મૃત્યુગઝલ (ઈશ્વરને સંબોધીને)

જીવનની આ છાબડીમાંથી હાર કાઢી લીધો;
મને મારામાંથી તેં ઈશ્વર, બહાર કાઢી લીધો.

હવે તો હું ક્યાંય પણ દેખાતો નથી કોઈને,
તેં જાણે કે મારામાંથી આકાર કાઢી લીધો.

ન દરવાજે, શેરી, પાદર કે ગામમાંથી ચાલ્યો,
સિફતથી તેં ઘરમાંથી બારોબાર કાઢી લીધો.

છે ચોર્યાસી લાખમાંથી આ કેટલામો ફેરો?
જે કાઢ્યો એ કેટલામો અવતાર કાઢી લીધો?

હવે લોકો વાયકાઓ ના હોય એવી ઘડશે,
ખરો વાર્તાનો હતો જે, એ સાર કાઢી લીધો.

- અનિલ ચાવડા
  • આ ગઝલનું પઠન પણ સાંભળોઃ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો