ ઉતારી શકું અદૃશ્ય વસ્ત્ર? સમજાવ તું,
એકદમ ભીતરથી આ તારો લગાવ પ્હેર્યો છે મેં.

હાથ મેં તારો ચૂમ્યો હું સાવ રેશમી થઈ ગયો,
એક રેશમ જેટલો સુંદર બનાવ પ્હેર્યો છે મેં.

જો અહીંથી કાઢવામાં આવશે તો હું ક્યાં જઈશ?
ચામડી અંદર સતત તારો પડાવ પ્હેર્યો છે મેં.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


વધારે કંઈ નથી

જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ વધારે કૈં નથી,
ને સમયના દાંત ચોખ્ખા રાખવાનાં દાંતણો છીએ વધારે કૈં નથી.

ઊંઘવું કે જાગવું કે બોલવું કે ચાલવું કે દોડવું કે હાંફવું;
આ બધામાં એકદમ કારણ વગરનાં કારણો છીએ વધારે કૈં નથી.

તું પ્રવાહિતાની જ્યારે વાત છેડે ને તરત હસવું જ આવી જાય છે,
મૂળમાં તો હિમશિલાની જેમ થીજેલી ક્ષણો છીએ વધારે કૈં નથી.

શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કે’વાય નૈં,
આપણે લોહી ભરેલાં ચામડીનાં વાસણો છીએ વધારે કૈં નથી.

– અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


આ નદીતટ, આ હલેસાં, આ પવન...

આ નદીતટ, આ હલેસાં, આ પવન, આ નાવ વાંચી લે;
પાણીના ચ્હેરા ઉપરના ભાવ ને દેખાવ વાંચી લે.

વાંચવાનો તો તને બહુ શોખ છે નહિ? તો પછી લે આ;
ગ્રંથની જેવા જ છે દળદાર મારા ઘાવ, વાંચી લે!

એ જ વંચાશે, ફરીથી વાંચ એનું એ જ વંચાશે;
હું શ્વસું છું માત્ર તારું નામ, પાસે આવ; વાંચી લે.

આટલા વરસાદની વચ્ચે અને આ વાદળો વચ્ચે,
સાત રંગોમાં કર્યો છે ઈશ્વરે પ્રસ્તાવ; વાંચી લે!

હું જ ખોદાતો રહ્યો છું, વાવ ખાલી નામ પાડ્યું છે,
તું તરત સમજી જઈશ, મારો જરા ઘેરાવ વાંચી લે.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


તું હવાની જેમ આવી આરપાર થઈ જા

તું હવાની જેમ આવી આરપાર થઈ જા,
આવ મારી સાવ સોંસરવી પસાર થઈ જા.

બેઉમાંથી એક તો તારે થવું જ પડશે,
રોગ થઈ જા કોઈ અથવા સારવાર થઈ જા.

સૂર્યના પ્હેલા કિરણ જેવો જ તું હૃદયમાં,
કોઈ સુંદર તાજગીભર્યો વિચાર થઈ જા.

હું તને ચાહી શકું મારા સરળ પ્રકારે,
ચાહવાનો એટલો સ્હેલો પ્રકાર થઈ જા.

હું ય લીલોછમ, અડીખમ ને સળંગ ભીનો,
તું ય મુશળધાર થઈ જા, ધોધમાર થઈ જા.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


ચમકે છે ચીજ ઝાઝી, સાચી ન હોય ત્યારે!


લોગઇનઃ

ચમકે છે ચીજ ઝાઝી સાચી ન હોય ત્યારે,
છલકાઈ જાય માણસ પાણી ન હોય ત્યારે.

દઈ દે ખુશીથી વસ્તુ વ્હાલી ન હોય ત્યારે,
વ્યાપાર એ કરે છે, મંદી ન હોય ત્યારે.

અજવાળવામાં અમને ફાળો ખરો તમારો,
આવો છો દીપ લઈને આંધી ન હોય ત્યારે.

