જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં,
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું ’મેહુલ’ અહીં
જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં

— સુરેન ઠાકર ‘મેહુલ’

સુરેન ઠાકર, ‘મેહુલ’ એટલે લોકસાહિત્ય, સુગમસંગીત, ડાયરા અને મુશાયરાના માહોલમાં ગૂંજતો અવાજ. શ્રોતાઓને પોતાના શબ્દોની સરવાણીમાં ગૂંથીને ગુલમહોર બનાવતો સંચાલક. કવિ સુરેશ દલાલે તેમને મેઘાણી, મકરંદ દવે અને વેણીભાઈ પુરોહિતનું મિશ્રણ કહ્યા હતા. મેઘાણીએ વર્ષો સુધી પુષ્કળ મહેનત કરીને લોકસાહિત્ય ખોળ્યું અને ખેડ્યું છે. એવા લોકસાહિત્યનું જ્ઞાન સુરેન ઠાકર મેહુલની જીભે હરહંમેશ રમતું રહેતું. સંચાલનમાં લોકસાહિત્યના દુહા આવી જાય, તો ક્યારેક અચાનક સંસ્કૃતનો કોઈ અદભુત શ્લોક સરી પડે, શ્રોતા હજી એ શ્લોકની મસ્તીમાંથી બહાર આવે ન આવે ત્યાં તો કોઈ અંગ્રેજી કવિની મનભાવન પંક્તિથી તેમને ફરી આંજી દે. મધુર વાણીની ઉજાણી હરહંમેશ તેઓ કરતા રહેતા. આવા મંચ અને મોભાના માણસ કવિ-સંચાલક શ્રી સુરેન ઠાકર મેહુલે જીવનના આઠમા દાયકે વિદાય લીધી.

આપણે ત્યાં કહેવાયું છે કે શું લાવ્યા હતા ને શું લઈ જવાના? ખાલી હાથે આવ્યા, ને ખાલી હાથે જવાના. પછી આ વાતને સાબિત કરવા માટે સિકંદરનો દાખલો પણ અપાય. પણ સુરેન ઠાકરે તેનો સણસણતો જવાબ આપ્યો છે. એ પોતાની ખુમારીને કેવી રીતે વ્યક્ત કરે છે એ તો જુઓ. ભાગ્યને વિધાતા ઘડે છે એ વાત આપણે સૌ જાણીએ છીએ, પણ આ કવિને ક્યાં ભાગ્યના પડીકામાં બંધાઈને રહેવું છે. એ તો નિજની મસ્તીમાં મ્હાલતો ને નિજને માણતો માણીગર હતો. આપણે જગતને જાણવામાં જાતને માણી જ નથી શકતા. આ કવિ તો જગત અને જાત બંનેને માણનાર હતો, એટલા માટે જ તો તેણે કહ્યું કે હું એવું મુકદ્દર નથી કે વિધાતાનું માનું. અને કવિઓ આમ પણ ક્યાં કોઈનું માને છે! એ તો પોતે પોતાનું ભાગ્ય લખતા હોય છે. કવિની દરેક કવિતા એક રીતે એનું ભાગ્ય જ હોય છે. એ સમયની નદીમાં પોતાનું સર્જન તરતું મૂકી દે છે.

વૈભવ હોય ત્યાં વામણાપણું પણ હોવાનું. દરિયો આટલો મોટો છે, પણ એની સાથે ખારાશ પણ છે. પણ આ કવિ તો દરિયા જેટલી દિવ્યતા ધરાવે છે છતાં ક્યાંય ખારાશ નથી. શબ્દના સર્જનહારાને તો ખારાશ પાલવે પણ નહીં. એ તો જગતમાંથી સાંપડેલા ખારા અનુભવોને પોતાનાં સર્જનોમાં પરોવીને મીઠાં બનાવી દે. એટલા માટે જ દુઃખમાંથી જન્મતી કવિતા પણ સાંભળનારને તો સુખ જ આપે છે. દુઃખી થવાનું પણ એક સુખ હોય છે. ઘણા પાસે એટલું બધું સુખ હોય છે કે તેમને દુઃખી થવાનું અહોભાગ્ય જ નથી મળતું. જીવનભર દુઃખ ન જોનાર સિદ્ધાર્થ નામના એક માણસે મૃત્યુ જોયું, વૃદ્ધાવસ્થા જોઈ, બીમારી જોઈ, એને જાતની અને જગતની નશ્વરતા સમજાઈ ગઈ. સિદ્ધાર્થ નામનો રાજકુમાર ભગવાન બુદ્ધ થઈ ગયો. ઘણી વાર પીડા પંડને ઊગારી લે છે. સિદ્ધાર્થ આ બધું જોઈને પીડાયો ન હોત, વલોવાયો ન હોત તો આપણને ભગવાન બુદ્ધ ક્યાંથી મળત? એ વૈભવમાં રહ્યા, પણ વૈભવના રહ્યા નહીં. આપણા જેવા સામાન્ય માણસ વૈભવમાં નથી હોતા છતાં વૈભવના થવા મથ્યા કરીએ છીએ, અને આમાં ને આમાં જિંદગીભર મનમાં ખારાશ ભેગી થયા કરે છે. દરિયાની ભવ્યતાના પાયામાં જ એની ખારાશ છે. એની પાસે વધારે છે એટલા માટે ખારાશ છે. નાનું તળાવ ખારું હોવાની સંભાવના ઓછી છે. કેમ કે તેનામાં ખારાશ આવે ત્યાં સુધી તો તેનું પાણી સુકાઈ ચૂક્યું હોય છે. વરસાદમાં ફરી એ પોતાને છલકાવે છે અને મીઠાશથી બધાને મોહી લે છે. દરિયામાં એ મીઠાશ નથી. વધારે હોવાને લીધે જ તેને ખારાશ વહોરવી પડી છે.

આપણા કવિ સુરેન ઠાકરે દરિયા જેવું હૃદય રાખ્યું, પણ ખારાશ ન રાખી. વૈભવ રાખ્યો, પણ વામણાપણું આવવા ન દીધું. સંચાલક, કવિ અને વક્તા તરીકેની આટલી સફળતા પછી પણ તેમના હૃદયમાં અભિમાનની ખારાશ આવી નહોતી. તેમના શબ્દોનો દરિયો તો મીઠાં મોજાંઓથી છલકાતો હતો. આવી મીઠાશથી છલકાતો સર્જક જગતમાંથી ખાલી હાથ જાય એવું સંભવ જ નથી. કેટકેટલા ચાહકોનો પ્રેમ પામતો ગયો, વિદ્યાર્થીઓનું વ્હાલ લેતો ગયો. વર્ષો સુધી પ્રિન્સિપાલ તરીકે તેમણે અનેક વિદ્યાર્થીઓને ભણાવીને ગુજરાતી ભાષાનો ચટકો લગાડ્યો હતો. આવો સર્જક ખાલી હાથે જાય એ વાતમાં માલ નથી. ગિરા ગુર્જરીને પોતાના શબ્દથી અજવાળનાર આ સર્જકને તેમના એક સરસ મુક્તથી વંદન કરીએ.

લોગઆઉટઃ

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

– સુરેન ઠાકર મેહુલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો