આટલાં વર્ષો પછી...

આટલાં વર્ષો પછી એણે જબાન ખોલી;
તો બતાવ્યું મેં તરત મારું મકાન ખોલી.

રોજની જેમ જ બધા ઊભા રહી ગયા છે,
આયનાઓ પોતપોતાનું સ્વમાન ખોલી.

સાંભળ્યું છે આપણા ઘરની જ સાવ પાસે,
કોઈ સમય નામે વ્યપારીએ દુકાન ખોલી.

એ પ્રવેશ્યા એમ ઘરના વૃદ્ધ આંગણામાં,
જેમ ડાઘુઓ પ્રવેશે છે સ્મશાન ખોલી.

ક્યારનોયે થઈ ગયો છે યુદ્ધનો સમય ને-
હું હજીયે સ્તબ્ધ ઊભો છું કમાન ખોલી.

- અનિલ ચાવડા

આ કવિતાનું પઠન પણ સાંભળોઃ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો