સોરી! (એક ખેતમજૂરી કરતા કવિની ઉક્તિ)

પરોઢે સૂર્યએ પોતાનો ચૂલો સળગાવ્યો
ત્યારે અમે અમારા ટાઢાબોળ ચૂલાની બાજુમાં બેઠા હતા જાગતાં...
એવું નથી કે મને સ્પર્શતું નથી આ મૃદુ ઝાકળ
ગમે છે,
પણ પરોઢના ગર્ભમાં પાંગરેલું આ ઓસ
સુંવાળા ઘાસ પર બેસીને તેની મહાન ગાથા સંભળાવે તે પહેલાં
મારી માના હાથમાં ઊપસી આવેલા ફોલ્લા
એની વાર્તા શરૂ કરી દે છે
ઝાકળ પોતાને મોતી સિદ્ધ કરે તે પહેલાં
પગમાં પડેલા ઢીમડાં
પોતાને કોહિનૂર સાબિત કરી ચૂક્યા હોય છે
પરોઢે કમલ સરોવરે અંગ જબોળાય’ની કલ્પનાને ટાણે તો

અમે ધૂળમાટીથી રગદોળાઈને થઈ ગયા હોઈએ છીએ પરસેવે રેબઝેબ...

વંદન! વરસતા વરસાદની દોમદોમ સાહ્યબીને બે હાથે વંદન!
પણ મને તો ધોધમાર વરસાદમાં માથું ઢાંકતા છાપરાની કલ્પના વધારે વહાલી લાગે છે

મને યાદ છે,
એક દી કોલસાની ભઠ્ઠીમાં કામ કરતાં મા દાઝી ગયેલી
એક મોટા અર્ધ વર્તુળાકાર ફરફોલા સાથે ઊપસી આવેલા અનેક ફોલ્લા શરીર પર
મને તેમાં દાઝી ગયેલો ચંદ્ર ને સેંકડો બુઝાતા સિતારા દેખાયેલા
બસ આટલું નાનું (પ્રકૃતિ?) કાવ્ય રચાયું હતું ચિત્તમાં....
મારું કલ્પનાશીલ મો જોઈ માએ પૂછેલું
ધરાએલો લાગે છે, કંઈ ખાઈને આવ્યો કે શું?

હું કશું બોલ્યો નહીં,
કયા મોઢે કહેવું કે ભરપેટ ગાળો ખાધી છે શેઠની...

તમે જ્યારે ‘સીમ દોમદોમ તડકામાં નહાય’નું અદ્ભુત કલ્પનાચિત્ર રજૂ કરો છો,
ત્યારે મારી હોજરીમાં તપતું હોય છે એક ગીતનું મુખડું, કે-
આખું આકાશ એક ધગધગતો ચૂલો ને સૂરજ એક શેકાતી રોટલી...’


તમે કહો છો,
સમી સાંજે સૂરજ કેવા અદ્ભુત રંગો પૂરે છે ક્ષિતિજ પર, નહી?’

આઈ એગ્રી,
લાખલાખ સલામ એના કેસરિયાપણાને!
કિરણોની ફરતી પીંછીને!
પણ અમારા જીવનમાંથી બુઝાઈ ગયેલો સૂર્ય
મને ક્ષિતિજના રંગોની કલ્પના નથી કરવા દેતો...
મને તો તેમાં મારી માના સેંથીના આકાશમાંથી આથમી ગયેલા સૂર્યને કારણે
ભૂંસાયેલા સિંદૂરના લાલપીળા ડાઘા દેખાય છે,
જેને હું કોઈ જ રીતે સાફ નથી કરી શકતો...
પ્રકૃતિએ સર્જેલી મસમોટી ઊંડી ખીણ કરતાં
મને પેટનો ખાડો વધારે ઊંડો લાગે છે.

પ્લીઝ! એવું ન સમજતા કે હું પ્રકૃતિનો ચાહક નથી
પણ હાલ પૂરતું
હું તેનું કાવ્ય સર્જી શકું તેમ નથી, સોરી!

- અનિલ ચાવડા
આ કવિતાનો વીડિયો પણ જુઓઃ

બોર્ડની પરીક્ષા - ઓ પરમેશ્વર! તારી માથે છે કંઈ આવો બોજ?


લોગઇનઃ
પેલ્લે નંબર પાસ થવાનું રોજ,
ઓ પરમેશ્વર
! તારી માથે છે કંઈ આવો બોજ?
તારે માથે મોરપીચ્છ બસ; એનો ક્યાં કંઈ ભાર?
ગોવર્ધન તો ઠીક; આવી ઉપાડ મારું દફતર તું એક વાર!
હોમવર્કના કાળીનાગને નાથ હવે તો નાથ!
રોજ ટેસ્ટના કુરુક્ષેત્રમાં લડું હું એકલહાથ!
સામે પાછી ઊભી કેવડી ટેક્સ્ટબુકની ફોજ!
ઓ પરમેશ્વર! તારી માથે છે કંઈ આવો બોજ?
મમ્મી, પપ્પા કે ટીચર, સૌ ટોકટોક બસ કરતાં,
સ્પેલિંગના સત્તરશિંગા નીંદરમાં બટકાં ભરતાં,
હોઉં બધાની સાથે તોયે બધુંય આઘું-આઘું,
ખૂબ ભણું ને તોય મને હું સાવ ઠોઠડો લાગું.
ટેન્સ રહું બસ સ્કૂલ બાબતે, કશેય ક્યાં છે મોજ?
ઓ પરમેશ્વર! તારી માથે છે કંઈ આવો બોજ?
કિરીટ ગોસ્વામી
બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. પેનરૂપી તલવાર લઈને પરીક્ષા નામના યુદ્ધમાં વિજયી થવા માટે વિદ્યાર્થીઓ ઝઝૂમી રહ્યાં છે. આજકાલ સ્કૂલેસ્કૂલે વિવિધ પરીક્ષાઓ લેવાની ફેશન છે. દર અઠવાડિયે ફરજિયાત ટેસ્ટ. વળી આ ટેસ્ટમાં દરેક માબાપ એવું ઇચ્છતાં હોય કે મારું બાળક પ્રથમ આવે. હવે, બધાનાં બાળકો તો ક્યાંથી પહેલે નંબરે આવે? બાળકને પહેલે નંબરે લાવવાની માબાપની ઘેલછા બાળકને સ્ટ્રેસની અંધારી ઓરડીમાં પૂરી દે છે. વિદ્યાર્થી પર રહેતા પરીક્ષાના બોજની વાત કિરીટ ગોસ્વામીએ બખૂબી કરી છે. કિરીટ ગોસ્વામી બાળવાર્તા, પ્રસંગલેખો, કવિતા જેવાં વિવિધ સ્વરૂપોમાં સુંદર કાર્ય કરે છે. તેમનું આ ગીત વિદ્યાર્થીની મનોદશા પર સીધી આંગળી ચીંધી આપે છે. પરીક્ષાના આ માહોલમાં આ ગીત ખૂબ પ્રાસંગિક છે.
માતાપિતા બાળકૃષ્ણની મોજમસ્તીનાં ગીતો ગાતાં હોય છે, બાળકૃષ્ણ ગોપીઓની મટુકી ફોડે, ગાયો ચારવા જાય, માખણ ચોરે, ગોવાળો સાથે મોજમસ્તી કરે... આવી બધી કૃષ્ણની આનંદી લીલાઓને માબાપ રાજી થઈ થઈને ગાય છે. પણ કૃષ્ણ સ્કૂલે ગયાં, પરીક્ષા આપી, કેટલા માર્ક્સ આવ્યા, કયા નંબરે પાસ થયા, એવાં ગીતો નથી ગાતાં. આ કેવો વિરોધાભાસ કહેવાય! જે માતાપિતા કૃષ્ણની બાળલીલાનાં આનંદગીતો ગાય છે, એ જ માબાપ પોતાનાં બાળકૃષ્ણને પરીક્ષાની સાંકળે બાંધે છે!  અને આ કોઈ એક ઘરનો પ્રશ્ન નથી. દરેક ઘરે આ સમસ્યા છે. પેલી કહેવત છે ને ઘેરઘેર માટીના ચૂલા એના જેવું છે, જોકે હવે તો આ કહેવત બદલીને ઘેરઘેર ગેસના ચૂલા કરવી જોઈએ.
વિદ્યાર્થી દરરોજ હોમવર્કના કાળીનાગને નાથવા મથે છે. કૃષ્ણ તો ગેડીદડે રમતા રમતા દડો પાણીમાં પડી ગયો એટલે કાળીનાગ સાથે યુદ્ધે ચડ્યા હતા. અહીં બાળકને એવું રમવા ક્યાં મળે છે. અહીં તો ગેડીદડાની બાદબાકી છે, માત્ર કાળીનાગ સાથેની લડાઈ જ છે. રોજ પાનાંનાં પાનાં ભરીને હોમવર્ક આપી દેવામાં આવે છે. હોમવર્ક સાપની જેમ ફેણ ચડાવીને વિદ્યાર્થી સામે ઊભું રહે છે, બાપડો શું કરે? એને ય લાગતું હશે કે આની કરતાં તો કૃષ્ણનો કાળીનાગ નથવો સહેલો છે!
વાતેવાતે શિક્ષકો પરીક્ષાની લાલબત્તી ધર્યા કરે છે. માબાપ એને આ પરીક્ષાની નદીમાં તરવા માટે સતત હલેસાં મારતા રહેવાનું કહ્યા કરે છે. સવારે ઊઠવાથી લઈને રાતે સૂવા સુધી પરીક્ષા... પરીક્ષા ને પરીક્ષા... સતત પરીક્ષા નામની પૂતના ડાકણ વિદ્યાર્થીની આસપાસ ફરતી રહે છે. સપનામાંય ગણિતના દાખલા, વિજ્ઞાનના પ્રયોગો, કવિતાઓ, સ્પેલિંગ્સ એવું બધું આવ્યા કરતું હોય છે. પંદર પંદર કલાક તૈયારી કર્યા પછી પણ એમ લાગે કે હજી તો ઘણું બાકી રહી ગયું છે. હજી તો હું ઠોઠ જ છું, હોશિયાર નથી થઈ શક્યો. તૈયારીના ટેન્શનમાં ક્યાંય મન નથી લાગતું.
એમાં ય રાત-દિવસ મહેનત કર્યા પછી જો યોગ્ય રિઝલ્ટ ન આવે તો વિદ્યાર્થી સાવ નિરાશ થઈ જાય છે. પરીક્ષાની હાર તેને જિંદગીની હાર લાગે છે અને તે જીવન ટૂંકાવવાનો નિર્ણય કરી બેસે છે. તેને ચિંતા હોય છે કે માબાપને શું મોઢું બતાવીશ? કેમકે માતાપિતાએ પરીક્ષાનો એટલો બધો બોજ એની ઉપર મૂકી દીધો હોય છે કે સારા માર્કે પાસ ન થાય તો બાળકને મોઢું બતાવવું મુશ્કેલ થઈ જાય. માતાપિતાએ સમજવાની જરૂર છે, વિદ્યાર્થીના જીવનમાં અભ્યાસનું મહત્ત્વ છે, પરંતુ તેને માર્ક્સના ત્રાજવે ન તોલો. પોતાના બાળક સાથેનો વ્યવહાર એવો જ રાખવો કે થાય એટલી મહેનત કરવી અને ઓછા ગુણ આવે તોય ચિંતા ન કરવી, કેમકે પરીક્ષા જ બધું નથી. નાપાસ થાનારા કે ઓછા માર્ક્સ લાવનારા પણ ખૂબ સફળ થયા છે. ધીરુભાઈ અંબાણી અને સચિન તેંડુલકર એનો જગજાહેર દાખલો છે. માટે વિદ્યાર્થીઓએ એવી ચિંતા ન કરવી.
લોગ આઉટઃ
માર્ક ઓછા આવવાથી એ મર્યો,
એ હજું જીવે છે જે નાપાસ છે.
- વિપુલ અમરાવ
(ગુજરાત સમારની રવિપૂર્તિમાં આવતી કોલમ 'અંતરનેટની કવિતા'નો લેખ)

મને આ કહેતાં જરા પણ શરમ નથી લાગતી કે...


લોગઇનઃ
મને આ કહેતા જરાયે શરમ નથી લાગતી કે
બોસનિયામાં, કાશ્મીરમાં અને
એની પહેલાં પંજાબમાં, એની પહલાં ખાડીમાં
રક્તપાત છે, લૂંટફાટ છે, બળાત્કાર છે...
પણ મને ઈશ્વરમાં વિશ્વાસ છે, વિશ્વાસ છે...
મને આ કહેતા જરાયે શરમ નથી લાગતી કે
વહુ દાઝીબળી રહી છે,
છોકરી વેચાય છે,
ગર્ભમાંયે એનો સંહાર થાય છે,
તો પણ પ્રકૃતિ અને પુરુષ વચ્ચે અતૂટ પ્રેમ છે, પ્રેમ છે...
મને આ કહેતાં જરાયે શરમ નથી લાગતી કે
બાળક ભૂખ્યું છે,
યુવાન બેકાર છે,
બુઢ્ઢા પર અત્યાચાર છે,
તો પણ આકાશથી નદી સુધી ગતિ છે, ઋતુ છે, શૃંગાર છે...
સુનિતા જૈન (અનુવાદઃ જયા મહેતા)
પ્રકૃતિ ચાલતી જ રહે છે. સમય ક્યારેય થોભતો નથી. આપણે જ્યારે બેઠા હોઈએ ત્યારે પણ ગતિમાં હોઈએ છીએ. જવાહર બક્ષીનો શેર યાદ કરવો પડે,  અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે, હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે. આપણે બેસી રહ્યા હોઈએ ત્યારે પણ પ્રકૃતિ તો પોતાની ગતિમાં જ હોય છે, સમય તો ચાલતો જ રહેતો હોય છે. આપણા ઊંઘી જવાથી સૂર્ય ઊંઘી જતો નથી, ગ્રહો-નક્ષત્રો પોતાની ગતિ અટકાવી દેતાં નથી. એ તો આપણી અને સમગ્ર બ્રહ્માંડની ઉંમર વધારવાનું કામ કર્યા જ કરે છે. થોભી જવું એના સ્વભાવમાં જ નથી. એક નદીમાં બે વખત ક્યારેય નાહી શકાતું નથી. તમે ગઈ કાલે નાહ્યા હતા એ પાણી તો ક્યારનું વહી ગયું, અત્યારની સપાટી અલગ છે, વ્હાણ અલગ છે, તેમાં રહેલું જળત્ત્વ અલગ છે. પ્રકૃતિ દરેક પળે પ્રવાહિત થતી રહે છે. હરક્ષણે બદલાતી રહે છે.
તમને જ્યારે એમ લાગે કે બધું જ થંભી ગયું છે, ત્યારે પણ કશુંક સતત વેગવંતું હોય છે. ગતિ સંસારનો નિયમ છે. કોરોનાને લીધે થયેલી મહામારીથી કશું અટકવાનું નથી. દુકાનો-બજારો અને અમુક માનવીય કામકાજ બંધ રહેશે, પણ એ વખતે ય ઝાડ પર કૂંપળ ખીલવાની ગતિ ચાલુ જ હશે. તમારી હોજરી ભૂખ લગાડવાનું કામ બંધ નહીં કરી દે. તમારામાં માથામાં રહેલા વાળને સફેદ બનાવવાનું સૂક્ષ્મ કામ કોઈ તત્ત્વ કરતું હશે, ને તમને ખબર પણ નહીં હોય. પ્રકૃતિ અટક્યા વિના ઘઉંના છોડને ઉછેરી રહી હશે, તેમાં રહેલાં દાણાને પકવી રહી હશે. કદાચ આ ગતિ એ જ પરમ સત્ય છે, એ જ ઈશ્વર છે. પરિવર્તન સિવાય બધું જ પરિવર્તનશીલ છે.
એટલે જ કદાચ કવયિત્રીએ જુદી જુદી કુરૂપતા તરફ આંગળી ચીંધીને કહ્યું કે મને આવું કહેવામાં જરા પણ શરમ નથી.  કેમકે માણસમાં મહામારી આવે, પરસ્પર ઝઘડા થાય, બળાત્કારો થાય, કોમવાદ થાય, દંગા થાય, પણ તોય પ્રકૃતિ તો પોતાનું કામ કરતી જ રહેવાની છે. આ બધા વચ્ચે પણ કવિને ઈશ્વરમાં વિશ્વાસ છે. તેમને શ્રદ્ધા છે કે બધું ઠીક થઈ જશે. ક્યાંક કુરૂપતા છે, તો ક્યાંક સુંદરતા પણ છે. એક બાજુ વહુ આગમાં બળે છે, છોકરીઓ બજારમાં વેચાવા સુધીની શરમજનક ઘટનાઓ ઘટે છે, છતાં કવિને આ બધું કહેવામાં શરમ નથી કે પ્રકૃતિમાં અતૂટ પ્રેમ રચાઈ રહ્યો છે. આવું કેમ કહે છે કવિ? કેમકે એને સંસારની ગતિના નિયમમાં શ્રદ્ધા છે. એને ખબર છે કે આજ વીતી ગઈ, કાલ આવશે, કશું અટકશે નહીં. ક્યાંક ખરાબી છે, તેની સામે ક્યાંક સારાપણું પણ છે. ભૂખ્યા બાળકના ટળવળાની વાત થતી હોય, યુવાનોની આકરી બેકારીની ચર્ચા થતી હોય, વૃદ્ધો પર થતા અત્યાચાર ઉલ્લેખાતા હોય અને આપણે સુંદરતાની વાત કરીએ તો લોકો કહેશે તને શરમ નથી આવતી અત્યારે આવી વાત કરતા? પણ કવિ પહેલાં જ કહે છે કે મને આવું કહેતા શરમ નથી આવતી. કેમકે રમેશ પારેખે કહ્યું છે તેમ, ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની, બીજી બાજુય છે એવી કે રણ મળે તમને! કુરૂપતા જેટલી સાચી છે, સુંદરતા પણ એટલી જ સાચી છે. મિસ્કીન સાહેબની ગઝલથી લોગઆઉટ કરીએ.
લોગઆઉટ
રાત-દિવસ કૈં લાગે હરપળ, એ પણ સાચું આ પણ સાચું,
અંધારે આ કેવી ઝળહળ, એ પણ સાચું આ પણ સાચું.
ભીતર શુંય ગયું દેખાઈ ભણતર સઘળું ગયું ભુલાઈ,
કહેતું ફરું છું સૌની આગળ, એ પણ સાચું આ પણ સાચું.
અપમાનિત કે સન્માનિત હો, બેઉ ખેલ છે બંને ખોટા,
કાં તો સ્વીકારીલે હરપળ, એ પણ સાચું આ પણ સાચું.
સપનામાંથી જાગ્યો જ્યારે એ પળમાં મુંઝાયો ભારે,
અંદર બાહર આગળ પાછળ, એ પણ સાચું આ પણ સાચું.
કોઈ કાલમાં શું બંધાવું કેવળ ખળખળ વહેતા જાવું,
મિસ્કીન આનું નામ છે અંજળ, એ પણ સાચું આ પણ સાચું.
- રાજેશ વ્યાસ મિસ્કીન
(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં આવતી કોલમ 'અંતરનેટની કવિતા'નો લેખ)

ચાકુ સંતાડી રાખ્યું છે

જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, એણે એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે. હાહાકાર મચી જાશે હું એક્કે અક્ષર બોલીશ તો, મેં પણ મારી અંદર એક છાપું સંતાડી રાખ્યું છે. ગણી લીધાં છે બધાં જ પત્તાં, બધું જ હું તો જાણું છું, તારા મોઢે બોલ કયું પાનું સંતાડી રાખ્યું છે. જગની સઘળી પળોજણોથી થાકું ત્યારે ખોલું છું હું, બેત્રણ ગમતી પળનું જે ભાથું સંતાડી રાખ્યું છે. વર્ષો પહેલાં છાનામાના રિવાજનો પાટો બાંધીને, મેં પણ કોઈને ચાહ્યાનું ચાઠું સંતાડી રાખ્યું છે. - અનિલ ચાવડા

આ ગઝલ સાંભળો, નીચેના વીડિયોમાં...



ઈશ્વરે નારીને કઈ રીતે બનાવી?


લોગઇનઃ

એકદી સર્જકને આવ્યો કંઈ અજબ જેવો વિચાર,
દંગ થઈ જાયે જગત એવું કરું સર્જન ધરાર.

ફૂલની લીધી સુંવાળપ, શૂળની લીધી ખટક,
ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક.

મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી,
વૃક્ષથી પરમાર્થ કેરી ભાવના ભેગી કરી.

બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી,
મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી.

પ્રેમ સારસનો ઉપાડ્યો પારેવાનો ફડફડાટ,
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ.

ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ,
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ.

પંચભૂતો મેળવી એ સર્વેનું મંથન કર્યું,
એકએક દી સર્જકે નારી તણું સર્જન કર્યું.

દેવદુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી,
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી.

શૂન્ય પાલનપુરી

આજે આઠમી માર્ચ, આજના દિવસને વિશ્વમહિલાદિનની ઉજવણીનો દિવસ! શૂન્ય પાલનપુરીએ સ્ત્રીના સર્જન વિશે સુંદર કવિતા લખી છે. ભગવાને સ્ત્રીનું સર્જન કઈ રીતે કર્યું તેની મનભાવન કલ્પના આપી છે કવિએ. જ્યારે કલ્પના થકી કોઈ વાતને રજૂ કરવાની હોય ત્યારે તેમાં રચનાકાર ઇચ્છે તેટલી કલ્પનાના ઘોડા દોડાવી શકે, પણ તેની સાથે વાસ્તવિક જીવનની સચ્ચાઈ હોવી જરૂરી છે. શૂન્ય પાલનપુરીએ નારીના સ્વભાવ, ખંત, જોમ, લાવણ્ય, ગાંભીર્ય, ભય, પ્રેમ અને વિરાગ જેવા અનેગ ગુણોનું મિશ્રણ નારીના સર્જનની વાત મૂકી છે. કેમકે આ બધા જ ગુણો નારીમાં સહજસાધ્ય છે, જે તેને સંપૂર્ણ બનાવે છે.

ઈશ્વરે ઘણું બધું રચ્યું, છતાં સંતોષ નહીં થયો હોય, એટલે એક દિવસ એવો વિચાર આવ્યો હશે, કે આ બધામાં કંઈક વિશેષ અને ઉત્તમ કશુંક બનાવું. અને તેણે સ્ત્રી બનાવવાનું વિચાર્યું હશે. સ્ત્રી બનાવવામાં ઈશ્વરે શું શું લીધું? ફૂલની સુંવાળપ અને કાંટાની ખટક પણ લીધી, ઝાકળ પાસેથી ભીનાશ, બાગ પાસેથી મહેક, પર્વત પાસેથી અડગતા, ધરતી પાસેથી ધીરજ, વૃક્ષ પાસેથી સેવાભાવના, પરપોટા પાસેથી જીવનની ક્ષણભંગુરતાની સમજ; દરિયાના ઊંડાણ પાસેથી ગંભીરતા લીધી, કિનારે રોજ પર્વત સાથે અફળાતાં મોજાં પાસેથી સંસારનો મીઠો કંસાસ લીધો. (કવિએ આમાં પતી-પત્નીના મીઠા ઝઘડાનો ઉલ્લેખ કર્યો હોય તેવું સીધું દેખાઈ આવે છે, નહીં?) ખેર, સારસની જોડી પાસેથી પ્રેમ લીધો. મરવું, પણ અલગ ન પડવુંની ભાવનાવાળી સારસ બેલડીનો પ્રેમ તો જગવિખ્યાત છે. પછી પારેવાનો સહજ ફફટાટ લીધો. કાગડા પાસેથી ચતુરતા અને કાબરો કનેથી કલબલાટ લીધો. (સ્ત્રી વધારે બોલતી હોય છે, એવા જોક્સ કદાચ આના લીધે તો નહીં બન્યા હોય ને!) કીડી ખૂબ ખંતીલી હોય છે, ભગવાને તેનો ખંત પણ લીધો, માખી ખૂબ પરીશ્રમ કરે છે, તેનો શ્રમ પણ લીધો. જળ પાસેથી નિર્મળતા અને આગ પાસેથી વૈરાગ્ય પણ લીધું. આ બધું લઈને પંચમહાભૂતમાં ભેળવ્યું, મંથન કર્યું. મંથનને અંતે તેણે સુંદર સ્ત્રી બનાવી.

પછી છેલ્લી પંક્તિમાં કવિ સોનેટ જેમ વળાંક લાવે છે. એ કહે છે કે દેવોને પણ દુર્લભ એવી આ ચીજ જ્યારથી ઈશ્વરે ઘડી ત્યારથી દુનિયાને દર્દની ભેટ મળી, અર્થાત દર્દની શરૂઆત થઈ. આપણને હળવી એમ પૂછવાની ઇચ્છા થાય કે સ્ત્રી નહોતી ત્યારે દર્દ નહોતું? સ્ત્રી કંઈ દુઃખદાતા નથી, એ તો શક્તિની જનની છે. જોકે કવિ અહીં પ્રેમના ભાવને કેન્દ્રમાં રાખીને કદાચ એવું કહેવા માગતા હશે.

આજની સ્ત્રી બધી જ રીતે પુરુષ સમોવડી છે, હોવી જ જોઈએ. મહિલાદિન સ્ત્રીવંદનાનો દિવસ છે. પરંતુ છાપાંમાં અવાર-નવાર સ્ત્રી પરના અત્યાચારના સમાચાર વાંચીને થાય છે કે શું આ બધું ઢાંકવા માટે મહિલાદિન ઉજવવાની શરૂઆત થઈ હશે? ખરેખર તો પુરુષે સ્ત્રીને ‘નિર્ભય’ બનાવવાની છે, ‘નિર્ભયા’ નહિ. તેની સાથળમાં નહિ, પરંતુ આંખના ‘કાજળ’માં ખોવાવાનું છે. સ્ત્રીએ કોઈની પસંદગીનો વિકલ્પ નહીં, પણ દુનિયા જીતવાનો સંકલ્પ બનવાનું છે, તો જ મહિલાદિન ઉજવણીની ખરી સાર્થકતા થાય.

આપણે સ્ત્રીને સ્ત્રી નથી રહેવા દીધી, પણ બીજું ઘણું બધું બનાવી દીધી છે. જયા મહેતાની આવી એક મર્મભેદી કવિતાથી લોગઆઉટ કરીએ.

લોગ આઉટઃ

સ્ત્રી દેવી છે સ્ત્રી માતા છે સ્ત્રી દુહિતા છે
સ્ત્રી ભગિની છે સ્ત્રી પ્રેયસી છે સ્ત્રી પત્ની
છે સ્ત્રી ત્યાગમૂર્તિ છે સ્ત્રી અબળા છે
સ્ત્રી સબળા છે સ્ત્રી શક્તિ છે સ્ત્રી નારાયણી
છે સ્ત્રી નરકની ખાણ છે સ્ત્રી પ્રેરણામૂર્તિ છે
સ્ત્રી રહસ્યમયી છે સ્ત્રી દયાળુ
માયાળુ પ્રેમાળ છે સ્ત્રી સહનશીલ છે
સ્ત્રી લાગણીપ્રધાન છે સ્ત્રી ડાકણ છે
સ્ત્રી ચુડેલ છે સ્ત્રી પૂતના છે સ્ત્રી
કુબ્જા છે સ્ત્રી મંથરા છે સ્ત્રી સીતા
ને સાવિત્રી છે સ્ત્રી…
સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે
સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે.

જયા મહેતા


હાથમાં મુકેલી મહેંદી જોઈને, યાદ કરતી હોઉં છું હું કોઈને!



લોગઇનઃ
હાથમાં મુકેલી મહેંદી જોઈને,
યાદ કરતી હોઉં છું હું કોઈને!
તારા દીધેલા જખમને સીવતા,
આખરે તૂટવું પડયું છે સોઈને.
હસતા મોઢે હું તને સંભારું છું,
થાકી ગઈ છું હું વિરહનું રોઈને.
મારી નજરોમાં જ ઉત્તર વાંચી લે,
હું નહિ બોલીશ સામે જોઈને.
નામ મારું જાતે પાડ્યું છે ‘અમી’,
મે નથી બોલાવી મારી ફોઈને!
આરતી જોશી ‘અમી’
ગુજરાતી સાહિત્યમાં આજકાલ ગઝલો પુરબહારમાં લખાય છે. તેનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે ગઝલ ખૂબ લોકપ્રિય સાહિત્યપ્રકાર છે. તેનાથી જલદી લોકો સુધી પહોંચી શકાય છે. જોકે આ સાહિત્યપ્રકાર સહેલો છે એમ નહીં કહું. કેમકે ગઝલ લખવી એટલી સરળ નથી. એમાંય સરળ ગઝલ લખવી તો વધારે અઘરી છે. અગડમ-બગડમ શબ્દો છંદના ચોકઠામાં ફિટ કરી દેવાથી ગઝલ ઉત્તમ બની જતી નથી. ખરી કવિતા તો અર્થને ઓળંગી તેના ભાવની ભૂમિ પર પગલાં પાડે છે. જેમ માતા પોતાના સંતાન માટે ગોદડી સીવે ત્યારે આપોઆપ તેમાં પોતાના પ્રેમની હૂંફ પણ સિવાઈ જાય છે. તેમ ખરો કવિ જ્યારે શબ્દોની સોયથી કવિતા સીવે ત્યારે પોતાના હૃદયના ભાવ આપોઆપ તેમાં રેડાઈ જાય છે, જે શબ્દોથી પર હોય છે. અને કવિતાનો શબ્દ આમ પણ શબ્દકોશનો મોહતાજ હોતો નથી. કવિતામાં વપરાતા શબ્દનો અર્થ કદાચ દરવખતે શબ્દકોશમાંથી ન પણ પામી શકાય. કેમકે કવિતા તો ભાવકોશ અને લાગણીકોશને સ્વીકારે છે. આજકાલ ગઝલ સર્વસ્વીકૃત છે, પણ ગઝલે આ મુકામ સુધી પહોંચતા પહેલા ઘણો સંઘર્ષ વેઠવો પડ્યો છે. આજે યુવાનો સારી ગઝલનો ફાલ આપી શકે છે તો તેના પાયામાં ગુજરાતી ભાષાના અગ્રગણ્ય ગઝલકારોનો પરસેવો રેડાયેલો છે. ગઝલના ચોમેર વરસતા વરસાદમાં ક્યારેક સુંદર ગઝલ મળી જાય તો ગઝલ પોતે પ્રસન્ન થઈ જાય. આરતી જોષી પોતે નવકવિ છે, પરંતુ તેમની ઉપર્યુક્ત ગઝલ પ્રસ્થાપિત કવિ જેવી સજ્જ છે. હમરદીફ-હમકાફિયાથી કહેવાતી વાત પહેલા શેરથી અંતિમ શેર સુધી સ-રસ રીતે કહેવાઈ છે.
હાથમાં મુકેલી મહેંદી જોઈને કાવ્યનાયિકા કોને યાદ કરે? સ્વાભાવિક છે એ મહેંદી સાથે જેનું અનુસંધાન જોડાયું છે તેને. હાથમાં મૂકેલી મેંદીને જોઈને નાયિકા કંઈ મેંદીના બજારભાવ યાદ ન કરતી હોય!  એ તો સહેજેય સમજી શકાય એવું છે. એટલે જ તો કહું છું કે કવિતામાં શબ્દોમાં જે પરોવવાનું રહી ગયું છે તે જ ખરી કવિતા છે. અહીં ક્યાંય પ્રેમી-પતિનું નામ નથી, પણ આપણે સમજી શકીએ છીએ કે વાત એની જ છે.
સીવતા સીવતા સોય તૂટી જવાના દાખલા ઘણા જોયા-સાંભળ્યા હશે. પણ પછીના શેરમાં નાયિકા જખમોને સીવવાની વાત કરે છે. જખમો એટલા બધાં આપ્યાં છે કે સોય ઊણી ઊતરી એને સીવવામાં. અથવા તો જખમો એટલા મજબૂત છે કે સોયનું ગજુ નથી કે તેને સાંધી શકે, સોય બાપડી તૂટી ગઈ!
જેણે આટલા જખમો દીધા હોય એ વ્યક્તિ કાંઈ સહેલાઈથી ભુલાઈ જાય? ગમતી વ્યક્તિ જ્યારે આ રીતે હૃદયમાં કોઈ ટીસ છોડી જાય, ત્યારે તેને યાદ કરતાં દુઃખ થવાનું જ! હૃદયમાં વેદના ઊઠવાન જ, આંખો ભીની થવાની જ! પણ નાયિકાએ એનો ઉકેલ શોધી કાઢ્યો છે. એને ખબર છે કે આ દુઃખનો કોઈ ઇલાજ નથી, રડવાથી કશું વળવાનું નથી. એની કરતાં બહેતર એ છે કે એ દિવસો, વિહરની વાતોને દુઃખી થઈને યાદ કરવા કરતા, હસતા મુખે યાદ કરવામાં આવે! પછીની શેરમાં આમ તો ઘણી વાર કહેવાઈ ગયેલી વાત છે. પણ અહીં જે રીતે કહેવાઈ છે, તેમાં થોડું નાવિન્ય છે ખરું. આંખોથી કહેવાની વાત છે, પણ નાયિકા પોતે સામે જોઈને નહીં કહે, સામેની વ્યક્તિએ જ પારખી લેવાનું છે.
અંતિમ શેરમાં તખ્ખલ્લુસની વાત છે. તખલ્લુસ માટે ભાગે શાયર પોતે રાખતો હોય છે. અથવા અન્ય શાયર પણ તેને આવું નામ આપતા હોય છે, જે કવિને સ્વીકાર્ય હોય તો તે રાખે. પણ અહીં કવિએ પોતાના તખલ્લુસ માટે અન્ય વ્યક્તિની મદદ લીધી નથી, કોઈને ફોઈ બનાવ્યા નથી.
આરતી જોશી જેવા અનેક નવા કવિઓમાં ઘણીવાર આશાસ્પદ કલમ દેખાઈ આવે છે, ત્યારે ઊગતા તમામ નવકવિઓ માટે બે શેર સાથે લોગઆઉટ કરીએ.
લોગ આઉટઃ
આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન, 
બાકી અમારા શ્વાસ
 નકામા તો જાય ના.
- મરીઝ.

नए दीवानों को देखें तो ख़ुशी होती है.
हम भी ऐसे ही थे जब आए थे वीराने में.- अहमद मुश्ताक़
(ગુજરાત સમાચાર, ‘રવિપૂર્તિ‘માંથી, કોલમનું નામ: અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા)

બ્રહ્માંડ જાણે કે રજ થઇ ગયું છે!



લોગઇનઃ
અતિશય બધુંયે સહજ થઇ ગયું છે;
એ બ્રહ્માંડ જાણે કે રજ થઇ ગયું છે.
ઉનાળુ મધ્યાહ્ન માથે તપે છે,
બધું કોઇ મૂગી તરજ થઇ ગયું છે.
હું તડકાના કેન્વાસે ચીતરું છું કોયલ;
ઘણું કામ એવું, ફરજ થઇ ગયું છે.
છે દેવાના ડુંગરશાં તોંતેર વર્ષો,
કે અસ્તિત્વ મોટું કરજ થઇ ગયું છે.
અનિલ’, વિસ્તર્યું મૌન તડકારૂપે, ,
મને માપવાનો જ ગજ થઇ ગયું છે.
રતિલાલ ‘અનિલ’
સુરતી ખમીર ધરાવતા આ કવિ ચાંદરણાં અને આટાનો સૂરજ માટે સવિશેષ જાણીતા છે. તેમની રસ્તો ગઝલ પણ ઘણીખરી લોકપ્રિય છે. એમાંય, નથી એક માનવી સુધી બીજો માનવ હજી પ્હોંચ્યો, અનિલ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો.આ શેર તો એમની ઓળખ બની ગયો છે. ચાંદરણાંરૂપે તેમણે આપેલાં લઘુકાવ્યો તેમની આગવી આભા ઊભી કરે છે. માત્ર એકબે પંક્તિમાં આવું કાવ્યત્વ છલકાવવું એ ખૂબ મોટી કસોટી છે. એ કસોટીમાંથી રતિલાલ અનિલ બરોબર પાર ઊતર્યા છે.
આ ગઝલ તેમની ઓછી જાણીતી છે, પણ માતબર છે. તેની શરૂઆત તો જુઓ! સહજ થઈ જવાની વાત કરે છે, પણ શું સહજ થઈ જવાની વાત છે? અતિશય અને બધું જ! વળી એની સરખામણી કોની સાથે કરી છે, બ્રહ્માંડ સાથે... હવે તો બ્રહ્માંડ અને નાનકડો રજકણ બંને તેમને મન સરખું થઈ ગયું છે. બધું એકસમાન લાગે છે. હરીન્દ્ર દવેએ ભલે એમ કહ્યું કે એક રજકણ સરજ થવાને સમણે, પણ માણસ ક્યારેક એવી સ્થિતિમાં આવી પહોંચે છે કે તેને મન મહાકાય સૂરજ કે તુચ્છ રકજણમાં જરા પણ ફેર નથી રહેતો. રતિલાલ પણ કંઈક આવી જ સ્થિતિની વાત કરે છે.
પછીના બંને શેર તો કેનવાસ પર દોરેલાં ચિત્ર જેવાં છે. આના વિશે કશું કહેવા કરતાં તેને અનુભવવાની વધારે મજા છે. આમ પણ કવિ તો શબ્દોથી આપણી સામે એક ચિત્ર મૂકી આપે છે, એક વિચાર મૂકી આપે છે, એક દર્શન રજૂ કરે છે ભાવક સામે. ભાવક એમાંથી કેટલું પામે છે તે જે-તે ભાવક પર છે. કાળઝાળ ઊનાળાની બપોરે વ્યાપેલી નીરવ શાંતિ તરજ જેવી લાગે છે આ કવિને. તડકાને કેન્વાસે કોયલ ચિતરવાની વાત ખરેખર મનભાવન છે. પણ અહીં કવિએ તેને નિરર્થકતા રૂપે બતાવી છે. કેમકે રોજ બિંબાઢાળ જીવનમાં માણસો માત્ર ફરજ બજાવ્યે જાય છે, મશીનની જેમ જીવ્યે જાય છે. ઘણાં ગમતાં ન ગમતાં કામો કરવાં પડે છે. જિંદગી જાણે એક ફરજિયાત ફરજ બનીને રહી ગઈ છે. કૃષ્ણબિહારી નૂરનો શેર યાદ આવી ગયો, જિંદગી સે બડી સજા હી નહીં, ઔર ક્યા જૂર્મ હૈ પતા હી નહીં.
આયખું જાણે સમયની ઉધારી છે. રોજ ઉંમર વધારીએ છીએ એનો અર્થ એ કે આપણામાં વર્ષો ઉમેરાય છે, ઉધારી વધતી જાય છે. રતિલાલે તોંતેરમાં વર્ષે આ ગઝલ લખી હશે તેવું સહજપણે આ શેર પરથી સમજી શકાય છે. આપણે પણ ઉંમર વધારીને જાણે કાળનું કરજ આપણી માથે ચડાવતાં જઈએ છીએ.
અંતિમ શેરમાં કવિનું મૌન તડકાસ્વરૂપે વ્યાપે છે. આદિલ મન્સૂરીએ તો લખ્યું છે કે, સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને આદિલ, જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. કવિ શબ્દો થકી જગત સુધી પહોંચે છે. તેણે ગૂંથેલી કાવ્યકડીઓ લોકહૃદયમાં જીવે છે. પણ જે શબ્દોમાં નથી ગૂંથી શકાયું એવું ઘણું હોય છે, કવિનું મૌન આવું ન લખી શકાયેલું બોલે ત્યારે આખું જગત પણ શાંતિથી સાંભળતું હોય છે. રતિલાલનું મૌન તડકો થઈને વ્યાપ્યું છે અને આ મૌન જાણે એને પોતાને જ માપવાનો એક ગજ બની ગયું છે. આપણી એકલતામાં તો આપણે પોતાનો જ ક્યાસ કાઢવાનો હોય ને? અંતરાત્માના અજવાળે મૌનનો દીવો પેટાવવામાં આવે તો ભલભલા ગજ આપોઆપ મપાઈ જાય-પમાઈ જાય. કવિ કદાચ એ તરફ તો આંગળી ચીંધવા તો નહીં માગતા હોય ને?
 લોગ આઉટઃ
મારાથી દૂર હું જ મને ભાળતો હતો,
રણમાં રહીને વીરડો હું ગાળતો હતો.
આવું ઉખાણું કોઈએ શું સાંભળ્યું હશે?
મારી જ રાખથી મને અજવાળતો હતો.
પાગલપણાની વાત કંઈ એવી બની ગઈ,
હું જાગતો જ હતો ને મને ઢંઢોળતો હતો.
ખોવા સમું તો મારી કને શું બીજું હતું?
મારામાં રોજ હું જ મને ખોળતો હતો.
બળતો સૂરજ તો આખો નદીમાં પડીને ન્હાય,
કાંઠે રહીને હું તો ચરણ બોળતો હતો.
કંઈ કેટલીય વાર હું પાષણ થઇ ગયો,
ભીની ક્ષણોમાં તોય મને ઢોળતો હતો.
બરડાની ખોટ એથી નથી સાલતી ‘અનિલ’
અસ્તિત્વની પિછાન સમો સોળ તો હતો.
- રતિલાલ ‘અનિલ’
(અંતરનેટની કવિતા, અનિલ ચાવડા, રવિપૂર્તિ, ગુજરાત સમાચાર)