...ને અચાનક આગ લાગે

ઊંઘમાંથી હું જરા જાગું ન જાગું ને અચાનક આગ લાગે;
ને અરીસો જોઉં તો હું ‘હું’ ન લાગું ને અચાનક આગ લાગે.

એકદમ તરસ્યા હરણ માફક, ધનુષથી છુટતા કોઈ તીર માફક,
પાંસળીઓ સર્વ તોડી ક્યાંક ભાગું, ને અચાનક આગ લાગે.

પાંપણો વચ્ચે વહેતા આ પ્રવાહી ધોધનાં તળ કેટલે છે?
શોધવા હું આંખનાં ઊંડાણ તાગું ને અચાનક આગ લાગે.

આ હૃદયના એક તીણા તારને સજ્જડ કરી ને ચુસ્ત બાંધી,
હું રુદનમાં કોઈ વીણા જેમ વાગું ને અચાનક આગ લાગે.

હું મને સિદ્ધાર્થ માફક એકલો છોડી અને ચાલ્યો ગયો છું,
હું મને મારી જ ભિક્ષા જેમ માગું ને અચાનક આગ લાગે.

- અનિલ ચાવડા

આ કવિતાનું પઠણ પણ સાંભળોઃ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો