મારી ફળીનાં ઝાડવાં બે હતાં કરતાં એક દિ’ વાતો

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

મારી ફળીનાં ઝાડવાં બે હતાં કરતાં એક દિ’ વાતો,
એક કહે: હદ થઈ હવે, નહીં ભાંડુવિજોગ ખમાતો.
ચાલને અહીંથી ચાલતાં થાયેં, આઘાં આઘાં વનમાં જાયેં.

બીજું કહે: એમાં જીવનું જોખમ, નિત આવે કઠિયારો,
આવી ઓચિંતાના ચલવે આપણા પર કુહાડાનો મારો:
જો કે મરવું કોઈ ન ટાળે, તોય મરવું શીદ-અકાળે?

પહેલું કહે: અહીં દન ખુટે તો પછી ન ખુટે રાત,
અહીં અટૂલું એકલું લાગે, તહીં તો આપણી નાત!
ચાલને આપણે ચાલતાં થાયેં, આઘાંઆઘાં વનમાં જાયેં

બીજું કહે: જેણે જાત ઘસીને આપણને જળ પાયાં,
એમને ક્યારે આપીશું આપણાં ફળ ને આપણી છાયા?
હું તો કહું: અહીં રોકાઈ જાયેં, એના ચૂલાનાં ઈંધણાં થાયેં.

— દેવજી રા. મોઢા

‘શિરીષ’ના તખલ્લુસ સાથે લખતા આ કવિનો આજે જન્મદિવસ છે. 8 મે, 1913ના રોજ જન્મી, 21 નવેમ્બર 1987માં વિદાય લેનાર આ કવિએ અનેક સુંદર કાવ્યો લખ્યાં છે. તેઓ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન પામ્યા અને શાળામાં આચાર્યપદે પણ રહેલા. તળપદી સરળતા અને હૃદયને સ્પર્શે તેવી પ્રેરક ભાવનાત્મક બાની તેમની કવિતાની વિશેષતા છે. કશો ઉપદેશ આપ્યા વિના જ તેઓ તેમની કવિતામાં મોટો ઉપદેશ આપી દેતા હોય છે. ઉપરની કવિતા તેની સાક્ષી પૂરે છે.

કાવ્યનાયકના ફળિયામાં બે ઝાડ ઊભાં છે. બંને વાતે ચડ્યાં છે. એક ઝાડ બીજા ઝાડને કહે છે, “ભાઈ, અહીં રહીને હવે મારાથી વિયોગ નથી ખમાતો.” આ વિયોગ અન્ય વૃક્ષોનો છે. શહેરમાં છૂટાંછવાયાં ઝાડને જંગલમાં પોતાપણું લાગે, ત્યાં અનેક વૃક્ષોની હરિયાળી હોય. જ્યારે શહેરમાં કોંક્રિટના જંગલમાં કોઈના આંગણે ઊભેલાં એકબે ઝાડને પોતાની વસ્તી વધારે હોય તેવા વિસ્તારમાં જવાની ઇચ્છા થતી હોય તેવું બને. દેવજી રા. મોઢાએ આ સરસ કલ્પના કરી છે. એક ઝાડ બીજા ઝાડને કહે છે કે, “ચાલને આપણે અહીંથી જંગલમાં જતાં રહીએ, ત્યાં આપણી જેવા – આપણી નાતનાં અનેક ઝાડ હશે. બધાની સાથે ખૂબ મજા આવશે. અહીં તો એકલવાયાપણું છે. ઈંટ-સિમેન્ટની વચ્ચે ફળિયામાં માત્ર તું ને હું ઊભાં છીએ.” બીજું ઝાડ ઘણું સમજું છે. તે કહે છે, “ત્યાં જવામાં વાંધો નથી, પણ ત્યાં જીવનું જોખમ છે. જંગલમાં રોજ કઠિયારો આવે, આપણી પર કુહાડીના પ્રહાર થાય. આપણે હતાં ન હતાં થઈ જઈએ. જો કે દરેકનું મૃત્યુ નક્કી જ છે, પણ આમ સાવ અકાળે શું કામ મરવું? એના કરતાં અહીં જેમણે જાત ઘસીને આપણને ઉછેર્યાં, પાણી પાઈ-પાઈને મોટાં કર્યાં, તેમને આપણાં ફળફૂલ ન આપીએ? તેમનું ઋણ કેમ ભૂલાય? અહીં જ રોકાઈને આપણે તેમના ચૂલામાં બળીએ તો આપણું જીવતર સાર્થક થશે.

આ જ વાતને વિદેશમાં રહેતા લોકોના સંદર્ભમાં પણ જોવા જેવી છે. અમેરિકા-કેનેડા-યુકે જેવા દેશોમાં રહેતા અનેક ગુજરાતીઓ થતું હશે કે અહીં ક્યાં આવી ચડ્યા, માજરે વતનને મૂકીને? ક્યારેક એ ભૂમિને કાયમ માટે છોડીને વતનમાં આવવાની ઇચ્છા પણ થતી હશે. પણ દેવજી રા. મોઢાએ આ કવિતામાં કહ્યું છે તેમ, જે ભૂમિએ રોટલો અને ઓટલો આપ્યો, માનસન્માન અપાવ્યું તેને સાવ આમ તરછોડી ન દેવાય. વતનનો દીવો તો હૈયામાં જલતો જ રહેવાનો છે, તે ઠાર્યો નથી ઠરવાનો. પણ વિદેશને પોતાનું વતન બનાવ્યું, તેનું લુણ ખાધું તો તેનું ઋણ પણ પોતાની માથે છે. વતનના જતન સાથે વિદેશને સ્વદેશ બનાવવો એ નાનીસૂની વાત નથી. બંનેનો આદર કરવો જોઈએ. અશરફ ડબાવાલાનો એક શેર યાદ આવે છે,

પરદેશમાં વતનને ભલે તું ઝૂરે ભલે સતત,
ક્યારેક તો વતનમાં વિલાયતનો શેર લખ.

વતનઝૂરાપો બધાને હોય. જે માટીમાં રમ્યા-ભમ્યા અને ઊછર્યાં તે માટીનું મૂલ આંકીએ તેટલું ઓછું છે. પણ જે ભૂમિએ આપણને રોજીરોટી આપી તેના પ્રત્યે પણ આદર હોવો જ જોઈએ. જેમ માતૃભાષાના ગુણગાન ગાવા માટે અન્ય ભાષાને નકામી ગણવી જરૂરી નથી, તેમ વતનને પ્રેમ કરવા માટે વિદેશને નફરત કરવી પણ જરૂરી નથી.

દેવજી રા. મોઢાની અન્ય એક સુંદર કવિતા છે, જેમાં તેમને કયાં બે ચિત્રો સૌથી વધારે ગમે છે, તેની સરસ રીતે વાત કરી છે, તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

જગનાં સહુ ચિત્રોમાં માત્ર બે જ મને ગમે:
એક તો એ કે જહીં કોઈ કન્યા, કોઈ કુમારનો
લઈને પગ ખોળામાં, વ્હાલની ભરતી ઉરે
આણી, વદી મીઠાં વેણ, ને વેણે વેદના
હરી ને હળવે હાથે કાંટાને હોય કાઢતી!
ને બીજું જ્યાં કુમાર એ કાંટાના ભયને પરો
કરી ને કોમળ અંગે ઊંડા ઊઝરડાં સહી,
ને લહી પીલુંડાં જેવા લોહીના ટશિયા કરે,
ચૂંટી પાકાં ટબા બોર કન્યાને હોય આપતો,
ને ખાધાથી ખવાડીને ખુશી ઓર મનાવતો!

— દેવજી રા. મોઢા

આજ અંધાર ખૂશ્બોભર્યો લાગતો....

લોગઇનઃ

આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી.

આજ ઓ પારથી ગંધને લાવતી
દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
મ્હેંકતી આવતી શી સુગંધી!

ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફૂવારી?

હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
હરિણ શું, તે મળ્યો આજ સૂર?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર?

- પ્રહલાદ પારેખ

આપણે ત્યાં અંધકાર, રાત્રી, કાળાશ વગેરેને એક પ્રકારની નકારાત્મકતા સાથે જોડવામાં આવતાં હોય છે. ઉદાસીનો અંધકાર, ભેંકાર રાત્રીની ભયાવહતા, અંધકારની આરી, અંધકારના ઓળાઓ જેવી અનેક શબ્દાવલીઓ દ્વારા નિરાશાનો ભાવ વ્યક્ત કરવામાં આવે છે. તેમાં અંધકારનો ખપ લેવામાં આવે છે. મનની અસીમ કાળાશ વ્યક્ત કરવા માટે ક્યારેક ભેંકાર અંધકારનું ઉદાહરણ આપવામાં આવે, તો ક્યારેક કાળમીંઢ ખીણ પણ કહેવામાં આવે. અંધકારમાં ભય છે, બીક છે, નિરવ શાંતિ અને એમાં એકલતાનો એરુ આભડવા તત્પર છે. આવાં આવાં પ્રતિકો અંધકારને વધારે નકારાત્મક બનાવે છે. ત્યારે ગાંધીયુગના એક મહત્ત્વના કવિ અંધારાને જરા જુદી રીતે જુએ છે. તે કહે છે, ‘આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો.’

નિરંતર અંધકારને નકારાત્મક રીતે જ જોનાર કોઈ વ્યક્તિ પહેલીવાર આવી પંક્તિ વાંચે તો તરત તે ચકિત થાય જ, તેમાં કોઈ બે મત નથી. તેના મનમાં રહેલી અંધકાર વિશેની માન્યતાઓનો પણ ભાંગીને ભુક્કો થાય. પ્રહલાદ પારેખે અંધારને ખુશ્બોભર્યો કહ્યો, પણ અંધકાર કંઈ સુંઘવાની વસ્તુ નથી, એને માત્ર આંખથી અનુભવી શકાય, જોઈ શકાય. પણ એ જ તો કવિની કમાલ છે. અહીં કવિએ ઈઁદ્રિયવ્યત્યય સાધ્યો છે. અંધકારની કાળાશને પ્રહલાદ પારેખે સૌંદર્યવંતી બનાવી દીધી.

કવિ રાજેન્દ્ર શુક્લએ પણ અંધારાને અદ્ભુત રીતે રજૂ કરેલું, તેમણે લખ્યું, “ઊંટ ભરીને આવ્યું રે અંધારું લ્યો...” ઘણાને વળી પ્રશ્ન થાય કે ઊંટ ભરીને અંધારું કઈ રીતે આવી શકે? મણિલાલ દેસાઈને તો અંધારાના કવિ તરીકે ઓળખવામાં આવતા, તેમની કવિતામાં ઘણાં અંધકારના પ્રતીકો-કલ્પનો જોવા મળતાં. જેમ કે, “અંધારાનું ઈંડું તૂટી ગયું છે” ‘અંધારું’ નામની કવિતામાં તો તેમણે અંધારાને કેટકેટલાં વિશેષણોથી નવાજ્યું છે, “અંધારું પીળું આકાશ નહીં બાલમાં, અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ...” એમણે પણ અંધારાને સુંવાળું ફૂલ કીધું. પણ આ અંધારાની સુગંધને પહેલીવાર ગુજરાતીમાં રજૂ કરનાર કવિ હતા પ્રહલાદ પારેખ. આ રીતે પ્રહલાદ પારેખ પોતાના સમકાલીનોથી અલગ પડ્યા. કવિ શ્રી વિનોદ જોશીએ તેમના વિશે જે કહ્યું તે એકદમ યોગ્ય જ છે, “સમકાલીન કાવ્યપ્રણાલિએ સ્થિર કરેલી કેટલીક રૂઢ પરંપરાઓનો ખપ પૂરતો લાભ લઈ આ કવિ પોતાની રીતે ફંટાયા છે. ને એમ પ્રવાહપતીત બની જવામાંથી ઊગરી શક્યા છે.”

પ્રહલાદ પારેખ પર રવીન્દ્રનાથ ટાગોરની સૌંદર્યમઢી કાવ્યકલાનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. નિસર્ગમાં જ આ કવિ સ્વર્ગ જુએ છે. તેમની કવિતામાં પ્રકૃતિ, પ્રેમ અને કુદરત સોળે કળાએ ખીલ્યાં છે. પુષ્પોની કળીઓ જેટલી સહજ રીતે ડાળ પર પાંગરે છે, એટલી સહજતાથી તેમની કવિતામાં પ્રકૃતિ પાંગરી છે. 12 ઑક્ટોબર 1912ના રોજ ભાવનગરમાં જન્મેલા આ કવિએ માત્ર બે જ કાવ્યસંગ્રહો આપીને ગુજરાતી ભાષામાં પોતાનું સ્થાન કામયી કર્યું છે. એક સંગ્રહ છે, ‘બારી બહાર’ અને બીજો, ‘સરવાણી’. બારી બહાર તેમણે જે દૃશ્યો જોયાં અને હૃદયે જે અનુભવ્યું તેની સરવાણી તેમણે કાવ્યરૂપે વહાવી છે. એમનાં કાવ્યો સંખ્યાની ર્દષ્ટિએ અલ્પ હોવા છતાં ગુણવત્તાની દ્રષ્ટિએ ઘણાં મહત્વનાં છે. તેમણે બાળવાર્તાઓ, અનુવાદ અને ગદ્યમાં પણ થોડો ઘણો હાથ અજમાવ્યો હતો. પણ કવિતામાં તેઓ સવિશેષ ખીલી શક્યા. અંધકારને ખૂશ્બોભર્યો બનાવનાર આ કવિની આજે પૂણ્યતિથિ છે. 2 જાન્યુઆરી 1962ના રોજ તેમણે આ ફાની જગતમાંથી વિદાય લીધી. તેમની પૂણ્યતિથિએ તેમને લાખ લાખ વંદન.

અંધારા વિશેની રાજેન્દ્ર શુક્લની એક સુંદર રચનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

ઊંટ ભરીને આવ્યું રે અંધારું લ્યો.
આ પોઠ ભરીને આવ્યું રે અંધારું લ્યો.

કોઇ લિયે આંજવા આંખ,
કોઇ લિયે માંજવા ઝાંખ;
અમે તે ઉંબરમાં ઉતરાવ્યું રે અંધારું લ્યો.
અમે તો આંગણામાં ઓરાવ્યું રે અંધારું લ્યો.

એના અડ્યા આભને છોડ;
એવા અડ્યા આભને કોડ –
અમે તો મુઠ્ઠી ભરી મમળાવ્યું રે, અંધારું લ્યો.
અમને ભોર થતાં લગ ભાવ્યું રે, અંધારું લ્યો.

– રાજેન્દ્ર શુકલ

ગઝલ — આપણે છૂટા પડ્યા ’તા

આપણે છૂટા પડ્યા ’તા જે ક્ષણે આઘાત સાથે,
એ પછી કાયમ વીત્યો મારો સમય ઉત્પાત સાથે.

જોરથી ભૂતકાળને ભટકાઈને વાગ્યો મને એ;
મેં સ્મરણનો જે દડો ફેંક્યો હતો તાકાત સાથે.

સ્મિત જ્યારે પણ કર્યું ત્યારે ઉદાસીન થઈ ગયો હું,
એમ થાતું કે અગર તું હોત તો હરખાત સાથે.

પત્ર ટુકડે ટુકડે વાંચ્યો તો અસર એની અલગ થઈ,
થાત એની પણ અસર નોખી અગર વંચાત સાથે!

ચાંદ-તારા-સૂર્ય ને સર્વે ગ્રહો ગોથે ચડ્યા છે,
ગરબડો કોણે કરી મારા દિવસ ને રાત સાથે?

કાશ, આ આગળ ધપી ચૂકેલ વેળા મારી મા હોત,
હું ય બાળક જેમ દોડીને તરત થઈ જાત સાથે.

– અનિલ ચાવડા

પંખાળા ઘોડા ગઢ રે કૂદીને ક્યાં ઊડિયા હો જી?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

પંખાળા ઘોડા ગઢ રે કૂદીને ક્યાં ઊડિયા હો જી?

જરીયે કીધ ના ખોંખાર,
મૂકી પછાડી અસવાર,
કીધા અજાણ્યા પસાર,
પંખાળા ઘોડા ગઢ રે કૂદીને ક્યાં સંચર્યા હો જી?

તોડી દીધી નવસેં નેક,
છોડી દીધા સઘળા ટેક,
આડા આંકી દીધા છેક,
પંખાળા ઘોડા ગઢ રે ભાંગીને ક્યાં પરહર્યા હો જી.

પાંખાળા ઘોડા ક્યાં રે અગોચર ઊપડ્યા હો જી?
સૂની મૂકી તુષ્ણાનાર,
શીળા આશાના તુષાર,
સૌને કરીને ખુવાર,
ખૂલ્લાં મૂકી નવે દ્વાર,
પંખાળા ઘોડા કિયા રે મુલક તને સાંભર્યા હો જી?

– સુંદરજી બેટાઈ

સુંદરજી બેટાઈ ગાંધીયુગના મહત્ત્વના કવિ છે. તેમણે ‘જ્યોતિરેખા’, ‘ઇન્દ્રધનુ’, ‘શિશિરે વસંત’, ‘શ્રાવણી ઝરમર’ જેવા અનેક કાવ્યગ્રંથો આપ્યા છે, સાથેસાથે અનુવાદો, સંપાદનો અને વિવેચનનાં કામો પણ ઘણાં કર્યાં છે. તેમણે લખેલાં ખંડકાવ્યો પણ ધ્યાનમાં લેવા જેવાં છે. ‘પાંજે વતની ગાલ્યું’, ‘અલ્લાબેલી અલ્લાબેલી, જાવું જરૂર છે, બંદર છો દૂર છે...’ જેવી રચનાઓ તેમની જાણીતી થયેલી. વિષાદ, અવસાદ, આધ્યાત્મિક ભાવ અને જીવનની ગતિ-અધોગતિ તેમના કાવ્યોમાં વિશેષ રીતે ઝિલાઈ છે. મુંબઈની એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેમણે કામ કરેલું. 10 ઑગસ્ટ 1905ના જન્મેલા આ કવિએ 16 જાન્યુઆરી, 1989ના રોજ આ જગતમાંથી વિદાય લીધી. આજે તેમની પૂણ્યતિથિ છે. તેમની કવિતા થકી તેમને વંદન કરીએ.

સુંદરજી બેટાઈ અહીં પાંખાળા ઘોડાની વાત કરે છે. આ પાંખાળા ઘોડા એટલે હેરી પોટર જેવી કાલ્પનિક કથાઓમાં કે પરીકથાઓમાં આવે છે તે નહીં. કવિ તો અહીં આત્મા અને દેહની વાત કરે છે. પાંખાળા ઘોડા, અર્થાત્ શરીર અંદર વસતો આત્મા, જે પાંખાળા ઘોડાની જેમ ઊડીને – દેહ છોડીને વિદાય લે છે. આપણી અંદર બળતો એક દીવો આપોઆપ ઓલવાઈ જાય છે. આત્મા એ કંઈ દેખાતી વસ્તુ તો છે નહીં, ઘણા આત્માના હોવા સામે જ પ્રશ્નો ઉઠાવે છે, કે આત્મા-બાત્મા જેવું કશું હોતું નથી. જે છે તે શરીર છે. અને આત્મા હોય તોય એને રહેવા માટે તો શરીર જોઈએ જ ને, કોઈ આકાર તો જોઈએ જ ને? આકાર વિનાનો આત્મા તો નિરાકારી થઈ જાય. એને ઓળખવો, પિછાણવો કે સ્પર્શવો કોઈ રીતે? આત્માના હોવા ન હોવા વિશે વૈજ્ઞાનિકોએ અમુક પ્રયોગો પણ કરેલા.

એક વિચાર પ્રમાણે આપણે બધા પહેલા તો એક આત્મા છીએ, અને સૌ પોતપોતાનું શરીર ધારણ કરેલા છીએ. શરીર જેમ વસ્ત્ર ધારણ કરે છે, તેમ આત્મા શરીર. સુંદરજી બેટાઈએ આત્માને પાંખાળા ઘોડા કહ્યું, મીરાંબાઈએ આત્માને હંસલાની ઉપમા આપી છે. યાદ કરો, ‘મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.’ ઘણા કવિઓ-ફિલસૂફોએ દેહને માટી કહ્યો છે, માટીનો દેહ છે અને માટીમાં મળી જવાનું છે એ વાત તો બહુ પ્રચલિત છે. આત્માને જ્યોતની ઉપમા પણ અપાઈ છે. એક દિવસ આ આત્મા નામની જ્યોતિ દેહ નામના કોડિયામાંથી બુઝાઈ જશે.

દેહનો ગઢ કૂદીને પાંખાળો ઘોડો ક્યાં ઊડ્યો તેનો પ્રશ્ન કવિના મનમાં થાય છે. આત્મા નામના ઘોડા પર દેહ નામનો અસવાર સવાર થયેલો છે. પણ સમય આવ્યો એટલે ઘોડાએ અસવારને પછાડ્યો અને જરાકે અવાજ કર્યા વિના કોઈ અગોચર વિશ્વમાં પ્રયાણ કર્યું. પણ દેહ તો અનેક વળગણોથઈ બંધાયેલો છે. સંસાર નામની શરણાઈ ફૂંકવામાં વ્યસ્ત છે. તૃષ્ણા નામની નારીને વરેલો છે. તેના ચિત્તની ડાળીઓ પર આશાનાં ઝાકળબિંદું બાઝેલાં છે. જેવો પેલો ઘોડો ઊડે એ સાથે જ તેના આશાનાં ઝાકળબિંદું પણ ઊડી જવાનાં છે, તૃષ્ણા નામની નારી પણ નિરાધાર થઈ જવાની છે. પણ પંખાળા ઘોડાને એવા તે કયા મુલક સાંભર્યા છે કે તેણે આ બધું મૂકીને જવું પડ્યું છે તે કવિનો મુખ્ય પ્રશ્ન છે. કવિતો પ્રશ્ન કરીને મૂકી દે છે, ભાવકે તે પ્રશ્નની કેડી પર આગળ વધવાનું છે. કવિ તમને કોઈ ચોક્કસ મુકામ સુધી ન પણ પહોંચાડે, એ માત્ર આંગળી ચીંધીને ઊભો રહી જાય.

સુંદરજી બેટાઈની અન્ય એક સરસ રચનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

પાછલી રાતુંની મારી નિંદરા ડહોળાણી, ને
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!

ધરતી ધાવણધારા,
ધરતી ધાવણધારા ઊંડી રે શોષાણી, ને,
આભઅંગાર ઊઠે આભમાં ઓ જીરે...

લ્હેકી લંચુકી મારી,
લ્હેકી લંચુકી મારી વાડિયું વેડાણી, ને
આંગણે ઝીંકાઈ રહ્યા ઝાંખરાં ઓ જી રે.

કેસરે મ્હેકંત ક્યારી,
કેસરે મ્હેકંત ક્યારી ઉરની ઉજાડી, ને
આંખે અંધારાં ઘોર આંજિયાં ઓ જી રે.

પાછલી રાતુંની મારી નિંદરા ડહોળાણી, ને
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!

– સુંદરજી બેટાઈ


બુદ્ધને એક સંદેશો...

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

ભાઈ મારું એક કામ કરીશ?
મારે એક સંદેશ પહોંચાડવો છે,
બુદ્ધ મળે તો કહેજે કે—
રાઈ માટે ઘેર ઘેર ભટકતી ગૌતમીને
આજે વહેલી સવારે
મળી આવ્યું છે એક નવજાત બાળક
ગામને ઉકરડેથી.

~ રાજેન્દ્રસિંહ રાયજાદા

સુરેશ દલાલનું એક ખૂબ જ સુંદર સંપદાન છે — ‘બૃહત્ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ’. 600 વર્ષની ગુજરાતી કવિતાની ઝાંખી આપતું આ પુસ્તક ખરેખર અદ્ભુત છે. નરસિંહ મહેતાથી લઈને આજના જાણ્યા-અજાણ્યા કવિઓનું પ્રતિનિધિત્વ કરતી ઉત્તમ રચનાઓ તેમાં સમાવવામાં આવી છે. રાજેન્દ્રસિંહ રાયજાદાની આ કવિતા પણ તેમાં સમાવવામાં આવી છે. આ કવિ વિશે કંઈ વિશેષ માહિતી નથી, પણ તેમનો જન્મ 7 માર્ચ 1943માં થયેલો. આ કવિતા કદાચ જૂની હશે, પણ અત્યારે, જ્યારે ક્યાંક ઉકરડેથી, રેલવે સ્ટેશનેથી કે કોઈ નિર્જન જગ્યાએથી ત્યજાયેલ નવજાત શિશુઓ મળી આવે છે ત્યારે આ કવિતા વધારે આજના સમયની વાત કરી હોય તેવું લાગે છે.

ભગવાન બુદ્ધ અને ગૌતમીનો પ્રસંગ ઘણા લોકોએ સાંભળ્યો હશે. છતાં તેને ફરી યાદ કરી લીએ। ગૌતમી નામની એક સ્ત્રીને એકનો એક દીકરો હતો. કોઈ બીમારીને કારણે તે અવસાન પામ્યો. પુત્ર ગુમાવવાથી ગૌતમીને ખૂબ આઘાત લાગ્યો. લગભગ ગાંડા જેવી થઈ ગઈ અને દીકરાનું શબ સ્મશાનમાં પણ લઈ જવા દેતી નહોતી. તે માનવા તૌયાર નહોતી કે દીકરો મરી ગયો છે. કોઈકે તેને ઉપાય સૂચવ્યો કે નજીકના વિહારમાં ભગવાન બુદ્ધ આવ્યા છે, તેની પાસે જા, કદાચ તે તારા દીકરા માટે કોઈ સારું ઓસડ આપે અને તે ઊભો થઈ જાય. તે બુદ્ધ પાસે પહોંચી ગઈ અને અ વિનંતી કરતા કહ્યું, “ભગવંત, તમે તો બધાને ઓસડ આપો છો તેવું મેં સાંભળ્યું છે, મહેરબાની કરીને મારા દીકરાને ફરી જીવતો કરી આપો.” બુદ્ધ તરત આખી વાત પામી ગયા. તેમણે સ્મિત આપતા કહ્યું, “ઓસડ માટે તું મારી પાસે આવી એ તેં ઠીક કર્યું. હવે તું એક કામ કર, શહેરમાં જા અને જે ઘરમાં જેનું કોઈનું પણ મરણ ન થયું હોય તે ઘરમાંથી ચપટી રાઈના દાણા લઈ આવ.” ગૌતમીને આશા જાગી. તે તરત શહેરમાં ગઈ અને ઘેરઘેર ફરીને રાઈના દાણા માગવા લાગી. તે ખાતરી કરી લેતી કે ઘરમાંથી કોઈનું અવાસન તો નથી થયું ને? ધીરે ધીરે તે આખું શહેર ફરી વળી પણ એકે ઘર એવું ન મળ્યું કે જ્યાં કોઈનું અવસાન ન થયું હોય. છેવટે તેને જ્ઞાન થયું કે મૃત્યુ એ સનાતન સત્ય છે. દરેકને એક દિવસ મરવું જ પડે છે. ગમે તેવું સ્વજન હોય, પ્રિય હોય, બધાનું મૃત્યુ નિશ્ચિત છે.

રાજેન્દ્રસિંહ રાયજાદાએ બુદ્ધની આ કથાનો સહારો લઈને આપણા વર્તમાનમાં બનતી ઘટનાઓ પર ધારદાર કટાક્ષ કર્યો છે. ચપટી રાઈ માટે ગૌતમી ભટકી રહી છે અને તેને ગામના ઉકરડેથી એક નવજાત શિશુ મળી આવ્યું છે. આ આપણા સમાજની કરૂણતા નહીં તો બીજું શું? એક ગૌતમી કે જે પોતાના મરેલા દીકરાને જીવતો કરવા રઘવાઈ થઈ છે, આકાશ પાતળ એક કરવા માગે છે, બીજી બાજું આજે અનેક ગૌતમીઓ પોતાના નવજાત શિશુને જન્મતાવેંત ત્યજવા મજબૂર થઈ રહી છે. આમાં જે તે વ્યક્તિની મજબૂરી જવાબદાર છે? સંજોગોને આધીન થઈને આવું કરવું પડે છે? કે આપણા સમાજનો ઢાંચો એવો છે કે જેના લીધે આવું થાય છે? ગૌતમીના મરેલા પુત્રનું સત્ય સમજાવવા તો બુદ્ધે રાઈના દાણાનો ઉકેલ શોધી કાઢ્યો. પણ હવે ઉકરડેથી મળી આવેલા બાળકનું શું? આમાં વેધક વ્યથા છે.

આ જ સ્થિતિમાં કચરાની ડોલમાંથી મળી આવેલ એક નવજાત શિશુની સ્થિતિ વર્ણવતું વિપુલ પરમારનું એક ગીત પણ ખાસ વાંચવા જેવું છે. કચરાની ડોલમાં પડેલા બાળક માનવતાની પોલ ખોલી રહ્યું છે.

લોગઆઉટઃ

કચરાની આ ડોલ!
ઊંઆં...ઊંઆં...બોલી ખોલે માનવતાની પોલ!

બણબણનાં હાલરડાં વચ્ચે માખી ભરતી ચૂમી,
હૂ.. હૂ.. કરતાં લાડ લડાવે, શ્વાનો ફરતાં ઘૂમી.
અરે.. અરે.. નું અમથું વાગે, માણસ નામે ઢોલ!
કચરાની આ ડોલ!

મઘમઘ મઘમઘ થાતી બદબો, કૂડો અડતાં ડીલે!
ફરફર ફરફર વાસી ફૂલો, હાથ અડે ત્યાં ખીલે!
ખદબદ ખદબદ થાતો કોનાં ભીતરનો માહોલ?
કચરાની આ ડોલ!

— વિપુલ પરમાર

કાશ્મિરી પંડિતોની દાસ્તાન કવિતારૂપે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

ફેલાશે ફેલાશે અમારું મૌન
સમુદ્રના પાણીમાં મીઠાની જેમ
રગોમાં રક્ત જેમ દોડતું પહોંચશે હૃદયના ધબકારાની એકદમ નજીક
લોટની બોરીમાંથી ઢોળાતા લોટની જેમ આપશે અમારું સરનામું

અમે જ્યાં પણ હોઈએ કોઈ દુઃસ્વપ્નમાં
કે પછી દુઃસ્વપ્ન કરતાં પણ કોઈ ભયંકર વાસ્તવિકતાની ધાર પર
ધરોના ઘાસની જેમ અંધારા સાથે ગુત્થમગુત્થા થઈને
પોતાની માટે જમીન માગશે
હીરાની ચમકતી વીંટી જેમ પડ્યું રહેશે અમારી આંગળીમાં...

શરણાર્થી શિબિરોમાં હંમેશાં માટે ઉદાસ થઈ ગયેલાં બાળકોનું મૌન
બખોલમાંથી કાઢવામાં આવેલ વૃદ્ધોની આંખોનું મૌન,
જે હંમેશાં સત્ય તરફ ખૂલતી હતી
સ્ત્રીઓના હોઠો પર જામી ગયેલી શોકની કાળી નદીનું મૌન
ચૂપ કરાવી દેવામાં આવેલાં તમામ લોકોનું મૌન
બેચેન પંખીની જેમ ઊડશે આ ઝાડથી પેલા ઝાડ પર
ઊંઘના દ્વારની ગુપ્ત સાંકળો ખટખટાવીને ચુપચાપ વિચારોમાં પ્રવેશશે
અને પોતાના લોહીલુહાણ પગલાંની છાપ છોડશે

દરેક આંખ સાથે નજરના તારને બાંધીને એક લાંબું અને મજબૂત દોરડું બનાવશે
સળગતી વખતે બોમ્બની જેમ પડ્યું રહેશે એ પુલની નીચે
જ્યાંથી પસાર થશે જૂઠના હજારો-હજારો પગ
અને ત્યારે અમારા મૌનના ધમાકાથી મોટો બીજો કોઈ ધમાકો નહીં હોય.

— ડૉ. શશિશેખર તોષખાની (અનુ. અનિલ ચાવડા)

કાશ્મીરી પંડિતોની પીડા વ્યક્ત કરતી ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ હમણાથી ખૂબ ચર્ચામાં છે. માત્ર 16 કરોડમાં બનેલી આ ફિલ્મે એક અઠવાડિયામાં સો કરોડ કરતાં વધારે બિઝનેસ કરી લીધો છે. આ જ ફિલ્મની સફળતા દર્શાવે છે. કાશ્મીરી પંડિતોના દર્દની આ કહાની કોઈ પણ પથ્થરદિલ ઇન્સાનનું હૈયું વલોવી નાખે તેવી છે. આ જ વિષય પર આ જ ફિલ્મમાં કામ કરતા એક્ટર અનુપમ ખેરે 2017માં એક કવિતાનો વીડિયો બનાવીને ટ્વિટર પર શેર કર્યો હતો. કવિતાનું શીર્ષક હતું ‘ફૈલેગા હમારા મૌન’ અને તેના કવિ છે ડૉ. શશિશેખર તોષખાની. શશિશેખર તોષખાની કાશ્મીરના જાણીતા કવિ, ભાષાશાસ્ત્રી અને લેખક છે.

હિટલરે યહુદીઓ ઉપર આકરો અત્યાચાર કર્યો તેને જગત ભૂલવા દેવા માગતું ન હોય તેમ દર વર્ષે આ તેની પર એકાદ બે ફિલ્મો બને જ છે. અને તે છેક ઓસ્કાર એવોર્ડ સુધી પહોંચે છે. યહુદીઓના ચિત્ત પર પડેલા એ કારમા ઘા કોઈને કોઈ કલા રૂપે સતત જિવંત રાખવામાં આવે છે. આપણે ત્યાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર વિશે કોઈને ખબર જ નથી. પણ વિવેક અગ્નિહોત્રીઓ તેના સત્યને બખૂબી પરદા પર ફિલ્મરૂપે રજૂ કર્યું તો લોકો તે જોઈને શોકમાં ડૂબી જાય છે. ઘણું સત્ય માત્ર કડવું જ નહીં, ઝેરી પણ હોય છે, જ્વાળામુખી જેવું તીવ્ર પણ હોય છે. અમુક અત્યાચારની કલ્પના પણ થઈ શકતી નથી.

શશિશેખર તોષખાની મૂળ કાશ્મીરના વતની હોવાથી ત્યાંના પ્રશ્નો અને પીડાથી ખૂબ સારી રીતે અવગત છે. જે અનુભવમાં પરોવાય છે તેને કોઈ કલ્પના પણ પહોંચી શકતી નથી. ખરેખર તો હકીકત કલ્પના કરતા વધારે ભયંકર હોય છે અને દરેક કલ્પનાની જનની પણ અમુક રીતે હકીકત જ હોય છે. કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર વર્ષો સુધી મૌનની પછેડી ઢંકાયેલી રહી, કોઈએ તેના વિશે વાત ન કરી. પણ આ મૌન દરિયાના પાણીમાં રહેલા મીઠાની જેમ એક દિવસ ચારે તરફ ફેલાશે એવી વાત શશિશેખર તોષખાનીએ કરેલી, વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ એ વાત સાચી પાડી.

દુઃસ્વપ્નથી ડરી જતો માણસ ક્યારેક એ દુઃસ્વપ્ન કરતાં પણ વધારે ભયંકર હકીકતના છેડા પર આવીને ઊભો રહે ત્યારની સ્થિતિ અવર્ણનીય હોય છે. ધાર્મિક કટ્ટરતા માણસને કઈ હદે લઈ જઈ શકે છે તેની કોઈ સીમા નથી. ધર્મ ખરેખર તો માનવીની આધ્યાત્મિકતાને પોષવા માટે રચાયો હતો, પણ માનવી ધર્મ માટે બન્યો હોય તેવું વાતાવરણ થઈ ગયું છે. રિવાજ માણસ માટે હોય છે, માણસ રિવાજ માટે નથી હોતો તેટલું નાનકડું સત્ય સમજાઈ જાય તોય ઘણા પ્રશ્નો હલ થઈ જાય. કાશ્મીરી પંડિતોની પીડા મૌનમાં ધરબાયેલી રહી. એ મૌન શરણાર્થી શિબિરમાં રહેલા બાળકોની ઉદાસીમાંથી, વૃદ્ધોની બખોલ જેવી થઈ ગયેલી આંખોમાંથી કે શોકાકુળ સ્ત્રીઓના હોઠ પર જામી ગયેલા ચિત્કારમાંથી એક દિવસ પ્રગટશે. સત્યને કાયમ માટે ઢાંકીને રાખી શકતું નથી. કવિતામાં પ્રગટેલું સત્ય તો યુગો સુધી ટકતું હોય છે. શિશેખર તોષખાનીએ કાશ્મીરી પંડિતોના મૌનને જાણે કે વાચા આપી છે. દરેક પીડાને પોતાની અભિવ્યક્તિ હોવી જોઈએ.

લોગઆઉટઃ

જે ઘરવાપસીની વાત કરતા હતા
તેમની જીભ પર તાળાં લાગી ગયાં છે.

આઝાદ અને બેફિકરાઈપૂર્વક જીવવાના ઓરતા થાકીને લોથપોથ થઈ ગયા છે
સવાર તો રોજ પડે છે, પણ શું સાંજ પડશે?
આ સવાલ પૂછે છે એ આંખો, જેમની નજરો એકધારી આંગણાને જોઈ રહી છે
કે એ આવશે અને તેમની દિવસભરની વાતો કરશે
આ કેવી આઝાદી, આ કેવું લક્ષ્ય, આ કેવું સનકીપણું
આ કેવી શાંતિ, આ સડકો પર પથરાયેલો લાલ રંગ કોઈ રંગ નથી
આ એક સાબિતી છે, આ તો માસુમોનું લોહી છે
ફરી એક વાર તે બધાં પોતાનું મકાન છોડીને ચાલ્યા ગયા છે
પોતાની ઓળખ અને સ્મિત છોડીને ચાલ્યા ગયા છે
જે કાશ્મીરને લોહીથી રંગી દેવામાં આવ્યું એ કાશ્મીર ક્યાં અમારું છે?

— શ્રિયા ત્રિશલ (અનુ. અનિલ ચાવડા)

વિસ્થાપનની વ્યથાકથા બાળકના મુખે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

શું થયું હતું એ બાવરી બાવરી હવામાં
આપણા પરિવારનું, બાપુ!
આખું ગામ કેવું ડરી ગયું હતું,
નદી પણ ભાગી ગઈ હતી
રામભરોસે છોડીને ચિનારનાં ઝાડને.

શેરીઓમાં હજારો કાગડાઓનું બુમરાણ મચ્યું હતું
ને આપણે હતાં છાપરા વગરના ઘરમાં.
કોઈ વેલી પર બચેલા લીલી દ્રાક્ષના આખરી ઝૂમખા જેવાં.

રોતી’તી મા,
રોતી’તી દાદી,
નાનકો પણ રોતો ‘તો,
રોતી’તી કાકી,
ને તમે હાથ જોડીને બધાંને ચૂપ રહેવા કહેતા’તા.

દીવા બધા ઓલવી નખાયા હતા,
ચુપકીદી છવાઈ ગઈ હતી,
ગલીઓમાં જાણે કોઈ ખૂબ બધા ફટાકડા ફોડતું હોય
એવા અવાજો આવતા હતા, ત્યારે.

બાપુ, ગઈ કાલે ‘દૂરદર્શન’ પર બતાડતા હતા કાશ્મીરને!
બરફભર્યા પહાડો, સરોવરો, ઝરણાં, લીલાંછમ મેદાનો…

ત્યારે, મને થયું, કે આપણે પીળાં પાંદડાં છીએ,
ઝાડુના એક ઝાટકે ઉસેટાઈ ગયેલાં,
ઠલવાયેલાં આ કૅમ્પોમાં.

બાપુ, અહીંથી પણ આપણને
ઉડાવી લઈ જશે હવા?

— અગ્નિશેખર (અનુવાદઃ સિતાંશુ યશશ્ચંદ્ર)

‘કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મે વર્ષે પહેલાંના એક અત્યાચાર પર રાખેલો ઢાંકપિછોડો હટાવી દીધો. એક અસહ્ય દમનને ઉઘાડું પાડી દીધું. ફિલ્મ જોનાર શોકમાં ડૂબી જાય છે કે પછી કોઈ ઘેરા મૌનમાં સરી પડે છે. કોઈ સ્તબ્ધ થઈ જાય છે તો કોઈ અવાચક. આટલાં વર્ષો પછી એ વેદનાને ફિલ્મરૂપે વાચા મળી. પણ એ વેદના સાહિત્યના વિવિધ માધ્યમોમાં વર્ષોથી રજૂ થતી આવી છે. ક્યારેક વાર્તા સ્વરૂપે, ક્યારેક નવલકથા સ્વરૂપે તો ક્યારેક કવિતારૂપે.

અહીં આ કવિતામાં પણ અગ્નિશેરે વિસ્થાપિતપણાની પીડા એક બાળકના મુખે હૃદયદ્રાવક રીતે કહી છે. અગ્નિશેખર મૂળ શ્રીનગર કાશ્મીરના છે. વિસ્થાપિત થવાની પીડા તેમણે નજરે નિહાળી છે – અનુભવી છે. 1990માં વિભાજનવાદ અને જેહાદી આતંકવાદને લીધે નિર્વાસિત થઈને, હીટલિસ્ટમાં હોવા છતાં અગ્નિશેખરે ધાર્મિક કટ્ટરતા સામે અનેક આંદોલનો કર્યાં. સરઘસો, ધરણાં, જેલ ભરો અભિયાન જેવાં અનેક અભિયાનો કરીને તેમણે બેઘર થયેલા લોકો માટે અને કાશ્મીરમાં સર્જાતાં અનેક પ્રશ્નોમાં સામાન્ય લોકોને પડતી હાલાકીને વાચા આપવા ખૂબ મહેનત કરી. તેમનો આ પરિશ્રમ સાહિત્યમાં પણ દેખાય છે.

આ કવિતામાં સરળ અને સીધી રીતે જ વાત કરવામાં આવી હોવા છતાં તે વાચકના હૃદય સુધી સીધી પહોંચે છે. એક બાળક પિતાને પૂછે છે કે બાપુ એવું શું થયું હતું, કે જેને લીધે આખું ગામ ડરી ગયું હતું, માણસ તો ઠીક નદી સુધ્ધાં ભાગી ગઈ હતી, રામભરોસો છોડીને ચિનારના ઝાડને. અહીં નદી ચિનારના ઝાડને છોડીને ભાગી ગઈ, અર્થાત એક પરંપરા, એક સંસ્કૃતિ, જે કાશ્મીરમાં જીવતી હતી, તે પોતાના વતનને છોડીને ભાગી ગઈ તેવું સીધું પ્રતીક જોઈ શકાય છે. શેરીઓમાં હજારો કાગડાઓનું બૂમરાણ મચવું, છાપરા વગરના ઘરમાં, કોઈ વેલા પર લટકેલા દ્રાક્ષના ઝૂમખા જેવા હોવાની પીડા જ અસહ્ય છે. મા, દાદી, નાનામોટા બધા જ રડી રહ્યા હોય, પિતા છાના રાખવામાં પડ્યા હોય. ચારે તરફ અંધકાર ઘેરી વળ્યો હોય. ચુપકિદી છવાઈ હોય છતાં બહાર ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ આવવો તે ઘટના ચોતરફ છવાયેલા આતંક અને ભયાવહ દ્રશ્યને દર્શાવે છે. આ બધું જોઈને બાળકને થાય છે કે આપણે પણ પીડા પાંદડાં જેવાં છીએ. ઝાડુના એક ઝાટકે આમથી તેમ ફેંકાઈ ગયાં છીએ, કેમ્પ નામની સૂપડીઓમાં. ફરીથી હવાનું એક વાવાઝોડું આવશે અને અહીંથી ઉડાવીને બીજે લઈ જશે કે શું?

આ પ્રશ્ન બાળકનો છે અને પિતાને પૂછાય છે. પણ કવિતા વાંચનાર તમામ વાચકને એ પ્રશ્ન સાથે સીધો ઘરોબો કેળવાય છે. એ પોતે પણ બાળકની વ્યથાને અનુભવી શકે છે, પિતાની લાચારીને સમજી શકે છે. કવિતા સત્ય છતું કરી આપે છે. તે કડવું પણ હોય અને મીઠું પણ. જે હોય, જેવું હોય એને એની જ રીતે રજૂ કરવાની કવિતામાં ગજબની તાકાત છે. સુંદર-અસુંદર બધું જ કવિતા ખૂબ ભાવવાહી અને હૃદયસ્પર્શી રીતે રજૂ કરી શકે છે. અહીં બાળકના સરળ-સહજ પ્રશ્નો સ્વરૂપે અગ્નિશેખરે ઘણું બધું કહી દીધું છે. આમાં જે નથી કહેવાયું તે પણ સારા વાચકો સારી રીતે સમજી જશે.

પોતાના ઘરમાંથી ઝાડના પાંદડાની જેમ ઉસેટાઈને બીજે ફેંકાઈ જવું એ પીડા જેવીતેવી નથી. ચંદ્રશેખરની કલેમે તેને ખૂબ સારી રીતે વાચા આપી છે. કેમ્પમાં રહીને તેમની દીકરી તેમને ઘેર જવાનું કહે છે, તેની વ્યથા વ્યક્ત કરતી કવિતા પણ વાંચવા જેવી છે.

લોગઆઉટઃ

આ દિવસોમાં મારી દીકરી નિહાળે છે
કેમ્પમાં એક ચકલીને
સાંભળે છે તડકામાં એની વાતો
અને ક્યાંય સુધી રહે છે ગુમ
સામસામે—

ઊડી જાય છે ટેન્ટના દોરડાં પરથી
એક સાથે સેંકડો ચકલીઓ
ઉદાસ થઈ જાય છે મારી દીકરી
લુપ્ત થઈ જાય છે એનો કલરવ
પછી અચાનક
અનાયાસે પૂછી બેસે છે,
“પપ્પા, આપણે ક્યારે જઈશું, ઘેર?”

— અગ્નિશેખર

ખાલીપો ભીતર ખખડે રે...

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

ઉજ્જડ આંખોના પાણીમાં તર્યા કરે સ્મરણોના ફોટા,
આજે અંતે એ સમજાયું ફોટા આખર છે પરપોટા!
પરપોટામાં કેદ હવાના શ્વાસ જુઓ કેવા ફફડે રે!
ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

થાય મને તું પાછો આવી સઘળાં તાળાંઓ ખોલી દે,
બંધ ગુફાને દ્વારે આવી ‘સિમસિમ ખૂલ જા’ તું બોલી દે.
મારાં સઘળાં તળિયાં તૂટે એવું આ ઇચ્છા બબડે રે!
ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

– રિષભ મહેતા

કોરોનામાં ગુજરાતી સાહિત્યએ શું ગુમાવ્યું એવો પ્રશ્ન પૂછીએ તો તરત રિષભ મહેતાનો ચહેરો આંખ સામે તાદૃશ્ય થાય. શબ્દ અને સૂર નામના બે કાંઠાની વચ્ચે તેમની સર્જનપ્રક્રિયા નદીની જેમ નિરંતર ખળખળ વહેતી રહી. તેમની સ્વરાવલીઓમાં કેટકેટલા કવિઓની કાવ્યનાવડીઓ તરી. વળી તેમનું કાવ્યસર્જન પણ તેમના સ્વભાવ જેવું નિર્મળ, સ્વચ્છ અને નિતરતું. 16 ડિસેમ્બર 1949ના રોજ જન્મેલા આ કવિએ 16 એપ્રિલ 2021ના રોજ આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. કાયા વિલાય, પણ કર્મ નહીં. આ વાત કવિ સારી રીતે સમજતા હશે, કદાચ એટલે જ તેમણે લખ્યું હતું, ‘દર્દ એવું આપજે કે જે કવિતામાં ભળે.’ બાહ્ય રીતે પીડાનો કકડાટ કરવા કરતા, તે શબ્દોમાં પરોવાઈને આવે તો સરસ કૃતિ બને.

દરેક માણસ કોઈ ને કોઈ ખાલીપાથી પિડાતો હોય છે. એ પ્રેમનો હોય, લાગણીનો હોય, કોઈ ખાસ વ્યક્તિને નહીં પામી શકવાનો પણ હોય. અનેક વસવસાનાં વહાણ ખાલીપાના દરિયામાં વગર હલેસે તર્યાં કરતાં હોય છે. કવિએ આ ગીતમાં ખાલીપાને બખૂબી ઝીલ્યો છે.

જ્યારે પણ કોઈ કવિની દર્દસભર કવિતા વાંચે ત્યારે મોટે ભાગે તેના મનમાં જે તે કવિતાથી નિપજતું દર્દ પોતાના જીવનમાં અનુભવાયું હોય તે ક્ષણો યાદ આવવા લાગતી હોય છે. વાત કવિના દર્દને અનુભવવાની થાય, પણ ભીતર તો પોતાનું દર્દ જ ઘૂંટાતું હોય છે. પોતાનો ખાલીપો જ મહેસૂસ થતો હોય છે. સાહિર લુધિયાનવીએ લખ્યું છે ને, “કૌન રોતા હૈ કિસી ઔર કી ખાતિર / સબકો અપની હી કિસી બાત પે રોના આયા.” રિષભ મહેતાની આ કવિતા વાંચીને પણ તમને તમારા ખાલીપો અનુભવાય તો નવાઈ નહીં. તમે જીરવેલી શૂન્યતા કે સહન કરેલા એકલતાના વાવાઝોડા ફરી આંખ સામે છતાં થાય તો કહેવાય નહીં.

કેમ કે ભીતરમાં બાઝેલો ખાલીપો બહાર છતો થયા વિના રહેતો નથી. કાવ્યનાયકના ઘરમાં એકલતા રખડે છે, શૂન્યતાના વાવાઝોડા ફુંકાય છે અને ખાલીપો ખખડ્યા કરે છે. સૂસવાતો પવન પોલા વાંસમાંથી પસાર થાય ત્યારે એક પ્રકારનો ધ્વનિ ઊભો થતો હોય છે. તેમ, આ ખાલીપો પણ ખખડાટ કર રહ્યો છે. આવી સ્થિતિમાં આંખો પણ જાણે ઉજ્જડ વાવ જેવી થઈ ગઈ છે. વાવના અવાવરુ પાણી જેવાં આંસુમાં સ્નેહીજન સાથેની યાદોના ફોટાઓ તર્યા કરે છે. પણ ખાલીપાના શિખર પર પહોંચ્યા પછી કવિને સમજાય છે કે આ ફોટા તો માત્ર પરપોટા હતા. અને ફોટારૂપી પરપોટામાં કેદ થયેલી હવા ધ્રૂજી રહી છે. ફફડી રહી છે. અને આ હવા એટલે જ તો આપણી જિજીવિષા. આપણી મમત. જે વ્યક્તિ ક્યારેય આપણી થવાની નથી એની જ આપણને મમત રહ્યા કરતી હોય છે.

આપણે અમુક વળગણને વળગીને બેસી રહેતા હોઈએ છીએ. ઘણી વાર લાગે છે કે આ વ્યક્તિ વિના જીવાશે જ નહીં અને એ જ વ્યક્તિ વિના વર્ષો વિતી જાય ને ખબર પણ ન પડે. આપણે સ્મરણોના પરપોટામાં કેદ થઈ જઈએ છીએ. તેમાંથી બહાર આવવા માગતા નથી હોતા. આપણી એકલતા સંતાડવા માટે પણ આવી તસવીરોના આશરા શોધતા હોઈએ છીએ. મિલિંદ ગઢવીએ આ વાતને સરસ રીતે રજૂ કરી છે. “વાસણો દોર્યાં અભેરાઈ ઉપર / ખાલીપો સંતાડવાની જીદમાં.” આપણી યાદોના વાસણો આપણે ચીતર્યા કરીએ છીએ, જેથી ખાલીપો ન લાગે. પણ એ જ યાદો ખાલીપાનું કારણ બની જતી હોય છે. કદાચ ઘરનો ખાલીપો તો સહન પણ થાય, પણ ભીતરના ખાલીપાને કેમ સહેવો? બરણીમાં નાખેલો સિક્કો ખખડે એમ આપણા દેહ નામના ડબલામાં રહેલો ખાલીપો ખખડ્યા કરે છે. અને તેનો ખખડાટ કાન ફાડી નાખે એવો, હૈયું ચીરી નાખે એવો હોય છે.

માણસ એકલતાની આરીથી ધીમે ધીમે કપાતો હોય છે. એક ઝાટકે કપાઈ જવાનું થતું હોય તો વાંધો જ ક્યાં છે. ટુકડે ટુકડે મરવાનું હોય ત્યારે જ તકલીફ થાય છે. કોઈ માણસને એવી સજા કરવામાં આવે કે એક દિવસ હાથ નાખવાના, બીજા દિવસ પગ, ત્રીજા દિવસે આંખો કાઢી લેવાની, પછી જીભ, ને એમ શરીરના એક પછી એક અંગો કાપવામાં આવે, આ બધું જ એ માણસને ભાનમાં રાખીને કરવાનું, બસ તેને મરવા નહીં દેવાનો. ખાલીપો પણ આવે જ છે, એ તમને એ હદે મારી નાખે છે કે ખાલી મરવાનું જ બાકી રહે.

લોગઆઉટઃ

એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈ,
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈ.

– રિષભ મહેતા

નથી પ્હેલા, નથી છેલ્લા, અમે વચ્ચે!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

નથી પહેલા,નથી છેલ્લા, અમે વચ્ચે.
નથી વૃક્ષો, નથી વેલા, અમે વચ્ચે.

કઈ રીતે તમારાથી ઉકેલાશું,
નથી ગાંડા, નથી ઘેલા, અમે વચ્ચે.

સમયના બંધનો સાથે અહીં આવ્યા,
નથી મોડા, નથી વહેલા, અમે વચ્ચે.

બધું જાણી-જણાવી સિદ્ધ શું કરશું?
નથી ગુરુ, નથી ચેલા, અમે વચ્ચે.

અનાદી કાળથી વહેતા હતા જળવત,
નથી ચોખ્ખા, નથી મેલા, અમે વચ્ચે.

~ દર્શક આચાર્ય

ગુજરાતી ગઝલનું વહેણ અત્યારે બે કાંઠે છલકાઈ રહ્યું છે. એક સમયે સોનેટનું વહેણ ધોધમાર હતું. સમય કરવટ બદલે તેમ રુચિ અને જરૂરિયાત બદલાય છે. પણ ગઝલે જે લોકપ્રિયતાં મેળવી છે તે લાજવાબ છે. જિંદગીની અનેક ફિલસૂફી, તર્ક-વિતર્ક કે પરિસ્થિતિનિ અસમંજસતા ગઝલ પોતાની બે પંક્તિની દોરીમાં પરોવીને આબાદ રજૂ કરી જાણે છે. કદાચ તેથી જ ગઝલ વધારે સ્પર્શે છે. ગીત, સોનેટ, અછાંદસનો પણ એક આગવો મહિમા છે. ગીતના લાલિત્યમાં જે છે, તે કદાચ ગઝલ પાસે નથી. સોનેટના સ્વરૂપમાં છે તે પણ ગઝલ પાસે નથી. અછાંદસ જેવી સ્વતંત્રતા પણ તેની પાસે નથી. છતાં તેની પાસે જે છે, જેટલું છે તે અનન્ય છે.
 
દર્શક આચાર્યની આ ગઝલ, ‘નથી પ્હેલા, નથી છેલ્લા, અમે વચ્ચે...’ ધ્યાનથી વાંચવા જેવી છે. ‘અમે વચ્ચે’ રદીફ છેક સુધી આબાદ રીતે નિભાવાઈ છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં વચ્ચે રહી જવાની કશ્મકશ, કે વચ્ચે રહેવાનો સંતોષ, કે વચ્ચે ભીંસાવાની પીડા સરસ રીતે વ્યક્ત થઈ છે. ઘણી પરિસ્થિતિમાં આપણે વચ્ચે ભીંસાઈ ગયા હોઈએ એવું લાગે, ઘણામાં લાગે કે આ બેની વચ્ચે હું હતો તો સારું થયું, નહીંતર ન થવાનું થઈ જાત. ઘણી વાર એમ પણ લાગે કે આમાં વચ્ચે હું ભીંસાઈ રહ્યો છું. ઘંટીના બે પડ વચ્ચે દબાવા જેવી સ્થિતિમાં પણ ક્યારેક મૂકાવું પડે તો ક્યારેક કોઈના બે કોમળ હોઠ વચ્ચેથી મધુર શબ્દ થઈને સરી પડવાનું સદભાગ્ય પણ સાંપડે. પણ વચ્ચે રહેવું એ મનુષ્યની નિયતિ છે. જન્મ અને મૃત્યુ નામના બે બારણાની વચ્ચે આપણે છીએ. એક દરવાજેથી એન્ટ્રી કરી બીજા દરવાજેથી એક્ઝિટ કરવાની. આ બે દરવાજાની વચ્ચેના પ્રવાસને જ આપણે જીવન કહીએ છીએ. એ અર્થમાં આપણે બધા જ ‘વચ્ચે’ છીએ. આપણે બધા જ સમયના બંધન સાથે અહીં આવ્યા છીએ. એટલા માટે જ કદાચ આપણા માટે આપણા જન્મદિવસ, કે જન્મસયમનું મહત્ત્વ હશે. તેને ગ્રહો સાથે કેટલી લેવાદેવા છે, એ તો ખબર નથી પણ આગ્રહો સાથે ચોક્કસ લેવા દેવા હોય છે.

ન પહેલા હોવું કે ન છેલ્લા હોવું, તેમાં એક વસવસો પણ છે અને સંતોષ પણ. પરિસ્થિતિ કેવી છે, તેના પર નિર્ભર છે. સામેની બાજુ અને પાછળથી પણ તીર વરસી રહ્યા હોય, ત્યારે વચ્ચે હોઈએ તો પોતાને સદભાગી સમજીએ. પણ તોફાને ચડેલી નદીમાં વચોવચ હોઈએ તે દુર્ભાગ્ય જેવું લાગે અને જે કાંઠાની નજીક હોય તેની ઈર્ષા પણ થાય.
પણ જો વચ્ચે જ રહેવાનું હોય તો આ બધી જિંદગીની ફિલસૂફીઓ જાણી-જણાવીને શું કરવાનું? એ કામ તો ગુરુઓ કે ચેલાઓનું છે, આપણે તો વચ્ચેના માણસો છીએ. વચ્ચેના માણસોએ તો સંસાર સાચવવાનો હોય છે, પરિવાર તેની જવાબદારી છે. નોકરી કરવી એ પણ એક સાધના છે. સંસાર ત્યજીને જનારના દાખલા અપાય છે, તેમની સિદ્ધિના ગુણગાન ગવાય છે, પણ વચ્ચેનો માણસ, જે જીવનભર સંસારમાં ઠેબા ખાઈને પણ પોતાના પરિવારના માથે છત સલામત રહે તે માટે નિરંતર પરિશ્રમ કરતો રહે છે, સાધના કરતો રહે છે, તનતોડ મહેનત કરતો રહે છે, તે સહેજ પણ નાની સિદ્ધિ નથી. પણ આ સિદ્ધિને સિદ્ધિ કોણ ગણે? વચ્ચેના માણસની સફળતા કે નિષ્ફળતા પણ કોઈ ધ્યાને નથી લેતું. હિતેશ વ્યાસનું એક આવી જ સરસ કવિતા છે, તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ
 
અમે સાવ મધ્યમ અમે સાવ વચ્ચે અમારાથી કાંઈ ના ઉત્તમ થવાનું,
ન રાખી શક્યા એક પણ ઊંચું સપનું, અમારાં તો ઇચ્છા ને સપનાંય મધ્યમ.

સરેરાશ આવક સરેરાશ જાવક, સરેરાશ જીવન આ આખું જવાનું,
ન ટોચે જવાશે ન ઘાટીને જોશું, આ ચાલે છે એમજ ચલાયે જવાના!
નથી નાસ્તિકોમાં અમારી ગણતરી, નથી ક્યાંય મીરાં કે નરસિંહની તોલે,
અમારી તો શ્રધ્ધા ને શંકાય મધ્યમ, નથી મોક્ષ કાજે પ્રયત્નો થવાના!

ન કોઈ બગાવત ન કોઈ સમર્થન, બહુ કાચા પોચા છે તર્કો અમારા
અમારાથી કોઈ ન ક્રાંતિ થવાની, અમારે ફકત ભીડ સાથે જવાનું
ન ગાંધીના રસ્તે અમે ચાલી શકીશું, અમારાથી લાદેન પણ ના થવાશે,
અમે બન્ને ધરીઓની વચ્ચે રહીશું, અમારા જીવનમાં છે મૂલ્યોય મધ્યમ
 
— હિતેશ વ્યાસ

ઘણી લાશોની વચ્ચે બાળકે જ્યાં આંખ મલકાવી!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

ખલાસીનેય દરિયાથી થતું નુકસાન સમજાવી,
પછી એ માછલીએ ત્યાં સિફતથી જાળ બિછાવી.

તમે તો પાનબાઈ વાત મોતીની કરો છો પણ,
અમે તો વીજના ચમકારમાં આ જાત વીંધાવી.

ભયાનક દૃશ્યની તાસીરમાં ગોબો પડ્યો જાણે,
ઘણી લાશોની વચ્ચે બાળકે જ્યાં આંખ મલકાવી.

સૂરજનો પણ અહં ઢાંક્યો તમે વાદળ વડે તેથી,
અમે ત્યાં આગિયાથી જિંદગીની સાંજ ચમકાવી.

અજાણ્યા શહેરમાં ચહેરો ગમ્યો પણ ચોતરફ જોખમ,
તો એનો સાથ મેં માંગ્યો નજરના હાથ લંબાવી.

છૂપાવી વાત એણે તો ધરાના સાતમા પડમાં,
અમસ્તી હો ભલે પણ જાણવા મેં વાવ ખોદાવી.

— ચેતન શુક્લ 'ચેનમ'

ગઝલની ખૂબી એ છે કે બે જ પંક્તિમાં તે પોતાની વાત કરી દે છે. પછી તરત આગળના શેર તરફ ગતિ કરે છે. ઘણી વાર બે પંક્તિનો શેર સ્વતંત્ર કવિતાનો દરજ્જો ધરાવતો હોય છે. ઘણાબધા એવા શેર, જે લોકમાનસમાં જીવે છે, તે શેરવાળી આખી ગઝલ કદાચ ઘણાને ખબર પણ નથી હોતી. એ સ્વતંત્ર શેર જ ગઝલના બધા શેરમાં મેન ઑફ ધ મેચ હોય છે. હાંસિલે ગઝલ હોય છે. મરીઝ-શૂન્ય-સૈફ-ગની જેવા અનેક શાયરોના શેર ઠેરઠેર ટંકાતા રહે છે, તેનું કારણે તે શેરનું મજબૂત ભાવવિશ્વ અને ચોટદાર રજૂઆત. ચેતન શુક્લની આ ગઝલ આખીયે સરસ છે, પણ તેનો ત્રીજો શેર સ્વતંત્ર રીતે જોવા જેવો છે. એમાંય અત્યારે રશિયા-યુક્રેન વોર થઈ રહી છે ત્યારે તો ખાસ.

હિન્દીના કવિ શ્રીકાંત વર્માની એક સરસ કવિતા છે, તેનું શીર્ષક છે ‘કલિંગ’. અશોક જીતીને પણ ન જીતી શક્યો એની વાત તેમણે સરસ રીતે કરી છે, તેમણે લખ્યું, “માત્ર અશોક પાછો ફરી રહ્યો છે, માત્ર અશોક માથું ઝૂકાવીને ઊભો છે, બીજા બધા તો વિજયના કેફમાં છે. માત્ર અશોકના કાનમાં ચીસાચીસ મચી રહી છે અને બીજા બધા તો જીતવાના લીધે રાજીના રેડ છે. માત્ર અશોકે હથિયાર હેઠાં મૂક્યાં છે, માત્ર અશોક લડી રહ્યો હતો.” અશોક સિવાય બીજું કોઈ પાછું નથી ફર્યું. કેમ કે હિંસક વિજય મેળવીને તેમનો આત્મા મરી ગયો છે. અશોક પાછો ફરી શક્યો કેમ કે તેનો આત્મા જીવતો હતો. તેનું હૃદય લોહિયાળ જંગ પછી નિર્દોષોના લોહીની વહેતી નદી જોઈને વલોપાત કરી ઊઠ્યું. તેનું આત્મા જાગી ઊઠ્યો. સૃષ્ટિના એક પણ નિર્દોષ જીવને વિના કારણે હણવો ન જોઈએ. ભગવાન બુદ્ધે અહિંસાનું આચરણ કરવા કહ્યું. જૈન ધર્મ તો આખો અહિંસા પર ટકેલો છે. ગાંધીજીએ જીવનભર અહિંસાને ટેકો આપ્યો. આ બધા જ સમજતા હતા કે હિંસા એ ઉકેલ નથી. પણ મહત્ત્વાકાંક્ષી રાજવીઓને તેમાં પોતાની સત્તાનું વિસ્તરણ દેખાય છે. આવા આપખુદશાહી સાશકો જેની લાઠી તેની ભેંસવાળી નીતિમાં માનનારા હોય છે. જેને યુદ્ધની વાતોમાં વધારે રસ પડતો હોય અને યુદ્ધ તો થવું જ જોઈએ એવું માનનારા લોકોથી છેટા રહેવું. એ તમારી સાથે પણ ગમે ત્યારે યુદ્ધમાં ઊતરી પડે તો નવાઈ નહીં.

ભયાનક યુદ્ધના કારમા વિનાશ વચ્ચે બાળકના ચહેરા પર આવતું સ્મિત આવવું એ એક રીતે સમગ્ર માનવજાત માટે આશાનો સંચાર છે, તો વળી સમગ્ર લોહિયાળ યુદ્ધનો પ્રેમાળ જવાબ પણ છે. રવીન્દ્રનાથ ટાગરોનું એક અદ્ભુત વાક્ય છે, “પ્રત્યેક નવજાત શિશુનો જન્મ એવો સંદેશ લઈને આવે છે કે ઈશ્વર હજી માનવજાતથી નિરાશ થયો નથી.” માણસને ઈશ્વર પર કેટલી શ્રદ્ધા છે એ વાત બાજુ પર મૂકો. ઈશ્વરને માણસ પર શ્રદ્ધા છે. ઘણા નાસ્તિક એમ કહે કે હું ઈશ્વરમાં નથી માનતો, ત્યારે એની ‘નહીં માનવા’ની વાતને પણ ઈશ્વર તો માનતો જ હોય છે. અને ઈશ્વર એટલે કોણ? તમે, હું અને સમગ્ર પ્રકૃતિ! પણ જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ એમ એમ શ્રદ્ધા પર શંકાનું જોર વધતું જાય છે. બાળસહજ વિસ્મય ઓસરતું જાય છે. એકબાજુ ભયાનક યુદ્ધ છે, લાશોના ઢગ ખડકાયા છે. લોહીની નદી વહી રહી છે. માણસજાત પર ધિક્કાર થઈ આવે એવું દૃશ્ય છે, અને એની વચ્ચે એક બાળક પડ્યું પડ્યું સ્મિત કરી ઊઠે તો આ સમગ્ર ભયાનકતામાં ગોબો પડે છે. સ્મિત એ જ ધિક્કાર સામેનો વાર છે. લોહિયાળ હિંસાનો જવાબ છે. આને તમે માણસના લોહિયાળ ઝઘડા પરનો બાળક દ્વારા ઈશ્વરે કરેલો કટાક્ષ પણ કહી શકો.

લોગઆઉટઃ

યુદ્ધ જીત્યાનો કેફ ગયો છે ઉતરી બસ આ દૃશ્ય જોઈને,
લાશોના ઢગમાં એક હાથે ઝંડો હેઠો ન્હોતો મૂક્યો.

– ભાવેશ ભટ્ટ