સમાજમાં ઘણી ઘટનાઓ સ્ક્રિપ્ટેડ હોય છે

લોગઇનઃ

આ તે
શાંતિ સ્થાપવાની

કેવી રીત છે
?
પહેલાં તેઓ
કબૂતરોને પકડે છે
,
દિવસો સુધી તેમને પૂરી રાખે છે,
અને પછી
કોઈ એક ચોક્કસ સમયે
તેમને ઉડાડીને
શાંતિનો સંદેશો આપે છે!

પરાગ ત્રિવેદી

આ કવિતા વિશે વધારે કંઈ કહેવાની જરૂર નથી. એ સ્વયં દીવા માફક પ્રગટીને પોતાનું અજવાળું પાથરી રહી છે. આ કાવ્યને સળંગ વાક્યરૂપે લખવામાં આવે તો એક સુવિચાર માત્ર પણ લાગી શકે. આપણે ત્યાં પેરેગ્રાફરૂપે સળંગ કાવ્યો લખવાના પ્રયોગો પણ થયા છે. મણિલાલ દેસાઈ, અનિલ જોષી વગેરે કવિઓએ આવા પ્રયોગો સફળ રીતે કરેલા છે. મણિલાલ દેસાઈનું અમદાવાદ પરનું આવું એક કાવ્ય ખૂબ જાણીતું છે. કોઈ પણ કલા હોય તેમાં પ્રયોગો થતા રહે તે જરૂરી છે. પરાગ ત્રિવેદીએ લઘુકાવ્યો, તાન્કા, હાઇકુ, અછાંદસમાં પોતાની કાવ્યશક્તિ કામે લગાડી છે. તેનું સુંદર ફળ પણ મળ્યું છે તેમને. સીધી અને સચોટ વાત તે તેમની ખૂબી છે. એ ખૂબી આ કવિતામાં પણ દેખાઈ આવે છે.

કોઈ ફિલ્મમાં પૂરનું દૃશ્ય બતાવવું હોય તો શું કરવું? પૂર આવે તેની રાહ જોવી? એ રીતે ક્યારેય ફિલ્મ જ ન બની શકે. કલમહસનની ફિલ્મ દશાવતારમમાં આવું જ દૃશ્ય શૂટ કરવા માટે લાખો ગેલન પાણી વપરાયું હતું અને રિયલ લાગે તે માટે સ્પેશ્યલ ઇફેક્ટ અને વીએફએક્સ પણ ઉમેરાયાં હતાં. આવું ઘણી ફિલ્મોમાં થયું છે. રીલ અને રિયલ જિંદગીમાં બહુ તફાવત હોય છે એવું આપણે ત્યાં કહેવાય છે, પણ આનો ગુલઝાર સાહેબે સુંદર જવાબ આપેલો. ફિલ્મોમાં બનતી ઘટનાઓ સમાજમાંથી જ આવે છે. ફિલ્મ તો તેનો પડઘોમાત્ર પાડે છે. ઘણી વાર તો ફિલ્મ કરતાં રિયલ ઘટના વધારે ભયાનક હોય છે. તાજેતરમાં બનેલી હાથરસની ઘટના જ લઈ લો ને! આ ઘટના વિશે સાંભળીને કયા સંવેદનશીલ માનવીનું હૈયું ભીનું નહીં થયું હોય! આવી સેંકડો ઘટનાઓ તો બહાર પણ નહીં આવતી હોય.

રીલ લાઇફમાં સ્ક્રીપ્ટ અને પાત્રો નક્કી હોય છે, વળી પાત્રોને ખબર હોય છે કે પોતે કયું પાત્ર ભજવવાનું છે. જ્યારે રિયલ લાઇફમાં તો ઘણી વાર પાત્રને પોતાને પણ ખબર નથી હોતી કે તે કોઈક દ્વારા  મહોરું બનીને કામ કરી રહ્યો છે. સમાજમાં પણ ઘણી ઘટનાઓ સ્ક્રિપ્ટેડ હોય છે. તેની સ્ક્રિપ્ટ અને પાત્રો કોઈ વ્યક્તિ આલીશાન ઑફિસમાં બેસીને નક્કી કરતી હોય છે. શાંતિનો સંદેશો આપવા માટે કબૂતરોએ પીંજરામાં પૂરાવું પડે છે. હિન્દીના લેખિકા મન્નુ ભંડારીએ લખેલી એક શોર્ટ ફિલ્મ ખૂબ સુંદર હતી. તેમાં કોઈ એક નેતાને ચૂંટણી લડવાની છે. પક્ષ બધી રીતે હારી રહ્યો છે, પણ આ વરસે વિજેતા થવા કંઈક તો કરવું જ પડે તેમ છે. આવા સમયે તેને ખાણમાં કામ કરતા મજૂરો વિશે ખબર પડે છે. તે એક મજૂરને લઈને તેની પર થતા અત્યાચારો વિશે જોરશોરમાં નગારા વગાડી વગાડીને કહે છે, તેને સભામાં લાવીને તેની પીડા તેના જ મુખે કહેવા ઉશ્કેરે છે. લોકોમાં પણ આ મુદ્દાને લઈને રોષ પ્રગટે છે. પેલા મજૂરને હાથો બનાવીને નેતા સત્તાની ખુરશી સુધી પહોંચે છે. મજૂરને તો ખબર જ નથી કે તે તો ખુરશી સુધી જવાનો રસ્તો માત્ર છે. નેતા ખુરશી સુધી પહોંચ્યા પછી આ મજૂરને ઓળખતા પણ નથી. ન્યાય મેળવવાની આશાએ એક નાનકડી નોકરી હતી ખાણમજૂરિયા તરીકેની તે પણ તેણે ગુમાવી. બાપડો રસ્તે રઝળતો થઈ ગયો. પાસે જે થોડુંઘણું હતું એ પણ ગયું. અશોક ચાવડા કહે છે તેમ,

હતું જે એ ય ગયું ફેરફાર કરવામાં,
દીવો બુઝાઈ ગયો અંધકાર કરવામાં

અજવાળાની આશામાં પ્રગટેલા દીવામાં તેલ નકલી છે એવી આ બાપડા મજૂરને શી ખબર! આવી કબૂતરો પકડવાની હજારો ઘટનાઓ આજે પણ બની જ રહી છે. ઘણા લોકો વીંટી આપીને હાથ કાપી લેતા હોય છે – ચશ્માં આપીને આંખ લઈ લેતા હોય છે. જેનો હાથ કે આંખો ગઈ હોય તેને તો બિચારાને ખબર પણ નથી હોતી કે તેણે શું ગુમાવ્યું. પોતે શાંતિના ચાહક બનવા માટે અમુક લોકો અશાંતિ ઊભી કરે છે. પછી પોતે જ એ અશાંતિને શાંત કરવા આગળ આવી લોકો સામે શાંતિદૂત બને છે. શાંતિની આવી સ્થાપના પાછળ અનેક ભોળાં કબૂતરો ભોગ બને છે. આ સમાજનો સાચો ચહેરો છે. પરાગ ત્રિવેદીએ આ નાનકડી કવિતા દ્વારા આ ચહેરાને ઉઘાડો કરી આપ્યો.

તેમના જ એક અન્ય તાકનાકાવ્ય દ્વારા લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

શીત સવારે
આ સરવરજળે
શા સળ પડે?
આહા! આ તો પવન
જરા પડખું ફરે!

પરાગ ત્રિવેદી

(ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી મારી કોલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો