તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે

તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે,
કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે…

ચાલ ચાલે એ પછી તું મ્હાત આપે ને ભલા,
તું રમતમાં છે જ નહિ, તું તો રમતની બ્હાર છે…

સેંકડો ખડકો નીચે ભૂતકાળ દાટી દો છતાં,
ફાટશે જ્વાળામુખી થઇ, એ શમનની બ્હાર છે…

ચાલવા કે દોડવાથી થોડું કંઈ પ્હોંચી શકાય,
છે ઘણા રસ્તા જ એવા જે ચરણની બ્હાર છે…

પી ગયો છું સાત દરિયાનેય નીચોવીને હું,
કૈક એવું લાવ જે મારી તરસની બ્હાર છે…

– અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો