અડધો રહે હૃદયમાં, અડધો રહે મગજમાં

પગમાં અનંત ઊંડા કંઈ વાઢિયા પડ્યા છે;
પાછળ સમયના ભૂખ્યા સૌ ડાઘિયા પડ્યા છે.

અડધો રહે હૃદયમાં, અડધો રહે મગજમાં;
પ્રત્યેક માનવીમાં બે ફાડિયા પડ્યા છે.

કરવો પડે છે પ્હેલા તો અંધકાર સઘળે,
ત્યારે મળે છે જોવા ક્યાં આગિયા પડ્યા છે.

છે મૌનનું રૂપાંતર, શબ્દોની વાત ક્યાં છે?
ભાષાની માટે તો બહુ દુભાષિયા પડ્યા છે.

ના કોઈથી લખાતી જીવન-ગઝલ મુસલસલ,
બાકી તો સહુની ભીતર કંઈ કાફિયા પડ્યા છે.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો