જિંદગી જેવો શ્રાપ આપીને, એ ખુદા છે ફરાર વર્ષોથી


લોગઇનઃ
ક્યાં પડી છે સવાર વરસોથી,
મિત્ર! છે અંધકાર વરસોથી.
ઇશના માટે તો હતો એક જ,
અહીં તો છે શુક્રવાર વરસોથી.
પાનખરનો રૂઆબ ત્યાં પણ છે,
જ્યાં વસે છે બહાર વરસોથી.
તોય મક્તા સુધી નથી પહોંચ્યો,
છું કલમ પર સવાર વરસોથી.
દિલમાં છે ગેરકાયદેસરનો,
નહિ જતો આ જનાર વરસોથી.
જિંદગી જેવો શ્રાપ આપીને,
એ ખુદા છે ફરાર વરસોથી.
ટેરેન્સ જાની ‘સાહેબ’
ગુજરાતી ભાષામાં ઘણા કવિઓ એવા થયા, જે ઓછું જીવ્યા, પણ સબળ લખી ગયા. આ વિશે વિચારવાનું આવે એટલે તરત આપણા મનમાં રાવજી પટેલ અને કલાપીની છબી દેખાય. થોડું વધુ ઝીણવટથી જોઈએ તો જગદીશ વ્યાસ અને મણિલાલ દેસાઈ પણ દેખાઈ આવે. હજી વધારે દૃષ્ટિ સ્પષ્ટ કરીએ તો શીતલ જોશી, પાર્થ પ્રજાપતિ, રાહુલ જોશી, હેમલ ભટ્ટ, હિમાંશુ ઉપાધ્યાય અને ટેરેન્સ જાની જેવા યુવાનો પર આપણી આંખ ઠરે. આ સિવાય અન્ય કવિઓ પણ ખરા જે અકાળે આથમી થઈ ગયા. આ કવિઓ મધ્યાહ્ને અસ્ત સૂર્યો જેવા હતા. કલાપી કે રાવજીના પ્રદાનથી તો સૌ કોઈ અવગત છે. તેમણે જે કામ કર્યું છે, તે ગુજરાતી ભાષાના શણગારસમું છે. પણ તેમના સિવાય પણ કાચી ઉંમરે એક્ઝિટ કરી ગયેલા અમુક કવિઓ છે, જેમના તરફ લોકોનું ધ્યાન ઓછું ગયું છે. ટેરેન્સ જાની તેમાંનો એક હતો. હજી તેની કવિતાની ડાળી પર પુષ્પો આવવાની શરૂઆત થઈ હતી, તે પહેલાં જ છોડ કરમાઈ ગયો. નડિયાદમાં રહેતો આ કવિ મૂળે શિક્ષક તરીકે નોકરી કરતો, પણ જીવ કવિનો. આંગળીના વેઢે ગણી શકાય એટલી ગઝલો લખીને 27 વર્ષની કાચી ઉંમરે નૈપથ્યમાં ચાલ્યો ગયો. મગન મંગલપંથી જેવા તેમના મિત્રોએ ખરા છો સાહેબનામે તેમની કવિતાઓ એકઠી કરી મરણોત્તર સંગ્રહ પણ કર્યો.
વર્ષોથી અનુભવાયેલા અંધકારમાં ગૂમ આ કવિ, સદેહે પણ અંધકારમાં વહેલા ગૂમ થયો. તેમની કવિતા પર પ્રકાશની જરૂર છે. રોજ સૂરજ ઊગે છે, પણ અંધારું દૂર થતું નથી. આપણે એવી ડાર્કનેસમાં જીવીએ છીએ, જ્યાં કોઈ જ પ્રકાશની આશા નથી. છતાં જીવતા રહેવું પડે છે. વળી માત્ર જીવતા રહેવું પડે એટલું પૂરતું નથી. રોજ સૂળીએ ચડવું પડે છે. ઈશુ ખ્રિસ્તે તો શુક્રવારે, એક જ દિવસે સૂળીએ ચડવું પડેલું, આપણે તો દરરોજ, ક્ષણેક્ષણે ને પ્રસંગે પ્રસંગે અણીદાર સૂળીનો, ઝીંકાતા ખીલાનો સામનો કરવો પડે છે. તમે ગમે તેટલું ખલ્યા કરો, પાનખર ચુપકિદીથી તમારો પીછો કરતી રહે છે. કોઈ માણસ જીવનમાં એક પણ વાર દુઃખી થયું હોય તેવું આ ધરતી પર શક્ય નથી. જ્યાં બહાર છે, ત્યાં પણ પાનખર હોવાની જ!
અંતિમ શેરને ગઝલમાં મક્તાતરીકે ઓળખવામાં આવે છે. મલ્તાથી શરૂ થતી ગઝલ મત્લા સુધી પહોંચે ત્યારે પૂર્ણતા પામે છે. પણ અહીં કવિ વર્ષોથી કલમ પર સવાર છે, પરંતુ મત્લા સુધી સુધી નથી પહોંચ્યા. અપૂર્ણતા જ કદાચ આગળ વધવાનો જુસ્સો આપતી હોય છે. જે ક્ષણે ખબર પડે કે મંજિલે પહોંચી ગયા, તે ક્ષણે આપણો જુસ્સો શાંત થઈ જાય છે. મંજિલને પામી જવા કરતા તેને પામવાની પ્રોસેસમાં વધારે મજા હોય છે. અને અમુક નામ ગેરકાયદેર આપણામાં સ્થાપિત થઈ જાય છે. આપણા ચિત્તમાં પોતાનો અડ્ડો જમાવી લે છે. કોઈ જોહુકમી ધરાવતી વ્યક્તિ જમીનના પ્લોટ પર હક જમાવે તેમ હૃદય પર હક જમાવી બેસે છે અને આપણે તેને નીકળ અહીંથી એમ પણ કહી શકતા નથી.
જિંદગી શ્રાપ જેમ ભોગવવી પડે છે. પણ જિંદગી આપનાર છે કોણ? ઈશ્વર, અલ્લાહ, ગોડ કે એવું કોકઆવા નામે જ ઓળખીએ છીએને આપણે એ પરમ શક્તિને? પણ તેને કોઈએ જોઈ નથી, એ તો આપણી આંખથી ફરાર છે... કોઈ ગુનેગાર ગુનો કરીને ભાગી જાય તેમ ઈશ્વર આપણને જિંદગી નામની સજા આપીને પોતે ક્યાંક ફરાર થઈ ગયો છે. પણ ટેરેન્સ જાનીને આ સજા મંજૂર નહોતી, એટલે જિંદગીની જેલ તોડીને ભાગી નીકળ્યો...  
શક્યતાની કૂંપળ તેની કલમમાં મહેકતી હતી. તે આશાસ્પદ કવિ હતો. તેની અન્ય એક શક્યતાભરી ગઝલથી લોગઆઉટ કરીએ.
લોગ આઉટઃ
પામવા જેવું કશું પણ નથી,
રાખવા જેવું કશું પણ નથી
શું કરું રેતીને ફેંદીને હું
શોધવા જેવું કશું પણ નથી
દાસ થઈ બેઠા છે શબ્દો, છતાં
બોલવા જેવું કશું પણ નથી
જિંદગી કશકોલ લઈ ઉભી છે
મૂકવા જેવું કશું પણ નથી
વેદનાઓ તો વધે છે સતત
ને દવા જેવું કશું પણ નથી
પ્રેમ નાહક તું હવે માંગ ના
આપવા જેવું કશું પણ નથી
શ્વાસ આ ‘સાહેબ’ ત્યાં પણ લે છે
જ્યાં હવા જેવું કશું પણ નથી
- ટેરેન્સ જાની ‘સાહેબ’
(ગુજરાત સમાચાર, ‘રવિપૂર્તિ‘માંથી, કોલમનું નામ: અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા)

ચણીબોર જેવા ખટમધુરા પ્રેમનું ગીત



લોગઇનઃ

ચણીબોરને ઠળિયે 
નક્કી થાતું આજ આપણે મળીયે કે ના મળીયે

તું ફેંકીને કરે ઈશારો
ડોક હલાવી ‘હા’નો,
તો હું સાંજે મળવા આવું
ખુદથી છાનોમાનો,

મંછીમાને ફળિયે,
નક્કી થાતું આજ આપણે મળીયે કે ના મળીયે,

ચણીબોરનાં ખોબામાં હું 
પધરાવી દઉં ચિઠ્ઠી,
ખટુંબડી વાતોને વાંચે
આંખો તારી મીઠ્ઠી,

ધૂળ ખોતરતી સળીયે 
નક્કી થાતું આજ આપણે મળીયે કે ના મળીયે

ચંદ્રેશ મકવાણા

ગામડાનું શહેરીકરણ થતું જાય છે, અને ગામડું પહેલાના કવિઓ વર્ણવતા હતા તેવી નિર્દોષતા ગુમાવતું જાય છે. હવે મોબાઇલમાં ફરતાં ટેરવામાં પ્રેમનો ઇકરાર થાય છે. હા કે નાનો જવાબ પણ ઇનબોક્ષના આંગણે ઊગી નીકળતાં ઇમોજીથી થાય છે. ત્યારે ઉપર લખેલી કવિતા કોઈ જુદો અનુભવ કરાવે તો નવાઈ નહીં. કેમકે એન્ડ્રોઇડ ફોન આજે તળના ગામ સુધી પહોંચી ગયાં છે. પણ હૈયામાં પાંગરેલી નેચરલ ટેકનોલોજી કચકડાના ફોન કરતા કાચ જેવી પારદર્શક લાગણીને વધારે સમજે છે. ગામડાના બે યુવાહૈયાને પરસ્પર પ્રેમ થાય ત્યારે તેમાં પ્રગટતી નિર્દોષતા અને રોમાંચ કેવા હોય તે આ ગીતમાં સહેજે પ્રગટી જાય છે. યુવાહૈયાની દાસ્તાન કહેતું આ ગીત ખરેખર ચણીબોર જેવા ખટમીઠ્ઠા પ્રેમનો અનુભવ કરાવે છે. ચંદ્રેશ મકવાણા મૂળ ગામડેથી આવેલા કવિ, તેમની કલમમાં હજી ગામડું જીવે છે. તેમની કલમમાં ગામડાની માટીની સુગંધ અને શહેરી વાતાવરણની ‘ડસ્ટ’ બંનેનો સમન્વય જોવા મળે છે.

ગીતને વાંચવા કરતાં તેને કોઈ ફિલ્મના દૃશ્યની જેમ જુઓ. બે પ્રેમીઓ ચણીબોર ખાઈ રહ્યાં છે, અથવા તો એમ સમજો કે ચણીબોર વેચતી કોઈ બાઈ પાસે ઊભાં છે. ગામડાના બીજા લોકોની પણ હાજરી છે. આજે મળવું કે ન મળવું તે બાબતે બંને વિચારી રહ્યા છે. પણ આટલા બધા લોકોની હાજરીમાં સીધું કેમ કહેવું કે તું ફલાણી જગ્યાએ આવીને મને મળજે, એ છીક નથી. એ વખતે તો પેલું ફિલ્મીગીત છેને ‘આંખો હી આંખો મેં ઇશારા હો ગયા’ કે પછી ‘બાતે કર રહી હૈ નજર ચુપકે ચુપકે’ના પરમજ્ઞાન સાથે બંને એકમેકને આંખોની વાતોથી મળવાનું જણાવે છે. પ્રેમી પ્રેમિકાને મળવા કહે છે ત્યારે પ્રેમિકા સામે ઠળિયો ફેંકીને હાનો ઇશારો કરે છે. આટલામાં પ્રેમી બધું પામી જાય છે કે ક્યાં મળવાનું છે... બીજા તો ઠીક, પોતાનેય ખબર ન પડે તેમ પ્રેમ નક્કી કરેલા સ્થળે આવી જાય છે. ક્યાં મળવાનું, તો કહે મંછીમાના ફળિયે... મંછીમાના ફળિયે આ પ્રેમીપુષ્પો ખીલે છે!

વળી ચણીબોર લેતી વખતે છોકરો ચણીબોરની સાથે જ નાનકડી ચીઠ્ઠી ડૂચો વાળીને બોરની સાથે આપી દે છે. છોકરી પણ મીઠું મરકતા તેને છાનામાના લઈ લે છે. ચીઠ્ઠીમાં એ બંનેના પ્રેમની કાલીઘેલી વાતો લખી છે. એ વાતો વાંચીને છોકરીના ચહેરા પર ક્યારેક સ્મિત આવે છે, ક્યારેક શરમાઈ જાય છે, ક્યારેક હોઠ ભીંસી લે છે દાંત નીચે, ક્યાંરેક આંખોમાં મુગ્ધતા વ્યાપી જાય છે, એમ ચહેરા પર ચણીબોર જેવા મીઠા હાવભાવ ઉપસતા રહે છે. ઘણા ચણીબોર ખાટાં હોય, અહીં વાતોને પણ કવિએ આવા ખટુંબરા ચણીબોર જેવી કહી છે. વળી એ વાંચનારની આંખો મીઠી છે! ચિઠ્ઠી વાંચતા વાંચતા છોકરી શરમાઈ જાય છે અને સળી લઈને ધૂળ ખોતરવા લાગે છે. કદાચ ચિઠ્ઠીમાં ક્યાં મળવું, ક્યારે મળવું વગેરે વિગતો આપી છે. આ વિગતો તેના મનમાં પ્રેમનો અનોખો રોમાંચ જગવે છે.

આખું ગીત તમને દૃશ્યો સહિત દેખાય છેને? તેમાંનાં પાત્રો આંખ સામે હરતાફરતાં અનુભવાય છેને? આંખના ઇશારા, ચણીબોર, તેમાંથી ભરેલી મુઠ્ઠી, એમાં મુકેલી ચિઠ્ઠી, તે વાંચીને થતા હાવભાવ.... આ ગામડાના બે મુગ્ધહૈયાનું ખરું વેલેન્ટાઇન છે. નક્કી કરેલા દિવસે પ્રેમ થઈ શકતો નથી. પ્રેમ થાય એ દિવસ ખરેખર દિવસ ગણાય. અને એ દિવસ જ ખરો વેલેન્ટાઇન ગણાય.

આવી ખટમધુરી કવિતા લખનાર આ કવિની કલમથી ગીત સહજભાવે અવતરે છે. તેમના આવા જ એક સહસાધ્ય ગીત સાથે લોગઆઉટ કરીએ.

લોગ આઉટઃ

સમજી સમજીને તમે સમજી શકો તો પછી સમજાવી દઉ હું યે સાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં...

ફૂલડાં વીણો તો ક્યાંક કાંટા વાગે ને વળી
ભમરા ડંખે એ વાત જુદી,
ઝરણાનાં લીલાછમ્મ જળને મુકીને કોઈ
રણને ઝંખે એ વાત જુદી,

જરા ઓરા આવો તો એક લાખેણી વાત જરા કહી દઉ હું ધીમેથી કાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં...

સાગરમાં તરવાનો શોખ કદી જાગે
તો ડૂબવાની તૈયારી રાખવી
પ્રેમમાં પડ્યાનો કદી અવસર આવે તો
પ્રીત સહિયારી સહિયારી રાખવી

વાત એ પણ લખાઈ છે સીધીને સાફ વેદ, ગીતા કે બાઇબલ, કુરાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં...

- ચંદ્રેશ મકવાણા

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

સાંકડી શેરીમાં આકાશ વેચવાનો પ્રયત્ન


લોગઇનઃ
સાંકડી શેરીમાં આકાશ વેચવા નીકળેલો હું!
મને સાંકડી શેરીના લોકોએ ગાંડો માન્યો,
મારો હુરિયો બોલાવ્યો,
મને ધક્કે ચડાવ્યો,
મને પથ્થર માર્યા,
મારાં લૂગડાં ફાડ્યાં,
મારી મુઠ્ઠી છોડાવવા પ્રયત્ન કર્યો,
પણ આકાશ ઓછું જ હોઈ શકે મુઠ્ઠીમાં?

બિચારા સાંકડી શેરીના લોકો!
એમને ખબર નથી
કે આકાશ કંઈ ખિસ્સામાં, પોટલીમાં કે પેટીમાં કે મુઠ્ઠીમાં આવી શકતું નથી!
આકાશ તો એમની આંખોના ઢળેલાં પોપચાં ઊંચાં કરીને હું બતાવવાનો હતો.
આકાશ તો એમને મળવાનું હતું એમનું એમ!
આકાશ વેચવાનું તો એક બહાનું જ હતું માત્ર!
પણ સાંકડી શેરીના લોકો!
મને શેરી બહાર કાઢી
સૂઈ ગયા બારી-બારણાં વાસી ગોદડામાં મોં ઘાલી.

હું ફરીથી ઘસડાતો ઘસડાતો
આકાશ આજે નહીં તો કાલે વેચાશે એવી આશાએ સંકલ્પપૂર્વક લેવા લાગ્યો સુદીર્ઘ શ્વાસ!
આ તો સાંકડી શેરીના લોકો
ને આકાશનો સોદો!
સહેજમાં પતે કે?
ચંદ્રકાન્ત શેઠ
સાંકડી શેરીમાં આકાશ વેચવા નીકળેલા આ કવિ પોતાનો ભાંગીને ભુક્કો કરી નાખતા જરા પણ અચકાતા નથી. અને એટલે જ લખે છે, 'ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ. એના મનમાં ખાલી સમય સડે છે.' પણ ખરી રીતે જોઈએ તો તેમના મનમાં કવિતાથી હર્યોભર્યો સમય છે. વળી આ જ કવિએ શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને, એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.ની વાત પણ કરી. તેમની કલમમાં નામ પ્રમાણે ચંદ્રની ચાંદની જેવું તેજ છે.
આ કવિતામાં સાંકડી શેરીના લોકોને આકાશ વેચવાની વાત કરીને સંકુચિત મનના માણસોને વિશાળતા આપતી વખતે શું મુશ્કેલી થઈ શકે તેવી વાત બખૂબ અને સુંદર રીતે કરી આપી છે. આકાશ વેચાનો અર્થ છે વિશાળ દૃષ્ટિ આપવાનો અને સાંકડી શેરી સાંકડા મનનું પ્રતીક છે.
જ્યારે કશુંક નવું કરવા જઈએ ત્યારે બધા ગાંડાઘેલા જ ગણે છે. એટલે જ કદાચ આ કવિએ લખ્યું કે જ્યારે હું આકાશ વેચવા નીકળ્યો ત્યારે લોકોએ મારો હુરિયો બોલાવ્યો, ધક્કે ચડાવ્યો, પથ્થર માર્યા, લૂગડાં ફાડ્યાં, મુઠ્ઠી છોડાવવા પ્રયત્ન કર્યો, પણ આકાશ ઓછું જ હોઈ શકે મુઠ્ઠીમાં? તમે ન માની શકાય તેવું કરવા જાવ, કશુંક વિશેષ કરવા જાવ ત્યારે આવું થાય જ, એવું કવિ પરોક્ષ રીતે કહેવા માગે છે. પણ આવા સંકુચિત મનના માણસો, સાંકડી મુઠ્ઠીમાં, ખિસ્સામાં આકાશ શોધે તો ઓછું કાંઈ મળે? પણ સાંકડી શેરીના માણસો તો સાંકડી જગ્યાએ જ શોધવાનાને?
આ આકાશ તો એક વિચાર છે, સંકુચિતતામાંથી મળવાની થતી મુક્તિનું પ્રતીક છે. એ કંઈ આવી સ્થૂળ જગ્યાએ થોડું હોય? આકાશ બતાવીને સાંકડી શેરીના લોકોને ઉન્નત બનાવવા માગે છે કવિ. તેમનાં ઢળેલાં પોપચાં અને નીચી નજરમાં આકાશ જેવી વિશાળતા આંજવા માગે છે. પણ સાંકડું મન તેમને વિશાળતા તરફ જવા દેતું નથી. બાકી તેમને માત્ર પોપચા ઊંચા કરીને ઉપર નજર જ કરવાની છે, આકાશ તો હતું ત્યાંનું ત્યાં જ છે યુગોથી.  કવિ આકાશ વેચવાને બહાને કશુંક બીજું જ કહેવા માગે છે. સીમિત થઈને બેસેલા લોકોને તે વાત સમજાતી નથી. બધા બારીબારણાં બંધ કરીને પોઢી ગયા છે. તેમને આવા આકાશની જરૂર નથી. તેમના વામણાપણાથી તે ખુશ છે.
આકાશ વેચનારાઓએ એમ કંઈ હારી ન જવાનું હોય. ગાંધીએ આખી જિંદગી સાંકડી શેરીમાં આકાશ વહેંચવાનું કામ કર્યું. ઈશુ, બુદ્ધ, મહાવીર, પયગંબર બધાએ શું કર્યું? સાવ સાંકડા બની ગયેલા લોકોના મનને વિશાળ આકાશ જેવું બનાવવાના પ્રયત્નો જ કર્યા છે ને? જ્યારે પણ આવું થાય ત્યારે સમજી લેવું કે આકાશ વેચવાની કોશિશ થઈ રહી છે. પણ જ્યારે સાંકડી શેરીમાં આકાશ વેચવા જશો ત્યારે સોદો એટલો સસ્તામાં નહીં પતે. તેની માટે તો ખર્ચાઈ જવાની પૂરી તૈયારી રાખવી પડે.
ચંદ્રકાન્ત શેઠ કવિ, વિવેચક, વાર્તાકાર એમ બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક છે. તેમની જ એક ખૂબ જાણીતી કવિતાથી લોગઆઉટ કરીએ.
લોગ આઉટઃ
નભ ખોલીને જોયું, પંખી નથી નથી;
જળ ખોલીને જોયું, મોતી નથી નથી.
સતત છેડીએ તાર, છતાં કંઈ રણકે નહીં;
આ કેવો ચમકાર! કશુંયે ચમકે નહીં!
ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી.
લાંબી લાંબી વાટ, પહોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય? મને સમજાય નહીં;
આ તે કેવો દેશ? દિશા જ્યાં નથી નથી!
આ મારો પરિવેશ? હું જ ત્યાં નથી નથી!
- ચંદ્રકાન્ત શેઠ
(અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા, રવિપૂર્તિ, ગુજરાત સમાચારમાંથી)

ઓ હિન્દ દેવભૂમિ, સંતાન સૌ તમારાં...



લોગઇનઃ
ઓ હિંદ દેવભૂમિ! સંતાન સૌ તમારાં!
કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારાં!
હિંદુ અને મુસલ્મિન: વિશ્વાસી, પારસી, જિન:
દેવી! સમાન રીતે સંતાન સૌ તમારાં.
પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી:
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં!
રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર, સંતાન સૌ તમારાં!
વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા સંતાન સૌ તમારાં!
સૌની સમાન માતા, સૌએ સમાન તેથી:
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં!
ચાહો બધાં પરસ્પર, સાહો બધાં પરસ્પર,
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં!
કવિ કાન્ત
ભારત દેશ આઝાદ થયો તેના 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ પછી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વડપણ હેઠળ ભારતનું બંધારણ તૈયાર થયું. 26 જાન્યુઆરી,1950થી તે અમલમાં આવ્યું અને સત્તા ખરેખર બંધારણીય રીતે પ્રજાના હાથમાં આવી. આમ, 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવાનું નક્કી થયું. ભારતની આઝાદી વિશે, તે સમયના સંઘર્ષ વિશે, બલિદાન, રાષ્ટ્રપ્રેમ, શહીદી જેવા અનેક વિષયો વિશે કવિઓએ લખ્યું છે. પણ 26મી જાન્યુઆરી તો હિન્દના સંતાનોએ એકમેકની સાથે રહી રાષ્ટ્રગાન કરવાનો ઉત્સવ છે. માટે આજે કાન્તની આ કવિતા બિલકુલ પ્રાસંગિક છે. 1867માં જન્મી 1923માં અવસાન પામનાર આ સર્જક 55 વર્ષ જીવ્યા. લખ્યું ઓછું, પણ ખૂબ મજબૂત લખ્યું. તેમનાં ખંડકાવ્યોથી ગુજરાતી ભાષા રળિયાત છે. તેમના જીવનકાળ દરમિયાન ભારતમાં આઝાદીની ચળવળ અને લોકજાગ્રૃતિનો જુવાળ ફેલાઈ રહ્યો હતો. આથી તેમની કવિતામાં તેનો પડઘો ન પડે તો જ નવાઈ. નર્મદે તો હાકલ કરીને કહ્યું, સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે. પણ કાન્તે તો હિન્દને જ માતા કહી. જેના ખોળે આખો દેશ છે, એ દેશના તમામ લોકો આ માતાનાં સંતાનો છે.
ઘણા વિદેશીઓને નવાઈ લાગે છે કે આટલા દેશમાં સવા અબજની વસ્તી, વળી એ વસ્તીમાં વિવિધ ધર્મના લોકો, વળી એ ધર્મમાં પણ વિવિધ જ્ઞાતિ-પેટાજ્ઞાતિ ધરાવતા લોકો, વળી દરેક પ્રાંતની ભાષા અને બોલીઓ તથા પહેરવેશ, ખોરાક, રહેણીકરણી, રીતરિવાજ બધું જ અલગ, છતાં બધાં એક સાથે કઈ રીતે રહી શકે છે? એ જ તો આ દેશનું મોટું આશ્ચર્ય છે! આ તો હિન્દ તો દેવભૂમિ છે. તેના ખોળામાં તમામ ધર્મના લોકો એક બાળકની જેમ નિરાંતે પોઢી શકે છે. ઘણા તકસાધુઓ ધર્મનો અંચળો ઓઢીને હિન્દના પાયા હચમચાવવા મથ્યા છે અને મથતા રહે છે, પણ આ ધરતીની ધૂળે દરેક ધર્મના લોકોને નિતરતો પ્રેમ આપ્યો છે. બંધારણે દરેક ધર્મને કાયદકીય મુક્તિની જોગવાઈ આપી છે.
આ એ ભૂમિ છે જેણે વિશ્વના બે મહાન મહાકાવ્યો આપ્યાં- મહાભારત અને રામાયણ. આ એ ભૂમિ છે જ્યાં કબીર પણ ગવાય અને તુલસી પણ. જ્યાં રામ અને રહીમ બંને ખભેખભો મિલાવીને સાથે ચાલી શકે છે. આ એ ભૂમિ છે જ્યાં એક મોહને અમદાવાદથી દાંડી સુધી યાત્રા કરી અંગ્રેજી સરકારના પાયામાં લૂણો લગાડ્યો અને બીજા મોહને ગોકુળથી મથુરાની યાત્રા કરી કંસને હણ્યો. કાન્તે આ ભૂમિને દેવભૂમિ કહી, અર્થાત દેવોની ભૂમિ. દેવો એટલે કોણ? તમે અને હું, આપણે બધા. જેનામાં પણ પીડિત વ્યક્તિ પ્રત્યે હમદર્દી છે એ તમામ લોકો દેવ સમાન છે. જેનામાં નીતિ, પ્રામાણિકતા, નિષ્ઠા, સત્ય અને અહિંસાને માર્ગે ચાલવાની ત્રેવડ છે તે દેવ સમાન છે. આવા અનેક દેવો આ ભૂમિ પર પાક્યા છે, જેમણે સેવા-સુશ્રુશા કરીને પોતાનું જીવન આ અન્ય લોકો માટે અર્પિત કરી દીધું છે. કાન્ત એટલા માટે જ તો ભારતભૂમિને દેવોની ભૂમિ કહે છે. પેલા આકાશના દેવો તો આપણી શ્રદ્ધાનું એક પાત્ર છે, ધરતી પરના દેવો તો એ લોકો છે જે નિષ્ઠાપૂર્વક જરા પણ દ્વેષભાવ રાખ્યા વિના સૌની સેવા કરે છે, સૌને મદદ કરે છે. આજે 26મી જાન્યુઆરીના દિવસે આવો, આપણે આપણી દેવભૂમિ હિન્દમાતાને વંદન કરીએ.
અત્યારે સરહદે વારે-તહેવારે છમકલાં થતાં રહે છે. આપણે ત્યાંનો સામાન્ય માણસ શાંતિ ઝંખે છે તેમ પાડોશી દેશનો નાગરિક પણ એવી જ શાંતિની આશા રાખતો હોય. અમુક રાજકીય ફસાદોને લીધે સરહદો પર લોહી રેડાય છે. આવી સ્થિતિમાં વિવેક ટેલરની ગુજરાતી-હિન્દી બંને ભાષાની સંગતવાળી કાવ્યપંક્તિઓથી લોગઆઉટ કરીએ.
લોગ આઉટઃ
सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.
તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे
- વિવેક મનહર ટેલર
(અંતરનેટની કવિતા, અનિલ ચાવડા, રવિપૂર્તિ, ગુજરાત સમાચાર) 

શિયાળાની ઠંડીમાં કડકડતી કવિતાઓ...


લોગઇનઃ

 શિયાળે શીતળ વા વાય, પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ, કપાસ, કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ, ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.”

~ દલપતરામ

દલપતરામની ઘણી કવિતાઓ આપણે પાઠ્યપુસ્તકમાં અવાર-નવાર ભણી ગયા છીએ. ઊંટ કહે આ સભામાં... કોને યાદ નહીં હોય? કે પછી પેલી સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છેવાળી કવિતા પણ ઘણાના મનમાં તાજી હશે. અંધેર નગરી ને ગંડુ રાજા, કેડેથી નમેલી ડોશી, ઋતુઓનું વર્ણન જેવી અનેક કવિતાઓ ઘણા વાચકોએ વાંચી હશે. વળી મિથ્યાભિમાન જેવું અદ્ભુત નાટક કઈ રીતે ભૂલી શકાય? જોકે દલતપતરામનું ગુજરાતીમાં સાહિત્યમાં પ્રદાન માત્ર કવિતાઓ પૂરતું મર્યાદિત નથી, ન્હાનાલ જેવો ઉત્તમ પુત્ર આપ્યો, જે ગુજરાતી સાહિત્યનો ખૂબ મોટો કવિ થયો.

ઉપરની કવિતામાં શિયાળાનું સીધું વર્ણન છે. આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે શિયાળો પૂરબહારમાં ખીલ્યો છે. ગુજરાત આખું ઠંઠીથી ઠરી રહ્યું છે ત્યારે દલપતરામની આ સીધી વાત સીધી રીતે કરવા જેવી છે. દલપતરામે તો સીધેસીધું કહી દીધું કે શિયાળામાં ઠંડો પવન વાય, પાનખર આવે, ઘઉં જેવાં ધાન્ય પેદા થાય, ગોળ, કપાસ, કઠોળ વગેરે ઊપજે. લીલાં પાન ચવાય. લોકો ઠંડીમાં શાલ, ધાબળા ઓઢે. ગરીબોનાં બાપડાનાં પગ, ગાલ ફાટે. આ પંક્તિ આગળ જરા થોભવા જેવું છે. આ કવિતા તો દોઢસોએક વરસ પહેલાંની છે, પણ આજેય ગરીબોના પગ, ગાલ ફાટે છે. ગરીબો હજી ગરીબો જ છે. ગરીબી હટાવોનાં સૂત્રો કેટલાં વામણાં છે નહીં? ભાવવધારો જે હદે વધ્યો છે એ જોતાં એવું લાગે કે સરકાર ગરીબી હટાવોનો અર્થ ગરીબો હટાવો એવો કરી રહી લાગે છે. ખેર, ગરીબોના ભાગે તો વ્યથા સિવાય કશું નથી. દલપત રામે સીધી પણ ઊંડી વાત કરી. છેલ્લે કહ્યું કે દિવસ ટૂંકો હોય છે અને શરીરમાં સ્ફૂર્તિ રહે છે. એ સમયમાં કવિતામાં શીખામણ આપવાનું ચલણ તથા કંઈક માહિતી પણ મળે એવો ભાવ થોડો રહેતો. એ જોતા દલપતરામે આ કવિતામાં બંને પીરસ્યું છે. આબાલવૃદ્ધ બધા તેમાં રહેલી વાત સરળ રીતે સમજી શકે તેમ છે.

ઉમાશંકર જોશીએ શિયાળાની પેટાઋતુ હેમંતનો સુંદર ચિતાર આપ્યો છે :
હેમંતમાં કોમળ સૂર્યતાપ, વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ.
ઝરે નિશાએ હિમ ભૂમિ-ખોળે, લીલાં તૃણે ઝાકળબિંદુ ડોલે.”

ઉપજાતિ છંદમાં લખાયલી આ પંક્તિઓમાં ઠંડીની ઉગ્રતા દર્શાવવા કવિ વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ કહીને જણાવે છે કે માણસ તો શું પણ ઝાડ પણ ઠંડીથી ધ્રૂજી રહ્યાં છે. શિયાળા વિશે યૉસેફ મેકવાનની લખેલી આ કવિતા પણ બહુ સરસ છે:

ઝાડના ડાંખળે ડાળીએ સૂર્યનાં કિરણ ચોંટી રહ્યાં;
પાસમાં ટૂંટિયું વાળીને શાંત છે પથ પડ્યો !
ચોતરફ વાયુના કાફલા બરફ-શા આભને લૈ વહે;“
ક્યાંકથી આવતો પંખીનો નાદ પણ કરો થઈ કાનમાં વાગતો.
એમ લાગે સાંજ આ ચિત્રમાં હોય જાણે મઢી.”

ઠંઠીના લીધે જાણે સૂર્યનાં કિરણો ઝાડના ડાખળે ચોંટી ગયા હોય એવું લાગે છે. રસ્તોય જાણે ટૂંટિયું વાળીને પડ્યો છે. વાયુના કાફલા જાણે બરફ થઈ ગયા છે. પંકીનો ટહુકોય વરસાદના કરાની જેમ કાનમાં વાગે છે. અને બધું જ જાણે કોઈ ચિત્રની જેમ ચોંટી ગયું હોય એમ શિયાળાના લીધે થીજી ગયું છે. વાહ યોસેફ મેકવાન!
પારુલ ખખ્ખરે શિયાળાની હીમ જેવી રાતોનું તીવ્ર વર્ણન એક કવિતામાં એટલું આહલાદક રીતે કર્યું છે કે ઉનાળામાં પણ આ કવિતા તમે વાંચો તો શિયાળાની હીમલી રાત્યુંની ઠંઠી અનુભવી શકો. તેનાથી જ લોગઆઉટ કરીએ.

લોગ આઉટઃ

હાથ પડે જ્યાં જળમાં ત્યાં તો આંગળી ખીલો થાય રે એવી હિમલી રાત્યું...
કાગળ માથે ચીતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યું...
દાંત વગાડે ડાકલી, નાચે દાઢડી, નાચે ચામડી, નાચે ક્રોડ રુંવાડા
પંડયમાં પેસી ટાઢનો ભોરિંગ ફેણ ચડાવી નાંખતો અંગેઅંગ ફૂંફાડા
આભલું હેઠે ઉતરી ઓલ્યા તાપણાના ગુણ ગાય રે એવી હિમલી રાત્યું...
કાગળ માથે ચીતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યું...
દન ઊગે ને સુરજડાડો આળસ ખાતો, બીડિયું પીતો, કાઢે ગોટેગોટ ધુંવાડા
વાયરો વેરી વેગથી આવી, બાથમાં ઝાલી, જોર દેખાડી લેતો રોજેરોજ ઉપાડા
ઠાર પીધેલા તારલા આવી આગિયા વીણી ખાય રે એવી હિમલી રાત્યું...
કાગળ માથે ચીતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યું...
હારની બીકે કોડિયું ફેંકી, દાવ ઉલાળી, ઘરભેળા થઈ જાય રે બીકણ-બાયલા દા'ડા
અંધારા ચોપાટ રમે ને એકલપંડે મોજથી જીતી જાય કરીને લાખ કબાડા
ચાંદલિયાને ઘોડિયે નાંખી ઘેનની ગોળી પાય રે એવી હિમલી રાત્યું...
કાગળ માથે ચીતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યું...
- પારુલ ખખ્ખર

આ સાંભળ્યું ત્યારે શિયાળો કમકમી ગયો, કે શહેરમાં પારાથી નીચે આદમી ગયો.


લોગઇનઃ
શું સ્હેજ નમતું જોખવું આખો નમી ગયો,
તારે થવું'તું સાંજ તો હું આથમી ગયો.
આ સાંભળ્યું ત્યારે શિયાળો કમકમી ગયો,
કે શહેરમાં પારાથી નીચે આદમી ગયો.
વિસ્તારમાં કરફ્યૂ હતો એના જનમ વખત,
એથી અમનનું નામ પડતાં સમસમી ગયો.
ઘટના બની ત્યારે હતો જે આસમાન પર,
થોડો સમય આગળ વધ્યો ઊભરો શમી ગયો.
ના છાપ એના આંગળાની ક્યાંય પણ મળી,
પાછળ રહીને જે રમત આખી રમી ગયો.
~ કુણાલ શાહ
કોઈ પણ સંબંધમાં જ્યારે તિરાડ પડે ત્યારે આપણને એક સલાહ ચોક્કસ મળે કે ભાઈ આપણે નમતું જોખી દેવું. જતું કરવાની ભાવના રાખો તો જ સંબંધો ટકે. પણ એવું કહેવાનું ભૂલી જવાય છે કે આવું બંને પક્ષે હોવું જોઈએ. કવિ કુણાલ શાહે આ વાતની માંડણી કરતા કહ્યું કે નમતું જોખવાની વાતમાં વાંધો નથી, એની માટે તો હું આખો નમી ગયો છું, મન-વચન-કર્મ બધું જ નમાવીને ઊભો છું. એટલું જ નહીં, સામેની વ્યક્તિને સાંજ થવું હતું તો હું પોતે આથમી ગયો, મેં મારો સમય ન જોયો, ન જોઈ વેળા, સામેની વ્યક્તિની સાંજની ઝંખના થઈ તો મેં મારો સૂર્ય ડૂબાડી દીધો. બીજાની સાંજ માટે પોતે આથમવાની તૈયારી બતાવતા આ કવિમાં વર્તમાન સમયની પીડાનું તેજ દેખાઈ આવે છે. વ્યક્તિને સમજવાની ધખના તથા સામાજિક વ્યથાની વાચા તેમની કવિતામાં ડોકિયું કર્યા વિના રહી શકતી નથી.
આ લેખ લખાઈ રહ્યો છે, ત્યારે શિયાળો તેની ચરમસીમાએ છે, હાડ ગાળી નાખે એવી ઠંડી છે. પારો સાવ નીચે ગગડી ગયો છે. આ કવિએ શિયાળાની ઠંડીને માનવીય ક્રૂરતા સાથે, તેના જડ સ્વભાવ સાથે જોડીને સરસ શેર નિપજાવ્યો છે. હમણાં નાગરિકતા બિલ મુદ્દે દેશભરમાં જે તોફાનો થયાં તે સંદર્ભમાં આ શેર ફરીફરીને વાંચવા વિચારવા જેવો છે. ઠંડીનો પારો તો સાવ નીચે ઊતરી ગયો છે, પણ માણસ તો એ પારાથી પણ ગગડી ગયો છે. આ સાંભળીને બાપડો શિયાળો થથરી ન જાય તો બીજું શું થાય?
આગળનો શેર પણ તોફાનના સંદર્ભમાં ધ્યાન ખેંચે છે. ઘણા લોકો ઘટનાઓ સંદર્ભે નામ રાખતા હોય છે. શ્હેરમાં તોફાન થતાં હોય ત્યારે કોઈનું નામ અમન રાખવામાં આવે તે કેવી વક્રતા! વ્યક્તિના નામ સાથે જોડાયેલી આવી ઘટના આજીવન કૂવા પર સુંવાળું દોરડું આંકા પાડે તેમ આંકા પાડ્યા કરતી હોય છે. નામનો અર્થ ભલે શાંતિ, સુખચેન કે આરમ થતો હોય, પણ જે સ્થિતિમાં એ પડાયું હતું, તેમાં જરા પણ અમન નહોતો. કદાચ એની ઝંખનામાં જ નામ પડાયું હોય! આમ પણ માણસને જે પાસે ન હોય એની જ તીવ્ર લાલસા રહેતી હોય છે ને!
શિયાળવાળી પેલી વાર્તા સાંભળી છે? રાત પડેને એક શિયાળ ઠંઠીથી ધ્રૂજવા લાગે અને વિચારે કે આવતી કાલે તો બખોલ ખોદી જ નાખવી છે. આવી ઠંડીમાં રહેવાતું હશે? જેમતેમ કરીને રાત કાઢી નાખે. બીજા દિવસે સવાર પડે, સૂરજ ઊગે, તડકાની હૂંફ મળતા ઠંડી જતી રહે. તરત પેલો ગઈ રાતનો સંકલ્પ પણ જતો રહે. શિકારની શોધમાં નીકળી પડે. આખો દિવસ ભટકે અને સાંજ પડે ત્યાં પાછું વિચારે કે આવતી કાલે તો બખોલ ખોદી જ નાખવી છે. આપણો ઊભરો પણ આ શિયાળની ઇચ્છા જેવો હોય છે. કાલથી તો કસરત ચાલુ કરી જ દેવી છે, આવતી પરીક્ષામાં વધારે માર્ક્સ લાવવા જ છે, ઉત્સાહમાં આવા અનેક સંકલ્પો લઈ લઈએ છીએ, પણ જેવો ઊભરો શમે કે તરત બધું હતું એવું ને એવું થઈ જાય છે. કદાચ આ જ માનવસ્વભાવ છે!
જે હથિયાર પકડે એની ફિંગરપ્રિન્ટ હથિયાર પર પર આપોઆપ આવવાની છે, પણ હથિયાર જેણે પકડાવ્યું છે, જે મુખ્ય દોરસંચાર કરી રહી છે એ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ તો ક્યાંય દેખાવાની નથી. રાજકારણથી લઈને નાનામાં નાની ઘટનાઓમાં આવા દોરીસંચારો પ્રત્યક્ષ-પરોક્ષ રીતે થતા રહેતા હોય છે. પરદા પાછળ રહીને રમત રમનારને પકડવો ખૂબ મુશ્કેલ છે. કદાચ ભાવવધારો, ભૂખમરો, ગરીબી, હુલ્લડો, કોમી તોફાનો, ઝઘડાઓ, રાજકીય ટંટા, એન્કાઉન્ટરો વગેરે ઘટનાઓ આવાં અદૃશ્ય દોરીસંચારની જ બાયપ્રોડક્ટ હોય છે.
કુણાલ શાહમાં નવી કલમનું જોર છે અને આસપાસ દેખાતા ઘણા પ્રશ્નોને પોતાની કલમમાં પરોવવાની તેમની ઝંખના દેખાઈ આવે છે. તેમના જ એક ઉમદા શેરથી લોગઆઉટ કરીએ.
લોગ આઉટઃ
ભૂખ માની ગઈ હતી ગઈ કાલ તો,
આજ એના હાથમાં હથિયાર છે.
કુણાલ શાહ
(ગુજરાત સમાચાર, રવિપૂર્તિમાંથી, 'અંતરનેટની કવિતા' - અનિલ ચાવડા)