ભવ ભવના ભેરુ માફક ભેટી પડો મળીને,
પણ હાથમાં તમારા બાજી ન હોય ત્યારે.

રાજીખુશીથી જાશે સીધી જ દાનપેટી,
પણ નોટ ક્યાંય જો એ ચાલી ન હોય ત્યારે.

- મેહુલ ભટ્ટ

ગુજરાતીમાં ગઝલો વધારે લખાય છે એવી ફરિયાદ વિવેચકો દ્વારા અવાર-નવાર થતી રહે છે. છતાં નવકવિઓ કમળ તરફ ભમરો ખેંચાય એમ ખેંચાઈ આવે છે અને એની મ્હેકમાં ખોવાઈ જાય છે. ખોવાય એટલું પૂરતું નથી, પણ પોતે અનુભવેલ આ સુગંધ ગઝલરૂપે સારી રીતે અવતારે પણ છે. મહેલ ભટ્ટ વિશે વધારે પરિચય નથી, પણ આ ગઝલ જોતા લાગે છે કે તે ગઝલની કાવ્યગૂંથણી સારી રીતે કરી જાણે છે. ગઝલસર્જનમાં રદીફ-કાફિયા અને છંદની જાળવણી ખૂબ મહત્ત્વની છે. જોકે આ તો માત્ર તેની બાહ્ય ગૂંથણી છે, આટલું તો કરવાનું જ છે. પરંતુ તેમાં વિચારોનું ઊંડાણ અને નાવિન્ય આવે તો સોનામાં સુગંધ ભળે. મેહુલ ભટ્ટની આ ગઝલ માણવી ગમે એવી છે.

આપણે ત્યાં ખોટ્ટા સિક્કાની વાત જગજાહેર છે. સાચા કરતાં તે વધારે આકર્ષક લાગતો હોય છે. આમ પણ એ જ માણસને વધારે મેકઅપની જરૂર પડે જે બદસૂરત હોય. ફૂલને સુંદર દેખાવા શણગારની જરૂર નથી. તેનો કોમળતા અને સુગંધ એ જ એની ઓળખ છે. હીરો તો પથ્થરની વચ્ચે પણ ચમકી જ ઊઠવાનો છે. અધૂરો ઘડો છલકાય કે ખાલી ચણો વાગે ઘણો જેવી કહેવતો પણ આવી વાતના મૂળમાંથી જ ફૂટી જ નીકળી છે. જેનામાં વધારે દમ ન હોય એ જ કૂદી કૂદીને બોલતા હોય છે, શાંત પાણી તો ઊંડા હોય. આ માણસજાતમાં પડેલા ગુણો છે. હરખ હરખથી આપણે કોઈને મદદ કરતા હોઈએ છીએ, એમાં પણ આપણે મદદ કરી છે એવો દેખાડાનો ભાવ વિશેષ હોય છે. કોઈ કહે કે મેં ફલાણાના ફલાણી વસ્તુ આપી દીધી, પણ તેના મૂળમાં જઈએ ત્યારે ખબર પડે કે એ વસ્તુ તો આમ પણ તેને ફેંકી જ દેવાની હતી. જે વસ્તુ વિના પોતાને ચાલતું જ ન હોય, છતાં બીજા જરૂરિયાતમંદને આપી દે ત્યારે ખરી મદદ કહેવાય. પણ એવા ઉદાર હૃદય જવલ્લે મળે છે.

‘સુખના સહુ સગાં, દુઃખમાં નવ કોઈ’વાળી વાત વર્ષોથી ચાલી આવે છે, પરંતુ આજે પણ એટલી જ સનાતન છે. બાગમાં જ્યારે ફૂલો ખીલેલાં, વૃક્ષોમાં હરિયાળી પથરાઈ હોય ત્યારે પંખીઓ, ભમરાઓ, પતંગિયાં વગેરે વિશેષ દોડીદોડીને આવતાં હોય છે. બાગની રસલ્હાણ માણતા હોય છે. જેવી પાનખર આવે, બધું ઉજ્જડ થવા લાગે કે તરત મોસમી પતંગિયા, કીટકો અમુક પંખીઓ શોધ્યાંય જડતાં નથી. જિંદગી પણ આ બાગ જેવી જ છે. તમારી પાસે સુગંધની સંપત્તિ હશે, આર્થિક હરિયાળી હશે, પાંચમાં પૂછાતા હશો તો લોકો કીટકો જેમ ઊભરાશે. પણ ઉજ્જડતામાં આમાંની એક પણ વ્યક્તિ સાથે નહીં હોય. ફોનમાં બેલેન્સ હોય તો જ વાત થાય, એમ આવા માણસો આપણા ખિસ્સામાં બેલેન્સ હોય તો જ વાત કરતા હોય છે. આવી વ્યક્તિઓ આંધી ન હોય ત્યારે દીવા લઈને આપણી આજુબાજુ ખડી રહેતી હોય છે, અને પછી ગામ આખામાં આપણને અજવાળાની ક્રેડિટ લીધા કરે છે.

એવા માણસો પણ હોય છે જે આપણા જન્મોજન્મના સાથીની જેમ આપણી સાથે વર્તતા હોય છે. પણ તેના પાયામાં કારણો જુદાં હોય છે. આપણી સિવાય એમનો છૂટકો નથી હોતો. ચાલતું હોય તો ભાવ પણ પૂછવા ન આવે. તેમને ખબર છે કે પલ્લું આપણી તરફ નમેલું છે, એટલે એમને ઊંચા થયા વિના છૂટકો નથી. વજન નીચે કાગળ દબાયેલું રહે તેમ આવા માણસો રહેતા હોય છે. પોતાનામાં વજન હોય તો બીજાને હલવા પણ શેના દે! એ જ રીતે હરખથી દાનપેટીમાં મોટી નોટ નાખતા માણસોની નોટ તપાસવા જેવી હોય છે. ભગવાનને ન છોડતા હોય એ માણસોને છોડે? પણ સંસારમાં ભાતભાતના માણસો મળી રહેવાના. અને આપણે બધા સાથે હસીને વ્યવહાર રાખવાનો છે. આ જ તો જીવન છે.

તુલસીદાસના જાણીતા દુહાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

તુલસી ઇસ સંસાર મેં, ભાંતિ ભાંતિ કે લોગ,
સબસે હસમિલ બોલિયે, નદી નાવ સંજોગ.

(સંસારમાં ભાતભાતના લોકો છે. બધા સાથે હસી-મળીને વાત કરો. એક હોડી નદી સાથે સહજ સંબંધ રાખીને જે રીતે સામે કાંઠે પહોંચે છે, એ જ રીતે તમે પણ આ ભવસાગર પાર કરો.)

(ગુજરાત સમાચાર, ‘રવિપૂર્તિ‘માંથી, કોલમનું નામ: અંતરનેટની કવિતા, લેખકઃ અનિલ ચાવડા)

આવ્યાં તમે તો લાગ્યું સઘળે વસંત જેવું

વર્ષોથી ઘર હતું આ મારું અપંગ જેવું,
આવ્યાં તમે તો લાગ્યું સઘળે વસંત જેવું.

માણસ મટીને પળમાં હું થઈ ગયો સરોવર,
ને રોમરોમ ઊઠ્યું જાણે તરંગ જેવું.

બારી, કમાડ, ફળિયું ને એકએક નળિયું,
ઊજવી રહ્યાં છે ખુદમાં કોઈ પ્રસંગ જેવું.

લઈ ઝીર્ણશીર્ણ પર્ણો ઊભું હતું ખખડધજ,
એ વૃક્ષથી અચાનક ટહુક્યું વિહંગ જેવું.

ઊઘડી રહ્યું છે ચારેબાજુ ઉમંગ જેવું,
આવ્યાં તમે તો લાગ્યું સઘળે વસંત જેવું.

- અનિલ ચાવડા


આ ગઝલનું પઠન પણ સાંભળોઃ