કંઈ ખબર પણ ના પડી

અધૂરી વાત અટકાવી અને ચાલ્યો ગયો ને કંઈ ખબર પણ ના પડી,
અચાનક વેશ બદલાવી અને ચાલ્યો ગયો ને
કંઈ ખબર પણ ના પડી.

હજી હમણાં સુધી જેને 'તણખલું' બોલતા પણ ઠીક આવડતું ન’તું;
એ આજે શ્હેર સળગાવી અને ચાલ્યો ગયો ને
કંઈ ખબર પણ ના પડી.

સરળ હાથે અમે જયાં સ્હેજ અમથો ઠીક ગંજીપો કર્યો ને ત્યાં જ એ-
રમત આખી ય પલટાવી અને ચાલ્યો ગયો ને
કંઈ ખબર પણ ના પડી.

પછી તો ઘેનમાં હું એમ ડૂબેલો રહયો, હું એમ ડૂબેલો રહ્યો;
કે મોકો દ્વાર ખખડાવી અને ચાલ્યો ગયો ને
કંઈ ખબર પણ ના પડી.

‘ગયો એવો તરત આવું’, કહ્યું એ વાતને વર્ષો થયાં, હું ત્યાં જ છું;
મને એ કૈંક સમજાવી અને ચાલ્યો ગયો ને
કંઈ ખબર પણ ના પડી.

– અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


છોડ દીવાને પહેલા તું મને પ્રગટાવને...

છોડ દીવાને, પહેલું તું મને પ્રગટાવને;
આવ ખોદી નાખ મારામાં રહેલી વાવને.

પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.

ભાઈ ખાલીપા! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.

આંસુ આંખોના પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.

ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.

– અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


ચાલને વરસાદમાં...!

બંધ ક્ષણ એકાદમાં, તું ચાલને વરસાદમાં;
કોઈ પણ સંવાદમાં, તું ચાલને વરસાદમાં.

આગવી ભીનાશ લઈ. ને લઈ પલળવું આગવું,
આગવા અવસાદમાં, તું ચાલને વરસાદમાં.

કોઈ પણ બંધન નહીં કે કોઈ પણ અડચણ નહીં,
વાદ ના વિખવાદમાં, તું ચાલને વરસાદમાં.

એકલી તું? એકલો હું? અપણે બન્ને જણા?
વાદ કે વિખવાદમાં, તું ચાલને વરસાદમાં.

એક વાદળ, એક કાજળ, એક પળ ને એક સ્થળ
એકલા ઉન્માદમાં, તું ચાલને વરસાદમાં.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


તને જેવું ગમે એવું...

તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને,
અમે જો આવશું તો પણ કલમ-કાગળ પહેરીને.

પરોઢે સૂર્યના હોવા સમય બોલાવ તું કાયમ,
પછી કઈ રીતથી આવી શકું ઝાકળ પહેરીને?

સમયને પ્હેરવો સ્હેલો નથી, પણ આદતોનું શું?
અમે જો જીવશું તો જીવશું સૌ પળ પહેરીને.

વહેવું એટલે શું, અર્થ સમજાયો હવે થોડો,
યુગોથી તું જ મારામાં વહે છે જળ પહેરીને.

ખબર પણ ના પડે એ રીતથી ધીમે રહીને હું,
પ્રવેશી જાઉં તારી આંખમાં કાજળ પહેરીને.

~ અનિલ ચાવડા

આ કવિતાનું પઠન પણ સાંભળોઃ


વાત છે લોહી ઊડ્યું એ છાંટણાંની...

વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની,
ત્યાં ગણતરી શું કરું હું આંકડાની?

બોલ હે ઈશ્વર! મને કંડારવામાં,
આંગળાની ભૂલ છે કે ટાંકણાની?

સાવ સુક્કા વૃક્ષ જેવું મોં કરીને,
પાંદડાંની વાત કે’ છે પાંદડાંની ?

વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.

એક માણસ નામની ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની.

– અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


એ હું જ છું...

બુદ્ધનું અંતિમ જે નિર્વાણ છે એ હું જ છું,
દેહમાંથી જઈ રહેલો પ્રાણ છે એ હું જ છું.

જ્યાં સુધી પ્હોંચે નજર પાણી જ પાણી છે બધે,
મધ્યમાં ડૂબી રહેલું વ્હાણ છે એ હું જ છું.

હું જ પંખીની તકાયેલી નજીવી આંખ છું,
ને ધનુષ ઉપર ચઢેલું બાણ છે એ હું જ છું.

દૂર તારાથી જવા મથતો રહું છું એ ય હું,
તારું જેને કાયમી ખેંચાણ છે એ હું જ છું.

શાંત થઈને બેઠું છે જે તારામાં એ હું જ છું,
હરપળે તારામાં જે રમખાણ છે એ હું જ છું.

~ અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


આવ્યા અમે ફરીથી...

આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને,
કે થઈ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને.

તું નીકળે અહીંથી રસ્તો જ હું બની જઉં,
બેઠા ઘણા વરસથી આવો વિચાર લઈને.

આવી રહી છે ઈચ્છા આ કોનું ખૂન કરવા?
આંખે અગન ભરીને કેડે કટાર લઈને.

ટીંપાઓ નીકળ્યાં છે કાંધે મને ચડાવી,
ને આંસુઓની પાછળ લાંબી કતાર લઈને.

જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો,
હું શું કરું તમારી આ સારવાર લઈને.

હું દરવખત થયો છું લોહીલુહાણ એવો,
તું દરવખત મળે છે કૈં ધારદાર લઈને.

– અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


ઓલ્યું… હિન્દીમાં કે’ છે...

ઓલ્યું… હિન્દીમાં કે’ છે ધીરે ધીરે યું બીત જાયે કારવાં,
તો પછી આ જિંદગીભર આંસુઓ શું સારવાં, જખ મારવા?

એ વખતમાં જો વિચાર્યું હોત તો સારું હતું, સુધરી જતે;
પણ હવે આ ઉંમરે કયાં બેસવું પાછું બધું વિચારવા?

હોય માથે પોટલું તો એ તરત ભફ દઈ અને પડતું કરું,
પણ સમયના પ્હાડ જેવા ભારને કઈ રીતથી ઉતારવા?

સાંભળ્યું છે માણસોનો સૌથી ઉત્તમ મિત્ર એ પોતે જ છે,
એમ માનીને અમે બેઠા અમારી પીઠને પસવારવા.

ખુશ થવાની કોશિશો મારી વ્યથા સામે સતત બળવો કરે,
આગિયાનું એક ટોળું નીકળ્યું છે સૂર્યને પડકારવા.

– અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


આત્મહત્યા કરવા જઈ રહેલી વ્યક્તિને...


લોગઇનઃ

ક્યાં જઈ રહ્યા છો? આત્મહત્યા કરવા?
ના રે ના, તમે તો જઈ રહ્યા છો તમારા પર મુકેલા ભરોસાની હત્યા કરવા.
તમે જેને અંત માનો છો ને? એ તો આરંભ છે તમારા પરિવાર માટે રીબાઈ રીબાઈને મરવાનો.
પથ્થરોના ટુકડાઓમાંથી ચમક ઓછી થઈ ગઈ તો શું થયું?
તમારા બાળકની આંખમાં તો એવી ને એવી જ ચમક છે
–તમે ઘસી ઘસીને હીરા ચમકાવતા હતા ને? એવી જ.
રૂપિયાની ખનક સંભળાતી બંધ થઈ તો શું થયું?
તમારી દીકરીનો ટહૂકો હજી એવો ને એવો જ મીઠ્ઠો છે
–તમે જન્મદિવસ પર અપાવેલી ઝાંઝરીના રણકાર જેવો જ.
કાગળોમાં રોકેલો વિશ્વાસ પીળો પડી ગયો તો શું થયું?
તમારી પત્નીની આંખોમાં છલકાતો વિશ્વાસ હજુયે અકબંધ છે.
–વીંટીંમાં જડેલા સાચા મોતીની સફેદી જેવો જ.
કાલથી કામ પર નહીં આવતા, એવું ખેતરે કોઇને ય કહ્યાનું તમને યાદ છે?
સાંજે થાકીને પાછા ફરેલા પંખીને ઝાડવાએ બેસવાની ના પાડી હોય, એવું તમને યાદ છે?
તમારી દસ પેઢીમાંય કોઇએ આત્મહત્યા કરી હોય, એવુ તમને યાદ છે?
ગાઢ અંધારૂ છે એય સાચું –
ઝાંખો પ્રકાશ છે એય સાચું.
પણ એથી કાંઈ આમ દાઝ કરીને ટમટમતા દીવાને થોડો ઓલવી નાખવાનો હોય?
આવે ટાણે જ તો સંકોરવાની હોય સમજણની શગને,
અને પુરવાનું હોય થોડીક ધીરજનું તેલ.
બાકી સવાર તો આવી જ સમજો…

- કૃષ્ણ દવે

ગયા રવિવારે સુશાંતસિંગ રાજપુતની આત્મહત્યાથી સમગ્ર બોલિવુડ ખળભળી ઊઠ્યું. બીજા દિવસે બારમા ધોરણનું રિઝલ્ટ હતું, એટલે સ્વાભાવિક તેની અસર વિદ્યાર્થીઓના મગજ પર પણ પડી શકવાની શક્યતા રહે. દરેક માણસના જીવનમાં એવી પળો આવે જ્યારે એમ લાગે કે દુનિયાની કોઈ પણ વસ્તુ તેને બચાવી શકે તેમ નથી. પૈસા, સુખ, સમૃદ્ધિ, એશોઆરામ અને ઝળહળાટ વચ્ચે પણ જિંદગી ઝાંખી પડતી જતી હોય તેવું લાગવા માંડે છે. સામે રસદાર વાનગી પીરસાયેલી હોય તોય જિંદગી તો સાવ બેસ્વાદ જ લાગે છે. જગતનાં તમામ દ્વાર બંધ થઈ ગયાં હોય એવું ફિલ થવા લાગે છે. નિરાશાનો વિકરાળ પંજો જિંદગીનું ગળું ઘોંટવા ઉતાવળો થતો હોય છે. આવી ક્ષણે વ્યક્તિના પગ આપોઆપ આત્મહત્યાના રસ્તે આગળ વધવા લાગે છે. આવી વ્યક્તિને રોકવા માટે કૃષ્ણ દવેએ લખેલી આ કવિતા ખરેખર પ્રેરણાદાયી છે. આ જ તો એ ક્ષણો છે, જ્યારે જાળવી જવાનું હોય છે. આમ તો આ કવિતા હીરાઘસુની આત્મહત્યા પર લખાયેલી છે, પણ તે આપઘાત કરવાનું વિચારતી વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને બહુ માર્મિક રીતે લાગુ પડે છે.

‘આત્મહત્યા’ બે શબ્દોના જોડાણથી બનેલો છે – આત્મા અને હત્યા. આત્મહત્યા કરનાર વ્યક્તિ માત્ર પોતાનો ગુનેગાર નથી, પોતાના આત્માની હત્યા કરીને તેની સાથે જોડાયેલા તમામ સંબંધોનો પણ તે આરોપી છે. આપઘાત એ જ અંતિમ રસ્તો લાગે ત્યારે કશું સૂઝતું નથી. મર્યા પછી લોકો પરસ્પર સૂફિયાણી સલાહ આપતી વાતો કરે કે કમ સે કમ આટલું કર્યું હોત તો બચી ગયો હોત.

સુશાંતસિંઘે ‘છીછૌરે’માં પોતાના આપઘાત કરતા પુત્રને રોકવા આકાશ-પાતળ કરી પુત્રને બચાવી લીધો હતો. આ ફિલ્મે સમાજમાં થતી આત્મહત્યાઓ રોકવા માટે મજબૂત સંદેશ પૂરો પાડ્યો હતો, પણ એ જ ફિલ્મના હીરોએ આત્મહત્યા કરી લીધી એ આપણા સમાજની મોટી કરૂણતા! કદાચ આટલો જ ફર્ક છે રીયલ અને રીલ લાઈફમાં. કોઈને સલાહ આપવી સહેલી છે, પોતે જ્યારે એ પલ્લામાં બેસવાનું થાય ત્યારે જ ખબર પડે છે કે કેટલું ભારે છે. આગનું વર્ણન વાંચવાથી તેની બળતરા અનુભવાતી નથી. એ તો બળ્યા હોય એ જ જાણે. સુશાંતસિંગે થોડા સમય પહેલાં પોતાનાં પચાસ સપનાનું લિસ્ટ પણ સોશિયલ મીડિયામાં રજૂ કર્યું હતું. તે વાંચીને થાય કે આ તો બહુ લાંબી મુસાફરી કરશે. લિસ્ટ લાંબું છે. બહુ ઊંચે ઊડશે. પણ અચાનક એ જ વ્યક્તિના આપઘાતના સમાચાર કાને પડે તો સ્વાભાવિક રીતે હૃદય શોક્ડ થઈ જાય, ઉર્દૂના કોઈ કવિએ લખેલો શેર યાદ આવી ગયો-

વો તો બતા રહા થા કઈ રોજ કા સફર,
ઝંઝીર ખીંચ કે જો મુસાફર ઉતર ગયા.

અડધેથી કંટાળી મુસાફરી અટકાવી દેનાર વ્યક્તિ એવું નથી વિચારતી કે આગળની મુસાફરી વધારે સુંદર હોઈ શકે છે. આત્મહત્યા કરવી એ ઇન્ટરવલમાં ફિલ્મ છોડવા જેવું છે, શક્ય છે કે ઇન્ટરવલ પછીની ફિલ્મ વધુ રસપ્રદ નીકળે. મૃત્યુનો સકંજો જ્યારે ગળાની ચારે તરફ ભીંસાતો હોય ત્યારે હકારાત્મક કવિતાની એકાદ કડી, એકાદ વિચાર, કોઈ સુવાક્ય કે સંવાદ કાને અથડાઈ જાય તો જીવનની નૈયા પાર ઊતરી જતી હોય છે. કૃષ્ણ દવેની આ કવિતા આત્મહત્યા કરવા જતા સેંકડો વ્યક્તિઓ માટે જીવાદોરી બની રહે તેમ છે. જિંદગી ટૂંકાવવાનો વિચાર આવે, ત્યારે એ થોડીક પળો પૂરતું જાળવી જવાનું હોય છે. ટ્રેનના પાટે પડતું મૂકવાનું વિચારતો માણસ એ એક પળ ચૂકી જાય તો જિંદગી પાટે ચડી જતી હોય છે.

લોગઆઉટ

હું હજી ઝાલું ન ઝાલું ત્યાં પડી ગઈ જિંદગી,
એટલામાં કોઈ બોલ્યું જો સડી ગઈ જિંદગી,
એક ક્ષણ એવું થયું થયું પાટા નીચે પડતું મૂકું,
એક ક્ષણ ચૂક્યો અને પાટે ચડી ગઈ જિંદગી.

- મુકેશ જોશી

(ગુજરાત સમાચાર, ‘રવિપૂર્તિ‘માંથી, કોલમનું નામ: અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા)

મને આ કહેતાં જરા પણ શરમ નથી લાગતી કે...

લોગઇનઃ

મને આ કહેતા જરાયે શરમ નથી લાગતી કે
બોસનિયામાં, કાશ્મીરમાં અને
એની પહેલાં પંજાબમાં, એની પહલાં ખાડીમાં
રક્તપાત છે, લૂંટફાટ છે, બળાત્કાર છે...
પણ મને ઈશ્વરમાં વિશ્વાસ છે, વિશ્વાસ છે...
મને આ કહેતા જરાયે શરમ નથી લાગતી કે
વહુ દાઝીબળી રહી છે,
છોકરી વેચાય છે,
ગર્ભમાંયે એનો સંહાર થાય છે,
તો પણ પ્રકૃતિ અને પુરુષ વચ્ચે અતૂટ પ્રેમ છે, પ્રેમ છે...
મને આ કહેતાં જરાયે શરમ નથી લાગતી કે
બાળક ભૂખ્યું છે,
યુવાન બેકાર છે,
બુઢ્ઢા પર અત્યાચાર છે,
તો પણ આકાશથી નદી સુધી ગતિ છે, ઋતુ છે, શૃંગાર છે...

– સુનિતા જૈન (અનુવાદઃ જયા મહેતા)

પ્રકૃતિ ચાલતી જ રહે છે. સમય ક્યારેય થોભતો નથી. આપણે જ્યારે બેઠા હોઈએ ત્યારે પણ ગતિમાં હોઈએ છીએ. જવાહર બક્ષીનો શેર યાદ કરવો પડે, ‘અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે, હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.’ આપણે બેસી રહ્યા હોઈએ ત્યારે પણ પ્રકૃતિ તો પોતાની ગતિમાં જ હોય છે, સમય તો ચાલતો જ રહેતો હોય છે. આપણા ઊંઘી જવાથી સૂર્ય ઊંઘી જતો નથી, ગ્રહો-નક્ષત્રો પોતાની ગતિ અટકાવી દેતાં નથી. એ તો આપણી અને સમગ્ર બ્રહ્માંડની ઉંમર વધારવાનું કામ કર્યા જ કરે છે. થોભી જવું એના સ્વભાવમાં જ નથી. એક નદીમાં બે વખત ક્યારેય નાહી શકાતું નથી. તમે ગઈ કાલે નાહ્યા હતા એ પાણી તો ક્યારનું વહી ગયું, અત્યારની સપાટી અલગ છે, વ્હાણ અલગ છે, તેમાં રહેલું જળત્ત્વ અલગ છે. પ્રકૃતિ દરેક પળે પ્રવાહિત થતી રહે છે. હરક્ષણે બદલાતી રહે છે.
તમને જ્યારે એમ લાગે કે બધું જ થંભી ગયું છે, ત્યારે પણ કશુંક સતત વેગવંતું હોય છે. ગતિ સંસારનો નિયમ છે. કોરોનાને લીધે થયેલી મહામારીથી કશું અટકવાનું નથી. દુકાનો-બજારો અને અમુક માનવીય કામકાજ બંધ રહેશે, પણ એ વખતે ય ઝાડ પર કૂંપળ ખીલવાની ગતિ ચાલુ જ હશે. તમારી હોજરી ભૂખ લગાડવાનું કામ બંધ નહીં કરી દે. તમારામાં માથામાં રહેલા વાળને સફેદ બનાવવાનું સૂક્ષ્મ કામ કોઈ તત્ત્વ કરતું હશે, ને તમને ખબર પણ નહીં હોય. પ્રકૃતિ અટક્યા વિના ઘઉંના છોડને ઉછેરી રહી હશે, તેમાં રહેલાં દાણાને પકવી રહી હશે. કદાચ આ ગતિ એ જ પરમ સત્ય છે, એ જ ઈશ્વર છે. પરિવર્તન સિવાય બધું જ પરિવર્તનશીલ છે.

એટલે જ કદાચ કવયિત્રીએ જુદી જુદી કુરૂપતા તરફ આંગળી ચીંધીને કહ્યું કે મને આવું કહેવામાં જરા પણ શરમ નથી. કેમકે માણસમાં મહામારી આવે, પરસ્પર ઝઘડા થાય, બળાત્કારો થાય, કોમવાદ થાય, દંગા થાય, પણ તોય પ્રકૃતિ તો પોતાનું કામ કરતી જ રહેવાની છે. આ બધા વચ્ચે પણ કવિને ઈશ્વરમાં વિશ્વાસ છે. તેમને શ્રદ્ધા છે કે બધું ઠીક થઈ જશે. ક્યાંક કુરૂપતા છે, તો ક્યાંક સુંદરતા પણ છે. એક બાજુ વહુ આગમાં બળે છે, છોકરીઓ બજારમાં વેચાવા સુધીની શરમજનક ઘટનાઓ ઘટે છે, છતાં કવિને આ બધું કહેવામાં શરમ નથી કે પ્રકૃતિમાં અતૂટ પ્રેમ રચાઈ રહ્યો છે. આવું કેમ કહે છે કવિ? કેમકે એને સંસારની ગતિના નિયમમાં શ્રદ્ધા છે. એને ખબર છે કે આજ વીતી ગઈ, કાલ આવશે, કશું અટકશે નહીં. ક્યાંક ખરાબી છે, તેની સામે ક્યાંક સારાપણું પણ છે. ભૂખ્યા બાળકના ટળવળાની વાત થતી હોય, યુવાનોની આકરી બેકારીની ચર્ચા થતી હોય, વૃદ્ધો પર થતા અત્યાચાર ઉલ્લેખાતા હોય અને આપણે સુંદરતાની વાત કરીએ તો લોકો કહેશે તને શરમ નથી આવતી અત્યારે આવી વાત કરતા? પણ કવિ પહેલાં જ કહે છે કે મને આવું કહેતા શરમ નથી આવતી. કેમકે રમેશ પારેખે કહ્યું છે તેમ, ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની, બીજી બાજુય છે એવી કે રણ મળે તમને! કુરૂપતા જેટલી સાચી છે, સુંદરતા પણ એટલી જ સાચી છે. મિસ્કીન સાહેબની ગઝલથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

રાત-દિવસ કૈં લાગે હરપળ, એ પણ સાચું આ પણ સાચું,
અંધારે આ કેવી ઝળહળ, એ પણ સાચું આ પણ સાચું.

ભીતર શુંય ગયું દેખાઈ ભણતર સઘળું ગયું ભુલાઈ,
કહેતું ફરું છું સૌની આગળ, એ પણ સાચું આ પણ સાચું.

અપમાનિત કે સન્માનિત હો, બેઉ ખેલ છે બંને ખોટા,
કાં તો સ્વીકારીલે હરપળ, એ પણ સાચું આ પણ સાચું.

સપનામાંથી જાગ્યો જ્યારે એ પળમાં મુંઝાયો ભારે,
અંદર બાહર આગળ પાછળ, એ પણ સાચું આ પણ સાચું.

કોઈ કાલમાં શું બંધાવું કેવળ ખળખળ વહેતા જાવું,
મિસ્કીન આનું નામ છે અંજળ, એ પણ સાચું આ પણ સાચું.

- રાજેશ વ્યાસ મિસ્કીન

(ગુજરાત સમાચાર, ‘રવિપૂર્તિ‘માંથી, કોલમનું નામ: અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા)