ટુકડે ટુકડે જીવું છું, પણ...

આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી;
ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.

મારી આંખોએ પહેલી વાર સપનું જોયું છે એવું નથી,
ઊંઘમાંથી સાવ અત્યારે જ હું ઊઠ્યો છું એવું પણ નથી.

વાત એ પણ સાવ સાચ્ચી કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો,
ફક્ત તારા પ્રેમને લીધે જ હું ડૂબ્યો છું એવું પણ નથી.

કોઈની સામે કદી નતમસ્તકે મેં હાર સ્વીકારી નથી,
હાથમાં હથિયાર લઈને હું સતત ઝૂઝ્યો છું એવું પણ નથી.

મેં સ્મરણ તારાં ઘરેણાં જેમ પ્હેરીને નથી રાખ્યાં, કબૂલ;
દૂર તારાથી રહીને હું તને ભૂલ્યો છું એવું પણ નથી.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો