લાવો તમારો હાથ મેળવીએ


લોગ ઇનઃ

લાવો તમારો હાથ મેળવીએ 
(કહું છું હાથ લંબાવી)
કહો શું મેળવી લેવું હશે મારે
?
તમારા હાથમાં તો કેટલુંયે ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે...
શું શું નથી હોતું તમારા હાથમાં
?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ...
ખાલી તમારો હાથ
?
ના, ના, આપણા આ બેય ખાલી હાથમાંયે કેટલું છે!
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો,
અરે એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ મેળવીએ.
આપણા આ હાથ કેળવીએ
!
અજાણ્યા છો? ભલે!
તોયે જુઓ આ હાથ લંબાવી કહું,
લાવો તમારો હાથ મેળવીએ.
- નિરંજન ભગત
લાભશંકર ઠાકરે એક કવિતામાં કહેલું કે મારા હાથ પણ મારા હાથની વાત નથી. અહીં નિરંજન ભગતે માત્ર હાથ નહીં, હૈયું મેળવવાની પણ વાત કરી છે. કવિતાને સૂક્ષ્મ રીતે જોતા માત્ર હૈયું પણ નથી રહેતું, આત્મમિલન સુધી પહોંચાય છે અને એ પણ માત્ર પોતાના ઓળખીતા સાથે નહીં, તમે અજાણ્યા છો, તોય વાંધો નહીં. કવિ તો સહજભાવે હાથ માગે છે, પોતાના હાથ સાથે મિલાવવા માટે. કહે છે, લાવો તમારો હાથ મેળવીએ. વળી પ્રશ્ન પણ કરે છે કે કહો મારે શું મેળવી લેવું હશે? પ્રશ્ન એટલા માટે કરે છે કે કવિને કશું મેળવી નથી લેવું. જેને મેળવવું હોય તે પ્રશ્ન ઓછા કરે કે હું આવું કરું છું. બદઇરાદા ધરાવનારા તો રૂપાળો ડહોળ કરે, અહીં કવિ જે સ્પષ્ટતા કરે છે તે રૂપાળા ડહોળ જેવી નથી. નિતરતા નીર જેવી ચોખ્ખી છે.
રમેશ પારેખે એક જગ્યાએ લખ્યું છે,
હાથને ચીરો તો ગંગા નીકળે,
છેવટે એ વાત અફવા નીકળે.
એમણે તો આખું હસ્તાયણ લખ્યું છે. કહ્યું છે તકલાદી પોત ધરાવતા હાથમાં હસ્તરેખાના સળ પડેલા છે. આપણે આ સળને સીધા ભાગ્ય સાથે જોડીએ છીએ. ભગત સાહેબે આપણી આ માન્યતાનો અહીં બરાબર ઉપયોગ કર્યો છે. હાથ મિલાવનાર વ્યક્તિને કહ્યું છે, તમારા હાથમાં તો કેટલું ય ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. શું શું નથી તમારા હાથમાં.... લોકોને હાથના આધારે ઓળખવામાં આવે છે. માત્ર હાથની રેખાનો નકશો જોઈને આખું ભવિષ્ય ભાખી આપનારા આપણે ત્યાં ઓછા નથી. ભલે હાથમાં ધન, સત્તા અને કીર્તિ હોય, પણ કવિને અહીં એની કોઈ જ તમા નથી. તેમને તો હાથ હાથ મેળવવો છે. વળી પ્રશ્ન પણ કરે છે કે ખાલી હાથ? હા ખાલી હાથ!
ખાલી હાથ એટલા માટે કે હાથ ક્યારેય ખાલી નથી હોતા. તેમાં ઘણું બધું હોય છે. પરસ્પર હાથ મેળવવાથી એકમેકને ઉષ્મા મળે છે. મૈત્રી વધે છે. સંબંધ વધારે ગાઢ બને છે. નિદા ફાજલીએ કહ્યું છે તેમ- દુશ્મની લાખ સહી, ખત્મ ન કીજે રિશ્તા, દિલ મિલે યા ન મિલે, હાથ મિલાતે રહિયે. ભગત સાહેબે કહ્યું કે અજાણ્યા છો, તોય વાંધો નથી, આવો હાથ મેળવીએ. ઉર્દૂ શાયર હસન અબ્બાસીએ આ વાતને જરા જુદી રીતે વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે. ઉસ અજનબી સે હાથ મિલાને કે વાસ્તે, મહફિલ મેં સબસે હાથ મિલાના પડા મુઝે.ઘણી વાર આવું પણ થતું હોય છે. એક ગમતી વ્યક્તિ સાથે હાથ મેળવવાની લાહ્યમાં ઘણા બધા અણગમતાં વ્યક્તિઓ સાથે પણ હાથ મિલાવવા પડે છે. પણ અહીં સ્થિતિ અલગ છે. અજાણ્યા સાથે હાથ પરાણે નથી મેળવવાનો. આનંદથી, સુખેથી અને પોતાની ઇચ્છાથી મેળવવાનો છે. અને માત્ર હાથ મિલાવવાની ઔપચારિકતા જ નથી, એ અજાણ્યા હાથમાં રહેલ હૂંફ, થડકો અને ઉષ્મા પણ પામવાની છે. મૂળ વાત હૃદય જોડવાની છે, હાથ તો બહાનું છે.
ભગત સાહેબે કવિતા થકી ગુજરાતી ભાષા સાથે હાથ મિલાવ્યો છે અને તેની ઉષ્મા ગુજરાતી ભાષા અને સાહિત્યપ્રેમીઓ માણી રહી છે. તેમની કવિતામાં વિશ્વસાહિત્યના સ્વાધ્યાયલોકની મહેક અનુભવાય છે.  તેમની જ એક કવિતાથી લોગઆઉટ કરીએ.
લોગ આઉટઃ
કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ આપણો ઘડીક સંગ.
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ.
ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નદી આવશે વિદાયવેળા
તો કેમ કરીને ય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા,
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ.
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપંથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી,
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી.
ક્યાંકના માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ.
- નિરંજન ભગત
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

ચાલ મેકઅપ કાઢી લઉં છું હું હવે એક્ઝિટ થઈ


લોગઇનઃ
આવ પાસે બેસ ભીતર, હું હવે મડદું જ છું;
શત્રુ મારા મુજથી ના ડર, હું હવે મડદું જ છું.
ડૂબવું શું, ને શું તરવું, એ બધુંયે વ્યર્થ છે,
જિંદગીની વાત ના કર, હું હવે મડદું જ છું.
જગ! રડાવ્યો તેં મને નિષ્ઠૂર થઈ આખું જીવન,
આજ તું રડ ને હું પથ્થર, હું હવે મડદું જ છું.
પૃથ્વી પર લાખો ખુદાઓ રોજ જન્મે ને મરે,
આભમાં છે એક ઈશ્વર, હું હવે મડદું જ છું.
આંખમાંથી જે વહે છે એ નથી મારું રુદન,
થઈ ગયાં આ અશ્રુ બેઘર, હું હવે મડદું જ છું.
ચાલ મેકઅપ કાઢી લઉં છું હું હવે એક્ઝિટ થઈ,
વેશ ભજવું કોઈ નવતર, હું હવે મડદું જ છું.
હેમલ ભટ્ટ
હેમલ ભટ્ટે માત્ર 33 વર્ષની ઉંમરે જગતના મંચ પરથી એક્ઝિટ લઈ લીધી. જિંદગી નામનો મેકઅપ ઉતારી નાખ્યો. આપણે ત્યાં નાની ઉંમરે વિદાય લેનાર કવિઓ ઘણા છે. 28 વર્ષની ઉંમરે રાવજી નામના કંકુનો સૂરજ આથમ્યો, 26 વર્ષની ઉંમરે કલાપીનો કેકારવ શમ્યો, વળી 26 વર્ષની ઉંમરે જ મણિલાલ દેસાઈ નામની પલ ગુજરાતી સાહિત્યના હાથમાંથી સરકી ગઈ! માત્ર 23 વર્ષની ઉંમરે પાર્થ પ્રજાપતિએ વિદાય લીધી. હિમાંશું ભટ્ટ, જગદીશ વ્યાસ, શીતલ જોશી જેવા ઘણા કવિઓ ઓછું જીવ્યા એમ કહેવા કરતાં ઝડપથી જીવી ગયા એમ કહેવું વધારે યોગ્ય છે. સર્જક સમયપટ પર હરણફાળ ભરે છે. ઘણાં લોકો વર્ષો સુધી જીવે છે, પણ કશું ઉકાળતા નથી. તેમનું હોવું ન હોવા બરોબર છે. ઓછી ઉંમરે ચાલ્યા જનાર સર્જકો લાબું જીવનારા કરતા વધારે લાંબું જીવે છે. તે ટૂંકું નથી જીવતા, લાંબી જિંદગી જલદી જીવી જાય છે. હેમલ ભટ્ટ આવો ઝડપથી જીવી ગયેલો સર્જક છે. પોતાની 33 વર્ષની ઉંમરમાં તેમણે જે સર્જન આપ્યું છે તે ધ્યાન ખેંચે તેવું છે.
ઉપરની ગઝલ તેમના મૃત્યુના અંતિમ દિવસોમાં લખાયેલી છે. ગઝલની રદીફ તરત ધ્યાન ખેંચે છે. કવિ પોતાને મડદું ગણાવે છે. શરીરમાં જીવ ન રહે – ઊર્જા ન રહે ત્યારે શરીર મડદું ગણાય છે. ઘણા લોકો આજેય સાવ ઊર્જાવીહિન જીવે છે. આવાં લોકો જીવતા હોવા છતાં મડદાથી વિશેષ નથી. ગમે તેટલી ઊર્જાનો ધોધ તમારામાં વહેતો હોય પણ ક્યારેક તો આપણને નિરાશાનો સાપ વીંટળાઈ વળે જ છે. ત્યારે શરીર સાવ નિસ્તેજ થઈ જાય છે. એમ થાય છે કે જાણે હવે શરીર, શરીર નહીં પણ મડદું છે. હેમલ ભટ્ટ કંઈક આવી જ અવસ્થાની વાત કરે છે.
શત્રુને તે કહે છે કે મારાથી હવે ભયભીત થવાની જરૂર નથી, હું તો હવે સાવ મડદા જેવો થઈ ગયો છું. જ્યારે આવા નિર્જીવ થઈ ગયા હોઈએ ત્યારે ડૂબવું-તરવું, પામવું-ખોવું બધું વ્યર્થ છે. આખી જિંદગી માણસને દુનિયા રડાવે છે, પછી એ મરણ પામે ત્યારે તેની પાછળ સારી-સારી વાતો કરે છે. કહેવાતા રિવાજો પાળે છે. મરણ પછી કંઈ કરો ન કરો, શું ફેર પડે છે? જીવતો જાગતો માણસ શબમાં ફેરવાઈ જાય ત્યાં સુધી આપણે તેની પર ધ્યાન પણ આપતા નથી. ઘણા માણસ જીવતાં મડદાં જેવા નથી હોતા શું? આપણને એમ જ લાગે આ માણસમાં એક લાશ જીવી રહી છે. નિરાશાની ચરમસીમા તમને મડદા જેવા બનાવી દે છે. રોજ લાખો લોકો જન્મે છે અને મરે છે. સેંકડો મડદાઓ અહીં હરેફરે છે, દફનાવાય છે. પૃથ્વીનો ગોળો એક મોટા કબ્રસ્તાન સિવાય બીજું કશું નથી. આંસુ આંખમાંથી નીકળતાની સાથે જ બેઘર થઈ જાય છે. જન્મ અને મરણ નામની બે ઘટના વચ્ચે જે છે તે જીવન છે.
સેક્સપિયરે કહેલું કે આખું વિશ્વ એક મોટો રંગમંચ છે અને આપણે વિશ્વ પરના રંગકર્મીઓ છીએ. આ કવિએ જગતમાંથી પોતાની ભૂમિકા ભજવીને વહેલા એક્ઝિટ લીધી. નાનો રોલ કર્યો, પણ કવિ અને નાટ્યકાર તરીકે ઉત્તમ ભૂમિકા ભજવી. તેમની જ ગઝલથી લોગઆઉટ કરીએ.
લોગઆઉટ
બધાથી જ સંતાઈને હું ઊભો છું,
પવન છું ને ફંટાઈને હું ઊભો છું.
ન ગોફણ ન પથ્થર હતી એ બે આંખો,
કે જેનાથી અંટાઈને હું ઊભો છું.
ભલે હોઉં સૂરજ કે ચાંદો ફરક શું?
કે વાદળથી ઢંકાઈને હું ઊભો છું.
જીવન ખો-રમત છે હું ખંભો ખૂણાનો,
લો બાજી સમેટાઈને હું ઊભો છું.
હતું માનતાનું તિલક ભાલે કાલે,
છું શ્રીફળ વધેરાઈને હું ઊભો છું.
જે આંખો કહી ના શકી એ લઈને,
ગઝલમાં સમેટાઈને હું ઊભો છું.
ગગનવાસી છું હું જીવન સૌને આપું,
મરણથી વગોવાઈને હું ઊભો છું.
- હેમલ ભટ્ટ

“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

મરીઝઃ બિંદુની મધ્યમાં રહીને અનંત સુધી વિસ્તરેલો શાયર


લોગઇનઃ
મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
મરીઝ
ગઈ કાલે, એટલે કે તારીખ 20મી ઓક્ટોબરે મરીઝની પૂણ્યતિથિ હતી. ગુજરાતના ગાલીબે આ દિવસે જગતમાંથી વિદાય લીધેલી. સૂરતના પઠાણવાડામાં જન્મેલા આ શાયરે તળનું જીવન જીવીને ટોચનું કામ કર્યું છે. ગુજરાતી ગઝલના આકાશમાં તે આજે સૂર્ય સમાન ઝળહળી રહ્યા છે. કવિતાની બારીકાઈ, ગઝલનો મિજાજ અને જીવાતા જીવનની શાશ્વત વાતો તેમની ગઝલોમાં ઠાંસીઠાંસીને ભરી છે. લોકપ્રિયતા અને સત્વસીલ કવિતા બંને તેમના સર્જનમાં સંપીને રહે છે. આગમનઅને નકશા નામના બે જ સંગ્રહો આપીને ગુજરાતી ગઝલના શિખર પર સ્થાન મેળવનાર આ શાયર ખરા અર્થમાં ઓલિયો હતો. તેમનું મૂળ નામ અબ્બાસ અબ્દુલઅલી વાસી, પણ તે ગઝલમાં મરીઝતરીકે સ્થાયી થયા. નામ મરીઝ રાખ્યું, પણ ગઝલો ખૂબ સ્વસ્થ અને તંદુરસ્ત લખી.
તેમના જીવનના અનેક પ્રસંગો લોકોમાં જાણીતા છે. એક વખત એક કાર્યક્રમમાં મરીઝ સાહેબ ગઝલો રજૂ કરતા હતા અને લોકોએ હુરિયો બોલાવ્યો. એક તો તેમની બોલી સૂરતી ટોનવાળી, રજૂઆત નબળી, વળી મદિરાપાન પણ કરેલું હોય. ખૂબ સારી કવિતા હોવા છતાં લોકોએ તેમને નીચે બેસાડી દીધા. તરત જનાબ જલન માતરી ઊભા થયા અને એક પછી એક ઉત્તમ શેર વાંચવા લાગ્યા. લોકો તો ખીલી ઊઠ્યા. એકએક શેર પર ઊછળી ઊછળીને દાદ આપવા લાગ્યા. બરોબર માહોલ જામ્યો એટલે જલન સાહેબ બોલ્યા કે આ તમે જે શેરો પર ઓળઘોળ થઈને દાદ આપી રહ્યા છો, તે મારા નહીં, પણ જેમને તમે બેસાડી દીધા એ શાયર જનાબ મરીઝ સાહેબના છે. તેમને તમે સાંભળો. પછી મરીઝ સાહેબને ફરીથી ઊભા કરવામાં આવ્યા અને લોકોએ મન ભરીને તેમને માણ્યા.
પોતે શબ બનીને પડ્યા હોય અને આખું ઘર તેમની પાછળ જાગે એ ઘટનાને અય્યાશી ગણાવનાર આ શાયરને મોત વેળાની આવું વિલાસીપણું માફક નથી આવતું. વળી આ એ શાયર હતો કે જેણે ઉપર જઈને ભગવાનને પણ કહી દીધું કે તું મને દુનિયામાં મોકલીને બહુ પસ્તો હતો, પણ લે, હવે મૃત્યુનું બહાનું કરીને હું તારી પાસે પાછો આવી ગયો. જે પણ નાનીમોટી ખુશી આવી તે છેલ્લી છે, હવે પછી ક્યારેય કોઈ સુખ આવવાનું જ નથી, એવી તીવ્રતાથી સુખને માણી લેવાની ઝંખના ધરાવનાર આ શાયર જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી ગયેલો હતો. તેમણે કહેલો શેર આજે બિલકુલ સાચો પુરવાર થઈ રહ્યો છે. તેમણે લખ્યું હતું, આગામી કો પેઢીને દેતા હશે જીવન, બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.આજે તેમની ગઝલો નવી પેઢીને જીવન આપી રહી છે. અનેક શાયરો માટે તે પ્રેરણાનો સ્ત્રોત છે. મરીઝસાહેબ વિશે સુરેશ દલાલે બિલકુલ યોગ્ય કહ્યું છે, મરીઝ એ ગુજરાતી ગઝલનું મક્કા છે, જ્યાં દરેક નવા શાયરે માથું ટેકવીને આગળ વધવાનું છે.
મૃત્યુ શાશ્વત છે. દરેકના જીવનમાં મૃત્યુ  નામની ઘટના ઘટે જ છે. મરણ પછી શું છે? સ્વર્ગ કે નર્ક છે કે નહીં કોને ખબર? મરણ પછી કંઈ છે પણ ખરું? કોઈને ખબર નથી, તો જેના વિશે કશી ખબર જ નથી તેની ચિંતા શું કરવી? મરીઝ આમ પણ આવી ચિંતાના ચકરાવે ન ચડનારો શાયર હતો. એટલા માટે જ તો કદાચ એ જિંદગીમાં આમતેમ રહ્યો. આખી જિંદગી ફાંકામસ્તીમાં જીવેલા આ શાયરે જિંદગી ભલે અસ્તવ્યસ્ત વીતાવી, પણ શાયરીમાં સુવ્યવસ્થિત કરી છે, તેમાં કોઈ બેમત નથી. આ તો બિંદુની મધ્યમાં રહીને અનંત સુધી વિસ્તરેલો શાયર છે. આવો શાયર ક્યારેય મરતો નથી. મરીઝ આજે પણ ક્યાં મર્યા છે? એ દરેક કવિતાપ્રેમીના હૃદયમાં જીવે છે અને અનંતકાળ સુધી જીવતા રહેશે. તેમની પુણ્યતિથિએ તેમના મૃત્યુ વિશેના થોડાક પસંદીદા શેરથી અંજલિ પાઠવીએ.
લોગઆઉટ
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
*
દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
*
મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
*
જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
*
મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં મરીઝ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
*
હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.

“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

મૃત્યુ એવી પ્રક્રિયા છે, જે જન્મ સાથે જ શરૂ થઈ જાય છે!


લોગઇનઃ
સૃષ્ટિને જોયા કરું છું ઓગણીસો ત્યાંસીથી,
ને સતત રોયા કરું છું ઓગણીસો ત્યાંસીથી!
રોજ નીકળું છું ઘરેથી, રોજ પાછો આવું છું,
રોજ મોં ધોયા કરું છું ઓગણીસો ત્યાંસીથી.
મારો છેડો આવશે કઈ તારીખે કોને ખબર,
જિંદગી ખોયા કરું છું ઓગણીસો ત્યાંસીથી.
મારા જીવનમાં નથી ચમકારો વીજળીનો છતાં,
મોતીઓ પ્રોયા કરું છું ઓગણીસો ત્યાંસીથી.
આપને શીખવા મળી વ્યવહારની સાચી અદબ,
હું તો બસ યો-યા કરું છું ઓગણીસો ત્યાંસીથી.

મેહુલ પટેલ ઈશ
જીવનનાં બે દ્વાર છે, જન્મ અને મૃત્યુ. જન્મ નામના બારણાંમાંથી માણસ જગતમાં પધારે છે અને મૃત્યુના દ્વારેથી પાછો ફરે છે. મૃત્યુ એક એવી પ્રક્રિયા છે, જે જન્મની સાથે જ શરૂ થઈ જાય છે. ઈશ્વરમાં માનતો કે ન માનતો માણસ પણ મૃત્યુમાં તો માને જ છે. તેના વિના છૂટકો નથી. કાર્લ ડગ્લાસ નામના અંગ્રેજી લેખકનું એક સુંદર વાક્ય છે, જીવનને હળવાશથી લેવું, આમેય તમે એમાંથી જીવતા બહાર નીકળવાના નથી. પણ આપણે જિંદગીને હળવાશથી લેવાનું ચૂકી જઈએ છીએ. આપણે ચિંતનપુરુષ બનવું જોઈએ, એના બદલે ચિંતાપુરુષ બની જઈએ છીએ.
ઉપરની ગઝલમાં કવિએ રદીફ જન્મની રાખી છે, પણ વાત મૃત્યુની કરી છે. જન્મવર્ષને રદીફ તરીકે રાખીને નહીં કહીને પણ ઘણું કહી દીધું છે. ઓગણીસો ત્યાંસી તો માત્ર પ્રતીક છે, ત્યાં દરેક વ્યક્તિ પોતાની જન્મતારીખ ધારી શકે છે. જન્મીને માણસ શું કરે છે, સૃષ્ટિને નીરખ્યા કરે કરે છે, તેને અનુભવે છે, શીખે છે. બીજું શું કરે છે? તો કહે, બસ જીવનનાં રોદણાં રોયા કરે છે. માણસ પાસે ફરિયાદો સિવાય છે શું? તમે જન્મ્યા ત્યારથી આજની તારીખ સુધી તમે શું કર્યું? એનો જવાબ કદાચ આ ગઝલમાંથી તમને મળી જાય તો નવાઈ નહીં.
માણસની જિંદગી ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘર સુધીમાં પતી જાય છે. બેફામ સાહેબે અદ્ભુત લખ્યો છે, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.માણસનો ખરો પ્રવાસ તો ઘરથી કબર સુધી જ હોય છેને? એટલામાં પણ હાંફી જવાય છે. રોજ પોતાના રહેઠાણથી નીકળવાનું અને પાછા ફરવાનું. આ જ જાણે કે પરિક્રમા છે. આ પ્રવાસમાં સમયના જળથી રોજેરોજ મોઢું ધોયા કરવાનું છે. ક્યારે મૃત્યુની બેલ વાગશે, દરવાજો ખૂલશે અને એક અજાણ્યા ઘરમાં પ્રવેશ થશે તે કહેવાય નહીં. ચીનમાં એક કહેવત છે, મૃત્યુ એટલે એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવું. આપણે ઓરડો ક્યારે બદલવાનો છે, એની કોઈને ખબર નથી હોતી, પણ એક વાત નક્કી છે કે જિંદગી દરરોજ ઓછી કરતા જવાનું છે. આપણે ઉંમરના વર્ષ વધારતાં જઈએ છીએ અને આયુષ્યનાં ઘટાડતાં જઈએ છીએ. જ્યારે આપણે મોટાં થઈએ છીએ, ત્યારે ખરેખર તો નાનાં થતાં હોય છે. એટલી આપણી જિંદગી ટૂંકાતી હોય છે.
ગંગાસતીએ વીજળીના ચમકારે મોતીડાં પરોવવાની વાત કરી હતી. પણ દરેકના નસીબમાં એવી વીજળીના ચમકારા ન પણ હોય. ઘોર અંધારે પણ મોતીડાં પરોવવા પડે. એનું નામ જ તો જિંદગી છે. બધાનાં જીવન સરખાં હોય તો એનો અર્થ શું? મેહુલ પટેલ આ વાત સારી રીતે જાણે છે, એટલે જ કહે છે મારા જીવનમાં વીજળીનો ચમકારો નથી, પણ મોતીઓ પ્રોયા કરું છું. એક વ્યક્તિ વ્યવહારુ હોય તો બીજી ન પણ હોય. છતાં આપણે જીવવાનું બંધ નથી કરી દેતા.
જન્મ્યા ત્યારથી આજ સુધી તમે શું કર્યું તેની પર આછી નજર કરજો. તમને આ કવિતામાં છુપાયેલાં ઘણાં રહસ્યો પામવા મળશે. છેલ્લે જે વર્ષ લખ્યું છે, તેની જગ્યાએ તમારી જન્મતારીખ લગાડીને પણ આ ગઝલને ફરી વાંચી જોજો. શક્ય છે તમારી અંદર કંઈક નવું સ્ફૂરી જાય. કવિતા આમ પણ માંહ્યલાને ખંગાળવાનું કામ કરતી હોય છે. રોજના દોઢ કે બબ્બે જીબી ફ્રી ઇન્ટરનેટના સમયમાં અંતરનેટની ડાળી પર મીઠો ટહુકો કરે એવી એકાદ કવિતા વાંચવા મળી જાય તો માંહ્યલો રાજીરાજી થઈ જાય. જીવનને કશુંક નવું તથ્ય પામવા મળે...  આ કવિતા અંતરને ખંગાળે એવી છે. મેહુલ પટેલની કવિતામાં કલ્પના, પ્રતીકો અને તેની રજૂઆત નવીનતા ઊડીને આંખે વળગે તેવી છે. સરળતા તેનો પ્રાણ છે. ચીવટતાથી કરાતી શબ્દગોઠવણી પણ ધ્યાન ખેંચે છે. નવા કવિઓમાં આવું કૌવત જોવા મળે તે ગુજરાતી કવિતા માટે સારી નિશાની છે.
Top of Formલોગઆઉટ
નાનકડી એક જગામાં પક્ષી મરી ગયું,
રીબાઈ પાંજરામાં પક્ષી મરી ગયું!
ઘરમાં રહ્યું સુશોભન માટેની ચીજ થઇ,
માણસની સરભરામાં પક્ષી મરી ગયું.
બેઠું હતું મજાથી આંબાની ડાળ પર,
આવ્યું જ્યાં બંગલામાં પક્ષી મરી ગયું.
કેવી હતાશા સાથે ઉગી સવાર આજ–
ભાણીએ કીધું મામા પક્ષી મરી ગયું.
પ્રેમીની જોડી તૂટે તો થાય શું બીજું,
પક્ષીને ચાહવામાં પક્ષી મરી ગયું.
નીકળ્યું હતું ઘરેથી આકાશ આંબવા,
પથ્થરના એક ઘામાં પક્ષી મરી ગયું.
મેહુલ પટેલ ‘ઈશ’
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

અમદાવાદ

208ની ઝડપે દોડતું 108નું શહેર છે
આમ ઓગળી ગયેલું ને આમ ગાંઠનું શહેર છે

જબ કૂત્તે પે સસ્સા આયા’ની જૂની ઘટનાનું
અડધું-પડધું હકીકતોનું ને અડધું સપનાનું
બૂમ પાડો તો બ્હેરું ને મૂગા રહો તો પડઘાનું
કરી શકો તો જલસાનું, નહીંતર મડદાનું

અડધું શંકાનું, અડધું શ્રદ્ધાનું
આમ કોઈનું નહીં ને આમ બધાનું...

સી.જી. રોડ,
એસ.જી. રોડ,
એમ.જી. રોડ...

નમ્રતા એટલી કે રોડને પણ ‘જી… જી…’ કહીને બોલાવે
પણ ક્યારેય આજીજી ન કરે...

આશ્રમ જેવા આશ્રમને તો રોડ બનાવી દોડે
ગાંધી, નહેરુ, સુભાષ, સરદારને તો બ્રીજ બનાવી
એમની પર માલની હેરાફેરી કરે
તમને સિગારેટ જેમ પી જાય ને ધુમાડો પણ બહાર ન આવવા દે
બકા… બકા…’ કહીને બચકું ભરી લે ને ખબર પણ ન પડે
મીઠાની જરીક મુઠ્ઠી ભરવા માટે
છેક કોચરબથી દાંડી સુધી હાથ લાંબો કરે...

ટૂંકમાં,
માત્ર કૂપન માટે જ છાપું ન મંગાવતા આ શહેરને
પોળમાં રહેવું ગમે છે
ડ્હોળમાં નહીં!

અનિલ ચાવડા

આ કવિતાનો વીડિયો પણ જુઓઃ

દામ્પત્યજીવનની મીઠી નોંકઝોંક


લોગઇનઃ

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો!

રામ! તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ જો!
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો!
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો!
તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું જળમાં માછલી થઈશ જો!
તમે થશો જો જળમાં માછલી, હું જળમોજું થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો!
તમે થશો જો આકાશ વીજળી, હું મેહુલિયો થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો!
તમે થશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો!

લોકગીત

આજે નવરાત્રી અને ગરબાનો અર્થ ધરમૂળથી બદલાઈ ગયો છે.  કોઈ પાર્ટીપ્લોટમાં કે સોસાયટીમાં મળીને ફિલ્મીગીતો પર નાચવાનો અર્થ ગરબામાં ગણાવા લાગ્યો છે. જૂના પરંપરાગત લોકગીતો, રાસ અને ગરબાઓનું સ્થાન ફિલ્મીતો અને સંકર શબ્દોએ લઈ લીધું છે. આવા વાતાવરણમાં ક્યાંય જો દેશી ઢાળનો ગરબો, લોકગીત, રાસ, રાસડા સાંભળવા મળે તો ખેલૈયાને સાત્વિક રસલ્હાણ મળે છે. આપણી દેશી પરંપરાની ખરી સોડમ આવાં દેશી ગીતોમાંથી જ મળે છે. ઉપરનું ગીત આવું જ એક લોકગીત છે. લોકગીતનો અર્થ જ થાય, લોકો દ્વારા રચાયેલું. તેનો કોઈ એક સર્જક નથી હોતો. તે લોકો દ્વારા વારે-તહેવારે-પ્રસંગે ગવાતું રહે છે, રૂઢ થતું રહે છે, તેમાં ફેરફારો થતા રહે છે. આ રીતે ઘાટ પામતું જાય છે. આપણે ત્યાં આવાં લોકગીતોની એક મોટી પરંપરા છે. ઝવેરચંદ મેઘાણીએ અનેક લોકગીતો ગામડે-ગામડે ફરીને તળના લોકોમાંથી ખોળી કાઢ્યાં છે.

ઉપરનું ગીત પણ આપણા તળના લોકસાહિત્યનું ઘરેણું છે. આપણા અનેક જાણીતા ગાયકોએ તેને કંઠ આપ્યો છે. આજે પણ આ લોકગીત ઠેરઠેર ગવાય છે. આમ તો આ લોકગીતમાં રામ-સીતાના દામ્પત્યજીવનના મીઠા ઝઘડાની જ વાત છે. જોકે માત્ર રામ-સીતાના ઝઘડાની જ નહીં, દરેક પતી-પત્નીના મીઠા ઝઘડાની વાત કરતી મધુર વાણી છે. કયા દંપતીમાં મીઠી નોકજોક નથી થતી? પ્રસન્ન દામ્પત્યજીવનનું આ ઉત્તમ અને મધુર કાવ્ય છે.

આ લોકગીત વાંચી-સાંભળીને સામાન્ય માણસને થાય કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને કેવી રીતે માર્યા હશે? લવિંગની તે કાંઈ લાકડી હોય? વળી ફૂલ કેરા દડુડિયે સીતાએ વેર વાળ્યાં જો, એટલે શું? ફૂલના દડા મારવાથી ઓછું કાંઈ વેર વળે? પણ એની જ તો મજા છે આ લોકગીતમાં. સાચેસાચી મોટી કાળીયાળી ડાંગ લઈને પતિ પત્નીને ફટકારતો હોય અને સામે પત્ની દડા જેવા ગોળમટોળ મોટા પથરા ઝીંકતી હોય તો આમાં દામ્પત્યજીવનનો પ્રેમ ક્યાં રહ્યો? એ રીતે ઝઘડે તો દામ્પત્યજીવનનો દમ નીકળી જાય. બીજા દિવસે પતિ-પત્ની બંને પોલીસ સ્ટેશનમાં બેઠા હોય! આ લોકગીતમાં તો મીઠા પ્રેમની મહેક માણવાની વાત છે.

આપણે ત્યાં કૃષ્ણ અને રાધાની પ્રણયગોષ્ઠિનાં અનેક કાવ્યો છે, રામ-સીતાને ધ્યાનમાં રાખીને લખાયેલાં ગીતો ખૂબ ઓછાં છે. આ ગીત તેમાંનું એક છે. સીતા રામથી રીસાઈ ગયાં છે, અને રામ તેમને મનાવે છે. આ રીસામણી-મનામણીની જે મીઠી તડજોડ છે તે ફૂલની પાંદડીઓ જેમ ગોઠવાઈ છે. દરેક પંક્તિ એક પછી એક માણતા જાવ એટલે જાણે મીઠી મહેકનું ફૂલ ઊઘતું હોય એવો અહેસાસ થાય. સીતાને જવું અને રામને જવા દેવા નથી આટલી જ વાત છે. રામને જગ્યાએ તેમની સાથે રહેવું છે, પડછાયા જેમ! સીતા કહે હું બીજા ઘરે બેસવા જતી રહીશ, રામ કહે હું વાતોડિયો થઈશ. સીતા કહે હું દળવા જતી રહીશ, તો રામ હું ઘંટુલિયો થઈ જઈશ. સીતા ખાંડવાની વાત કરે તો રામ સાંબેલું બનવાનું કહે. સીતાજી જળમાં માછલી બને, તો રામ મોજું થઈ જાય. સીતા આકાશની વીજળી થાય તો રામ મેહુલિયો બને! અંતે સીતા બળીને રાખ થવાની વાત કરે છે. કદાચ આમાં સીતાજીની અગ્નિપરીક્ષાનો સંદર્ભ તો નહીં હોય? પુરાણકથાના નાયકે જે કર્યું હોય તે, પણ આ લોકગીતનો નાયક રામ તો કહે છે કે સીતાજી તમે રાખ થશો તો હું એ રાખની ભભૂતિ અંગે લગાવી લઈશ, ભભૂતિયો થઈ જઈશ. પણ હંમેશાં તમારી સંગે રહીશ.

રામ-લખમણની વાટ જોતા સીતાજીની વાત કરતા એક સુંદર લોકગીતથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ,
આજ મારે આંગણે રે
, પ્રભુજી દાતણ કરતા જાવ,
દાતણ કેમ કરીએ રે? જાવું સીતાને દરબાર,
સીતા એકલા રે, જુએ રામ લખમણની વાટ

આજ મારે આંગણે રે, પ્રભુજી ના’વણ કરતા જાવ,
નાવણ કેમ કરીએ રે
? જાવું સીતાને દરબાર,
સીતા એકલા રે, જુએ રામ લખમણની વાટ

આજ મારે આંગણે રે, પ્રભુજી ભોજન કરતા જાવ,
ભોજન કેમ કરીએ રે
? જાવું સીતાને દરબાર,
સીતા એકલા રે, જુએ રામ લખમણની વાટ

લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ,
આજ મારે આંગણે રે, પ્રભુજી મુખવાસ કરતા જાવ,
મુખવાસ કેમ કરીએ રે? જાવું સીતાને દરબાર,
સીતા એકલા રે, જુએ રામ લખમણની વાટ

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

ઘર

(1)
બળદની ખૂંધ પર જે રીતે ખેડૂત પરોણાની આર મારે તેમ
વર્ષોથી ખાલી પડેલા ઘરના મોભારાની એક તિરાડમાંથી
સૂરજ રોજ ઘરની ખૂંધ પર કિરણના પરોણાની આર માર્યા કરે છે.

(2)
ઈંટ, સિમેન્ટ અને લાકડાઓના ટેકે શું ઊભું છે?
એ તો રામ જાણે
ઘર તો ક્યારનું ઘર છોડીને ભાગી ગયું છે.

(3)
રોજ અડધી રાત્રે
ક્યાંકથી એક દીવાની જ્યોત
ઊડતી ઊડતી આવે છે
અને ઘરમાં જઈને અદૃશ્ય થઈ જાય છે
ઘરમાં અજવાળાનો એક ટુકડો
સતત રિબાય છે

(4)
લોકો કહે છે
રોજ રાત્રે એ ઘરમાં કોઈક રડતું હોય છે
બધા કહે છે એ ભૂત છે…
પણ શું
ઘર પોતે રડતું ન હોઈ શકે?

(5)
તું કહેતો હતો,
ઘરની અંદર વર્ષોથી કોઈ ચિત્રો દોરી રહ્યું છે’
તો દોરે જ છે ને!’
પણ અંદરની દીવાલ પર તો ઊખડેલાં પોપડાં સિવાય બીજું કંઈ જ લાગતું નથી,
બધું વર્ષોથી આમ જ ખાલીખમ પડ્યું હોય એમ લાગે છે.’
હું એ જ તો કહું છું, ત્યાં વર્ષોથી કોઈ ખાલીપો ચીતરે છે.’

અનિલ ચાવડા

મન, હું કેમ તને સમજાવું?


લોગઇનઃ

મન, હું કેમ તને સમજાવું?
સહેલું ક્યાં છે ગીત હૃદયનું લયમાં ઢાળી ગાવું,

કહેવું તું એ તડકે મૂકી કાન મેં સરવા રાખ્યા,
હોવું હાથની બ્હાર હતું તે થાવાના ફળ ચાખ્યાં,
હોય પલાખા સંબંધોમાં, એમાં ક્યાંથી ફાવું
?
મન, હું કેમ તને સમજાવું?

ક્ષણની ઉપર ક્ષણની ઝીણી છાપ સતત અંકાતી,
જાત સમયના નિંભાડે એમ સોનલવરણી થાતી,
આમ તરોતાજા રહેવા અહીં રોજ પડે કરમાવું,
મન, હું કેમ તને સમજાવું
?

તું તો સપનાં જોવા કાજે સોળ સજે શણગાર,
મારા કાંડા રોજ કપાતાં કરવા એ સાકાર,
તારી સાથે સહમત થાવા ખુદની સામે થાવું
?
મન, હું કેમ તને સમજાવું
?

લક્ષ્મી ડોબરિયા

મનને સમજાવવા ન સમજાવવા વિશે રાજેન્દ્ર શુક્લએ અદભુત શેર લખ્યો છે, આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે.” આપણે પોતાની જાતને આ શેર જેટલી જ ધરપત આપવાની હોય છે, છતાં આખી જિંદગી મનને સમજાવવામાં ગોથાં ખાધાં કરીએ છીએ. મનનો મુંઝારો ઓછો કરવા મથતા રહીએ છીએ. દલપત પઢિયારે પણ લખ્યું છે કે, મન તારે મુંઝાવું નંઈ, સોનાની હોય તોય જાળ અંતે જાળ છે, માછલીને મરવાનું મહીં.છતાં મનને સમજાવવાની વૃત્તિ જતી નથી.

લક્ષ્મી ડોબરિયા માનવમનની આ ગડમથલ ખૂબ સારી રીતે જાણે છે, તેમને ખબર છે કે બધું જ સમજ્યા પછી પણ મનને તો સમજાવવાનું જ છે, એટલા માટે જ તે સવાલ કરે છે, મન કેમ તને સમજાવું? આમ જુઓ તો માણસની આખી જિંદગી મનને સમજાવવામાં જતી રહે છે. મન ભમ્મરિયા કૂવા જેવું છે, તેમાં ઊતર્યા પછી બહાર આવવું અઘરું છે. એ વિચારોના વહેણમાં આપણને તાણી જાય છે, એ મનમાં ને મનમાં માયાજાળ રચે છે અને આપણને તેમાં ભરમાવતું જાય છે. મન જો રીઝે તો રાજપાઠ જેવું સુખ આપે ને ખીજે તો નર્કમાં ય રહેવા જેવું ન રાખે. આપણા સંતોએ તેને માંકડા સાથે સરખાવ્યું છે તેમાં સહેજ પણ ખોટું નથી. ચિનુ મોદીએ તો મનને ગાળો ભાંડીને એવું લખ્યું કે, માદરબખત મન, તારે હોત તન તો અંગેઅંગે કાપત તને... ઘાએ ઘાએ મીઠું ભરત...પણ આ બધું કર્યા પછી મન તો પોતાનું ધાર્યું જ કરવાનું છે, એ કોઈનું સમજ્યું સમજવાનું નથી. એને હૃદયની ભાષા સમજાતી નથી. આમ પણ હૃદયનું ગીત ગરબડ ગોટાળાવાળું હોય છે, તેને સરળ રીતે લયમાં વહેતા નથી ફાવતું.

માણસનું અસ્તિત્વ એના પોતાના હાથમાં નથી. જન્મ લેવાની સ્વતંત્રતા મનુષ્યને મળી હોત તો કોઈ ગરીબ કે પછાતને ત્યાં જન્મત નહીં. પણ હોવું આપણા હાથની વાત નથી. એટલે અસ્તિત્વનું ફળ જેવું મળે તેવું ખાધા વિના છૂટકો નથી. કવિએ પણ આ ફળ ખાધું છે, પણ સંબંધોમાં અટવાયા છે, તેમને ગણતરી નથી ફાવતી. ગણતરીબાજ દુનિયામાં મારું કામ નથી. એમ કહી તે પોતાના મનને સમજાવ્યા કરે છે.

જેટલું ઘસાઈએ એટલા ઉજળા થઈએ એ ન્યાયે સમય આપણી સાથે ઘસાઈને સતત પસાર થઈ રહ્યો છે. સમય આપણને ઘરડા બનાવવામાં વ્યસ્ત છે. સમયની ભઠ્ઠીમાં તપીને આપણે સોનલવરણા થવાનું છે. જન્મતાની સાથે જ સમય આપણને મૃત્યુ ભણી ધકેલી રહ્યો છે. છતાં આપણે કાળની ભઠ્ઠીમાં તપીને ઊજળા થવા મથતા રહેવાનું છે. એ રીતે કરમાઈને પણ તાજા રહેવાનું છે. શેકાયેલા દાણા ક્યારેય ઊગી શકતા નથી. છતાં ઊગવાનો ડહોળ કરવાનો છે.
મન તો રાજીને રેડ થઈને સપનાં જુએ છે, પણ કેટલી વીસે સો થાય એ તો હૃદય જ જાણે. એક સપનું પૂરું કરવા માટે હજારો સંઘર્ષોમાંથી પસાર થવું પડતું હોય છે. કવિ અહીં મનનાં તમામ સપનાં પૂરા કરવા મથ્યા કરે છે. જે હાથે સપનાં પૂરા કરવાનાં હોય છે, એ જ હાથના કાંડા કપાવા પડે છે, એ જ જિંદગીની કરૂણતા છે.

લક્ષ્મી ડોબરિયા મનની ગૂંચ જાણીને વિચારો વ્યક્ત કરી શકે છે. એટલા માટે તે આંતરમનમાં તરતી કલ્પનાઓને સફળ રીતે કવિતાનું રૂપ આપે છે અને સરસ કવિતા નિપજાવે છે.  મન વિશેની તેમની જ એક અન્ય કવિતાથી લોગઆઉટ કરીએ. 

લોગઆઉટ

મનનું તો બસ એવું છે કે નહીં ડાબું નહીં જમણું,
ગમતી ક્ષણમાં તાડ નહીં ગમતીમાં ઝીણું તરણું.

મન માને તો તમરાંને પણ બોલાવી લે ઘેર,
નહીંતર સરગમ સાથે જાણે સાત જનમનું વેર,
મનમોજી એવું કે પળમાં પથ્થર, પળમાં ઝરણું,
મનનું તો બસ એવું છે કે નહીં ડાબું નહીં જમણું.

આમ જુઓ તો મનને કેવળ સમજણ સાથે નાતો,
સાર ગ્રહે તો પાર ઉતારે, નહીંતર ખાલી વાતો,
ભેદ હકીકતના તાગે છે જોઈ નાજુક શમણું,
મનનું તો બસ એવું છે કે નહીં ડાબું નહીં જમણું.

અજવાળી ક્ષણ આંખે આંજી સોળ કળાએ ખીલે,
ચૈતરમાં ગુલમ્હોર બતાવી તાપ સમયનો ઝીલે,
પરપોટીલા સુખ સાથે દુઃખ માંગે સોનલવરણું,
મનનું તો બસ એવું છે કે નહીં ડાબું નહીં જમણું.

~ લક્ષ્મી ડોબરિયા

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

એક અધૂરું પ્રેમકાવ્ય – અનિલ ચાવડા

વર્ષો બાદ એણે ખુદ સામેથી મને કહ્યું,
આઈ લવ યુ, ડૂ યૂ લવ મી?”
ત્યારે હું
એક ઊં…ચા પર્વતની ટોચ પરથી
ખીણ તરફ ઢળેલા ઝાડની ડાળી
દાંત વચ્ચે દાબીને
કપાયેલા બે હાથ સાથે
નિ:સહાય લટકી રહ્યો હતો,
જો બોલું
તો ખીણમાં જાઉં
અને
ન બોલું તો પણ….

અનિલ ચાવડા

આ કવિતાનું પઠન પણ સાંભળોઃ