સમય ટૂંકો પડે સુખમાં, સમય લાંબો ઘણો દુઃખમાં

લોગઇનઃ

સમય બસ ધારણા મનની, સમય જેવું કશું ક્યાં છે?
મરે જો મન સમય ગાયબ, હતું જ્યાં જે બધું ત્યાં છે.

સમય ટૂંકો પડે સુખમાં, સમય લાંબો ઘણો દુઃખમાં
સમય સરખો નથી રહેતો, સમયની આ સમસ્યા છે

સમય જન્મ્યો નથી તો મૃત્યુ પણ ક્યાં થઈ શકે એનું
સમયની બહાર જે નીકળે સમાધિ બસ મળે ત્યાં છે

કશુંક આવી રહ્યું તો છે કશુંક જઈ પણ રહ્યું તો છે
સમય છે કે જીવન છે આ સમજવાની સમસ્યા છે.

જીવે માણસ વીત્યા પળમાં કરી ચિંતા નવા પળની
સમયની આ જ પળમાં જીવવું ‘રાજન’ તપસ્યા છે

– રાજેશ રાજગોર

વર્ષ બદલાતાની સાથે જ જિંદગીના કેલેન્ડરમાંથી એક પાનું ફાટી જાય છે, આયખાના ઊંબરામાં દીવાળીનો વધારે એક દીવો મુકાય છે. એ દીવાથી આપણે કેટલા રોશન થયા તે આપણા સિવાય જગતની કોઈ જ વ્યક્તિ ન કહી શકે. વર્ષ બદલાતા આપણી ઉંમરની ભીંત પર વધારે એક ઈંટ મુકાય છે. આપણે રાત-દિવસ આયુષ્યની ઈંટો વડે જિંદગીને ચણતા રહીએ છીએ. છેવટે તો એ જ જોવાનું કે જીવનની ભીંત કેટલી મજબૂત થઈ. આપણી મજબૂતાઈ આપણા પરિવારનો ટેકો બનવાની છે. એ મજબૂતાઈ આર્થિક સંપન્નતાની હોઈ શકે, પ્રસિદ્ધિ કે ખ્યાતિની હોઈ શકે, કુખ્યાતિની પણ હોઈ શકે. આપણું કર્મ એ આપણી ગેરહાજરીમાં આપણું આઇડેન્ટી કાર્ડ બનતું હોય છે. ગની દહીંવાલાએ કહ્યું છે ને, ‘જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ગની, હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.’ આપણી ગેરહાજરી બોલવી જોઈએ. બદલાતા વર્ષમાં આપણે આપણા આઇડેન્ટી કાર્ડને કેટલું ક્લીન બનાવ્યું તે મહત્ત્વનું છે.

અહીં કવિએ જુદી જુદી રીતે જોયો છે. કવિ કહે છે કે સમય જેવું કશું ક્યાં છે જ, કેમ કે મન મરી જાય તો સમય ગાયબ થઈ જાય છે, આપણને કશામાં રસ નથી રહેતો. બધું જેમનું તેમ રહે છે. વળી સુખ હોય ત્યારે સમય ક્યાં જતો રહે છે તેની ખબર પણ પડતી નથી અને દુઃખમાં એક પળ પણ યુગ જેવી લાંબી લાગે છે. મરીઝે લખ્યું છે, ‘કોણ કહે છે કે જુદાઈમાં સમય વીતતો નથી, અહીં તો સદીઓની સદીઓ ચાલી ગઈ.’ મરીઝ જે કહેતા હોય તેનો અર્થ એ જ નથી થતો. સદીઓની સદીઓ ચાલી ગઈ, અર્થાત્ એક એક ક્ષણ સદીઓ જેવી વીતી છે અને અમે તો સતત રાહ જ જોતા રહ્યા છીએ.

પણ આ સમય વળી શી બલા છે? વૈજ્ઞાનિકો ટાઇમ ટ્રાવેલિંગની વાતો કરી રહ્યા છે, ત્યારે કવિ તો સમયમાંથી પોતાની કલ્પનાનું ફિક્શન રચે છે. આદિલ મન્સૂરીએ તો એમ લખ્યું કે ‘હું સમયની બ્હાર ઊભો છું.’ કવિ કવિતાની પગદંડી પર પોતાના વિચારની પગલી મૂકીને સમયની બહાર નીકળી જાય છે. અહીં કવિ સરસ પ્રશ્ન કરે છે, સમય જન્મ્યો નથી તો મરે પણ ક્યાંથી? સમય તો સદાકાળ સ્થાયી છે. આપણે તો સમયના ચક્રની રજ માત્ર છીએ. ઘડિયાળ સમય બતાવે છે, પણ ઘડિયાળ સમય નથી. એ તો મશીન છે, જે આપણને સમયનું ભાન કરાવે છે. એ ન હોય તોય સમય એની ગતિએ ચાલવાનો જ છે.

આપણા જીવનમાં કશુંક આવે છે તો કશુંક જાય છે. પણ એનાથી સમયને કશો ફેર નથી પડવાનો. મુકેશ અંબાણી વિશ્વનો સૌથી મોટો ધનવાન માણસ થઈ જાય કે બેઝોસ ભીખારી થઈ જાય, ટ્રમ્પ ફરીથી અમેરિકાના પ્રમુખ થાય કે મોદી સાહેબ હારી જાય અને રાહુલ વડાપ્રધાન થઈ જાય તેનાથી કાળને કશો જ ફેર નથી પડવાનો. એ તો સતત વહ્યા જ કરવાનો છે. સમય એક નિરંતર વહ્યા કરતી નદી જેવો છે, આપણે તો એની અંદર તરતી કાગળની હોડીઓ! કાળની થાપ વાગશે એટલે ફાટી જઈશું. તરાપો તૂટી જશે. સમયની આ નદીમાં આપણે, આગળનું પાણી કેવું હશે, પાછળ ગયું એ પાણી કેવું હતું તેની જ ચર્ચામાં રહીએ છે, વર્તમાનમાં જે ખળખળ નીર વહી રહ્યું છે તેની તરફ ધ્યાન નથી આપતા. ભૂતકાળ અને ભવિષ્યની બારી ભલે ખુલ્લી રાખો, પણ નજર તો વર્તમાનની બારી પર જ રાખો. સમયની થિયરીમાંથી બધું શીખવાનું છે.

લોગઆઉટ

અહીં ઊગવાનું સમય શીખવે છે,
અને ડૂબવાનું સમય શીખવે છે.

કદી રક્તમાં છેક પહોંચી જઈને,
કદી છૂપવાનું સમય શીખવે છે.

સંબંધો તમે માંડ જોડી શકો ત્યાં,
ફરી તૂટવાનું સમય શીખવે છે.

બધાં પથ્થર સામસામે ઉગામે,
છતાં પૂજવાનું સમય શીખવે છે.

સફરમાં ન સામાન લેશો અહીં તો,
બધું મૂકવાનું સમય શીખવે છે.

છે જન્મોજનમ બંધનો એ તજીને,
સતત છૂટવાનું સમય શીખવે છે.

કદીયે દિશાઓ અને પંથ વિશે,
નહીં પૂછવાનું સમય શીખવે છે.

યુગો-ને સદી ને ક્ષણોની યે સામે,
કદી ઝૂકવાનું સમય શીખવે છે.

– મનસુખ નારિયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો