આપણે શીખ્યા છીએ...

આપણા જૂનાપુરાણા ઘાવને પંપાળવાનું આપણે શીખ્યા છીએ;
શ્વાસની કાણી ખખડધજ નાવને હંકારવાનું આપણે શીખ્યા છીએ.

આમ જો જોવા જઈએ તો તમારી, મારી, સૌની એ જ તો તકલીફ છે;
ઘાસની ગંજી મહીં દીવાસળી સંતાડવાનું આપણે શીખ્યા છીએ.

આટલું જીવ્યા પછી પણ, આટલું શીખ્યા પછી પણ પ્રશ્ન તો ઊભો જ છે,
શું ખરેખર આપણી આ જાતને સંભાળવાનું આપણે શીખ્યા છીએ?

આપણા દુઃખદ પ્રસંગોને કશું બક્ષિસરૂપે આપવા માટે જ તો,
આંસુઓની આ પ્રવાહ મૂર્તિઓ કંડારવાનું આપણે શીખ્યા છીએ.

આપણી પહેલાં જ કોઈ લક્ષ્ય લગ પહોંચી જશે એ બીકમાં ને બીકમાં,
આ સફરમાં ચાલતા પ્રત્યેકને હંફાવવાનું આપણે શીખ્યા છીએ.

જિંદગી અર્થાત ખાલી પાંચ રૂપિયાના કવર પર એક સરકારી ટિકિટ,
ને કવર પર જાતને સૌ થૂંકથી ચોંટાડવાનું આપણે શીખ્યા છીએ.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો