તું મને દંગા થકી તોડી શકીશ? મારી અંદર એક અમદાવાદ છે.


લોગઇનઃ

એક જણની જિંદગી બરબાદ છે,
એ વિષય બીજાને મન આહલાદ છે.

એ બધું જાહેરમાં બોલી જશે,
આંખ સાથે એ જ તો વિખવાદ છે.

ટેક્ટમાં ના શોધ અકબંધ લાગણી,
આખરે એ અંગુલી અનુવાદ છે.

તું મને દંગા થકી તોડી શકીશ?
મારી અંદર એક અમદાવાદ છે.

નોટમાંથી કોતરી છૂટ્ટા કર્યા,
આજથી ગાંધી ફરી આઝાદ છે.

જિંદગીમાં યાદ રહેશે એક જણ,
તું હવે એ એકમાંથી બાદ છે.

~ મહેન્દ્ર પોશિયા

સમગ્ર દેશમાં CAB (Citizenships Amendment Bill) મુદ્દે હોબાળો ચાલી રહ્યો છે. આસામમાં પડેલા તણખાએ આખા દેશમાં આગ લગાડી છે. આસામ-બાંગ્લાદેશથી લઈને તેની જ્વાળા છેક અમદાવાદ સુધી પહોંચી છે. દેશની રાજધાની દિલ્હી પણ તેનાથી બાકાત રહી શકી નથી. લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે. જોકે અમદાવાદમાં દંગા થાય તેમાં કંઈ નવાઈ જેવું નથી. તોફાનો અને અમદાવાદને જૂનો સંબંધ છે. દંગાથી ક્યારેય અમદાવાદ તૂટ્યું નથી. અમદાવાદના કોમી દંગા વિશે સૌમ્ય જોશીએ લખેલું નાટક ‘દોસ્ત ચોક્કસ અહીં નગર વસતું હતું’ જોવા જેવું છે. ગુજરાતી ભાષામાં કોમી તોફાનો બાબતે આનાથી ઉત્તમ નાટક હજી થયું નથી. લગભગ 60 જેટલા પાત્રો સાથે ભજવાતું આ નાટક જોવું એ ખરેખર અદભુત લહાવો છે. ખેર, અત્યારે મહેન્દ્ર પોશિયાની આ સુંદર ગઝલ વિશે વાત કરીએ. તે યુવાકવિ છે અને તેમની કલમમાંથી તાજગી છલકાય છે. આ ગઝલ વાંચતા આપોઆપ તમને તેનો અંદાજ આવી જશે.

ગુજરાતીમાં એક કહેવત છે, કાગડાને રમત થાય ને દેડકાના પ્રાણ જાય. પહેલા શેરમાં કંઈક આવું જ છે. એક માણસ બરબાદ થાય તેમાં બીજાને આનંદ આવવાની વૃત્તિ આ કાગડા જેવી હોય છે. કાગડાને દેડકાને વારંવાર ચાંચ મારવાની મજા આવે છે, તેને રમત થાય છે, પણ તેની ચાંચથી દેડકાને જીવ ખોવાનો વારો આવે છે. ઘણા માણસ પોતાના પ્રતિસ્પર્ધિને આ જ રીતે કોઈ કારણસર બરબાદ થતા જુએ તો આંતરિક આનંદ લેતા હોય છે. આવા માણસો ઓછા નથી.

હિન્દી ફિલ્મોની ઘણાં ગીતોમાં આંખોથી બોલવાની વાત આવે છે. આ કવિ અહીં જુદી રીતે વાત કરે છે. એ કહે છે કે આંખોનો સૌથી મોટો પ્રોબ્લેમ એ જ છે કે તે બધું જાહેરમાં બોલી દે છે. વગર બોલ્યે જ સામેની વ્યક્તિને બધું સમજાવી દે છે, આના લીધે ઘણી વાર ન થવાનું થાય છે. આ ન થવાનું થવામાં ક્યારેક સારું થાય, ક્યારેક ખરાબ પણ થાય. દર વખત આંખથી સમજાય તે બધું સારું જ હોય એવું નથી હોતું.

અત્યારે બધાના હાથમાં ફોન જોવા મળે છે. ફોનમાં લખાતી ટેક્સ માટે કવિએ અહીં સરસ શબ્દ વાપર્યો છે, ‘અંગુલિ અનુવાદ!’ ફોનમાં ટાઇપ થતા મેસેજમાં લાગણી શોધવાનો પ્રયત્ન ન કરવો અને હવે તો ટેક્સ પણ નથી રહી. વિવિધ મિમ્સ, ઇમોજિસ ને બીજું ઘણું બધું આવી ગયું છે. અંગુલી અનુવાદથી એકાદ ડગલું આગળ વધી ગઈ છે ઇનબોક્ષની ભાષા.

પછીનો શેર તો અમદાવાદની ખુમારી વ્યક્ત કરે છે. સિટિઝનશિપ બાબતે આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે અને અમદાવાદમાં પણ તોફાન થયાં. ત્યારે આ શેર વધારે પ્રાસંગિક લાગે છે. અમદાવાદને તોફાનની નવાઈ નથી. હાલતા ચાલતા અહીં છમકલાં થતા રહ્યા છે. કવિ અહીં સામેની વ્યક્તિને કહે છે કે તું મને તોફાનોથી નહીં તોડી શકે, કેમકે મારી અંદર અમદાવાદ છે. એવું કહેવા પાછળ આખા અમદાવાદની ખુમારી છે. આટઆટલા તોફાનમાં અમદાવાદ અકબંધ રહ્યું છે. આપણે ગાંધીની નોટને રાખીએ છીએ, વિચારો નથી રાખતા. કવિ તો અહીં તેને નોટમાંથી કોતરીને મુક્ત કરવા માગે છે. તેનો સંકેત ગાંધીવિચાર તરફ પણ છે. જિંદગીમાં એક જ વ્યક્તિને યાદ રાખવાની હતી અને તે પણ હવે સ્મૃતિમાંથી ડિલિટ થઈ ગઈ છે. અહીં દુઃખ છે, પણ યાદ ન રાખવાની આંતરિક પીડા નથી. કેમકે તેને જાતે બાદ કરવાની વાત કરે છે.

અત્યારે ટોળાં, તોફાનો અને હલ્લાઓ ચાલી રહ્યા છે, લોકોને શાંતિનું આહ્વાન કરતી કવિતાથી લોગઆઉટ કરીએ.

લોગ આઉટઃ

खूब बहती है अमन की गंगा बहने दो,
मत फैलाओ वतन में दंगा, रहने दो
लाल हरे रंग में ना बांटो हमको,
मेरे छत पर एक तिरंगा रहने दो

अज्ञात

ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા - અનિલ ચાવડા

ગામડું બસ એટલે ગમતું હતું

લોગઇનઃ
ગામડું બસ એટલે ગમતું હતું,
રોજ પાણી માટલે ઝમતું હતું.
એ નજારો ના મળે સનસેટમાં,
આભ આખું સીમમાં નમતું હતું.
પેટ, પાટી, પાટલીના પ્રાસમાં,
નામ ઘૂંટેલું સદા ગમતું હતું.
વીંટલો વાળી મૂક્યો વસવાટ પણ,
રોજ મનમાં ખોરડું વસતું હતું.
સાચવું છું આજ મારા પેટને,
એ સમયમાં કેટલું પચતું હતું.
રોજ ગણતો ખેતરો ને એ છતાં,
કામ મારું તોય પણ બચતું હતું.
રોજ શોધું ધૂળનું એ આવરણ,
જે સલુણી સાંજને રચતું હતું.
~ રમેશ ઠક્કર
ગુજરાતી સાહિત્યમાં વતનઝૂરાપાની કવિતા ઘણી લખાઈ છે - લખાતી રહે છે. દિગંત ઓઝાએ તો વતનવિચ્છેદ નામથી નવલકથા પણ લખી. વતનઝૂરાપો એક એવી ઘટના છે, જે દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળમાં ક્યારેક ને ક્યારેક વધારે-ઓછે અંશે અનુભવી જ હોય છે. ઘરથી એકાદ-બે મહિના દૂર રહેવાનું થાય તોય અમુકનો જીવ સોરવાતો હોય છે, ત્યારે કાયમ માટે માભોમ છોડી જવું પડતું હોય તેનો વસવસો તો કલ્પી પણ ન શકાય. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જે હંમેશાં માટે ભારત છોડી પાકિસ્તાન જતા લોકો કે પાકિસ્તાનથી ઘરબાર બધું મૂકીને રાતોરાત ભારત આવવું પડ્યું હોય તેમનો ઝૂરાપો તો આપણે શબ્દોમાં પણ ન પરોવી શકીએ. ક્યારેય વતન જવા જ નહીં મળેનો વસવસો ખરેખરે એક મોટી સજા જેવો હોય છે. ભાગલાના સમયકાળ ઉપર તો અનેક કવિતાઓ, વાર્તાઓ અને નવલકથાઓ પણ લખાઈ. ખુશવંતસિંહની ટ્રેન ટૂ પાકિસ્તાન હૈયું હચમચાવી દે તેવી છે. ટૂંકમાં, શુભ કે અશુભ આશયથી વતન છૂટે ત્યારે તેનો ઝૂરાપો તો હૈયાને રહેતો જ હોય છે. રમેશ ઠક્કરે આ ઝૂરાપાની છીપમાં રહીને મોતી બની ચૂકેલાં કેટલાંક સ્મરણોને ગઝલના દોરામાં પરોવવા પ્રયત્ન કર્યો છે. નોકરી અર્થે બહાર જવાનું થાય ત્યારે જ્યાં બાળપણ વીત્યું હોય એ ગામ, એ મિત્રો, રમતો, શેરીઓ, તળાવ, પાદર ને એવું ઘણું બધું યાદ આવે જ. અહીં કવિની શબ્દપસંદગી સાદી, સરળ અને સહજ છે. કોઈ પણ વાચક આ ગઝલની આંગળી પકડીને પોતાનાં બાળપણમાં, વતનમાં કે જૂની યાદોમાં ગામડે પહોંચી જાય તો નવાઈ નહીં!
અહીં રમેશ ઠક્કર કહે છે, ગામડું એટલે ગમતું હતું, કેમકે રોજ પાણી માટલે ઝમતું હતું. આપણને પ્રશ્ન થાય કે માટલું ઝમે એમાં ગામડું ઓછું ગમવા માંડે? કોઈ વસ્તુ ગમાડવા માટે આ વળી કેવું કારણ? પણ થોડુંક ખોતરશો તો એ જ પંક્તિમાંથી બીજું ઘણું મળી આવશે. માત્ર માટલું જમવાની જ વાત અહીં નથી, તેની સાથે કવિના ચિત્તમાં બીજું ઘણું ઝમી રહ્યું છે. આજે ઘેરઘેર ફ્રીજની બોલબાલા છે, ત્યારે માટલા-સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે. માટલાની જગ્યા બાટલાએ લીધી છે. પણ માટીથી એ ભીનપની સોડમ જેણે અનુભવી છે તે ચિત્તમાંથી ઓછી જાય? હવેનાં બાળકો મોટાં થશે ત્યારે શક્ય છે માટલાના નહીં બાટલાનાં સ્મરણો વાગળશે. જે અનુભવ્યું હોય તે ઊતરે. રમેશ ઠક્કર અસ્સલ તળના ગામના અનુભવો આલેખે છે. કેમકે આજે શ્હેરથી લોકો સનરાઈઝ કે સનસેટ જોવા માટે હજારોનો ધૂમાડો કરીને કોઈ ખાસ સ્થળે જાય છે, જ્યારે કવિની આંખે રોજ આખું આભ સીમમાં નમતું દીઠું હતું. શ્હેરી માણસ ઢળતા સૂરજને જોઈને વાવ કહીને રાજી થાય છે, ગામડાના હૈયામાં તો પહેલેથી આવાં મોહક દૃશ્યોની વાવ ગળાયેલી હોય છે.
કવિએ પેન-પાટીમાં ગમતું નામ ઘૂંટ્યું છે, વળી અત્યારે ભલે એ મોટાં આલીશાન મકાનમાં રહેવા ગયાં, પણ હજી મનમાં તો પેલા ગામના નાનકડા ખોરડાની જ ભવ્યતા વસે છે. આજે બેઠાડું જીવનથી ખોરાક ઓછો થઈ ગયો છે, સહેજ ખાય તોય અપચો થઈ જાય છે, એ સમયે ગ્રામ્યજીવનમાં ઘણો પરિશ્રમ કરતા અને ગમે તેટલું ખાતા તોય આવી ફરિયાદ નહોતી રહેતી. અહીં પચવાની વાત માત્ર ભોજન સુધી સીમિત નથી એ પણ જીણવટથી જોવા જેવું છે. વળી આટઆટલું ખેતરમાં ને ઘરે કામ કર્યા પછી પણ સાંજે બધા સાથે બેસીને ગપાટાં મારવાનો સમય બચતો હતો. હવે સાવ નવરા હોઈએ તોય એમ લાગે કે સમય નથી. વ્યસ્તતા આપણા મગજમાં ઘર કરી ગઈ છે. હવે શ્હેરમાં ગામની એ સલુણી સાંજને શોધે છે. ગણાવા જઈએ તો આવાં કેટકેટલાં સ્મરણોની થોકડીઓ મગજની તિજોરીમાંથી નીકળે. જોકે અહીં ગામડું સારું અને શહેર નઠારું એવું કહેવાનો કવિનો જરા પણ આશય નથી. બંને પોતાની રીતે યોગ્ય છે. પણ અગત્યનું છે, તમે જ્યાં બાળપણ વિતાવ્યું તે તમારા હાડ સાથે, ચિત્ત સાથે અભિન્ન રીતે જોડાયેલું છે.
આજે ગામડાં પણ શહેર જેવાં થતાં જાય છે. કવિઓ કવિતામાં ગામડાની ભવ્યતા, પ્રકૃતિની છાંય, મનોહર સાંજ જે-જે કલ્પનાઓ કરતા હતા તે ભાગ્યે જ ક્યાંક બચ્યું છે. હવે હર્ષવી પટેલના આ બે શેર જેવું થઈ ગયું છે.
લોગ આઉટઃ
છાંયડા વાઢ્યા અને ડામર બધે પથરાય છે,
ગામ મારું એ સમૃદ્ધ થતું જાય છે.
હું ઘણા વખતે નિરાંતે આજ ફરવા નીકળી,
ને ખબર થઈ કે સીમાડા પ્લોટ થઈ વેચાય છે.
હર્ષવી પટેલ
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

એક તરફ રામ મંદિરની વાતો થાય છે, બીજી તરફ સીતાઓ સળગાવાય છે.



લોગઇનઃ
ડૂસકાં ન સાંભળે ન તો પોકાર સાંભળે, છેલ્લે અમારાં કાન સમાચાર સાંભળે.
ચર્ચાઓ સાંભળે ને લગાતાર સાંભળે, નક્કામા સાલા કાન ન ચિત્કાર સાંભળે!
વારે ઘડીએ જાગતાં વિકારની કથા, મીંઢા બનીને આપણાં સંસ્કાર સાંભળે.
ખીલતી કળીનું ગીત ને યૌવન તણી ગઝલ, અજવાસ સાંભળે નહીં, અંધાર સાંભળે!
હા, એ જ તો ખૂટે છે સતત પરવરિશમાં, અંદરનું સાંભળે નહીં ને બહાર સાંભળે. ~ ડૉ. મનોજ જોશી 'મન'
હૈદરાબાદમાં 26 વર્ષની ડૉક્ટર પર ગેન્ગરેપ કરીને તને જીવતી સળગાવી દેવામાં આવી. તેના પડઘા સમગ્ર ભારતમાં પડ્યા. જયા બચ્ચને તો સત્તા સામે આક્રોશ ઠાલવીને ત્યાં સુધી કહ્યું કે, તમારાથી કશું ન થતું હોય તો આરોપીઓને જનતાને હવાલે કરી દો. થોડા દિવસ પછી સમાચાર આવ્યા કે હૈદરાબાદના ચારેય આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર. હજી આ શમ્યું નથી ત્યાં ઉન્નાવમાં એક દુષ્કર્મપીડિતા ગુરુવારે તેના કેસ માટે કોર્ટ જઈ રહી હતી. ત્યારે જામીન પર છૂટેલા બે આરોપીઓ સહિત પાંચ માણસોએ મળીને તને જીવતી સળગાવી દીધી. આવા સમાચાર સાંભળીને આપણું કાળજું કંપી જાય છે. આટઆટલું થયા પછી પણ સત્તામાં બેસેલા માણસો તો માત્ર આશ્વાસનનું અત્તર જ છાંટ્યા કરે છે. તેમાંથી જુઠ્ઠાણાની દુર્ગંધ આવ્યા કરે છે. એક તરફ રામ મંદિર બનાવવાની વાતો થઈ રહી છે અને બીજી તરફ સીતાઓને બાળવામાં આવી રહી છે.

આપણા બધીર કાન સુધી ચિત્કાર પહોંચે એટલા માટે જ મનોજ જોશીએ આવી સંવેદનશીલ કવિતા લખી છે. કવિનું આ કામ છે, સમાજની વરવી ઘટનાઓ પ્રત્યે લોકોના હૈયામાં સંવેદનશીલતા જગાડવાનું. વળી મહત્ત્વની વાત એ છે કે આપણા કાન અમુક ઘટનાઓ પ્રત્યે જ બધીર થયા છે, તેમાં સંગીતના સૂર, ઢોલની ધનાધન, ફિલ્મના ડાયલોગ અને આપણી પ્રસંશા સારી રીતે સંભળાય છે. જ્યાં સુધી પોતાને ઘાવ ન થાય ત્યાં સુધી લોહીના લાલ રંગની ઘટ્ટતા સમજાતી નથી. બાકી ચિત્રમાં જોઈને તો માત્ર લોહીની ચર્ચા થઈ શકે. જ્યાં સુધી આપણી બહેન, દીકરી, માતા કે પત્ની પર બળાત્કાર ન થાય ત્યાં સુધી આપણને કશી અસર થતી નથી. ત્યાં સુધી સમગ્ર ઘટનાને આપણે કોઈ ચિત્ર જોતા હોય તેમ જોતા રહીએ છીએ અને ચા પીતાપીતા ચર્ચા કરતા રહીએ છીએ. આપણને સમાચારની સાદડી પર બેસીને ચર્ચા કરવી ગમે છે. સવારે નીકળેલી દીકરી સાંજે ઘરે સલામત રીતે પહોંચશે કે નહીં તેની ચિંતા કરતા બાપના હૈયાને કોણ ઓળખી શકે? આટઆટલી બીનાઓ બન્યા પછી પણ બાપડો સામાન્ય માણસ તો જીવ બાળવા સિવાય કશું કરી જ નથી શકતો. તેનું ન તો પોલીસ સાંભલે છે ન સત્તા. પણ જે સત્તામાં બેઠા છે અને કશુંક કરી શકે તેમ છે, તે માણસ પણ માત્ર જીવ બાળે અને વાતો જ કર્યા કરે ત્યારે ચોક્કસ નવાઈ લાગે. મનોજ જોશીએ આવા લોકો પર ચાબૂક ફટકારતા હોય તેમ પ્રહાર કર્યો છે.

આપણા કાન ડૂસકાં નથી સાંભળતાં, કોઈ પીડિતની પોકાર પણ નથી સાંભળતા. મીઢા મોઢે બેસીને સંસ્કારની વાતો કરનાર લોકોને ભાંડવા કરતા તેમની દયા ખાવી સારી. પૂજાના નામે તાજી પુષ્પકળીઓને તોડી નાખવામાં આવે, તેમ અમુક રિવાજોના નામે આજે પણ સ્ત્રીઓને અસહ્ય ત્રાસ વેઠવો પડે છે. એ વખતે એ સ્ત્રીની માનસિકતા પણ પેલી તોડાયેલી પુષ્પકળી જેવી જ હોય છે. તે ચીમળાઈ જાય છે. સમાજનો એક મોટો વર્ગ આવી ભીષણતા વચ્ચે ચીમળાઈ રહ્યો છે. ઘણી વખત આપણને ખબર પણ હોય છે કે, આ રિવાજ ખોટો છે, છતાં આપણે મૂગા મોઢે ગાડરિયા પ્રવાહની જેમ તેમાં દોરવાતા જઈએ છીએ. કેમકે આપણે અંતરાત્માના સાદને શીશીમાં ઢાંકણું મારીને બંધ કરી દીધો હોય છે. આપણે અંદરની વાત સાંભળતા જ નથી, બહારનું સાંભળ્યા કરીએ છીએ. એટલે જ મનોજ જોશી જેવા જાગ્રત કવિએ અંતરાત્માના સાદને સંભળાવવા આવી ગઝલરૂપી ટકોર કરવી પડે છે. આ કવિ મનપર્વક લખે છે. તેથી તેમની કલમ આવી ઘટનાઓ જોઈને કમકમી ઊઠે છે અને હળહળતી ગઝલી ઊતરી આવે છે. કોઈ પથ્થરાળ હૃદયમાં સંવેદના જગવવાનું કામ ખૂબ કપરું છે, આવી ગઝલો એ કામ સુપેરે કરતી હોય છે.

રોજબરોજ થઈ રહેલી દુષ્કર્મની ઘટનાઓ જોઈને કોઈ કિશોરીનો બાપ કદાચ ભાવેશ ભટ્ટના શેર જેવું જ વિચારતો હશેને?

લોગ આઉટઃ

મારી દીકરીનો વાન બદલી નાખ,
કાં જગતનું ઇમાન બદલી નાખ.

– ભાવેશ ભટ્ટ

“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

મારો ય એક જમાનો હતો કોણ માનશે?


લોગઇનઃ
મોહતાજ ના કશાનો હતો કોણ માનશે?
મારો ય એક જમાનો હતો કોણ માનશે?
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?
તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે?
માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો કોણ માનશે?
હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો કોણ માનશે?
રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો કોણ માનશે?
રૂસ્વા મઝલુમી
રૂસવા મઝલુમી એટલે પાજોદના દરબાર. પુખ્ત ઉમ્મરે પહોંચ્યા બાદ પાજોદમાં શાયરી, સંગીત, વોલીબોલ, ઘોડેસ્વારી અને શિકારમાં મસ્ત રહ્યા. ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ કાઠિયાવાડના નવાબો પાકિસ્તાનમાં જોડાવાનાં સપનાં સેવતા હતા ત્યારે રૂસવા સાહેબે ભારત સંઘમાં જોડાવાની પહેલ કરી. ઘણાની નારાજગી વહોરીને પણ તેમણે આ હિંમત બતાવી. દરબારપણું ગયા બાદ માંગરોળ, સુરત, મુંબઈ જેવી ઘણી જગ્યાઓએ રહ્યા અને ઘણો સંઘર્ષો કર્યો, ઘણી નોકરીઓ પણ કરી. પણ શાયરી  સાથે મહોબ્બત ટકાવી રાખી. પાજોદમાં ગુર્જરી ગઝલશાળાની આધારશિલા સ્થાપી એમાંથી પ્રગટેલા બે રત્નો એટલે ‘શૂન્ય’ પાલનપુરી અને અમૃત ‘ઘાયલ’. રાજાની ગાદી છોડીને નોકરી કરનાર રૂસવા સાહેબ હકપૂર્વક કહી શકે કે, મારો ય એક જમાનો હતો કોણ માનશે?’
દરબારપણું ત્યજીને નોકરી સ્વીકારવી એ ખૂબ હિંમત માગી લે તેવું કામ છે. આજના રાજકારણીઓ ખુરશી માટે શું નથી કરતા? જેની છાતીમાં કવિહૃદય ધબકતું હોય તેના હૃદયમાં આવો મોહ ક્યાંથી હોય? રૂસવા સાહેબે એટલે જ કદાચ લખ્યું હશે, અભાગી લાશ રખડે જેમ જંગલમાં કફન માટે, વતનમાં એમ ભટકું છું શરણ માટે, જતન માટે.
કોણ માનશે? રદીફથી લખાયેલી રૂસવા સાહેબની આ ખૂબ જાણીતી અને લોકપ્રિય ગઝલ છે. ગઝલનો દરેક શેર સ્વયંસ્પષ્ટ છે, તેમાં ખુમારી પણ છે અને પીડા પણ છલકાય છે. જોકે કોણ માનશે?” રદીફ ઉપર અનેક શાયરોએ ગઝલો લખી છે. રૂસવાના જ પરમ મિત્ર શૂન્ય પાલનપુરીએ લખ્યું, દુઃખમાં જીવનની ખાણ હતી કોણ માનશે? ધીરજ રતનની ખાણ હતી કોણ માનશે?’ વ્રજ માતરીએ પણ લખ્યું, દુઃખ એય સુખ સમાન હતું કોણ માનશે? મૃગજળમાં જળનું સ્થાન હતું કોણ માનશે?’ મરીઝ પણ આ રદીફથી દૂર નથી રહી શક્યા, લખ્યું, તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે? જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે?’ રતિલાલ અનિલે પણ આ જ રદીફ પર હાથ અજમાવ્યો, કંટકની સાથે પ્યાર હતો કોણ માનશે? એમાંયે કાંઈ સાર હતો કોણ માનશે? મહમ્મદઅલી વફાએ તો આ જ રદીફ પર બે ગઝલો લખી, 1. તારા નગરની જાણ હતી કોણ માંનશે? લજ્જાની વચ્ચે આણ હતી કોણ માંનશે?’ 2. આશાનો એ મિનાર હતો કોણ માનશે? ને એ જ ડૂબાડનાર હતો કોણ માનશે?વિરલ દેસાઈ નામના યુવાકવિએ તો ત્યાં સુધી શોધી કાઢ્યું છે કે આ રદીફ પર અઢારેક જેટલી ગઝલો લખાઈ છે. પ્રશ્ન થાય કે એક જ રદીફ પર આટલી બધી ગઝલો શા માટે? બહુ વિચાર્યા પછી સમજાયું કે તેનો રદીફ જ એટલો આકર્ષક છેકોણ માનશે?
રજવાડું ભલે છોડ્યું, પણ રૂસવા સાહેબે શબ્દોની દુનિયામાં પોતાનું એક આગવું રજવાડું રચી લીધું હતું.  કેમકે તે મન અને ધન વચ્ચેનો ફર્ક બહુ સારી રીતે જાણતા હતા, એટલે જ તો લખ્યું હતું,
જીવનસિદ્ધિનો કેવળ સાર સાધનમાં નથી હોતો,
ફકીરી કે અમીરી ફેર વર્તનમાં નથી હોતો;
સદા રહેશે અમારો આ નવાબી ઠાઠ ઓ ‘રૂસ્વા’ ,
ખરો વૈભવ તો મનમાં હોય છે, ધનમાં નથી હોતો.
  
ધનના વૈભવને ઠોકર મારી મનના વૈભવને અપનાવનાર આ શાયરને સલામ. ઝિંદાદિલીથી જીવનાર આ શાયરનું મિજાજીપણું અને ખુમારી તેમના શબ્દોમાં બખૂબી રજૂ થાય છે.
લોગ આઉટઃ
પરાયાના ચરણ ચાંપી અનુસરવું નથી ગમતું,
તણખલાનો સહારો લઈ મને તરવું નથી ગમતું.
જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું એટલું બસ છે,
ફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું.
અચળ ધ્રુવસમ ખડી આકાશ જેવી મારી દુનિયામાં
નજીવા કો’ સિતારા સમ મને ખરવું નથી ગમતું.
હુંફાળી હુંફ આપું છું થથરતી આશને હરદમ,
સૂરજ સમ ઊગી ઊગીને પછી ઢળવું નથી ગમતું.
ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.
સતત ચાલી રહેલા કાફલાનો, મીર છું ‘રૂસ્વા’,
વિસામાને ગણી મંઝિલ, મને ઠરવું નથી ગમતું.
રૂસ્વા મઝલુમી
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

ઝળહળ ઝળહળ અંધારું છે; હું એનો ને એ મારું છે.



લોગઇનઃ
ઝળહળ ઝળહળ અંધારું છે;
હું એનો ને એ મારું છે.
આ ઘર ઓ ઘર ને એ એ ઘર,
ના મારું કે ના તારું છે.
વાંધો શો છે વ્હેંચી લઈએ,
અજવાળું તો મજિયારું છે.
દુઃખને દુઃખ ભેટે છે હોંશે,
આવું સુખ સૌથી સારું છે.
કોક વખત એવું પણ લાગે,
અજવાળું તો અંધારું છે.
આભ અને એથી ઊંચે તું,
પંખી કેવું ઊડનારું છે!
પડવું, ઊઠવું, ચાલ્યા કરવું,
ભઈલાજી, આ સંસારું છે.
મનહર મોદી
ગુજરાતી ગઝલને નવા વહેણમાં ઢાળવામાં જે અમુક કવિઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે, તેમાં મનહર મોદીનું નામ આદરથી લેવું પડે. ગઝલમાં તેમણે કરેલા પ્રયોગો ધ્યાન ખેંચે તેવા છે. જે સમયે ગુજરાતીમાં એબ્સર્ડનો મારો હતો, ત્યારે તેમણે ગઝલમાં તેની છાંટ બરોબર ઝીલી. અનેક ઉત્તમ ગઝલ આપનાર આ કવિની ગઝલો પણ મનોહર છે. તેમની ઘણી ગઝલો જાણીતી છે, તેમાંથી એક ઓછી જાણીતી ગઝલ લઈએ.
પ્રથમ શેરમાં જ વિસ્મય ઊભું થયું. કવિએ અંધારાને ઝળહળતું કહ્યું છે. આપણે તો કાયમ અંધકારને કાળું જ ઓળખીએ છીએ. અહીં અંધારાને નેગેટિવ રીતે નથી લેવાનું. રાજેન્દ્ર શુક્લે તો ઊંટ ભરીને આવ્યું રે અંધારું લ્યો... એમ કહી અંધારાની ઉજાણી કરી. ઝળહળતું અંધારું કહેવા પાછળ કવિના ઘણા છૂપા ઇંગિતોની ઝાંખી થાય છે. તેમની યાદો, અંગત સમય અને ઘણુંબંધું વણાયેલું કલ્પી શકાય છે.
બીજો શેર વાંચીને તો સીધા મરીઝ યાદ આવી ગયા. તેમણે લખ્યું,
એ એક ગેરમજ છે ને જગતભરમાં છે,
તું એ ન જો કે કોણ અહીં કોના ઘરમાં છે.
અરે! આપણને એમ લાગે કે બધા પોતપોતાના ઘરમાં તો છે, પણ ના એવું નથી. ફલાણાના ઘરમાં રહેતી સ્ત્રી તેના ઘરમાં નહોતી હોવી જોઈતી, તે ફલાણાના ઘરમાં હોવી જોઈતી હતી. કેમકે તેનો અનુરાગ તેની સાથે હતો. આવી તો કેટકેટલી વ્યક્તિઓ કોના ઘરમાં હોવી જોઈતી હતી અને કોના ઘરમાં હોય છે. સૌ યોગ્ય રીતે પોતપોતાના ઘરમાં છે એ આપણી મોટી ગેરસમજ છે. બાપરે! મરીઝે કઈ વાત ક્યાંથી જોડી દીધી. મનહર મોદીએ ઈશ્વરની વાત કરી. ગમે તેવા ઝૂંપડાં, ઘર, બંગલા હોય, બધું અહીંનું અહીં છે. કોઈનું કશું નથી. આપણે દસ્તાવેજો કરાવીએ છીએ, પણ રાજેશ વ્યાસ મિસ્કીને કહ્યું છે તેમ કોઈ તારું નથી. અને કશું તારું નથી. આવ્યા ત્યારે ક્યાં ઘર સાથે લઈને આવ્યા હતા, એ તો અહીં આવીને પામ્યા.
અજવાળાનું અનુસંધાન સીધા સુખ સાથે જોડાય. સુખની વહેંચણીથી આનંદ બમણો થાય. જીવનમાં પ્રસરાતું અજવાળું ક્યારેય કોઈ વ્યક્તિનું હોતું જ નથી. તેમાં કોઈ ને કોઈ બીજી વ્યક્તિનો પ્રત્યક્ષ કે પરોક્ષ સાથ હોય જ છે. તો જે અજવાળું મજિયારું હોય તેને વહેંચવામાં શો વાંધો?
એક દુઃખી વ્યક્તિ બીજી દુઃખી વ્યક્તિને હોંશથી ભેટે છે, ત્યારે આપોઆપ એ ભેટવામાં સુખ ઉત્પન્ન થાય છે. ગણિતના દાખલામાં બે માઇનસ પ્લસ ન થઈ શકે એવો સિદ્ધાંત ભલે હોય, પણ જીવનમાં એવું નથી હોતું. બે દુઃખનો સરવાળો ક્યારેક સુખમાં ફેરવાઈ જતો હોય છે. અને બે દુઃખના પરસ્પર ભેટવાથી ઊભું થતું સુખ ન્યારું હોવાનું જ! ક્યારેક સુખ માત્ર આભાસ જેવું હોય છે. લાગતું હોય છે સુખ, પણ એને ખોલીએ તો નીકળે દુઃખ. ક્યારેક આનાથી ઊલટું પણ થાય. અજવાળાની ઝળાહળામાં ક્યારેક અંધારાનો અનુભવ થાય તો ક્યારેક અંધારામાં તેજનો. યે જિંદગી હૈ મેરેભાઈ!
આભથી ઊંચે ઉડનારા પંખીની વાત મનહર મોદી કરે ત્યારે ઘણી દિશામાં દિમાગના ઘોડા દોડાવવા પડે. શું વ્યક્તિના અહમની વાત છે? આધ્યાત્મિક મનોસ્થિતિની વાત છે? કે નરી કલ્પનામાત્ર છે. એક શેર કેટલી દિશામાં દોડાવે છે!
છેલ્લો શેર જાણે વાર્તાનો અંતિમ સાર આપતા હોય તેવો છે. જીવનમાં સુખ-દુઃખ, તડકો-છાંયો, સારું-નરસું તો રહેવાનું જ છે. એનું જ નામ સંસાર છે. પણ મનહર મોદીએ અહીં સંસારું કહ્યું તેમાં જે ઠાવકાઈ છે, તે ઊડીને આંખે વળગે છે. આવા તો અનેક પ્રયોગો તેમણે ગઝલમાં કર્યા છે. તેમણે પોતાના પ્રયોગથી ગુજરાતી ગઝલને સમૃદ્ધ કરી છે. તેમની જ એક મત્લાગઝલથી લોગઆઉટ કરીએ.
લોગ આઉટઃ
સાચેસાચું બોલ, મનહરા!
મણનું મોઢું ખોલ, મનહરા!
જીવતર કાણી ડોલ, મનહરા!
ખાવા લાગે ઝોલ, મનહરા!
અજવાળું અણમોલ, મનહરા!
પોતાને તું તોલ, મનહરા!
સુખને દુઃખથી ફોલ, મનહરા!
મોંઘા એના મોલ, મનહરા!
મીઠું મીઠું બોલ, મનહરા!
ઈશ્વરનું ઘર ખોલ, મનહરા!
મનહર મોદી
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

સેવી શકે તો સંતની કોટિને પામશે; જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં.


લોગઇનઃ
તારા વિશે જે નીકળ્યાં ઊંડી તપાસમાં;
તેઓ બધા જ હોય છે કાયમ પ્રવાસમાં.
સાંઈ ! તમે જ કંઈક કહો તાંતણા વિશે;
લોકો તો ગૂંચવાઈ ગયા છે, કપાસમાં.
જ્યારે સ્વયમના તેજથી અંધાર ઓગળે;
ત્યારે ફરક રહે નહીં પૂનમ-અમાસમાં.
તારા વિરુદ્ધ કાન ભરે છે અનેકના;
એનોય હાથ હોય છે તારા વિકાસમાં.
ઝોલે ચડી છે રાજકુમારીની વારતા;
ગોખે થરકતા એક દીવાના ઉજાસમાં.
સેવી શકે તો સંતની કોટિને પામશે;
જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં.
અમિત વ્યાસ
અમિત વ્યાસ ગુજરાતી કવિતામાં જૂનું થઈ ગયેલું નવું નામ છે. તેમની કવિતામાં તાજગી અને નાવિન્ય ભારોભાર હોય છે. આ ગઝલ તેનો પુરાવો છે. કલાપી બાલાશંકરથી લઈને અત્યાર સુધીમાં અનેક ગઝલકારોએ ગઝલને નિખારી છે. ગઝલની નદીમાં અનેક કવિઓએ પોતાની નૈયા સફળતાપૂર્વક હંકારી છે. અમિત વ્યાસ તેમાંના એક છે.

હમરદીફ હમકાફીયા સાથે ચાલતી આ ગઝલના છએ શેર તેની નિજી મુદ્રામાં અંકિત છે. પ્રથમ શેર સરળ-સહજ અને સ્યંસ્પષ્ટ છે. તારા વિશે એટલે કોના વિશે? કવિની પ્રેમિકા વિશે? ના, આ તો જગતપ્રેમીની વાત છે. ઈશ્વરની તરફ અંગુલિનિર્દેશ છે. ઈશ્વર વિશે જે કોઈ તપાસ માટે નીકળે છે તે આજીવન પ્રવાસમાં જ રહે છે. ઈશ્વર સાક્ષાત જોયો હોય અને સંપૂર્ણ પામી લીધો હોય તેવો કદાચ આ ધરતી પર કોઈ થયો નથી. કોઈએ તેની કૃપા અનુભવી હોય તે વાત અલગ છે. અને આમ પણ શોધની ખરી મજા પ્રવાસમાં જ હોય છે.  

લોકો પરમતત્ત્વને પામવામાં મોટેભાગે દોરાધાગા અને અંધમાન્યતાઓમાં જ અટવાઈ જતા હોય છે. કવિએ અહીં કપાસને પ્રતિક તરીકે લીધું. લોકો કપાસમાં ગૂંચવાઈ ગયા, તાંતણા સુધી પહોંચવાનું છે. આપણે રોજ સામાન્ય વાતોમાં પણ ફાંફે ચડી જતાં હોઈએ છીએ. તાંતણાને પામવા માટે હૃદયના તાર ઝણઝણાવવા પડે. કપાસને છૂટો પાડો તો તાર જડે, આખો કપાસ એક કાલું હોય છે. તેની માટે તો અંદરનું અજવાળું જોઈએને? અંદરના તેજથી જે પ્રજ્વલિત થયેલો હોય તેને બહારની લાઇટ્સની શી તમા? અમાસ હોય કે પૂનમ શું ફેર પડે? સ્વયંમના તેજથી અંધાર ઓગલવા માંડે ત્યારે બીજા કશાની જરૂર રહેતી નથી.

ઘણા લોકો પોતાની નિંદાથી ખૂબ ડિસ્ટર્બ થઈ જતા હોય છે. પણ આપણે તેને પોઝિટિવ લેવું જોઈએ. ગાંધીજીને એકવાર કોકે કહ્યું કે બાપુ આજકાલ ખાદીધારી લોકો પણ દારૂ પીવા લાગ્યા છે. બાપુએ જવાબ આપ્યો, એના કરતાં એમ કહોને કે દારૂ પીતાં લોકો પણ ખાદી પહેરવા લાગ્યા છે. નિંદાને નાશકારક ગણવાને બદલે ઔષધ ગણીએ તો મનનું આરોગ્ય સુધરે! એ રીતે આપણા નિંદાખોરોનો પણ આપણા વિકાસમાં હાથ હોય છે.

રાજકુમારીની વાર્તા થોડી ઝોલે ચડે? સાંભળનાર કે સંભળાવનાર કદાચ ચડે. અહીં જ તો કવિની કમાલ છે. તે વાર્તા ઝોલે ચડાવીને તે ચમત્કૃતિ ઊભી કરે છે. ગોખમાં દીવો બળે છે તેના ઉજાસમાં વાર્તા ઝોલે ચડે તે કલ્પના મનભાવન છે.
અંતિમ શેરમાં કવિએ કમાલ કર્યો છે. શબ્દ પાસે કયું કામ લેવું તે માણસના હાથમાં છે. તમારે ગાળ બોલવી કે શ્લોક તે તમારા હાથમાં છે. શબ્દ સેવવો જેવીતેવી વાત નથી. મિથ્યા બબડાટ કે નિંદાકૂથલીમાં વપરાતો શબ્દ યોગ્ય સરાણે ચડે તો રચનાત્મક પરિણામ લાવે. મિથ્યા વાણીવિલાસમાં વેડફાતા શબ્દને જો હૃદયથી સેવવામાં આવે તો માણસ સંતની કોટિને પણ પામી શકે. ચંદ્રેશ મકવાણાએ સુંદર શેર લખ્યો છે, માર્ગ મારો રોકવામાં જે સમય ખર્ચાય છે, એ સમયમાં તું હજારો માર્ગ કંડારી શકે. બીજાના માર્ગમાં રોડાં નાખવા કરતા પોતાના માર્ગ કંડારવામાં વ્યસ્ત રહેતો માણસ ક્યારેય નિષ્ફળ થતો નથી.

લોગઆઉટ

પૂર્વવત ભૂતકાળ તાજો થાય છે;
ને હજુ એક હાથ ત્યાં લંબાઇ છે!
ટુકડા રૂપે મળે છે, જે બધું,
એ બધું ક્યાં સોયથી સંધાય છે!
રક્ષવાનું હોય છે હોવાપણું,
અહીં બધુંયે એકનું બે થાય છે!
કાચની સામે રહી જો એકલો,
નિતનવા ચહેરા પ્રતિબિંબાય છે!
છે ભૂલા પડવાનો એક જ ફાયદો,
કેટલા રસ્તા પરિચિત થાય છે!
અમિત વ્યાસ
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

દ્વારિકાની વાત છે ને દીવની પણ વાત છે


લોગઇનઃ
વાત છે આદમ અને ઈવની પણ વાત છે,
જીવની પણ વાત છે ને શિવની પણ વાત છે.
આદમીની બેઉ બાજુઓ નરી ભરચક ભરી,
દ્વારિકાની વાત છે ને દીવની પણ વાત છે.
- શિવજી રૂખડા
શિવજી રૂખડા વર્ષોથી કાવ્યસાધના કરે છે. પારંપારિક ગઝલસર્જનમાં તેમનું વિશેષ પ્રદાન છે. કલાપી-બાલાશંકર કંથારિયાથી લઈને આજના ઊગતા ગઝલકારોની વચ્ચે અનેક એવા ગઝલકારો આવી ગયા, જેમણે ઓછું પણ સારું પ્રદાન કર્યું. શિવજી રૂખડા તેમાંના એક છે. ચાર પંક્તિના મુક્તકમાં તેમણે સરસ વાત કરી છે.
છેક આદમ અને ઈવથી વાતની શરૂઆત કરે છે. ઇસ્લામ, ખ્રિસ્તી અને યહૂદી ધર્મની માન્યતા અનુસાર આદમ એ પૃથ્વી પરનો પહેલો મનુષ્ય હતો. ઈવ તેમની પત્નીનું નામ હતું. આદમ અને ઈવને તમામ વસ્તુ ખાવાની પરવાનગી હતી, પણ સફરજન જેવું એક જ્ઞાનનું ફળ ખાવાની મનાઈ હતી, શેતાનના કહેવાથી તેમણે તે ફળ ખાધું અને સજારૂપે તેમને પૃથ્વી પર મોકલી આપવામાં આવ્યા. આદમ અને ઈવના મિલનથી પૃથ્વી પર મનુષ્યનો વંશવેલો ચાલુ થયો એવી માન્યતા છે. આદમ પરથી મનુષ્ય આદમી કહેવાયો. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં જેમ આદમ-ઈવની કથા છે, તેમ હિન્દુ ધર્મમાં જીવ અને શિવની કથા છે. જીવ, જે આપણા નશ્વર શરીરમાં છે તે અને શિવ એટલે પરમતત્ત્વ. પ્રત્યેક જીવે છેવટે તો શિવમાં ભળી જવાનું છે.
શિવજી રૂખડા મનુષ્યવંશ શરૂ થયો ત્યારથી જે સનાતન વાત ચાલી આવે છે તેના તરફ ઇશારો કરે છે. ખ્રિસ્તી, મુસ્લિમ, શીખ, હિન્દુ કોઈ પણ ધર્મ હોય દેરકમાં એક ધરી સમાન વાત હોય છે. બધા ધર્મો છેવટે તો એક તાંતણે ગૂંથાયેલા વિવિધ મણકા છે. દરેક માણસ એક આંતરિક નશા સાથે જોડાયેલો હોય છે. એક તત્ત્વ સાથે એકરૂપ થયેલો હોય છે. ત્રીજી પંક્તિમાં એટલે જ કવિ આદમીની બેઉ બાજુની ભરચકતાની વાત કરે છે. સારા-નરસા દરેક પાસાં માણસમાં ઠાંસીઠાંસીને ભર્યા છે. દ્વારિકાનો સંબંધ કૃષ્ણનગરી સાથે છે. જ્યાં પવિત્રતા છે. દીવ આજે શેની માટે જાણીતું છે તે કહેવાની જરૂર નથી. આમ તો દીવ એક પર્યટન સ્થળ છે, ત્યાં પોર્ટુગિઝ કિલ્લા, દરિયાકિનારો જેવાં અનેક સ્થળો મન ભરીને માણવા જેવા છે. પણ અમુક લોકો તેને નશાના તીર્થસ્થાન તરીકે જ જુએ છે. જોકે, ધર્મ પણ એક નશો છે, અને શરાબ તો નશો છે જ છે. અહીં ઘાયલ યાદ આવ્યા વિના ન રહે. તેમણે લખેલું,
તને પીતાં નથી આવડતું મૂર્ખ મન મારા,
પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી
?
આપણે ધારીએ તો દરેક વસ્તુમાં એક નશો છે. આપણી આંખ જોઈએ. શિવજી રૂખડા માણસની અંદર રહેલી બે દિશા તરફ આંગળી ચીંધે છે. એક દિશા દ્વારિકા તરફ જાય છે અને બીજી દીવ તરફ. એકમાં ધર્મનો નશો છે, એકમાં શરાબનો. એક તરફથી ધાર્મિકતા છે, બીજી બાજુ શરાબની અધમતા છે. એક તરફનો નશો મંદિર તરફ લઈ જાય છે, બીજો મદિરા તરફ. આ બંને વાત છેવટે માનવની અંદર રહેલા આદમની, ઈવની, જીવની અને શિવની છે. મરીઝે એનાથી જુદું કહેલું, તેમણે લખેલું. પીઠામાં મારું માન સતત હાજરીથી છે, મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે?” વાત, શરાબખાના અને ધાર્મિક સ્થળની છે. પણ રોજ મસ્જિદમાં જાઉં તો લોકોને થાય આ તો રોજ આવે જ છેને, કોઈને તેની પડી ન હોય. જ્યારે પીઠામાં રોજ આવે તો તેને માન ઘણું મળે, કારણ કે તે તેનો રેગ્યુલર ઘરાક હોય છે. આમ તો પ્રત્યેક શ્રદ્ધાળુ માનવી મંદિર નામની ધાર્મિક દુકાનનો ઘરાક જ હોય છે ને? 
શિવજી રૂખડાની જ ગઝલથી લોગઆઉટ કરીએ. આ ગઝલમાં ઉલા-સાનીની તુકબંધીથી સર્જાતી શબ્દગૂંથણી અને અંતે સિદ્ધ થતો રદીફ જોવા જેવો છે.
લોગ આઉટઃ
ખાલી દરવાજા ખખડાવે એની સામે વાંધો છે ભઈ,
પાછા આવીને ચીડાવે એની સામે વાંધો છે ભઈ.
જખ્મો ઉપર જખ્મો આપે એની ક્યાં ફરિયાદ કરી છે?
માથેથી મીઠું ભભરાવે એની સામે વાંધો છે ભઈ.
આગળ જાઓ, બેશક જાઓ, એની ઈર્ષા કોણ કરે છે?
લોકો ચડવાના ચકરાવે એની સામે વાંધો છે ભઈ.
એના શ્વાસો તો એના છે એમાં વાંધો હોઈ શકે ના,
બીજાના શ્વાસો રૂંધાવે એની સામે વાંધો છે ભઈ.
રોજ ભરોસો વાવું છું ને અઢળક પાણી પાઉં છું,
કાયમ આવીને કરમાવે એની સામે વાંધો છે ભઈ.
એના હિસ્સાનો એ સૂરજ ઘરમાં રાખે, છોને રાખે,
બીજાનો સૂરજ ઊઘરાવે એની સામે વાંધો છે ભઈ.
- શિવજી રૂખડા
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા