એપોઇન્ટમેન્ટ લીધા વિના આવી ચડેલું મૃત્યુ!


લોગઇનઃ

હે મૃત્યુ! આમ તું
એપોઇન્ટમેન્ટ લીધા વગર
અચાનક આવી પડે તે કેવું?
શું તને દેખાતું નથી
હું કેટલો બધો બિઝી છું?

- ડૉ. દિલીપ મોદી

કોરોનાની મહામારી ભારતમાં ફોરજી નેટવર્ક કરતા પણ વધારે ઝડપથી ફેલાઈ રહી છે. અનલોક થયા પછી ઘણાના શ્વાસ પર કામય માટે લોક વાગી ગયું. નહીં દેખાતા સાવ સૂક્ષ્મ લાલ રંગના કોરોના રૂપી દડાઓ એકે 47ની બુલેટ્સ કરતાં પણ ખતરનાક સાબિત થઈ રહ્યા છે. યુદ્ધ હોય તો તમને ખબર પણ પડે કે આ બાજુથી ગોળીબારના અવાજો આવી રહ્યા છે, તો પેલી બાજુ ભાગી જઈએ. પેલી બાજુ બોમ્બ ફેંકાઈ રહ્યા છો, તો સિફતથી સારી જગ્યાએ છુપાઈ જઈએ. પણ કોરોના નામનો આ અદૃશ્ય દુશ્મન તો બાજુમાં બેઠો હોય તોય ખબર નથી હોતી. બાજુમાં શું, એ તમારી અંદર પ્રવેશી ગયો હોય, તમારા રક્તની અંદર છૂપી રીતે વાર કરવા માંડ્યો હોય છતાં તમને ખબર ન હોય એવું બને...

આ વૈશ્વિક મહારામારીએ અનેકના સ્વજનોનો ભોગ લીધો, અનેક જાણીતા-અજાણ્યા વ્યક્તિત્વોના શ્વાસ કાયમ માટે મૂરઝાઈ ગયાં. સુરતના કવિ ડૉ. દિલીપ મોદીએ પણ આ મહામારીમાં પોતાના પ્રાણ ગુમાવ્યા. પોતે ડૉક્ટર હતા, ડૉક્ટરની ફરજને બહુ સારી રીતે જાણતા હતા. આવા કપરા સમયમાં એક ડૉક્ટરે પોતાના સ્વાસ્થ્ય કે જીવની પરવા કર્યા વિના લોકોની સેવા કરવી જોઈએ એ વાત તેમણે આત્મસાત કરી હતી. પોતાનો ધર્મ ખૂબ સારી રીતે સમજતા હતા. અનેક રોગીઓની સારવાર કરતાં પોતે પણ કોરોનાગ્રસ્ત થયા. ખરા અર્થમાં ‘વોરિયર’ એવા આ કવિએ ઘણા લોકોને કોરોના સામેની લડાઈ લડવામાં મદદ કરી, પરંતુ કોરોના સામેની લડાઈમાં પોતે હારી ગયા. એક દિવસ મૃત્યુ એપોઇન્ટમેન્ટ લીધા વિના આવી ચડ્યું. રજા પણ ન લીધી! એ તો વ્યસ્ત હતા, લોકોની સેવામાં.... એક તો સેવાભાવી ડૉક્ટર, ઉપરથી કવિ. બેવડું સંવેદન એમની અંદર જીવતું હતું. કોઈની ભીની આંખ ક્યાંથી જોઈ શકે? અન્યનાં આંસુ લૂછવામાં પોતાની હથેળી કોહવાય તોય પરવા નહીં.

જગત ભલે બાવળ જેવું હોય, પણ પોતાના મનને લીલી કૂંપળ જેવું રાખતા આ કવિએ કવિતાના વિવિધ સ્વરૂપોમાં કલમ ચલાવી. ઈશ્વરે ભલે પોતાની કલમથી આ કવિનું આયુષ્ય ટૂંકું કર્યું, પણ તેમણે ક્યારેય કવિતા કે દર્દીની સેવાને ટૂંકી કરવા પ્રયત્ન ન કર્યો. તેમણે એક જગ્યાએ લખેલું.

હું રડ્યો છું રેશમી ઝઝબાત પર,
ને હસ્યો છું કારમા આઘાત પર.
આમ હું જીવી લઈશ હે જિંદગી,
મેં લખ્યું છે નામ ઝંઝાવાત પર.

તેમણે કોરોના નામના ઝંઝવાત પર નામ લખ્યું, પણ ઝંઝાવાતને નાથી શકાયો નહીં. શી ખબર હજી આ ઝંઝાવત કેટકેટલાના ભોગ લેશે?

આટલી મહામારીમાં પણ માણસ સતત વ્યસ્ત છે. તેની પાસે સમય નથી. માણસ ઊઠે ત્યાંથી ઊંઘે ત્યાં સુધી સતત વ્યસ્ત રહેતો જીવ છે. સવારે હાથમાં લીધેલા બ્રશથી રાત્રે આવતા બગાસાં સુધી તે સતત પ્રવૃત્ત રહે છે. નવરો હોય ત્યારે પણ તે નવરો નથી હોતો. ઘણા લોકો તો સાવ નવરા હોવાના કામમાં વ્યસ્ત હોય છે. આપણે કેટલા બધા વ્યસ્ત છીએ કે આપણને મરવાનો પણ સમય નથી. આપણી અંદર વસતી આત્મા નામની કોઈ ચીજ તો ક્યારની આપણે બહાર ધકેલી દીધી છે. હેમેન શાહનો સરસ શેર છે, ‘છે વ્યસ્ત હાથ ફાઈલો ને પેપરનેટ પર, આત્મા તો દૂર ક્યારનો ભટકે છે રહેંટ પર.’ આપણને બહારનું કશું સ્પર્શતું નથી. આપણે જવાબદારીની જીભથી બોલીએ છીએ. આત્માના અવાજથી નહીં. આપણે એટલા માટે વ્યસ્ત છીએ કે આપણે ઘણું બધું કરવું છે, કરવા જેવું અને નહીં કરવા જેવું પણ. આપણી વ્યસ્તતા ખૂબ પોલી અને ખોખલી છે. ઉપરની કવિતામાં ડૉ. દિલીપ મોદીએ આ જ વાતને કેટલી ટૂંકમાં છતાં સચોટ રીતે વ્યક્ત કરી દીધી. આ કવિતા વિશે વધું કશું કહેવા જેવું ખરું?

તેમની જ એક અન્ય ગઝલથી લોગઆઉટ કરી તેમને અંજલી પાઠવીએ.

લોગઆઉટઃ

મોરને છોડીને ટહુકા ક્યાં જશે?
આ ધરાથી દૂર દરિયા ક્યાં જશે?

શ્વાસના સામીપ્યમાં તો કંઈક છે,
શબ્દથી અકબંધ રેખા ક્યાં જશે?

ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે,
હાથમાં મેંદીની છાયા ક્યાં જશે?

હું પરિચિત ભીંતમાં ડૂબી શકું,
ભાગ્યના ખંડેર પડઘા ક્યાં જશે?

લ્યો હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે?

- ડૉ. દિલીપ મોદી

ગુજરાત સમાચારમાં દર રવિવારે, રવિપૂર્તિમાં આવતી મારી કોલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો