એ જ મારે જોવું છે

આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં એ જ મારે જોવું છે;
કોણ છે મારા નયનમાં, શ્વાસમાં ને ચામડીમાં એ જ મારે જોવું છે.

કોઈ પંખીનું મજાનું ગીત, પીંછું, પાંખનો ફફડાટ અથવા કાંઈ પણ,
વૃક્ષમાં છે કે નહીં? છે તો પછી કઈ ડાળખીમાં એ જ મારે જોવું છે

આવ, મારા આંસુની ઓ તીવ્રતા તું આવ, તારી રાહમાં છું ક્યારનો,
કેટલું વ્હેરી શકે છે તું મને આ શારડીમાં એ જ મારે જોવું છે

હું કશું બોલી શકું નૈ, સાંભળી પણ ના શકું, સ્હેજે વિચારી ના શકું,
કોણ આ રીતે મને બાંધી ગયું છે લાગણીમાં એ જ મારે જોવું છે

કોઈ બાળક જેમ પાછો જીદ લઈ બેઠો સમય, એક જ રટણ રટતો રહે,
“કૃષ્ણ જમના સોંસરા જે નીકળ્યા’તા છાબડીમાં એ જ મારે જોવું છે.”

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો