શ્વાસ નામની સિમેન્ટ...

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા;
અમે રાતનું સૂપડું લઇ અંધાર ઊપણવા બેઠા

આટલો પણ વિશ્વાસ ન’તો શું તમને મારી ઉપર?
હાથ મિલાવ્યા બાદ તમે આંગળીઓ ગણવા બેઠા!

વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઈ,
અમે કબીરની પહેલાના આ ચાદર વણવા બેઠા

એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા,
એ જ પેન ને પાટી લઈને ભણી ગયેલું ભણવા બેઠા.

‘કશું નથી’ના ખેતરમાં જઈ, બે’ક અધૂરી ગાળો દઈ,
નહીં બનેલું દાતરડું લઈ, નહીં ઊગેલું લણવા બેઠા.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો