ઘણું બધું છે

આંખો ઉપર ચશ્માં ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે;
‘ઘણું બધું છે’ કહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે?
ડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કેટ-કેટલાં નક્ષત્રો છે, ગ્રહો કેટલા, જીવ કેટલા, કેટ-કેટલી ગેલેક્ષી છે?
ફક્ત તમે કે હું જ નથી કંઈ રહેતા આખી દુનિયા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત ઝળહળી એ વાતોને મહત્ત્વ આપો,
દરેક વખતે ઘર સળગ્યાની વાત ન માંડો તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

અહીં જ રાજા, અહીં ભીખારી, બુદ્ધ, મહાવીર, પયંગબર સૌ અહીંથી ચાલ્યા,
તું કહે કેવળ રસ્તો જેને એ રસ્તાના પગલાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

– અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


થોડાક એવા મિત્ર

ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મિત્ર છે;
ઉદાસી ફૂંક મારીને ઉડાવે દે, હજી થોડાક એવા મિત્ર છે.

મને પૂછ્યા વગર લઈ જાય બાઈક મારી ને આખો દિવસ એ ફેરવે,
ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.

પ્રથમ તો ફોસલાવી મને એ મારી અંગત વાત જાણે, ને પછી?
પછી આખી દુનિયા ને જણાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.

કદી મારા ઘરે મે’માન થઈ આવે, પછી હું મૂકવા જઉં અને-
મને ખુદને જ એ બસમાં ચડાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.

કરે હેરાન હરપળ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય પણ,
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.

– અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


ગેંગેંફેંફેં

પીડા જાણે પામર થઈ ગઈ, કળતર સુધ્ધાં ગેંગેંફેંફેં,
આ વખતેની શ્રદ્ધા જોઈ ઈશ્વર સુધ્ધાં
ગેંગેંફેંફેં.

હોય અમુક માણસ એવા કે રહેવા દો ને શું કહેવાનું !
એવા બરછટ જેની આગળ પથ્થર સુધ્ધાં
ગેંગેંફેંફેં.

ઘાવ જોઈ અટવાઈ ગયા છે આવ્યા’તા જે ઈલાજ કરવા,
દવા બધીયે મૂંગી થઈ ગઈ, હળદર સુધ્ધાં
ગેંગેંફેંફેં.

એ રીતે જોયું એણે કે તલવારોનું કઈ ના આવે,
પળવારે તો થઈ ગયું’તું બખ્તર સુધ્ધાં
ગેંગેંફેંફેં.

ગુલાબ કહી દો, કહો મોગરો, બોલો કંઈ પણ બ્રાન્ડ,
એની સુગંધ આગળ લાગે અત્તર સુધ્ધાં
ગેંગેંફેંફેં.

‘અનિલ’ ગઝલ આ સંભળાવીને તેં બહુ મોટા લોચા માર્યા,
શ્રોતાઓ છે સાવ અવાચક, શાયર સુધ્ધાં
ગેંગેંફેંફેં.

– અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


હશે માફક જો એને

હશે માફક જો એને, તો બધું મ્હેકાવશે ફોરમ વહાવીને,
તું ફૂલોને ખીલવવાનું મૂકી દે ડાળખીઓ ફોસલાવીને.

પ્રથમ વીત્યા સમયના રૂમમાં જઈ ગેસ એ ચાલુ કરી આવ્યા,
પછીથી મોકલ્યો અંદર મને સ્મરણોનો એક દીવો જલાવીને.

ગુમાવી સાવ ક્ષુલ્લક ચીજ મોટેથી રડે છે મારી સામું એ,
મને શીખવ્યું 'તું જેણે કઈ રીતે જીવાય સઘળુંયે ફગાવીને.

નથી ઊંચકી શકાયો એકબીજાને ગુમાવ્યાનો આ ગોવર્ધન,
છતાં બંને પરસ્પર કે' છે કે, 'દુઃખી નથી તમને ગુમાવીને.'

અગર ધારું તો પળમાં હું કરી દઉં પ્હાડને પણ ધૂળ ભેગો સાવ,
પરંતુ શું કરું કારણ વગર હું કોઈને નીચા નમાવીને?

- અનિલ ચાવડા


કાવ્યપાઠ સાંભળોઃ


પીડાને ઠપકો

તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
જીવનની બસમાં ખુશીઓની માટે સ્હેજે જગા જ રાખી નૈ!

તેં કીધું’તુંઃ ‘અમથી અમથી બેઠી છું હું ઝળઝળિયાને કાંઠે’,
હળવે રહી તેં ચરણ ઝબોળ્યાં, ઊતરી અંદર, પછી મને તું ગાંઠે?
આંખોનું આ તળાવ આખ્ખું ડ્હોળી નાખ્યું લિમિટ જરાયે રૈ?
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?

તું ને તારો પેલો પ્રેમી એનું શું કીધું ‘તું નામ; ઉઝરડો?
તમે બેઉં જ્યાં ન્હોર લઈને મળી રહ્યા છો એ છે મારો બરડો;
મારામાંથી કાઢી મૂકો બહાર મને અંદરથી તાળું દૈ!
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?

– અનિલ ચાવડા

કાવ્યપાઠ સાંભળોઃ


ઊગે

જેમ ડાળી પર ફૂલોનો મ્હેકતો પરિચય ઊગે,
કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઊગે.

હું સરોવરનો મગર છું કે મને તું છેતરે?
એમ કૈં થોડાં જ વૃક્ષોની ઉપર હૃદય ઊગે?

છે બધા માણસ સમયની ભૂમિમાં રોપેલ બી,
કાળ વીતે એમ ચ્હેરા પર બધાના વય ઊગે.

ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે,
ક્યાંક કંકુ પણ ખરે તો તર્ત દેવાલય ઊગે.

‘મિત્ર! તેં શ્રદ્ધાઓ જે વાવી’તી એનું શું થયું?’
પૂછવા પાછળ અમારો એ જ છે આશય; ઊગે.

– અનિલ ચાવડા

આ ગઝલનો વીડિયો પણ જુઓઃ


લાખ છો કોશિશ કરે એ ભાગવાની

લાખ છો કોશિશ કરે એ ભાગવાની,
પણ નદી પાણી ત્યજી ને કયાં જવાની?

એક પણ ઘટના વગર જીવી ગયો છું,
આખરે આ એક ઘટના તો થવાની.

એમણે ચંદન સમા અવસર ઘસ્યા છે,
એમની પણ જાત ચૌક્કસ મ્હેંકવાની.

આપણે અત્યાર થઈ ઊભા રહ્યા ને-
થઈ ગણતરી ફક્ત જૂનાની-નવાની.

ગાંડપણ નૈ ટેવ, મારે ટેવ છે આ;
ઘર વગર અમથા જ બારી વાંસવાની.

દાનમાં દઈ દેજો આખો દેહ મારો;
શું પળોજણ બાળવા કે દાટવાની!

~ અનિલ ચાવડા

આ ગઝલનો વીડિયો પણ જુઓઃ


તે છતાં હું એમનો એમ જ ઊભો છું

વાણલાં વાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું;
પંખીઓ ગાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું.

હું જ કૌરવ-પાંડવોની એ સભા ને દ્રૌપદી ને કૃષ્ણ પણ હું,
ચીર ખેંચાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું.

રક્તના રંગો પૂરી જેને કલામય મેં બનાવ્યાં એ બધાંયે,
ચિત્ર ભૂંસાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું.

એક પીંજારો છે જેના હાથ દ્વારા સેંકડો વર્ષોથી મારા,
શ્વાસ પીંજાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું

થઈ ગયાં ઉમરની સાથોસાથ સઘળાં આંસુઓ પણ સાવ ઘરડાં,
સ્વપ્ન તરડાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું.

- અનિલ ચાવડા

આ કવિતાનો કાવ્યપાઠ પણ સાંભળોઃ


હૈયામાં ફાળ પડી

ધબ્બ્બ… દઈ હૈયામાં ફાળ પડી તોય કેમ આવ્યો નૈં કંઈયે અવાજ?
કંઠ સુધી આવેલી ચીસને દબાવવાનો પાડ્યો આ કોણે રિવાજ?

અંદર ને બ્હાર બેઉ બાજુથી પીગળીએ
તોય કેમ રેલો દેખાય નૈં?
કુહાડી વાગતા જ વૃક્ષમાંથી નીકળતાં
પાણીને આંસુ ક્હેવાય નૈં?

નવા નક્કોર મળે શ્વાસ તોય કેમ નથી રહેવાતું કાયમ નવા જ?
ધબ્બ્બ… દઈ હૈયામાં ફાળ પડી તોય કેમ આવ્યો નૈં કંઈયે અવાજ?

ક્યાંથી આ આવે છે અદકેરું પંખી
જે છાતીમાં બાંધે છે માળો?
જાય વળી ઊડી ક્યાં અધકચરી ઇચ્છાની
બટકેલી મૂકીને ડાળો?

એવા તે જીવતરને શું કરવું બોલો જે આવે છે પાછું જવા જ?
ધબ્બ્બ… દઈ હૈયામાં ફાળ પડી તોય કેમ આવ્યો નૈં કંઈયે અવાજ?

– અનિલ ચાવડા

આ કવિતાનો કાવ્યપાઠ પણ સાંભળોઃ


એક નાના કાંકરે આખી નદી ડ્હોળાય નહીં

એક નાના કાંકરે આખી નદી ડ્હોળાય નૈં,
પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નૈં?

આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,
“આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નૈં.”

એ કહે કે બહુ બટકણી ડાળ છે વિશ્વાસની,
ત્યાં જ બટક્યો હું ને એણે શું કહ્યું સંભળાય નૈં.

મજબૂરી – બજબૂરી જે કે તે બધુંયે સાચું પણ,
આ રીતે તો કોઈને ક્યારેય તરછોડાય નૈં.

લાગણી છે એટલે લપસાય પણ, છોલાય પણ;
લીલવાળા માર્ગ પર ઝાઝો સમય દોડાય નૈં.

તારું લેવલ તો શિખર કરતાં ય ઊંચું છે અનિલ,
પણ રહે તું મધ્યમાં જ્યાં ટોચ નૈં તળિયાં ય નૈં.

– અનિલ ચાવડા

આ ગઝલનો વીડિયો પણ જુઓઃ