જીવન જેવી ચીજ પડી ગઈ...

લોગઇનઃ

ભટકે ભૂખના ટોળાં,
જીવન જેવી ચીજ પડી ગઈ, કરતાં ખાંખાખોળા
!

કાલ હતાં જે સાથ અમારી હૈયું, મસ્તક, હાથ,
ખપમાં આવ્યા એ જ હવે શું ભરવી બીજે બાથ
?

સપનાનું છે બચકું માથે, ને હાથે શિશુ ભોળાં!
ભટકે ભૂખના ટોળાં...

દૂરદૂરથી કરચલિયાળા ચહેરા કરતા સાદ,
ડગલે-પગલે વચ્ચે નડતાં ગામસીમના વાદ,
ક્યાંક છાંયડો માંડ મળે ત્યાં કાળ કાઢતો ડોળા
!
ભટકે ભૂખના ટોળાં...

વિપુલ પરમાર

કવિ ઉમાશંકર જોશીની ખૂબ જાણીતી કાવ્યપંક્તિઓ છે,

ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું, મસ્તક, હાથ;
બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું.

માણસને જીવવા માટે શું જોઈએ? ધબકતું કોમળ હૈયું, કે જેથી કોઈને ચાહી શકાય. મસ્તક કે જેથી ઉન્નત વિચારો રાખી શકાય. બુદ્ધિ છે તો બ્રહ્માંડ હાથમાં છે એ વાત ખોટી નથી. અને કામ કરી શકે તેવા બે મજબૂત હાથ છે તો જીવન જીવવા બીજું શું જોઈએ. આ ત્રણ પવિત્ર વસ્તુ માણસ પાસે હોય તો જગ જીતી શકે છે. ઉમાશંકર જોશીએ તો ચપટીક શબ્દોમાં ચારેય વેદનું જ્ઞાન આપી દીધું. પણ અત્યારની પરિસ્થિતિ કંઈક જુદી છે. લોકો પાસે હૈયું છે, મસ્તક છે, હાથ પણ છે. છતાં લાચાર છે. કોરોનાની મહામારીએ વિશ્વએ અગાઉ ન અનુભવ્યા હોય, ન સંવેદ્યા હોય તેવા અનેક વિકટ પ્રશ્ન ઊભા કર્યા છે. તેમાંય મજૂરોની લાચારીએ હૈયું વલોવી નાખે એવાં દૃશ્યો સર્જ્યાં છે. વિપુલ પરમારે આ કવિતામાં સાંપ્રત સમયમાં થયેલી મજૂરોની દયનીય હાલતને સુપેરે વર્ણવી છે. આ કવિ જાગ્રત છે. સાંપ્રત સ્થિતિને કવિતાના મણકામાં પરોવી કલાકીય માળા સર્જવાની તેમની ઊંડી સૂજ છે. આ કવિતા વાંચ્યા પરથી આપોઆપ તેનો ખ્યાલ આવે.

કવિતાની શરૂઆતમાં આવતો ભૂખના ટોળાં શબ્દથી જ કરૂણતા વ્યાપી જાય છે. વળી આ ભૂખનાં ટોળાં ખોવાયેલી જિંદગીને શોધવા માટે ખાંખાંખોળા કરે છે. જિંદગીને શોધવા મથે છે. એટલા માટે ભટકે છે. જિંદગી ક્યાં ખોવાઈ? શું કામ ખોવાઈ? તો તેનાથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ. ચાર-ચાર લોકડાઉનમાં મજૂરો જે રીતે આર્થિક, માનસિક, સામાજિક અને શારીરિક રીતે પરેશાન થયાં છે, તેનું વર્ણન મુશ્કેલ છે. કામધંધા બંધ છે, આવક આવતી અટકી ગઈ. ઘરમાં ખાવા ધાન નથી. વળી અહીં કામ વિના બેસી પણ ક્યાં સુધી રહેવું? ખાવા તો જોઈશેને? ઘણા લોકોએ પોતાનાં ચરણોને જ વાહન બનાવ્યાં. પગપાળા વતનભણી ઊપડ્યા. આ યાત્રા કંઈ ચાલીને ડાકોર કે ચોટીલા જવા જેવી નથી, કે જેમાં આનંદ-કલ્લોલ સાથે ગાણાં ગવાતાં હોય, સ્થાને-સ્થાને માર્ગમાં પ્રસાદો વહેંચાતા હોય. અહીં તો ભૂખની ભૂતાવળો પેટમાં નાચી રહી છે, પ્રસાદની તો વાત જ ક્યાંથી હોય? આવા રઝળતાં ભૂખનાં ટોળાની વાત કવિ કરે છે, તેની જિંદગી ખોવાઈ ન જાય તો બીજું શું થાય? એ બાપડા તો રઝળપાટમાં ફાંફા મારે છે જિંદગીને શોધવા.

અગાઉ કહ્યું તેમ હવે તો માત્ર હૈયું, મસ્તક, હાથ જ છે લડવા માટે. એ જ આ વિકટ પરિસ્થિતિમાં કામમાં આવ્યા છે. ક્યાંક કોઈ વૃદ્ધ છે, ક્યાંક કોઈ વિધવા બાઈ, ક્યાંક વિકલાંક પુરુષ તો ક્યાંક સગર્ભા પત્ની, ક્યાંક માતાની કમરે લટકેલું નવજાત શિશુ... બધા ભૂખી લાચારીમાં પોતપોતાના ઘરે જવાં નીકળી પડ્યાં છે. જે સપનાં લઈને તે અહીં આવ્યાં હતાં, તે સામાનનું પોટલું થઈને માથા પર પડ્યાં છે.

ઘણા યુવાનો કમાવા પોતાનું રાજ્ય છોડીને દૂરદૂર સુધી આવ્યા, પણ અહીં આવ્યા પછી આ દિવસ જોવો પડશે તેવી તો કલ્પના પણ ક્યાંથી હોય. વતનમાં વૃદ્ધ માતાપિતા રાહ જોતા હોય કે મારો દીકરો કમાઈને કશુંક લાવશે. પણ એ આશા હવે વ્યર્થ છે, એ વૃદ્ધ ચહેરા તો માત્ર પોતાનું સ્વજન ઘરે હેમખેમ પરત આવે એટલું જ ઝંખે છે, પણ વળી આ રાજ્યની સરહદો, વિવિધ તપાસ, વતન પહોંચવાની મંજૂરી, જીવનની આંટીઘૂંટીમાંથી બ્હાર નથી નીકળી શકતા, ત્યાં આ બધી જંજાળો! છતાં હિંમત કરી નીકળી પડ્યા. કાળઝાળ ઉનાળાનો તાપ જોયા વિના, મારગમાં માંડ ક્યાંક છાંયડો મળે છે તો સૂરજ ડોળા કાઢીને તડકો વેરે છે. કાળને આટલો છાંયડો પણ સોરવાતો નથી.

વર્તમાન સમયમાં પોતાનું વતન છોડી દૂર આવેલા મજૂરો-કામદારોની જીવનમાં ઊભી થયેલી હાલાકીને આ કવિએ બખૂબી રજૂ કરી છે. આવી કવિતા વાંચી કોઈના હૈયામાં રામ જાગે, અને પોતાનાથી બનતી મદદ આફતગ્રસ્તોને કરે તો એમાં કવિનું મોટું સાર્થક્ય અને એ કવિતા પામનારનું પણ અને મારા જેવા લેખકે કવિતા વિશે લખ્યાનું પણ...

લોગઆઉટ

કલ નુમાઇશ મેં મિલા થા ચિંથડે પહને હુએ,
હમને પૂછા નામ તો બોલા હિન્દુસ્તાન હૈ.

- દુષ્યંત કુમાર


બે મિત્રો વચ્ચે સર્જાતી ગેરસમજની ગઝલ

સંબંધોના ઝાંખાપાંખા ધુમ્મસિયા અજવાળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.
ઈશુ ખ્રિસ્તના મુગટ સરીખા અણિયાળા આ જાળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.

આંખ અલગ છે સ્વપ્ન અલગ છે ચરણ અલગ છે માર્ગ અલગ છે સઘળે સઘળું સાવ અલગ છે,
મતભેદોના મસમોટા આ મયાવી કુંડાળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.

હું તો સાવ જ તળિયેથી તરબોળ થયો છું, તને કશું ન અનુભવાયું? તું ય ગજબ છે!
ચારેબાજું ટહુકાઓની મહેક વેરતા માળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.

વ્યક્ત કરી દે લાગણીઓને તરત બધાની આંખ અને આ આંખ એટલે દરિયો,
આંખોના દરિયાની અંદર આંસુના પરવાળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.

અંગઅંગથી તું સળગ્યો છે, તું દાઝ્યો છે તો એનાથી હું પણ ક્યાં બાકાત રહ્યો છું?
અફવાઓના આગકૂવામાં ધગધગ થાતી જ્વાળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.

બધા પ્રકારે – બધી રીતથી કરી ગણતરી તો પણ આવ્યો બંને જણનો એક જ ઉત્તર,
માત્ર બચ્યા છે શૂન્યો ને આ શૂન્યોના સરવાળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.

– અનિલ ચાવડા

આ ગઝલનો વીડિયો પણ જુઓઃ


ત્રાટકે છે દુઃખ...

ત્રાટકે છે દુઃખ તોફાની પવન ફુંકાય જે રીતે,
મારું ઘર હું સાચવું છું મારાથી સચવાય એ રીતે.

રોજ ઘટતો જાય છે આ મારી પ્રત્યેનો લગાવ એનો,
ફ્રીજ આવ્યે માટલાનું મૂલ્ય ઘટતું જાય જે રીતે!

માત્ર મારું કામ સ્મરણોનાં ઘરેણાં આપવાનું છે,
આપી દીધાં! આપ એ પ્હેરજા પ્હેરાય એ રીતે.

કોઈ આ ફાટી ગયેલી જિંદગી મારી સીવી આપો,,
મારું સ્વેટર મારી માના હાથથી ગૂંથાય એ રીતે.

આ કવિતા છે, નથી અખબારના કોઈ સમાચાર આ,
એમ ના બોલો તમે વાંચો કવિ વંચાય એ રીતે.

- અનિલ ચાવડા

આ કવિતાનો વીડિયો પણ જુઓઃ


ધીમેધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા

લોગઇનઃ

ધીમેધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા,
કાં પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા.

સ્નાન હો ઘરમાં કે હો ગંગાતટે,
છે શરત એક જ ભીતરથી શુદ્ધ થા.

સામનો કર હાલમાં સંજોગનો,
શસ્ત્ર નાખી આમ ના અવરુદ્ધ થા.

તું નરોવા કુંજરોવા કર નહીં,
મારી સાથે, કાં પછી વિરુદ્ધ થા.

એ બહુ નુકસાન કરશે જાતને,
તું નજીવા કારણે ના ક્રુદ્ધ થા.

એ જ તો નાદાન અંતિમ ધ્યેય છે,
નામ લઈ ઈશ્વરનું તું સમૃદ્ધ થા.

દિનેશ ડોંગરે નાદાન

અત્યારે કોરોના ભય ચારેબાજુ પ્રચલિત છે, ત્યારે આપણે ત્યાં કવિતાચોરોના ભય પણ ઓછા નથી. ઘણી વાર માહિતીનો અભાવ પણ તેની માટે જવાબદાર છે. ઉપરોક્ત કવિતા વર્ષોથી ઝવેરચંદ મેઘાણીના નામે ફર્યા કરે છે. શેર કરનાર મિત્રોને ખબર નથી હોતી કે ઝવેરચંદ મેઘાણીએ કોઈ ગઝલ લખી નથી. તેમને તો કવિતાનો આનંદ વહેંચવો હોય છે, પણ તેમાં કવિના નામના અભાવે વહેંચવો યોગ્ય નથી. એમાંય બીજાની કવિતા પોતાના નામે ચડાવીને શેર કરવાની વૃત્તિ તો તેની કરતાં પણ વધારે ખરાબ છે. કવિ થવાની ઝંખના સેવતા આવા ઘણા લોકો સોશિયલ મીડિયામાં જાણીતી અને સુપ્રસિદ્ધ કવિતાઓ પણ પોતાના સર્જન તરીકે ખપાવવામાં પાવરધા હોય છે. આ રોગથી બચવા જેવું છે. દિનેશ ડોંગરેની આ રચના એટલી સરસ છે કે કોઈ પણ જાણીતા કવિના નીમે ચડાવી દેવામાં આવે તો સાચી માની લેવામાં આવે.

પ્રથમ શેરથી જ આપણે ગઝલ તરફ ખેંચાઈ જઈએ. બુદ્ધ થવાની વાત કવિતામાં ઘણી વાર આવી છે. મેહુલ પટેલે ઈશે પણ લખ્યું છે, બુદ્ધ ને મહાવીરમાં જાગી ગયું, મારી અંદર જે સૂતેલું હોય છે. સાધારણ માનવીઓનું મન સંસારની માયાજાળમાં ગૂંચવાયેલું રહે છે, જાગ્રત નથી થઈ શકતું, એટલે તે બુદ્ધ, મહાવીર જેવી ઊંચાઈએ નથી પહોંચી શકતા. પણ દિનેશ ડોંગરે બે ઓપ્શન આપે છે. ધીમેધીમે વૃદ્ધિ પામીને સમૃદ્ધિ સુધી પહોંચવાનો અથવા તો બધી જ સમૃદ્ધિને હડસેલીને બુદ્ધપણા ભણી પ્રયાણ કરવાનો.

બીજો શેર વાંચતા કલાપી યાદ આવી જાય કે, ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની. કલાપી ઈશ્વરની વાત કરે છે, ત્યારે અહીં કવિ આંતરિક શુદ્ધિ તરફ આંગળી ચીંધે છે. રામ તેરી ગંગા મૈલી ફિલ્મનો પ્રધાન સુર પણ આ જ હતો. ખરેખર વહેતી ગંગા મેલી થઈ ગઈ છે તેની વાત, નાયિકા, અને આંતરિક અશુદ્ધિ ત્રણેની વાત આ ફિલ્મમાં બખૂબી કરી છે. આપણે પાપ ધોવા ગંગામાં ડુબકીઓ મારીએ છીએ, ભીતરથી શુદ્ધ થવા માટે આવી ડૂબકીઓ મારવાની જરૂર નથી. એમ  ગંગામાં એક ડૂબકી લગાવી દેવાથી પાપ ધોવાઈ જતાં હોત તો શું જોઈતું હતું.

ત્રીજો શેર કુરુક્ષેત્રની યાદ અપાવે એવો છે. સામે સ્વજનો ઊભેલાં જોઈને અર્જુને હથિયાર હેઠાં મૂકી દીધાં. કૃષ્ણએ આપેલી ગીતા-સમજણ પછી તેણે શસ્ત્ર હાથમાં લીધાં. માણસ ઘણી વાર આવી પરિસ્થિતિમાં મુકાઈ જતો હોય છે, ત્યારે આવી ગીતાસૂજ જરૂરી છે. પછીના શેરમાં સીધું મહાભારત સાંભરે, નરો વા કુંજરો વા કહ્યા પછી ધર્મરાજ ગણાતા યુદ્ધિષ્ઠિરનો રથ પણ જમીનને અડીને ચાલવા લાગ્યો, કેમકે સત્યવચન કહેનારા યુદ્ધિષ્ઠિરે પણ દૂધદહીમાં પગ રાખવાની વૃત્તિ રાખી. આપણે ત્યાં આવા ડબલઢોલકી સ્વભાવ ઘરાવતા માણસોનો તોટો નથી. તેમને દુશ્મનના ઘરે બરફી ખાવી હોય છે, અને દોસ્તોના ગુલાબજાંબુ પણ છોડવા નથી હોતા. આવી વૃત્તિ ધરાવતા માણસોથી દૂર રહેવું.

હર્ષ બ્રહ્મભટ્ટનો શેર છે, જિંદગી આખી ગઈ એ ભૂંસવામાં, ક્રોધમાં જે શબ્દ હું બેચાર બોલ્યો, ક્યારેક મગજ પર કાળ સવાર થઈ જતો હોય છે, તેવા સમયે ન બોલવાનું બોલાઈ જાય છે. ન વર્તવું જોઈએ તેવું વર્તાઈ જવાય છે. આવા સમયે ચિત્તને શાંત રાખવાની જરૂર છે. નજીવા કારણે કરેલો ગુસ્સો આખરે પોતાની પર જ બોમ્બ જેમ પડતો હોય છે, એ ફૂટે ત્યારે જ એનો અહેસાસ થાય છે.

ઈશ્વરના શરણે જવાની વાત સંતો-ભક્તો-ઓલિયા-ફકીરો યુગોથી કરી રહ્યા છે. માનવનું અંતિમ ધ્યેય ઈશ્વરપ્રાપ્તિ છે.

આવા જ કાફિયા સાથે રમેશ પારેખની એક ઓછી જાણીતી ગઝલ પણ ખૂબ સરસ છે. તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

એકલો છો યાને સોએ સો ટકા એ શુદ્ધ છે,
આ પરિસ્થિતિમાં અહીં હરએક માણસ બુદ્ધ છે.

છીનવી લીધાં પ્રથમ તેણે બધાં હથિયાર પણ,
ને કહ્યું તારી હયાતી તો સ્વયં એક યુદ્ધ છે.

જેને તેં ખંડેરમાં પલટાવ્યું એ મારું હૃદય,
આજ પણ તારાં સ્મરણથી કેટલું સમૃદ્ધ છે.

જન્મતાવેંત જ નસીબ કમ્મરથી ઝૂકેલું મળે,
એટલે અહીં કોઈ પણ ઉંમરની વ્યક્તિ વૃદ્ધ છે.

વિશ્વ એની ગતમાં ચાલે તારી ગતમાં તું રમેશ,
એટલે રસ્તા બધા દુઃસ્વપ્નથી અવરુદ્ધ છે.

- રમેશ પારેખ

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં આવતી કોલમ 'અંતરનેટની કવિતા'નો લેખ)

દરિયા-બરિયા, નદિયું-બદિયું

દરિયા-બરિયા, નદિયું-બદિયું, તળાવ-બળાવ શું હેં?
આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ-બડાવ શું હેં?

ગમે એટલું મનગમતાને ચાહી લીધું ? તો પૂરતું છે,
કસમો-બસમો, વચનો-બચનો, ઠરાવ-બરાવ શું હેં?

જે થયું હતું એ છાતી અંદર ઊંડે ઊંડે થયું હતું,
ઘટના-બટના, કિસ્સા-બિસ્સા, બનાવ-ફનાવ શું હેં?

જેને આવી પાંખો એને ઊડવા દીધા પંખી માફક,
હદથી ઝાઝો કોઈના પ્રત્યે લગાવ-બગાવ શું હેં?

પોતાના વિનાય અમે તો હે…ય ચેનથી જીવી લીધું,
ખાલીપા-બાલીપા કે આ અભાવ-બભાવ શું હેં?

અનિલ ચાવડા

આ કવિતાનો વીડિયો પણ જુઓઃ


કમ સે કમ આટલું તો થાય

કમ સે કમ આટલું તો થાય,
પ્હાડ જેમ ખળભળતું હોય કોઈ ત્યારે ત્યાં ઝરણું થઈ ખળખળ વહાય.

આંગણામાં આવે જો એકાદું પંખી તો રાખવાનું હોય ખૂબ માનથી,
ટહુકાની ઝેરોક્ષો થાય નહિ એને તો ઘટ ઘટ પીવાય સાવ કાનથી;
ખીલે એકાદ પળ કૂંપળ જેમ તો એ કૂંપળને મબલખ જીવાય.
કમ સે કમ આટલું તો થાય…

માણસ ખુદ હાજર છે ત્યારે પણ એના આ પડછાયા પૂજવાના કેમ ?
કોઈનાય ઘાસ ઉપર ઝાકળનો હાથફેરો કરવો શું સૂરજની જેમ !
ભીતરથી કાળઝાળ બળતું હો કોઈ એને મીઠેરું સ્મિત તો અપાય.
કમ સે કમ આટલું તો થાય…

- અનિલ ચાવડા

આ કવિતાનો વીડિયો પણ જુઓઃ


મિત્રો સઘળા સંચા જેવા

સામે ઊભા ખંભા જેવા,
ઈશ્વર છે પણ શંકા જેવા.

પરસેવા જેવાં છે દુ:ખો,
સુખ ખખડેલાં પંખા જેવાં!

દેશ પરાધીન છું હું; સપનાં,
ખરી પડેલા ઝંડા જેવા.

ઇચ્છાઓ છે પૂંછ સળગતી,
માણસ બળતી લંકા જેવા.

હું દફતરની પેન્સિલ જેવો,
મિત્રો સઘળા સંચા જેવા.

~ અનિલ ચાવડા

આ કવિતાનો વીડિયો પણ જુઓઃ



વિશ્વકવિતા દિવસ નિમિત્તે કવિતા વિશે થોડુંક


લોગઇનઃ

ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.

જયન્ત પાઠક

ગઈ કાલે, 21 માર્ચે વિશ્વકવિતા દિવસ હતો. આ નિમિત્તે થોડી વાત. કેમકે સોશિયલ મીડિયાના આવ્યાથી કવિઓની સંખ્યા દરિયાકાંઠે મોજું અથડાયાં પછી ફીણ ઉત્પન્ન થાય એમ થઈ છે. સોશિયલ મીડિયાનાં મોજાંમાં આ ફીણ ક્યાં લગી ટકશે, કોને ખબર? પણ એક વાત ચોક્કસ કે આમાં ઘણા મજબૂત અવાજો પણ છે. સોશિયલ મીડિયાનો મોટો આભાર એ કે કવિતાની લોકો સુધી પહોંચાડવામાં સુગમતા કરી આપી. ક્યારેક આ મોટો ઉપકાર અપકાર પણ સાબિત થાય છે.

કવિ જે લખે તે કવિતા? કે જે કવિતા લખે તે કવિ? કવિતા ખરેખર છે શું? પ્રાસની લયબદ્ધ ગોઠવણ? ગાઈ શકાય તે? અલંકારનો સારી રીતે ઓળીપો કર્યો હોય તે? કંઈક અર્થ નીકળતો હોય તે? છંદોબદ્ધ લખાય તે? તો પછી અછંદસ શું છે? આમ તો કવિતા લખવી સાવ સહેલી છે. માત્ર સારી કવિતા લખવી અઘરી છે. થોડાઘણા છંદ શીખીને કંઈ પણ કવિતામાં ખપાવી શકાય. હરિકૃષ્ણ પાઠકે એકવાર સરસ વિધાન કરેલું, આપણે ત્યાં છંદનાં ખોખાં ખૂબ લખાયાં છે, એમાં કવિતાનો પ્રાણ પુરાયો નથી. છંદ એ શરીર છે, કવિતા તેમાં રહેલો પ્રાણ છે. ઘણી વાર છંદ જળવાયો હોય, અર્થ નિષ્પન્ન થયો હોય, છતાં હૃદયસ્પર્શી કશું ન હોય. આનું કારણ એ કે છંદ એ કવિતા નથી. તો પછી થાય કે એમાંથી અર્થ તો નીકળે છે, છતાં કવિતા કેમ બનતી નથી? કદાચ અર્થ પણ કવિતા નથી. એક જાણીતા વિદ્વાને એમ પણ લખેલું કે, શબ્દ કાવ્યનું સ્થુળ સાધન છે અને અર્થ સુક્ષ્મ સાધન. પણ બહુ જીણવટપૂર્વક વિચારીએ તો આ વિધાન સામે પણ પ્રશ્ન થાય. દા.ત., તાજમહેલ પર આતંકવાદી હુમલો થયો એવી હેડલાઇન છાપામાં વાંચીએ ત્યારે એમાંથી અર્થ તો નીકળે છે, પણ એ સમાચાર થયા, કવિતા નથી. મતલબ કે અર્થ પણ કવિતા નથી. સમાચાર માટે એક ઉક્તિ કહેવાય છે, કૂતરું માણસને કરડે એ સમાચાર નથી, પણ માણસ કૂતરાને કરડે એ સમાચાર છે. કવિતામાં પણ કંઈક કદાચ આવું જ છે. અત્યાર સુધી તમે જે જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, માણ્યું છે, સમજ્યું છે, જે સમજણ તમે સ્વીકારી લીધી છે, એ જ્યારે કોઈ જુદા વિચારથી તૂટે છે, ત્યારે તે કવિતા હોવાની સંભાવના છે. યાદ રાખજો, અહીં માત્ર સંભાવના કહેવાઈ છે. હોય જ એમ નથી કહેવાયું. વળી પ્રશ્ન થાય કે આપણી સમજણ તૂટવાની ઘટના જ કવિતા કહેવાતી હોય તો એવું લય-પ્રાસ-છાંદસ-અછાંદસ વિના પણ થતું હોય છે. માટે કવિતાને જેટલી રીતે સમજીએ એટલી રીત ઓછી છે. જોકે કવિતાની ઓળખ બાબતે કોઈ પણ તારવણી કરવામાં એક વસ્તુ સમાન છે કે એમાં ભાવની અભિવ્યક્તિ છે, તે છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ, હાઇકુ, સોનેટ કે ગમે તે સ્વરૂપ હોય. ભાવ હોવો જોઈએ. વળી પ્રશ્ન થાય કે આપણી દૈનિક વાતોમાં પણ ભાવ અને ભાવનાઓ તો હોય જ છે! પણ કવિતામાં તે વિશેષ રસાઈને-ઘૂંટાઈને ભારપૂર્વક આવે છે. તેમાં શબ્દ, અર્થ, રસ, લાઘવ, પ્રાસ,  લય-ઢાળ, છટા વગેરે અભિવ્યક્તિ ઉમેરાય છે. જોકે કવિતા વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. કવિતા વિશે જે કહીએ તે બધું જ અમુક અંશે સાચું છે, અને એક રીતે જોઈએ તો બધું જ તેની વ્યાખ્યા કરવામાં ઊણું ઊતરે છે.

કવિતા સંસ્કૃતિની ધરોહર છે. કવિતાના શબ્દએ ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખી છે. જયંત પાઠકે કહ્યું છે તેમ કવિતા નિપજાવવી હોય તો શૂળી પર ચઢવાની હિંમત, અંગારાને હથેળીમાં રમાડાનું કૌવત, દીવાલમાંથી આરપાર નીકળી જવાની હિકમત, કરોળિયાના જાળામાં બ્રહ્માંડને તરફડતું જોવાની આંખ ને એવું ઘણું જોઈએ. આટલું હોય તો થઈ શકે–કદાચ. જયંત પાઠકે પણ છેલ્લે કદાચ ઉમેર્યું છે. તેમણે જે વાત કરી તે શારીરિક રીતે નથી લેવાની. કોઈ માણસ ચૂલાના અંગારા હાથમાં લઈને રમાડે, પછી કાગળ-કલમ લઈ બેસી જાય તો કવિતા ન થાય. આ બધું તો ચેતનાના સ્તર પણ અનુભવવાનું છે, એ અનુભવ્યા પછીય કવિતાનો શબ્દ મળે તો મળે. કવિતા ઈશ્વરદત્ત હોય, તે સાચું, પણ તે તો માત્ર એકાદ ટકો, બાકી નવ્વાણું ટકા તો પરીશ્રમ જોઈએ. આમ તો હજી ઘણું કવિતા વિશે લખી શકાય, પણ કોલમની શબ્દમર્યાદા ધ્યાનમાં રાખીને અહીં અટકીએ.

લોગ આઉટઃ

કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય?
સરવરો સુકાઈ જાય?
નદીઓ વહેતી થંભી જાય?
ડુંગરા ડોલી ઊઠે?
ઘાસ ઊગતું બંધ થઈ જાય?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય?
ના, ના, એવું એવું તો ના થાય–
પણ… પછી
જળપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊચેં ના જાય.

કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
એટલે કે કશું થાય જ નહીં!

જયન્ત પાઠક

(ગુજરાત સમારની રવિપૂર્તિમાં આવતી કોલમ 'અંતરનેટની કવિતા'નો લેખ)

હતું, છે ને રહેશે.

કોઈ માને કે ન માને કંઈક હરદમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે. 
શ્વાસની સાથે જ અટકે એવું માતમ આપણી વચ્ચે હતું છે ને રહેશે. 

ધોમ તડકાનો મળ્યો અવતાર તમને, ને જનમ પામ્યા અમે ઝાકળ તરીકે; 
જીવ ખોઈને ય ના મળવાનું જોખમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે. 

લાખ કોશિશ બાદ પણ બ્રહ્માંડનાં સંપૂર્ણ તથ્યો કોઈ ક્યાં પામી શક્યું છે? 
એમ; ના ઉકલાય એવું કંઈક મોઘમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે. 

જિંદગીભર મેઘ માફક એકબીજા પર વરસવા ખૂબ તરફડવું પડ્યું છે; 
નહિ લખેલું આપણું એ 'મેઘદૂતમ' આપણી વચ્ચે હતું, છે ને રહેશે. 

વસવસો ક્યાં રાખવો કે રેશમી ચાદર કદીયે આપણાથી ના વણાઈ, 
એવું માની ખુશ થવું કે એક રેશમ આપણી વચ્ચે હતું છે ને રહેશે. 

- અનિલ ચાવડા

આ ગઝલનો વીડિયો પણ સાંભળોઃ