નવીનતાને ન ઠુકરાવો....


ગુજરાત સમાચાર
ની રવિપૂર્તિમાં આવતી મારી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ

 લોગઇનઃ

 નવીનતાને ન ઠુકરાવો 
 નવીનતા પ્રાણપોષક છે,
 જુઓ કુદરત તરફથી શ્વાસ 
 પણ જૂના નથી મળતા.

 - મરીઝ

 જ્યારે કશુંક નવું થાય ત્યારે આપણી આંખો તેને વિરોધસૂચક દૃષ્ટિથી જોતી રહે છે. પેન્ટ પહેરવાનું શરૂ થયું ત્યારે ધોતિયાઓ તેની સામે ધિક્કારભાવે જોતા હતા. પંજાબી ડ્રેસ પહેરવાનો થયો ત્યારે જૂની સાડીઓ તેની સામે રોષભાવે જોતી હતી. રેડિયો આવ્યો ત્યારેય જોનારા તો તેની નવીનતાને વિરોધના સૂરે જોતા. ટીવીને ‘ઇડિયટ બોક્સ’ કહીને વખોડી કાઢેલું, આજે ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં ટીવી ન હોય. લોકડાઉનમાં આખી દુનિયા ટીવીના ટેકે (ફોન અને કમ્પ્યુટર પણ ખરાં) ઘરમાં સખણી રહી શકી છે. જ્યારે એસટીડી ફોન શરૂ થયા ત્યારેય અમુક લોકો તેનો વિરોધ કરતા, ‘એ તો સામે બેસીને વાત કરે તો જ મજા આવે. બાકી આ ફોનમાં શું વાત્યું કરવાની, ભૈ...’ આમ કહીને ઉતારી પાડતા, પણ આ જ ફોન ઘણા અગત્યના કામ પાર પાડતા, પછી તો મોબાઇલ યુગ શરૂ થયો, મોબાઇલનો આજે પુષ્કળ વિરોધ થાય છે. ‘આખો દાડો ફોનમાં જ ડુબેલો રે’ છે, કંઈ કામધંધો કરતો નથી કે કરતી નથી’ આવી ફરિયાદ અત્યારના યુવાનોએ સાંભળી જ હશે. પણ આ જ મોબાઈલમાંથી ઘણા લોકો પોતાની કમાણી ઊભી કરી લે છે, કોઈ એપ્લિકેશન બનાવતા શીખી ગયા છે, કોઈ ગ્રુપ બનાવીને કમાણી કરે છે. પોતાના ધંધાને વિકસાવવા મોબાઈલનું માધ્યમ ઉપયોગમાં લે છે. નવીનતા આવે ત્યારે તેમાં અમુક શંકાઓ હોય જ, તેના સારા પાસા તરફ ધ્યાન આપવામાં આવે તો આપણને તેની વેલ્યૂ વધારે સારી રીતે સમજાય. ઇન્ટરનેટના આવ્યા પછી દુનિયા વધારે નાની થઈ ગઈ. સાહિત્ય અને કલાનો આટલો પ્રચારપ્રસાર પહેલા ક્યારેય નહોતો થઈ શકતો. અત્યારે દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટના ટેકનોલોજીની મદદથી લાઇવ જોઈ શકાય છે.

વર્ષો પહેલાં વાર ટ્રેન શોધાઈ ત્યારે તેનો ખૂબ વિરોધ થયેલો. ઘોડાનો સામનો રેલવે ન કરી શકે તેવી પણ દલીલો થયેલી. પરંતુ આજે ટ્રેનની વિશ્વભરમાં બોલબાલા છે. દરેક નવીનતા સાથે ક્યાંક ને ક્યાંક વિરોધ જોડાયેલો છે. પણ મરીઝ નવીતામાં રહેલા પ્રાણપોષક ગુણને સારી રીતે પારખી ગયા. એટલા માટે જ તેમણે આ શેર લખ્યો.

આપણે શ્વાસ લઈને છોડી દઈએ છીએ, એક વાર લીધેલો શ્વાસ ફરીથી નથી લેતા. પ્રત્યેક પળે આપળે નવો શ્વાસ લઈએ છીએ, છતાં નવીનતાને સતત શંકાથી જોઈએ છીએ. ચીનમાં એક કહેવત છે કે એક નદીમાં બે વાર નથી નાહી શકાતું. આ કહેવત ન સમજી શકનાર માણસ તરત બોલી ઊઠે, હોતું હશે, હું તમને નાહીને બતાવું. ત્યારે આપણે તેમને કહેવું પડે કે ભાઈ તમે જે પાણીમાં નાહ્યા એ પાણી તો ક્યારનું પ્રવાહમાં આગળ ધપી ગયું, ફરીથી જે પાણીથી નહાશો તે પાણી તો આગળથી આવેલું હશે, અલગ હશે. એટલે જ એક નદીમાં બે વાર નથી નાહી શકાતું.

મરીઝે ગુજરાતી સાહિત્યમાં ફાલી રહેલી નવી કલમોને ઉદ્દેશીને કહેલું કે નવીનતાને ન ઠુકરાવો. દરેક યુગમાં - ખાસ કરીને કલાના ક્ષેત્રમાં પીઢ પેઢી તેની યુવાન પેઢી સામે ફરિયાદના સુરે જોતી હોય છે અને ક્યારેક કહેતી પણ હોય છે કે આજકાલની પેઢીમાં ખાસ દમ નથી. ખબર નથી હવે સાહિત્યજગતનું શું થશે? છતાં દરેક પેઢીમાં તેમની ફરિયાદનો જવાબ આપનાર સર્જકો આવતા રહ્યા છે.

નવીનતા એ જીવનનો અફર નિયમ છે. ચીનમાં એક બીજી પણ કહેવત છે કે, કશું જ કાયમી નથી, સિવાય કે પરિવર્તન. બધું બદલાઈ જાય છે, પરિવર્તન સંસારનો નિયમ છે. તમે આજે હતા તેવા કાલે નથી રહેવાના. તમારા માથે એક દિવસ ચડી જવાનો છે, અમુક કલાકો તમારા જીવનમાં ઉમેરાઈ જવાના. એ કલાકો ભલે તમે માત્ર ઊંઘીને જ વીતાવ્યા હોય, પણ તેણે તમને આગળ ધકેલ્યા છે, એ વાત નકારી શકાય તેમ નથી. રોજ ઊઠીને નવો સૂરજ ઊગે છે. આંગણમાં રોજ નવાં ફૂલે ખીલે અને કરમાય છે, તેની પર રોજ નવું ઝાકળ બેસે છે, કિરણો રોજ તેને ઊડાડી મૂકે છે. રોજ દિવસમાં કશુંક ને કશુંક નવું બનતું રહે છે. આપણી આંખ તેને બીબાઢાળ રીતે જુએ છે, આપણને ત્યારે જ તે નવું લાગે છે, જ્યારે આપણે આપણા બીબાઢાળ જીવનમાં બહાર નીકળીને જુદી રીતે તેને જોઈએ.

દરેક પ્રકારનું નાવિન્ય આવકારદાયક જ હોય તે જરૂરી નથી. પરંતુ નવીનતામાં રહેલી સંભાવના આપણે પોતે ખોળવાની છે. દિવાળી પછીનું નવું વર્ષ અનેક નવીન સંભાવનાઓ લઈને આવશે. તેમાં રહેલા સુખદ નાવિન્યને ઊગતા સૂરજની જેમ આવકારો, પછી અવજવાળું દૂર નથી.

લોગઆઉટ

નવા સર્જકને ત્રાંસી આંખથી જુએ જૂના સર્જક,
ઘણાં વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા.

- હિતેન આનંદપરા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો