કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

ના હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.

સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં,
જો નીકળ્યાં તો સાથ લઈ જાન નીકળ્યાં.

તારો ખુદા કે નીવડ્યાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે અશ્રુઓ તોફાન નીકળ્યાં!

એ રંગ જેને જીવ સમા જાળવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર ક્લેશનાં મેદાન નીકળ્યાં.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

– અમૃત ‘ઘાયલ’

વર્ષો પહેલાંની વાત છે. ત્યારે હિન્દી-ઉર્દૂના મુખ્ય મુશાયરા પહેલા એક ફિલબદી મુશાયરો થતો. તેમાં એક શેરનો મિસરો દરેક શાયરને આપવામાં આવતો અને એ મિસરાને આધારે શાયરે બીજી પંક્તિ લખવાની રહેતી. સૌથી સારો શેર લખનાર શાયરનું એ દિવસે ખાસ સન્માન કરવામાં આવતું. એક વખત લખનઉમાં આવો મુશાયરો યોજાયો. દેશભરના જાણ્યા-અજાણ્યા શાયરો ત્યાં પધાર્યા. બધાને આ ફિલબંદી મુશાયરામાં કઈ પંક્તિ આપવામાં આવશે તેની ખાસ ઇંતેજારી હતી. બધાને એક મિસરો આપવામાં આવ્યો, ‘લોગ વો કાફિર હૈ જો કાયલ નહીં ઇસ્લામ કે’ આ મિસરાનો સ્પષ્ટ અર્થ એવો હતો કે જે લોકો ઇસ્લામમાં ન માનતા હોય કે કાફિર અથવા તો નાસ્તિક છે. મિસરો સાંભળીને મુશાયરામાં ભાગ લેનાર શાયરોના કપાળે ચિંતાની રેખાઓ ઊપસી આવી. આ પંક્તિને પૂરી કરવામાં વાદવિવાદ થવાની સંભાવના હતી. તેમાં વળી પંડિત બ્રજ નારાયણ ‘ચકબસ્ત’ નામે હિન્દુ શાયર પણ હતા. એટલે સાંજે જ્યારે મુશાયરો શરૂ થયો ત્યારે દરેકની નજર તેમના પર હતી કે ચકબસ્ત શું કહેશે? મિસરામાં આપેલી પંક્તિની વિરોધી પંક્તિ લખશે કે તેને સમર્થન આપશે?

પણ જ્યારે પંડિત બ્રજ નારાયણ ચકબસ્તે પોતાનો શેર રજૂ કર્યો ત્યારે મંચ પર બેઠેલા બધા શાયરોની સાથે સાથે શ્રોતાગણમાં બેઠેલા તમામ શ્રોતાઓ પણ વાહવાહ પોકારી ઊઠ્યા ને તાળીઓના ગડગડાટથી હોલ ભરાઈ ગયો. એ દિવસે તેમના શેરને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો, એટલું જ નહીં, પણ હિન્દુ-મુસ્લીમ બધાએ મળીને તેમનું ખાસ સન્માન પણ કર્યું. તેમણે જે શેર કહ્યો, તેમાં તેમને આપવામાં આવેલી પંક્તિને તેમણે એક નવો વળાંક આપી દીધો. એ શેર કંઈક આવો હતો-

‘લામ’ કે માનિંદ હૈ ગેસૂ મેરે ઘનશ્યામ કે,
લોગ વો કાફિર હૈ જો કાયલ નહીં ઈસ ‘લામ’ કે.

ઉર્દૂમાં જ્યારે ‘લામ’ લખવામાં આવે ત્યારે તેનો આકાર વાંકડિયા વાળની લટ જેવો બને છે. એટલે તેને ધ્યાનમાં રાખીને શાયરે લખ્યું કે મારા પ્રભુ ઘનશ્યામ અર્થાત કૃષ્ણના વાળનો આકાર ઉર્દૂના અક્ષર ‘લામ’ જેવો છે. જે લોકોને આ વાતમાં વિશ્વાસ ન હોય તે નાસ્તિક છે. એક નાજુક અને વિવાદ ઊભો કરી શકે તેવી વાતને પણ એક કુશળ શાયરે કેવી સરળતાથી વાળી લીધી.

ઘાયલની ગઝલના પ્રથમ શેર પરથી આખો પ્રસંગ યાદ આવી ગયો. આપણે હિન્દુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ જેવા ધર્મના વાડામાં કેદ રહીને જગતને જોવા મથીએ છીએ. આપણી આંખ પર ધર્મના ચશ્માં ચડાવીને જગતને જોવાનું બંધ કરીશું તો પણ ઘણું બધું દીવા જેમ સ્પષ્ટ થઈ જશે. ઘાયલ જેવા શાયર ગઝલની બે પંક્તિમાં ઘણી મોટી વાત કરી દે છે. કોઈ પણ કાવ્યનું રસદર્શન કવિતાના ખરા અર્થને સીમિત કરે છે. ઓશોએ એક વખત કહેલું, સત્ય જ્યારે વ્યક્ત થાય છે ત્યારે તે નેવું ટકા જેટલું નાશ પામ્યું હોય છે. કવિતાનો જે આનંદ હૃદયમાં ઊભરાય છે તે તમે વ્યક્ત કરવા જાવ છો ત્યારે તે ભાષામાં બંધાઈને બહાર આવે છે, એટલે તે પૂરો વ્યક્ત નથી થઈ શકતો. ભાષા વિશેષતા છે અને મર્યાદા પણ. અનુભવવું અને કહેવું બંને અલગ વાત છે. દરેક કવિતાનો આનંદ શ્રોતાએ શ્રોતાએ જુદો હોય છે. ઘાયલના શબ્દોમાં કહીએ તો એનો ખરો આનંદ તો ‘રસના ઘોયા’ જ જાણે. આગળના શેર શ્રોતાઓની અનુભૂતિને અર્પણ કરી, ઘાયલની જ પાળિયા બેઠા કરી શકે તેવી ચાર પંક્તિઓ સાથે લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.

— અમૃત ઘાયલ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો