ઘરમાં તો આવું પણ હોય..!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી મારી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇનઃ

બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું,
ઘરમાં તો એવું પણ હોય,
તું તારે ચકલીની લોહીઝાણ ચાંચ વિશે, કાચ વિશે હું ધારું,
ઘરમાં તો એવું પણ હોય.

મોભાદાર પ્હેરવેશ પહેરીને બેસેલા દીવાનું સ્થાન હોય નક્કી,
અજવાળું ઓરડામાં આમતેમ ફર્યા કરે જાણે કોઈ વૃદ્ધા હો જક્કી,
સૌ સૌને પોતાનાં ગીત હોય તેમ છતાં ગણગણવું સૌનું સહિયારું;
ઘરમાં તો એવું પણ હોય,

ચપટીભર ઘટના ને ખોબોએક સપનાં લઈ વહી જાશે પાંચ-સાત દાયકા,
સગપણના સરવાળા દંતકથા કહેવાશે, વાંધા પડે તો ઊડે વાયકા.
તું કહેતી સામેની બારી તે આપણું આકાશ છે, હું કહેતો વારુ;
ઘરમાં તો એવું પણ હોય,

- સંજુ વાળા

ગુજરાતી કવિતા; ગઝલ, ગીત, અછાંદસ, સોનેટ, મુક્તક, હાઇકુ એમ અનેક સ્વરૂપોમાં વિકસી છે – વિકસી રહી છે. તેમાં ઘણાં બધાં સ્વરૂપો બહારથી આવ્યાં અને અહીં વસીને ગુજરાતી થઈ ગયાં. જેમ વિદેશી લોકો ગુજરાતમાં આવીને ગુજરાતી થઈ જાય, તેમ આ સાહિત્યસ્વરૂપોનું પણ થયું. ગઝલ, સોનેટ અને હાઇકુને તેમાં પ્રમુખ ગણી શકાય. પણ ગીત આપણું પોતાનું ઘરેણું છે. તેનો ઘાટ આપણા લયથી ઘડાયો છે. ગીત-ભજન-પદ-પ્રભાતિયાં વર્ષોથી ગુજરાતમાં ઘેરઘેર ગૂંજે છે. સંજુ વાળાએ ગઝલ, ગીત, અછાંદસ એમ ત્રિવિધ સ્વરૂપમાં ખેડાણ કર્યું છે.

ઘણાં ગીત સળંગ બે પંક્તિનું મુખડું ધરાવતાં હોય, ઘણાં દોઢ પંક્તિનું. અમુકમાં એક જ પંક્તિથી મુખબંધ રચાતું હોય છે. સંજુ વાળાએ અહીં દોઢ પંક્તિનું મુખડું રચ્યું છે. વળી તેમાં ‘ઘરમાં તો એવું પણ હોય’ ધ્રૂવપંક્તિ બની રહે છે. આ પંક્તિ ગઝલમાં આવતી રદીફ જેવું કામ કરે છે. જેમ પૃથ્વી તેની ધરી પર ફર્યા કરે છે તેમ આ આખું ગીત એક ધ્રૂવપંક્તિ પર ઊભું છે – ઘરમાં તો એવું પણ હોય...
કેવું હોય તેનો જવાબ ગીતમાં છે.

બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું,
તું ધારે ચકલીની લોહીઝાણ ચાંચ વિશે, કાચ વિશે હું ધારું...

આને તમે ઘરમાં વસતા લોકોના પ્રતિકો ગણી શકો. ‘બેવડ વળીને ઊંધમૂંધ સૂતેલું અંધારું’માં અંધારું જાણે કોઈ જીવ હોય અને એક ખૂણામાં સૂતું હોય તેવું લાગે છે. કવિએ અંધારાને જીવંત બનાવી દીધું. પછીની પંક્તિમાં કાવ્યનાયક કાચ વિશે ધારે છે, જ્યારે સામેની વ્યક્તિ ચકલીની લોહીઝાણ ચાંચ વિશે ધારે છે. બે જુદા આયામો છે.

ચકલી અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને ચાંચ માર્યા કરતી હોય છે. ઘરમાં એવા પ્રસંગો આવતા હોય છે, એક તરફ ચકલીની ચાંચ જેવી સ્થિતિ હોય છે, બીજી તરફ કાચ જેવી. મતભેદ અને મનભેદ રચાય ત્યારે અંદરથી લોહીઝાણ થઈ જવાય. આવી સ્થિતિમાં વડીલ વ્યક્તિ મોભાદાર દીવાની જેમ પોતાના નિશ્ચિત સ્થાને બિરાજેલી હોય છે. તેમનું સ્થાન ઘરમાં અલાયદું હોય છે. દીવાની હાજરી અજવાળા તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ દીવાથી અજવાળાની અમીરાઈ પામતા ઘરમાં વસતા લોકોના પોતપોતાનાં ગીત હોય છે, તેના શબ્દો અને વાત તેમણે પોતે નક્કી કરેલી હોય છે. અલગ અલગ ગીત ગમે તેટલા સુંદર હોય, ગમે તેટલા લયબદ્ધ હોય તો પણ એકસાથે ગવાય ત્યારે તેમાં બેસૂરાપણું અને કઢંગાપણું આવે જ. સૌનું જુદું જુદું ગીત એકસાથે ગવાય તો તેમાં સિમ્ફની નહીં, કોલાહલ થાય.

સૌની પાસે પોતાનાં ખોબેએક સપનાં હોય, જીવનમાં જે ચપટીએક ઘટના ઘટતી હોય તેમાં આ સપનાના સહારે જીવવાનું છે. અને જીવવાનું કેટલું? પાંચ-સાત દાયકા. આટલા સમયમાં પણ જે સગપણનો સરવાળો થશે તે દંતકથા કહેવાશે. તેની કિંવદંતીઓ રચાશે. આપણા સારા સંબંધના દાખલા વારેવારે આપીએ છીએ. પોતે સંબંધ જાળવવા મથવા કરતાં સામેનો માણસ સંબંધ જાળવવા બધું જતું કરે તેવો આગ્રહ રાખવામાં આપણે માહેર છીએ. આમાં ને આમાં તિરાડો પડે છે. કેવો વાંધો પડ્યો, શું થયું, તેના પાયામાં રહેલી બે વ્યક્તિ સિવાય વધારે ભાગ્યે જ કોઈ જાણતું હોય છે. બાકી બીજું બધું તો લોકવાયકા બની જાય છે. કવિને તો સરવાળા કરવામાં રસ છે, બાદબાકીમાં નહીં. એટલા માટે જ તો તે પ્રિયપાત્ર જ્યારે સામેની બારીમાં પોતાના આકાશના દર્શન કરાવે છે ત્યારે તેમાં તે સંમતિ આપે છે. કેમ કે, ઘરમાં આવું પણ હોય, અને નીચેના ગીત જેવું પણ હોય!

લોગઆઉટઃ

રહીએ જેમ, તમે જી, રાખો...
કેમ અબોલા અમથા આવા, કંઈ તો ડહાપણ દાખો,

વરત-આખડી સૌ મૂકી દઉં, ના કોઈ પૂજું દેવ,
પૂછી બીડું પલક, ખીંટીએ ટાંગું સઘળી ટેવ,
ત્યાં જ ઊડીએ, જ્યાં ઊડાડે તમે દીધેલી પાંખો,
રહીએ જેમ, તમે જી, રાખો...

મેં ક્યાં માગ્યું સોને-રૂપે માંઝી દો મનસૂબા?
ઝળઝળિયાં દો તો પણ મારે રતનસરીખા કૂબા,
ધૂળધફોયા ખોળે જરાક, અમી નજર તો નાખો,
રહીએ જેમ, તમે જી, રાખો...

- સંજુ વાળા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો