ખાદીની એક ટોપી પછી હેટ થઈ ગઈ


લોગઇનઃ

નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ

અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો
ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ

કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો
બિલ્લી બનીઠની ને હવે કૅટ થઈ ગઈ

ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી
ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ
ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ

- અદમ ટંકારવી

અદમ ટંકારવી ગુજરેજી અથવા તો ગુજલીશ ગઝલના પ્રણેતા છે. આજે વાતેવાતે અંગ્રેજી શબ્દો બોલવાનું ચલણ છે, ત્યારે અદમ ટંકારવીએ વર્ષો પહેલાં ગુજરાતી ગઝલમાં અંગ્રેજી ભાષાના છાંટણા કરેલા તે નોંધવા જેવી વાત છે. આ કવિની ગઝલો સામાન્ય માણસને પણ ગમે તેવી સરળ છતાં મર્મસ્પર્શી છે. ટંકારા જેવા નાનકડા ગામથી ઇંગ્લેન્ડ સુધીની સફર કરનાર આ શાયરના અનેક શેર લોકપ્રિય થયા છે.

તું મને પાલવનું ઇંગ્લિશ પૂછમાં,
અહીંયાં આંસુ ટિસ્યૂથી લીછાય છે.

કે પછી

જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી,
લીમડાની ડાળ મીઠી થઈ ગઈ.

આવા અનેક શેર લોકજીભે ચડ્યા છે. તેમણે ગુજરાતી ગઝલની ઓઢણી ઇંગ્લેન્ડમાં સૂકાવા નાખી તો અંગ્રેજી ભાષા ગુજરાતી ગઝલમાં ભળીને મીઠી થઈ ગઈ. તેઓ ગુજરાતી ગઝલની ગોળપાપડીને ઇંગ્લેડમાં લઈ ગયા અને તેમાંથી તેમને ગઝલની ચોકલેટ સાંપડી. એમનું રમતિયાળપણું છેતરામણું છે. જો તમે ઉપલક દૃષ્ટિથી જ ગઝલને જોશો તેમાં રહેલી રમતિયાળ ગંભીરતા તમે ચૂકી જશો. સરળ રીતે કહેવાતી વાત ઊંડણથી વિચારવા જેવી હોય છે. પ્રથમ નજરે આંખ સામેથી પસાર થઈ જાય ને ખબર પણ ન પડે, પરંતુ બીજી નજરે તેના ગાંભીર્ય વિશે વિચારીએ તો કશુંક જુદું મળી આવે. પરંપરાના શાયરો સાથે રહીને પણ પોતાની અલગ કેડી કંડારનાર આ શાયરનો આજે જન્મદિવસ છે. તેમની ગઝલમાં પરંપરા અને આધુનિકતા સહજ રીતે ઓગળી જાય છે. તેમની ભાવ અને ભાષા નોખા તરી આવે છે.

આ ગઝલ તેમની લોકપ્રિય ગુજલિશ ગઝલ છે. જે વ્યક્તિ પાસે હતી તે દૂર થઈ ગઈ, એ વાત કવિતામાં અનેક રીતે કહેવાઈ છે. પ્રિયપાત્રનું જવું એ કવિતાનો બહુ લોકપ્રિય વિષય છે. અહીં પહેલા શેરમાં એ જ વાત કહેવાઈ છે, પણ કેટલી સરળ રીતે! હમણાં સુધી જે ધીસ હતી તે ધેટ થઈ ગઈ. જે વ્યક્તિ સાવ નજીક હતી તે દૂર જતી રહી. એ પણ શેના લીધે? સાવ એક નાનકડી વાતને કારણે... અરવિંદને ઇંગ્લેન્ડનો વિઝા મળી જવો કે ખાદીની ટોપીનું હેટ બની જવું એ તો બાહ્ય રીતે દેખાતી વાત છે, પણ ખરેખર તો કવિ કંઈક બીજું કહેવા માગે છે. અરવિંદ કે જે ખાદીની ટોપી પહેરતો, ભારત અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરતો, તે મૂલ્યો ઇંગ્લેન્ડમાં ગયા પછી ખોવાઈ ગયાં. ભારતીય ટોપી અંગ્રેજી હેટની નીચે દબાઈ ગઈ. માત્ર દેખાવ બદલાવાની વાત નથી, અહીં તો આખી સંસ્કૃતિ બદલાઈ જવાનો નિર્દેશ છે. વ્યક્તિ જે વાતાવરણમાં રહે છે તેની અસર સીધી તેની પર થાય છે. તેના વસ્ત્ર પરિધાનથી લઈને રહેણીકરણી, ખાણીપીણી અને વિચારસરણી પર સુધ્ધાં તેની અસર વરતાય છે. આ અસરને નકારી શકાતી નથી. પણ સારા વિચારો ગ્રહણ કરવામાં હરકત નથી, ગાંધીજી વિદેશ રહ્યા, ત્યારે તેમણે તેમને અયોગ્ય લાગી તે વસ્તુનો સ્વીકાર નહોતો જ કર્યો. કોઈને બતાવવા માટે કશુંક બદલી નાખવું તે યોગ્ય નથી. અહીં ખાદીની ટોપીનું હેટ થવું, કૂતરાનું ડૉગ થવું, બિલ્લીનું કેટ થવું એ કંઈ માત્ર શબ્દોની ભાષાકીય અદલાબદલીની રમત નથી. ભાષાનું માધુર્ય પણ ક્યારેક આમાં ચીટચેટ સ્વરૂપે થઈ જાય છે.

વતનમાંથી વિદેશ જઈને વ્યક્તિ બદલાઈ ગઈ તેવી વાત આપણે ત્યાં ઘણાં કાવ્યોમાં, વાર્તાઓમાં, નવલકથાઓમાં તથા ફિલ્મોમાં પણ કરવામાં આવી છે. અદમ ટંકારવીએ એ જ સૂરને ગઝલમાં જુદી રીતે છેડ્યો છે. તેમની ગઝલવીણામાંથી જે સૂર છેડાય છે તેમાં અંગ્રેજી શબ્દોનો નાદ પણ છે. આ સૂર ગઝલને વધારે સરળ બનાવે છે, પણ એની ગંભીરતાને ત્યાગતો નથી. તેમની આવી જ એક ગુજલિશ ગઝલથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

યાદોનાં પરફ્યુમ્સ ઊડે છે,
ડનલોપી સપનાં આવે છે.

તારી ગલીના લૅમ્પપોસ્ટ પર,
સાઠ વૉલ્ટનું ફૂલ ખીલે છે.

આજકાલ તો તારા બદલે,
નેઈમપ્લેટ ઉત્તર દઈ દે છે.

પ્રેમપત્ર પૂરો થઈ જાતાં,
ટાઈપરાઈટર આહ ભરે છે.

તારા શહેરની રોનક કેવી,
સઘળી ટ્રેનો ત્યાં થોભે છે.

– અદમ ટંકારવી

ગુજરાત સમાચારમાં દર રવિવારે, રવિપૂર્તિમાં આવતી મારી કોલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો