તું તને ખુદને નડે એમાં શનિ, રાહુ કે મંગળ શું કરે?


ગુજરાત સમાચાર
ની રવિપૂર્તિમાં આવતી મારી કૉલમ
’અંતરનેટની કવિતા’નો લેખ

લોગઇનઃ

તું તને ખુદને નડે એમાં શનિ, રાહુ કે મંગળ શું કરે?
જાત સાથે તું લડે એમાં શનિ, રાહુ કે મંગળ શું કરે?

એક જ્યોતિષે કહ્યું કે ઝાડનો સારો સમય છે, તે છતા,
પાંદડાં થોડા પડે એમાં શનિ, રાહુ કે મંગળ શું કરે?

આભ આપ્યું જા તને, પાંખોય આપી ને હવાનો સાથ પણ,
તે છતા તું ના ઉડે એમાં શનિ, રાહુ કે મંગળ શું કરે?

તું પડે તો કોઈ તારો હાથ ઝાલીને બચાવી ના શકે,
એટલો ઊંચે ચડે એમાં શનિ, રાહુ કે મંગળ શું કરે?

છે ખુશીની વાત, વર્ષો બાદ એણે યાદ આપી છે તને,
યાદમાં એની રડે એમાં શનિ, રાહુ કે મંગળ શું કરે?

– શૌનક જોષી

જેનું નામ મંગળ હોય તે પોતે અમંગળ હોઈ શકે, બુધવારે જન્મનાર માણસ બુદ્ધિ વગરનો હોઈ શકે. ગુરુવારે જન્મેલો માણસ ગુરુ તો ઠીક કોઈનો શિષ્ય પણ ન થઈ શક્યો હોય તેવું બની શકે. શુક્રવારે જન્મેલા પુરુષના શુક્રાણુ નબળા હોય તેવું પણ બની શકે. ગ્રહોના ગીતથી જ બધાને ગાયા કરતાં અમુક માણસો મળતાવેંત સામેના માણસની આખી કૂંડળી તપાસી લેતા હોય છે. ક્યારે જન્મ્યા, ક્યાં જન્મ્યા, નામ શું, કામ શું બધું જ જાણી લે. આવા માણસોને ગ્રહો તો નડે કે ન નડે, પણ તેમના પૂર્વાગ્રહો ચોક્કસ નડતા હોય છે. પૂર્વાગ્રહો સામે ગ્રહો પણ નબળા પડે. આ વાતને કવિ શૌનક જોષીએ એક ગઝલમાં સરસ રીતે રજૂ કરી છે.

માણસ પોતે જ પોતાને નડતરરૂપ થતો હોય ત્યાં ગ્રહો બાપડાં શું કરે? ‘લગે રહો મુન્નાભાઈ’નો પેલો સિન કેટલાને યાદ છે? જ્યારે લખબીરસિંઘ (બોમન ઇરાની)ની દીકરી સિમરન (દિયા મિર્ઝા)ના લગ્ન જાણીતા બિઝનેસમેન ખુરાનાના દીકરા શનિ (અભિષેક બચ્ચન) સાથે કરવાના હોય છે. પણ કુંડળી મળતી નથી અને મોટું વિઘ્ન એ છે કે જો સિમરન સાથે શનિના લગ્ન થાય તો શનિ મૃત્યુ પામશે એવું બટુક મહારાજ કહે છે. ખુરાનાસાહેબ તો બટુક મહારાને પૂછ્યા વિના પાણી પણ પીતા નથી, તે આ વાત કઈ રીતે ચલાવી લે? પણ બોમન ઇરાની વાતવાતમાં જન્મનો ખોટો સમય બતાવી કુંડળી ફેરવી નાખે છે. જ્યારે દીકરીને આ વાતની ખબર પડે છે ત્યારે તે લગ્નના દિવસે જ ભાગી જાય છે. મુન્નાભાઈ (સંજય દત્ત)ના સમજાવવાથી તે પાછી આવે છે. પણ ખુરાનાસાહેબ લગ્ન કરવાની ના પાડે છે. બીજાની ભવિષ્યવાણી કરનાર બટુક મહારાજને મુન્નાભાઈ તેમના ભવિષ્ય વિશે પૂછે છે? બટુક મહારાજ ગર્વથી પડકાર ફેંકે છે કે કોણ કહે છે મને મારા ભવિષ્યની ખબર નથી? મુન્નાભાઈ પોતાની સ્ટાઇલમાં તેમને સમજાવે છે. બટુક મહારાજ ત્યાં જ બેહોશ થઈ જાય છે. શનિ તો સિમરન સાથે જ લગ્ન કરવાનું વિચારે છે અને પોતાના પિતાને એક સુંદર વાક્ય કહે છે, “પપ્પા, હું સિમન સાથે લગ્ન કરીશ તો કદાચ મરી જઈશ, પણ નહીં કરું તો ચોક્કસ મરી જઈશ.” ત્યાર પછી નથી શનિ મરતો કે નથી ખુરાનાસાહેબના બિઝનેસને કશું નુકસાન થતું.

આપણે ત્યાં મંગળના નામે ઘણાં અમંગળ કાર્યો કરવામાં આવે છે. બુધ, ગુરુ, શુક્ર, શનિ એમ તમામ ગ્રહોના નામે પૂર્વાગ્રહો ઠોકી બેસાડવામાં આવે છે. માણસ પોતે પોતાને નડતો હોય, જાત સાથે ઝઘડતો હોય ને દોષનો બધો જ ટોપલો બાપડા ગ્રહો પર ઢોળતો હોય! જેની સામે આખું આભ હોય, પાંખો હોય, ઊડવાનું જોમ હોય છતાં ન ઊડે, તો તેમાં પછી ગ્રહોનો વાંક કાઢવાનો કોઈ અર્થ ખરો? ધારો કે ખૂંબ ઊંચે ઊડ્યા, એટલે ઊંચે ઊડ્યા કે કોઈ બચાવી ન શકે, ત્યાર પછી પડવા માટે ગ્રહોનો વાંક ન કાઢી શકાય.

સૌનક જોશીએ આ ગઝલ દ્વારા જ્યોતિષમાં આંખો મીંચીને માનનારા સામે લાલ બત્તી ધરી આપી છે. જ્યોતિષ બાબતે આ લેખ લખનાર એક જ વાક્ય કહેવા માગે છે, એક સત્ય પાછળ નવ્વાણું અસત્યો ઢંકાઈ જાય છે. જ્યોતિષમાં ક્યારેક એક વાત સાચી પડે ત્યારે આપણને ખોટી પડેલી નવ્વાણું વાતો દેખાતી નથી, અથવા તો તે પણ જુદાં જુદાં કારણે સાચી લાગવા માંડે છે. કવિ કોઈની શ્રદ્ધાને ઠેસ નથી પહોંચાડતો, તેને શુદ્ધ કરે છે. શૌનક જોષીએ પણ ગ્રહોની ગરબડમાં રાચ્યા રહેતા લોકોના પૂર્વાગ્રહોને સાચે રસ્તે વાળવાનો પ્રયત્ન કર્યો છે. ગ્રહો-નક્ષત્રો બાબતે આદિલ સાહેબનો આ એક શેર કાફી છે.

લોગઆઉટ

નક્ષત્રો, ગ્રહો, ચાંદ, સિતારાઓ ફરે છે
દરવેશની તસ્બીહના મણકાઓ ફરે છે

– આદિલ મન્સૂરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો