આવ તને સમજાવું ચકલી આ દર્પણનું સાચ!


લોગઇનઃ

અમથી અમથી તું ટીચે છે એના ઉપર ચાંચ
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

રોજ રોજ તું ભૂલી પડતી આ ખોટા સરનામે,
બિંબ જોઈને ઝૂર્યા કરતી તું દર્પણની સામે.
કોઈ નથી એ બીજું મ્હોરું, ખાલી છે આ કાચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

ડાળ ઉપરથી ચીંચીં કરતી, ઘૂમરાતી તું ઘેલી,
વ્યાકુળ થઈને ખખડાવે છે બંધ કરેલી ડેલી,
કોઈ નથી ખોવાયું તારું, ના કર અમથી જાંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

ફરફર ફરફર ફરક્યાં કરતી તારી કોમલ પાંખો,
કોઈ નર્તકી જેમ નાચતી તારી બન્ને આંખો,
કોઈ નથી જોનારું અંદર, તારો સુંદર નાચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

ઝૂરી ઝૂરી થાકી ગ્યા છે, કૈંક અહીં છેવટમાં,
લોહી નીગળતી ચાંચ રહે છે, અંતે અહીં ફોગટમાં,
પથ્થર છે આ, નહીં આવે કંઈ, એને ઊની આંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

જિતેન્દ્ર જોશી

જિતેન્દ્ર જોશીના ગીતમાં લય અને અર્થનો કસબ સુપેરે ગુંથાયેલો હોય છે. આ ગીત તેની નક્કર સાબિતી છે. વાત માત્ર દર્પણ પર ચાંચ મારી રહેલી એક ચકલીની છે, પણ એને અર્થ અને તર્કની એરણે ચડાવીને તેમણે આ ઘટના પાસે કામ લઈને જે ગીત લખ્યું છે તે ખરેખર આહલાદક છે.

ઘણા લોકોએ ચકલીને દર્પણ પર ચાંચ મારતા જોઈ હશે. પણ ચકલી આવું શું કામ કરે છે તેવો પ્રશ્ન ભાગ્યે જ તેમના મનમાં થયો હશે. વળી આવું જોઈને કોઈને કંઈક નવી વિચાર આવ્યો હોય તેવું પણ ઓછું બને. પણ કવિ જ્યારે આવી ઘટના જુએ ત્યારે અવશ્ય તેમના મનમાં કાવ્ય સ્ફૂરે. જિતેન્દ્ર જોશીએ પણ આ ઘટના જોઈ અને તેમના મનમાં કાવ્ય સ્ફૂર્યું. તેમણે કવિતા થકી ચકલી સાથે સંવાદ સાધ્યો. કવિ ચકલીને કહે છે કે ચકલી, તું અમથી અમથી દર્પણ પર ચાંચ મારે છે, તારે અંદરથી શું લઈ લેવાનું છે? કારણ કે આ તો એક નક્કર કાચ છે તેમાંથી કશું મળી શકે તેમ નથી. તું તારું પ્રતિબિંબ જોઈને અંદર બીજું કોઈ છે એવો ભ્રમ રાખતી હોય તો મૂકી દે, તું ખોટા સરનામે પહોંચી ગઈ છે. તું તો ઝાડની ડાળ પર કેવ સરસ ઘેલી થઈને ઘૂમતી હોય છે, પણ આ તો નક્કર બરછટ કાચ છે, અહીં તારું ઘેલાપણું ચાલે તેમ નથી. કંઈ ખોવાયેલું શોધતી હોય તેમ એને ચાંચ ન માર, તારે જ દુઃખી થવાનું આવશે.

વળી આ ચકલી ફરફર કરત તેની પાંખો ફફડાવી રહી છે. સાથેસાથે કોઈ નર્તકી નાચતી હોય તેમ તેની આંખો નાચી રહી છે. બંનેમાં તેની સહજ ચંચળતા દેખાય છે. પણ તેના આ ચંચળ નાચની કોઈને પડી નથી. કોઈ તેને જોતું નથી. માટે તું ચાંચ મારવાનું રહેવા દે. દર્પણમાં જોઈને તું આ બધું કરી રહી હોય તો એ ફોગટ છે. ચાંચ મારવાથી કંઈ જ હાથમાં આવવાનું નથી. આ રીતે કેટલાય આવ્યા અને ગયા, તે પણ નિરાશ થયા છે, તું પણ નિરાશ જ થઈશ. વારંવાર ચાંચ માર્યા કરવાથી તું જ ઘાયલ થઈશ, માટે આ મિથ્યા પ્રયત્ન મૂકી દે. તું જે દર્પણને ચાંચ મારી રહી છે એ દર્પણ પણ છેવટએ એક પથ્થર છે. પથ્થર પર માથા પછાડવાથી માથું જ તૂટતું હોય છે.

સીધી રીતે જોઈએ તો વાત ચકલીની છે, પણ માત્ર ચકલીની પૂરતી સીમિત નથી. આપણું મન પણ ક્યારેક આવી દર્પણ જેવી ભ્રમીત દીવાલ પર ચકલીની જેમ ચાંચ માર્યા કરતું હોય છે. આપણી અધૂરી ઇચ્છાના પ્રતિંબબને જોઈને આપણે મહેચ્છાના માગા નાખીએ છીએ, પણ ઇચ્છા આપણને વરતી નથી. કવિએ છેલ્લે સરસ વાત કરી છે, કે આ દર્પણ પણ છેવટે એક પ્રકારનો પથ્થર જ છે. પણ આ વાત આપણે આપણી અંદરની ચકલીને સમજાવવાની હોય છે.

ચકલીની વાત કરીએ છીએ ત્યારે રમેશ પારેખનું વૈભવી ગીત યાદ આવ્યા વિના ન રહે.

લોગઆઉટ

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.

તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે,
મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.
મારે ફળીયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,
જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.

તારે ફળીયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,
મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,
સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,
હું તો અકડેલઠટ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.
આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,

~ રમેશ પારેખ


ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ...



લોગ ઇનઃ

જાણ્યું એવું જડ્યું નહીં કંઈ,
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ.

વનમાં ઝાઝા વાંસ વાયરા શિશ ધુણાવી ગાતા
લળક-ઢળક સૌ ડાળ, ઘાસને ચડે હિલોળા રાતા
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહીં કંઈ...
જાણ્યું એવું જડ્યું નહીં કંઈ...

શુષ્ક સરોવર, સાંજ, નહીં કોઈ ગલ-હંસો રઢિયાળા,
રડવાનું એક સુખ લેવા ત્યાં પ્હોંચ્યા સંજુ વાળા.
આંખ, હૃદય ને કર જોડ્યા પણ રડ્યું નહીં કંઈ...
જાણ્યું એવું જડ્યું નહીં કંઈ...

- સંજુ વાળા

સંજુ વાળા મર્મ સમજીને શબ્દગૂંથણી કરતા કવિ છે. અહીં આપેલી કવિતા આપણને જુદી જુદી દિશામાં અંગુલીનિર્દેશ કરે છે. કવિ શરૂઆત કરે છે આ પંક્તિથી – જાણ્યું એવું જડ્યું નહીં કંઈ... બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ... – બોર પાડવા માટે બોરડી ઝંઝેડવાની વાત તમે સાંભળી હશે. બોરડીમાંથી બોર વીણવામાં કાંટા વાગવાની પૂરી શક્યતા છે, ખાસ કરીને ચણીબોર વીણો ત્યારે કાંટા વાગે જ. આવા સમયે નાનકડાં બોરને લેવા બોરડી ઝંઝેડી નાખવામાં આવે છે, જેથી બોર ખરી પડે અને વીણી લેવાય. કવિએ પણ પોતાના ઇચ્છિત ફળને પામવા ઝાડ ઝંઝેડ્યું, પણ કશું પડ્યું નહીં... હવે એ ફળ કયું? શું તે જીવનરૂપી વૃક્ષ પરથી આધ્યાત્મિકતાનું અમીફળ પામવા માગે છે? પરસ્પર માનવસંબંધોમાં ઊષ્મા શોધવા જતા કશું હાથ ન લાગ્યું તેની વાત કરે છે? કે જીવનની વ્યવહારિકતામાં પોતે જે સપનાં સેવ્યાં છે, તે પામવામાં નિષ્ફળતા મળી છે તેનો ઉલ્લેખ કરીને કહે છે?

જીવન નામના વૃક્ષ ઉપર પણ ઘણાં ફળ છે, કોઈને તેમાંથી કારકિર્દીનું ફળ પાડવું છે, કોઈને સંબંધોનું, કોઈને વ્યવસાયિક સફળતાનું, કોઈને આધ્યાત્મિક જ્ઞાનનું તો કોઈને પરમની પ્રાપ્તિનું... બોરડી જેમ જીવનવૃક્ષમાં પણ ઘણાં કાંટા છે. ફળ તોડવા જતા વાગવાની પૂરી શક્યતા છે. આથી આપણે જીવનને બોરડી જેમ ઝંઝેડવા પ્રયાસ કરીએ છીએ. જેથી કાંટા વાગ્યા વિના ફળને પામી શકાય. કવિએ પણ પોતાના ઇચ્છિત ફળને પામવા માટે ઝાડ ઝંઝેડ્યું... પણ કશું પડ્યું નહીં. આપણે ઇચ્છીએ એવું આપણને મળે જ, એવું દરેકના નસીબમાં નથી હોતું. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હોય છે કે જે ઇચ્છતી હોય તે તેને મળે. બાકી તે જે મળે તે લેવાનું હોય છે. જીવન ઘણા રંગ બતાવે છે. જીવનના આંબા પર કેરીઓ હોય જ એવું જરૂરી નથી. વળી, જીવનની ખજૂરી સાવ ઊજ્જડ હોય એવું પણ જરૂરી નથી. આપણે તો માત્ર ઝાડ ઝંડેવાનું છે, એમાંથી કશું પડે પણ ખરું ને નાયે પડે. હા, બીજું કશું પડે ન પડે, વસવસો કે અફસોસ ચોક્કસ પડે છે. કવિએ ઝંઝેડેલા ઝાડ પરથી કશું પડ્યું નહીં.

અંતરમાં પ્રકૃતિનો ઉદ્દેશ છે. વનમાં પવનના સૂસવાટામાં વાંસ શિશ ધુણાવી રહ્યા છે, અર્થાત આમથી તેમ હાલકડોલક થઈ રહ્યા છે. ઘાસ વાયુની સાથે હિલ્લોળા લઈ રહ્યું છે. પ્રકૃતિ પોતાના લયમાં લીન છે. પણ કાવ્યનાયકના સ્વરમાં કોઈ લય આવતો નથી, સ્વર પામવાની મથામણ હજી અધૂરી છે. અધૂરપ માણસને કોરી ખાતી હોય છે. પણ આ કવિ તો અધૂરપનો પણ આનંદ લે છે. એમને રડવું છે, પણ દુઃખી થઈને નહીં, રડવાનો પણ આનંદ લેવો છે. એટલા માટે જ એક સાંજે એક શુષ્ક સરોવરે તે રડવા માટે જાય છે. તળાવ શુષ્ક છે, હંસો નથી. વેરાન જગ્યાએ રડવાનું સુખ લેવા માટે કવિ આંખ, હાથ અને હૈયું જોડે છે, પણ એક ટીંપુ આંસુ પણ તેમને મળતું નથી. અને અંતે એક પંક્તિ પર પાછા આવીને ઊભા રહીએ છીએ કે જાણ્યું એવું જડ્યું નહીં કંઈ...

જીવનને આપણે જાણીએ તેવું જડે જ તે ક્યાં જરૂરી છે? સંજુ વાળા આ વાત બહુ સારી રીતે સમજે છે એટલા માટે જ તો આ મર્મ તે કવિતામાં ગૂંથી જાણે છે. આ કવિ ‘ગહરા મરમ’ના કવિ છે. તેમની કવિતામાં ભાણસાહેબ, ખીમસાહેબ જેમ સાહેબ પરંપરાની મ્કેક વરતાય છે. તેમના ઘણા શબ્દો એવા તળપદા અને ભજનિકના લહેજાવાળા આવે છે એ શબ્દો તેમની કવિતાનું જમાપાસું બની જાય છે. તેમની શબ્દપ્રયુક્તિ અને રજૂઆત તેમની આગવી છે. રાજેન્દ્ર શુક્લ એક ગઝલમાં કહે છે કે પોત અલગ છે ભાત અલગ છે, તેમ સંજુ વાળાની ભાષાનું પોત અને તેમની કવિતાની ભાત બંને અલગ છે.

લોગ આઉટઃ

અવળી ચાલ અજાયબ કેડા
એક જ ડગલે માપી લીધા ત્રણે કાળના છેડા.

ભાતભાતના ભાવભોજથી તસતસતાં તરભાણાં,
અબુધની આગળ મુકેલા અઘરાં કોઈ ઉખાણાં.
ચાખે એ સહુ નાચે લઈને માથે નવનવ બેડાં...
અવળી ચાલ અજાયબ કેડા...

ધખધખતી એક ધૂન ચડાવી લખીએ લખ સંદેશા,
પગ થઈ જાતા પવનપાવડી, હાથ બન્યા હલ્લેસાં,
મીટ-અમીટે એ જગ જોવા વિણ વાયક વિણ તેડાં...
અવળી ચાલ અજાયબ કેડા...

- સંજુ વાળા

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

હોય ઇશારા હેતના, એના ના વગડે કંઈ ઢોલ



લોગઇનઃ

ચૈતર ચંપો મ્હોરિયો, ને મ્હોરી આંબાડાળ,
મઘમઘ મ્હોર્યા મોગરા, મેં ગૂંથી ફૂલનમાળ.

જૂઈ ઝળૂંબી માંડવે ને બાગે-બાગે ફાલ,
તું ક્યાં છો વેરી વાલમા? મને મૂકી અંતરિયાળ!

આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત;
ગામતરાં તને શે ગમે? તું પાછો વળ ગુજરાત.

કોયલ કૂજે કુંજમાં, ને રેલે પંચમ સૂર,
વાગે વનવન વાંસળી, મારું પલપલ વીંધે ઉર.

અવળું ઓઢ્યું ઓઢણું ને મારા છુટ્ટા ઊડે કેશ,
શું કહું નિર્દય કંથડા! મને વાગે મારગ ઠેસ.

જોબનને આ ધૂપિયે, પ્રીત જલે લોબાન,
રત આવી રળિયામણી, મારાં કોણ પ્રીછે અરમાન?

સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ;
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ!

નારી ઉર આળું ઘણું, બરડ કાચની જાત,
તું જન્મ્યો નરને ખોળિયે, તને કેમ સમજાવું વાત?

બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સરજી નારી ઉર,
ઉરને દીધો નેહ ને વળી નેહને દીધો વ્રેહ!

બાલમુકુંદ દવે

બાલમુકુંદ દવેએ અનેક ઉત્તમ કાવ્યો આપ્યાં છે. ‘જૂનું ઘર ખાલી કરતાં’ નામનું સોનેટ તો સીમાચીહ્ન છે. ‘કેવા રે મળેલાં મનના મેળ’ અનેક ગાયકોએ ગાયું છે અને ખૂબ લોકપ્રિય પણ થયું છે. ‘સીમને સીમાડે તને જોયો મારા બંદા’ કાવ્ય પણ જાણીતું છે. 7-3-1916માં જન્મેલા આ કવિની કવિતામાં પ્રકૃતિ, પ્રણય અને ભક્તિનો રંગ ખરી રીતે નીખર્યો છે. આમ તો એમના વિશે ઘણું લખી શકાય તેમ છે, પણ આપણે અત્યારે ઉપરની ‘વિરહિણી’ કવિતાની વાત કરીશું. આમ પણ અત્યારે વર્ષાઋતુ ચાલી રહી છે. ચોમાસું પોતાનો રંગ દેખાડી રહ્યું છે. સૂકી ધરતી હરિયાળીની ચાદર પહેરી રહી છે, ત્યારે પ્રોષિતભર્તુકાને - અર્થાત જેનો પતિ પ્રવાસે ગયો હોય તેવી સ્ત્રીને આ શ્રાવણના સરવડાં ઠારવાને બદલે બાળે છે. તેના હૃદયમાંથી વેદનાની વરાળ નીકળે છે. આપણે આવી જ વેદનાની વરાળ કાઢતી એક કવિતા વિશે વાત કરીએ.

પહેલાના સમયમાં પતિ વિદેશમાં કમાવા જતા. ગુજરાત બહાર જાય એને પણ બીજા દેશે ગયા એવું કહેવાતું. એ વખતે મોબાઇલ ફોન તો હતાં નહીં, માત્ર પત્રવ્યવહારથી વાત થતી. ઘણી વાર તો પતિને આવા પત્ર પણ ન લખી શકાતા. કારણ કે એવા પત્ર સીધા પત્નીના હાથમાં ન પણ આવે. આવી સ્થિતિમાં પત્ની વિરહિણી બની પતિની યાદમાં ઝૂર્યા કરતી. બાલમુકુંદ દવેએ આ કવિતામાં ઝૂરોપો બરોબરનો ઝીલ્યો છે. કાવ્યનાયિકાનો પતિ ગુજરાત બહાર કમાવા ગયો છે. પત્ની એકલી છે. ચૈતરમાં આંબાડાળ મહોરી છે. તેણે તો પતિ માટે મોગરાની માળા પણ ગૂંથી છે. આંગણે જૂઈ જળૂંબે છે, બાગેબાગે ફાલ લહેરાઈ રહ્યો છે, ત્યારે તે પતિ પર પ્રેમાળ રોષ ઠાલવીને કહે છે કે, “હે વેરી વાલમા, તું આમ મને એકલી મૂકીને ક્યાં જતો રહ્યો? ચૈતરની ચાંદની ખીલી છે, માણ્યા જેવી રાત છે, ત્યારે મને આમ એકલી મૂકીને જવાનું તને શીદને ગમે છે? તું જલદી ગજરાત પાછો આવી જા. હું તારા વિના ઝૂર્યા કરું છું.” યુવાનોની ભાષામાં કહીએ તો કાવ્યનાયિકા તેના પતિને ખૂબ મિસ કરી રહી છે.

એક તો પિયુ ગામતરે ગયો છે અને ઉપરથી કોયલ પંમચ સૂર રેલાવે છે. આટલું ઓછું હતું તે વાંસળી વાગી રહી છે. આ બધું થવાથી પળેપળ કાવ્યનાયિકાનું હૈયું વીંઘાઈ રહ્યું છે. વિરહમાં તેણે ઓઢણું પણ અવળું પહેરી લીધું છે. વાળ ઓળવાની પણ હોંશ નથી રહી, કેશ છુટ્ટા મૂકી દીધા છે. વિરહ સહન ન થતા તે પતિને ‘નિર્દય કંથડા’ કહે છે. તે ભલે રોષ ઠાલવતી હોય, પણ આ રોષમાં પણ પતિ પ્રત્યેનો ભારોભાર પ્રેમ છે. તેને થાય છે કે મંદિરમાં જેમ આરતીમાં લોબાન બળે છે, એમ પિયુ વિના હું બળી રહી છું. પણ મારો ઝૂરાપો, મારાં અરમાન કે મારી આ બળતરા કોણ સમજે? આવી વાત તો શાનમાં સમજવાની હોય. કવિએ અદભુત પંક્તિ પ્રયોજી છે, ‘હોય ઇશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ!’ પ્રેમનો તે કંઈ ઢોલ ટીપવાનો હોય? એ તો ઇશારા માત્રથી મહોરી ઊઠે. વળી કાવ્યનાયિકા કહે છે કે હું નારી છું, નારીનું હૈયું સાવ કૂણું હોય, બરડ કાચ જેવું હોય, તરત તૂટી જાય. પણ તું પુરુષ છે. આ વાત તને હું કઈ રીતે સમજાવું? ગમે તેટલું સમજાવીશ તો તું પૂરેપૂરું નહીં સમજી શકે. વળી અંતે કહે છે કે, “હે બ્રહ્માજી, તમે નારીનું હૃદય સર્જીને બહુ ભારે ભૂલ કરી છે. હૃદય સર્જ્યું ત્યાં સુધી તો ઠીક હતું, તમે એમાં લથબથ નિતરતો નેહ પણ ભર્યો. ચલો એ ય સમજ્યા, પણ પછી અંતે આ નેહને જીરવાય નહીં એવો વ્રેહ અર્થાત વિરહ પણ આપ્યો!

બાલમુકુંદે વિરહિણીની હૃદયની વેદનાને સચોટ રીતે વ્યક્ત કરી છે. અંતે હિન્દી ફિલ્મ ‘પિયા મિલનકી આસ’ના સુપ્રસિદ્ધ ગીતની બે પંક્તિથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

કાગા સબ તન ખાઈયો, ચુનચુન ખાઈયો માંસ,
દો નૈના મત ખાઈયો, મોહે પિયા મિલન કી આસ.
~ ભારત વ્યાસ

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

બુલબુલ માંદું પડ્યું હોય ત્યારે ય ગાયા વિના નથી રહી શકતું



લોગઇનઃ

મને કાગળ-કલમ ને અક્ષરો સૂવા નથી દેતાં,
કવિતાનાં બળૂકાં લશ્કરો સૂવા નથી દેતાં.

અચાનક જઈ ચડી છું કોઈ આગંતુક જેવી હું,
કબર મારી જ છે પણ પથ્થરો સૂવા નથી દેતાં.

હજારો વાર ધોઈ છે છતાંયે જાત મહેકે છે,
ગુલાબી સ્પર્શનાં એ અત્તરો સૂવા નથી દેતાં.

પલાંઠી ચુસ્ત વાળીને કરે છે ધ્યાન મારામાં,
સ્મરણનાં જોગણી-જોગંદરો સૂવા નથી દેતાં.

વિસામો શ્વાસને આપી હવે પોઢી જવું છે બસ,
પરંતુ કામઢા કારીગરો સૂવા નથી દેતાં.

પારૂલ ખખ્ખર

પારૂલ ખખ્ખર શબ્દને સલુકાઈથી કાગળ પર ઉતારનાર કવયિત્રી છે. આવું તે એટલા માટે કરી શકે છે, કેમકે તેમને કાગળ-કલમ અને અક્ષરો ઊંઘવા નથી દેતા. કહેવાય છે કે કવિતાનો પ્રથમ વિચાર ઈશ્વરદત્ત હોય છે, બાકીની મહેનત કવિએ જાતે કરવાની હોય છે. કોઈ વિચાર કવિને અંદરથી સ્પર્શી જાય ત્યારે લખ્યા વિના રહી શકાતું નથી. બુલબુલ માંદું પડ્યું હોય ત્યારે ય ગાયા વિના નથી રહી શકતું. સારો કવિ આ બુલબુલ જેવો હોય છે. વિકટ સ્થિતિમાં પણ તે કાગળ-કલમ નથી મૂકી શકતો. આ કવયિત્રી પાસે કવિતાના બળુકાં લશ્કરો પાસે આવે છે, જંગે ચડે છે અને વિચારયુદ્ધમાંથી અંતે કવિતાનું અવતરણ થાય છે.

આમ તો દરેક માણસમાં એક છૂપો કવિ બેઠો હોય છે. દરેકે ક્યારેક ને ક્યારેક કવિતા લખી જ હોય છે. સ્કૂલ-કૉલેજના સમયમાં નોટબુક કે ચોપડાનાં છેલ્લાં પાને મોટેભાગે શાયરીનો શણગાર ગૂંથાતો હોય છે. પોતાની નહીં તો બીજાની કવિતા, પણ કંઈક લખ્યું હોય ખરું. કંઈ નહીં તો ગમતી વ્યક્તિને યાદ કરીને કોઈ ફિલ્મનું ગમતું ગીત પણ ચીતરેલું હોય. પણ આ તો ટાઇમ પાસ કરવા માટેનું લખાણ થયું. એવા વિચાર ક્યારેય આવે કે જે લખીએ નહીં ત્યાં સુધી ઊંઘી ન શકાય, ત્યારે સમજવું કે કવ્યપ્રસવ થવાની સંભાવના છે.

અહીં તો કવિ પોતાની જ કબર પર આગંતુકની જેમ જઈ ચડવાની વાત કરે છે. ઘણાને પ્રશ્ન થાય કે પોતાની કબર પર પોતે કઈ રીતે જઈ શકે? ત્યાં તો લોકો કાંધે ચડાવીને, ઠાઠડીએ બાંધીને લઈ જાય તો થાય, પણ એ તો સામાન્ય ભાવકના મનમાં ઊઠતો પ્રશ્ન છે. ખરો ભાવક કવિતાનો મર્મ પામી જાય છે. આ કબર ભૂતકાળની હોઈ શકે, પોતે પ્રસંગોના પથ્થર મૂકીને જે કબર ચણી તે જ પ્રસંગો હવે ઊંઘવા નથી દેતા. આમ પણ ભૂતકાળ પાછળ લટકતા પૂંછડા જેવો છે, જે અંત સુધી માણસનો પીછો નથી છોડતો. ભૂતકાળ બે પ્રકારનો હોય - સારો અને ખરાબ. ધતૂરાનો સ્પર્શ દૂર્ગંધથી માથું ભમાવી દે, જ્યારે ગુલાબ સુગંધથી ભરી દે. આપણે ઇચ્છીએ તોય એની સુગંધથી મુક્ત ન થઈ શકીએ. ઘણા ભૂતકાળ આ સુગંધી સ્પર્શ જેવા પણ હોય, એની સુગંધ આપણને જીવનભર મહેકતા રાખે.

આપણે ફિલ્મમાં પોતાના પ્રિય વ્યક્તિની રાહ જોતી અને ઊંઘી ન શકતી હિરોઈન અનેક વાર જોઈ છે. તેની અંદર જાણે યાદોની જોગણીઓ ધ્યાન ધરીને બેઠી હોય એવું લાગે. અહીં કાવ્યનાયકના મનમાં પણ સ્મરણની જોગણીઓ પલાંઠી વાળીને બેસી ગઈ છે. યાદ ચિત્તને ઘમરોળ્યા કરે છે, ઊંઘવા નથી દેતી.

શ્વાસ વિસામો ખાય ત્યારે આપોઆપ મૃત્યુની ટપાલ આવી પહોંચે. કાવ્યનાયકને તો શ્વાસને વિસામો આપીને હંમેશાં માટે પોઢી જવું છે. પણ ‘કામઢા કારીગરો’ સૂવા નથી દેતા. આ કારીગરો એટલે કોણ? આ કારીગરો એટલે જિજીવિષા, અધૂરી ઇચ્છાઓ, મનમાં સળવળતી અને નહીં પૂરી થયેલી અનેક મનીષાઓ, તૃષ્ણાઓ... તમે એવી વાત સાંભળી હશે કે બાપ મરણ પથારીએ પડ્યો હોય, પણ મરતો ન હોય. સંતાન તેમને જોઈને ચિંતા કર્યા કરે. મરવા પડેલાનો જીવ કોઈ વાતમાં અટકી પડ્યો હોય, તેનો નિવેડો આવે એટલે આપોઆપ એ મૃત્યુ ભણી પ્રયાણ કરે. કવિને પણ જીવનલીલા સંકેલી લેવી છે, પણ પેલા અધૂરા ઓરતાના ‘કામઢા કારીગરો’ નવા નવા ઓરતા રચ્યા કરે છે. માણસ મૃત્યુ સુધી ઇચ્છામુક્ત નથી થઈ શકતો. આપણે જિજીવિષાના પીંજરામાં પુરાયેલા પંખી છીએ. પણ મહત્ત્વની વાત એ છે કે આપણને ખબર નથી કે આપણે પૂરાયેલા છીએ. દરેક માણસ પોતપોતાની પીડાના પીંજરામાં કેદ છે. કવિ આવા પીંજરાઓ શોધવાનું કામ કરતો હોય છે. પારૂલ ખખ્ખરને ઘણા વિચારો સૂવા નથી દેતા, પરિણામે તેમની કલમને ડાળખી ફૂટે છે અને આવી સરસ કવિતા આપણને મળે છે.

લોગઆઉટ

પીડાઘરના તૂટ્યાં તાળાં વસમી સાંજે
ઊડયાં રે આંસુ પાંખાળાં વસમી સાંજે.

એક કિરણ આશાનું એણે ઠાર કર્યું ત્યાં,
મ્યાન થયાં જાતે અજવાળાં વસમી સાંજે.

કાગળમાં ફૂલો બીડયાં’તાં ઉગતા પહોરે,
પ્રત્યુત્તર આવ્યા કાંટાળા વસમી સાંજે.

હાથ કદી ના છૂટે એનો, નેમ હતી પણ
હાથ ન જોડાયા ભમરાળા વસમી સાંજે.

શું કહેવું એ શખ્સ વિશે જેણે ગણ્યા’તા,
બે ડૂસકાં વચ્ચેના ગાળા વસમી સાંજે.

~ પારુલ ખખ્ખર

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા