એક ચિનગારી જરૂરી છે


લોગઇનઃ

એક જ દે ચિનગારી, મહાનલ! એક જ દે ચિનગારી.

ચકમક  લોઢું  ઘસતાં ઘસતાં  ખરચી  જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી,
મહાનલ… એક દે ચિનગારી…

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી  આભઅટારી,
ના સળગી એક સગડી મારી,  વાત  વિપતની ભારી,
મહાનલ… એક દે ચિનગારી…

ઠંડીમાં   મુજ   કાયા   થથરે,   ખૂટી    ધીરજ   મારી,
વિશ્વાનલ! હું અધિક ન માગું,  માગું એક ચિનગારી,
મહાનલ… એક દે ચિનગારી…

હરિહર ભટ્ટ

હરિહર ભટ્ટનો જન્મ 1-5-1895માં અને અવસાન 10-3-1978માં. તેમના કાવ્યોમાં પ્રભુશ્રદ્ધા, જીવનની આશા, રાષ્ટ્રભાવ તથા ગાંધીચીંધી દલિતભક્તિ જેવા વિષયો આલેખાયેલા જોવા મળે છે. ગેય ઢાળોમાં રચેલાં એકવીસ લઘુ ઊર્મિકાવ્યોનો સંગ્રહ તેમની પાસેથી મળે છે. હરિહર ભટ્ટનું આ સુપ્રસિદ્ધ કાવ્ય છે. તેમણે માત્ર આ એક જ કાવ્ય લખ્યું હોત તો પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમજ લોક-જીભે સદાને માટે અમર બનીને રહેત. કવિતામાં રહેલી ચીનગારીની યાચના ભાવકના ચિત્તમાં પણ તેજ પ્રગટાવે છે.

આ કાવ્ય વિશેનો ઇતિહાસ જાણવા જેવો છે. હરિહર ભટ્ટ 1920થી 1930 સુધી ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહેલા. તે દરમ્યાન 1925મા તેમને ગીજુભાઈ બધેકાએ ભાવનગરની દક્ષિણામૂર્તિમાં લોન પર શિક્ષક તરીકે બોલાવેલા. ત્યાંના તખ્તેશ્વર મંદિર સુધી સાંજે તેઓ ફરવા જતા. ત્યારે આ કાવ્યની પ્રેરણા તેમને થ. અને સૌ પ્રથમ કુમાર માસિકમાં પ્રકાશિત થયું. આ કાવ્ય પર નરસિંહરાવ દિવેટિયા, રામનારાયણ વિ. પાઠક, . . ઠાકોર જેવા સુપ્રસિદ્ધ કવિઓ-વિવેચકોએ વિવેચન લખીને તેને ખૂબ વખાણ્યું છે. ગાંધીજીના પ્રિય અને તેમની પ્રાથનાસભામાં ગવાતા ભજનોની આશ્રમ ભજનાવલીમાં તેને સ્થાન મળ્યું છે, વિશ્વની મહાન ફિલ્મોમાં સ્થાન પામનાર રીચર્ડ એટનબરોએ ડિરેક્ટ કરેલ ઓસ્કાર એવોર્ડ વિનિંગ ફિલ્મ ગાંધીમાં માત્ર બે ગુજરાતી કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, એક નરસિંહ મહેતાએ લખેલું ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ...અને બીજું એક જ દે ચિનગારી…’ આ બધી જ ઘટનાઓ આ કવિતાની ઉત્તમતા સિદ્ધ કરે છે. વર્ષોથી તેને ગુજરાતની શાળાઓમાં પ્રાર્થના તરીકે ગાવાતી આ કવિતાનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં કોહિનૂર સમાન છે.

રઘુવીર ચૌધરીએ આ કાવ્ય વિશે બિલકુલ યોગ્ય વાત લખી છે, “‘એક જ દે ચિનગારી’ ગીત અમારી પેઢીએ પ્રાર્થનારૂપે ગાયું છે. કવિએ સુખસંપત્તિનો લોભ નથી દાખવ્યો. કશી મોટી આકાંક્ષા વ્યકત નથી કરી, માત્ર એક પ્રકાશકણ માગ્યો છે. જ્ઞાનની આ અભીપ્સા ગીતાના અનાસક્ત કર્મ સાથે સંવાદિતા ધરાવે છે. લોકભાષાની લઢણનો  ઉપયોગ કરી લખાયેલ ગેય રચના ‘ગામઠી-ગીતા’ હળવી શૈલીએ લખાયેલી રચના લાગશે પણ એની લોકપ્રિયતાના મૂળમાં વિનોદ નથી, ગીતાનો મર્મ અને બોલચાલની ગુજરાતી ભાષા કવિને આત્મસાત થવાનું  પ્રમાણ છે.

જે કવિતા લોકોના હૃદયમાં ફૂલ જેમ ખીલેલી છે. અનેક લોકોના ચિત્તમાં જેણે ચિનગારી પ્રગટાવી છે, વળી અનેક જાણીતા કવિઓ-વિવેચકોએ ઉત્તમતાનું પ્રમાણ ઓલરેડી આપી દીધું છે, તે કવિતાને વિવેચનના વહાણમાં બેસાડીને ભાવકને દરિયાના ઘૂઘવાટા ન સંભળાવાય. આ તો માણીને મમળાવવાની કવિતા છે. તેમાંથી પોતાનું તેજ પ્રગટાવવાની કવિતા છે. એમાં ખોવવાવાની કવિતા છે. તેના શબ્દોને પ્રાર્થનારૂપે આત્મસાત કરી પોતાની જામગરીને પલીતો ચાંપવાની ચાવી છે. કવિતા પ્રાર્થનાનું સ્વરૂપ પામે તેમાં કવિ અને કવિતા બંનેનું સદભાગ્ય છે. આ સદભાગ્ય હરિહર ભટ્ટ સુપેરે પામ્યા છે. તેમની કલમમાં રહેલી ચીનગારીએ હજારો લોકોના હૈયામાં દીવો પ્રગટાવ્યો છે. આવી કવિતા વર્ષોના તપ પછી ઊતરી આવતી હોય છે. આમ પણ માણસે મહાનલ, અર્થાત મહાઅગ્નિ પાસે એક ચીનગારી જ માગવાની હોય છે. બાકી તો આખી જિંદગી ચમક લોઢું ઘસ્યા કરીએ તોય કશું વળતું નથી. જીવનમાં એક ચીનગારી જરૂરી છે. માત્ર એક તણખો પડે તો આપોઆપ જ્વાળા પ્રગટી ઊઠે. તેજ પ્રસરાઈ જાય. અહીં જામગરીશબ્દ કવિએ પ્રયોજ્યો છે. જામગરી અર્થાત તોપ કે બંદુકમાંના દારૂને ફોટવા માટે સળગાવવામાં આવતી દોરી, લાકડી કે વાટ... આવી કવિતા આપોઆપ લોકોના હૈયામાં ચીનગારી પ્રગટાવતી હોય છે.

આપણે ત્યાં પ્રતિકાવ્યોની પણ પરંપરા છે. કહેવાય છે કે જ્યોતીન્દ્ર દવે તેમના સમકાલીનોની કવિતા પર સરસ પ્રતિકાવ્ય રચી કાઢતા. હરિહર ભટ્ટના આ કાવ્ય પરથી ન. પ્ર. બૂચે હળવી શૈલીમાં પ્રતિકાવ્ય રચ્યું છે, તે પણ માણવા જેવું છે. તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

યાચે શું ચિનગારી, મહાનર, યાચે શું ચિનગારી?

ચકમક-લોઢું મેલ્ય પડ્યું ને બાકસ લે કર ધારી;
કેરોસીનમાં છાણું બોળી ચેતવ સગડી તારી.
મહાનર, યાચે શું ચિનગારી?

ના સળગ્યું એક સગડું તેમાં આફત શી છે ભારી?
કાગળના ડૂચા સળગાવી લેને શીત નિવારી
મહાનર, યાચે શું ચિનગારી?

ઠંડીમાં જો કાયા થથરે, બંડી લે ઝટ ધારી;
બે-ત્રણ પ્યાલા ચા પી લે કે ઝટ આવે હુંશિયારી…
મહાનર, યાચે શું ચિનગારી?

~ ન. પ્ર. બુચ

ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

ક્યાંક પણ જો આંખથી છાંટો ખરે તો દે ખબર


લોગઇનઃ
ઝાડ પરથી પાંદ જો લીલું ખરે તો દે ખબર,
પાનખર સમ કોઈ આવી છેતરે તો દે ખબર.
શ્વાસની છે આવ-જા? તો વાત આખી છે અલગ;
સાવ અમથું જો હવા કૈં ખોતરે તો દે ખબર.
આજ પણ એ ઉંબરે આવી અને પાછાં ફર્યાં;
જો ફરી વેળા સ્મરણ પાછાં ફરે તો દે ખબર.
એ પછી જળની હકીકત આવશે સામે તરત;
ક્યાંક પણ જો આંખથી છાંટો ખરે તો દે ખબર.
આમ તો એ વાતને માની જશે; છે ખાતરી,
તે છતાં પણ જો ચરણ રકઝક કરે તો દે ખબર.
જિતેન્દ્ર પ્રજાપતિ
દે ખબર એ રદીફ આપણું તરત ધ્યાન ખેંચે છે. ગઝલ લખવામાં રદીફ-કાફિયા કવિની પરીક્ષા કરતા હોય છે. આ ગઝલમાં કવિએ રદીફ-કાફિયાને સારી રીતે નિભાવ્યા છે. જિતેન્દ્ર પ્રજાપતિ નવા કવિઓમાં ધ્યાન ખેંચનારું નામ છે. આ ગઝલ વાંચતા આપોઆપ તમને તેની કલમનો પરિચય થશે.
ઝાડ પરથી કોઈ લીલું પાન ખરે તો ખબર આપ એમ કવિ કહે છે, પણ અહીં માત્ર લીલા પાનની વાત નથી. વાત બીજી કંઈક છે. કવિને સીધી જ વાત કરવી હોય તો એ કવિતા શું કામ લખે, બીજું કંઈક ન લખે? પણ તેને કવિતા નિપજાવવી છે, એટલે તે કહે છે કે ઝાડથી પાન ખરે તો મને ખબર મોકલાવ. પાન ખરે એમાં કવિને શું લેવાદેવા? પણ આ તો જીવનની ઘટનાઓની વાત છે, જીવનના સંવેદનની વાત છે. જ્યારે જીવનમાં કોઈ એવી ઘટના ઘટે, લીલું પાન એટલે કોઈ સુખ ઓછું થાય, ક્યાંક દુઃખ લાગી આવે અથવા કંઈ પણ નકારાત્મક વાત બને તો તરત મને જાણ કર. વળી તરત જ આ ઘટનાને બેવડાવે છે કવિ. કહે છે પાનખર જેવું કંઈક જીવનમાં આવે તો મને સમાચાર મોકલાવ. કવિ એમ નથી કહેતા કે આવું થાય ત્યારે હું તને મદદ કહીશ, હું તારી સાથે જ છું. એ માત્ર એમ જ કહે છે, ખબર મોકલ. આટલી વાતમાં કવિ સામેની વ્યક્તિની સાથે તેની હામરૂપ બની જ જાય છે. હું સાથે છું એવી કહેવાની જરૂર રહેતી નથી.
હવા નાસિકા વાટે આપણા શરીરમાં પ્રવેશે ત્યારે શ્વાસ બને છે. હવા જ્યારે શ્વાસ બને ત્યારે તેનું રૂપાંતરણ જીવનમાં થાય છે. જેમ સામાન્ય પવન ફૂલક્યારીમાંથી પસાર થઈને મહેકમાં ફેરવાય છે. તેમ હવા શ્વાસ બને ત્યારે કોઈકનું જીવન બની જાય છે. માટે જો આવા શ્વાસની આવજા હોય તો અલગ વાત છે. પણ જે હવા શ્વાસ ન બની શકતી શકતી હોય, આપણી અંદર કશુંક ખોતર્યા કરતી હોય, પરેશાન કર્યા કરતી હોય તો એ જુદી વાત છે. કવિ અહીં નિસાસાની વાત તો નહીં કરી રહ્યા હોય? આખું કાવ્ય એક રીતે જોઈએ તો કવિ પોતાના પ્રિય પાત્ર સાથે સંવાદ કરી રહ્યા હોય તે રીતે લખાયું છે.
પછીના શેરમાં કહે છે કે આજ પણ એ ઊંબરે આવીને પાછા ફર્યાં. આજ પણએવો શબ્દ વાપર્યો છે, એનો અર્થ થાય અગાઉ પણ, અથવા તો દરરોજ ઊંબરા સુધી આવીને એ પાછા ફર્યા છે. આ કોણ? કદાચ કવિનું પ્રિય પાત્ર જ તો! પણ પછીની પંક્તિમાં વાત બદલાય છે. કવિ કહે છે સ્મરણ પાછાં ફરે છે. વ્યક્તિ તો પાછા ફરે, સમજાય એવી વાત છે. અહીં તો સ્મરણ પોતે પાછાં ફરે છે. એવું શું થયું કે યાદો પણ પાછી ફરવા માંડી?
આંસુ આંખની પોલ ખોલી દે છે. એટલે માટે જ એના સંદર્ભમાં કવિ કહે છે કે જો આંખથી એક છાંટો પણ ખરશે તો જળની બધી હકીકત બહાર આવશે. આંસુને જાણ્યા પછી આપણી પાણીની વ્યાખ્યા બદલાઈ જતી હોય છે. આંસુને અનુભવ્યા પછી તો વ્યાખ્યા આત્મસાત થતી હોય છે. મજાની વાત એ છે કે આ વ્યાખ્યા દરેકની અલગ હોય છે. એક વ્યક્તિએ અનુભવેલાં આંસુ બીજી વ્યક્તિને બીજી રીતે અનુભવાય છે. પણ આંખથી છાંટો ખરે એટલે વ્યક્તિમાં રહેલા જળની હકીકત આપોઆપ બહાર આવે છે તેમાં કોઈ બેમત નથી.
ઘણી વાર આપણી વાત આપણા પગ માનતા નથી હોતા. મન ઘણું તત્પર હોય છે ક્યાંક જવા માટે, પણ પગ નનૈયો ભણી દે છે. આવી દ્વિદ્ધામાં ક્યારેક મીઠાશ પણ હોય છે, ક્યારેક કડવાશ પણ!
જિતેન્દ્ર પ્રજાપતિની કલમમાં ગઝલની સૂઝ સારી છે. તેમની જ એક અન્ય ગઝલથ લોગઆઉટ કરીએ.
Top of Formલોગઆઉટ
હવાની ઊતર-ચડ થતી જાય છે,
જીવનમાં સતત તડ થતી જાય છે.
વિચારું હવે શું હું તારા વિશે?
સમજ પણ હવે જડ થતી જાય છે.
વધે છે દિવસરાત સો-સો ગણી,
હયાતી કબીરવડ થતી જાય છે.
જખમ! જિંદગીમાં પધારો હવે,
તમારી જ સગવડ થતી જાય છે.
સમયના તરુ પર વસી પાનખર,
ક્ષણો સાવ ઉજ્જડ થતી જાય છે.
~ જિતેન્દ્ર પ્રજાપતિ

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

પડ્યું છે એક લોહીઝાણ બાળક...

પડ્યું છે એક લોહીઝાણ બાળક ભૂલમાં સરહદ વટાવીને;
હવે સૈનિક દશરથ જેમ બહુ પસ્તાય છે ગોળી ચલાવીને.

મલક આખોય જેના નામથી ધ્રૂજે છે એ ધ્રુસકે ચડ્યો છે આજ,
હજી હમણા જ એ ઝાંપેથી ઘરમાં આવ્યો છે દીકરી વળાવીને.

વગર માગ્યે પડોશી વૃક્ષ મારા આંગણાને છાંયડો દે છે,
તો મારાં ફૂલ પણ આભાર માની લે છે ફોરમ મોકલાવીને.

પછી તો બાળકે કીધું કે મા! એ રોટલી ક્યાં છે; એ ચાંદો છે!
હવે સુવડાવશે મા ભૂખ્યા બાળકને કયું બહાનું બતાવીને?

ખરેખર હું ઘણા દિવસોથી મથતો ’તો, કરી શકતો ન’તો જાતે;
તમે તો કામ બહુ હળવું કરી નાખ્યું ગળું મારું દબાવીને.

~ અનિલ ચાવડા

સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર...

સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં;
બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં.

કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ,
પ્રાર્થના કરતો હતો કે, ‘કાશ હું ફૂટું નહીં.’

કોઈએ પકડી મને ફેંક્યું હશે બાકી તો હું,
આબરૂનું ચીંથરું છું જાતે કંઈ ઊડું નહીં.

લાગણીનું તેલ રેડ્યા કર હૃદયના કોડિયે,
જેથી અંદર હું સતત પ્રગટેલો રહું, બુઝું નહીં.

સાંજ, તું, હું, આંખમાં છલકાતો આલ્કોહૉલ, મૌન;
એક પણ કારણ નથી એવું કે હું ઝૂમું નહીં.

જિંદગી સહદેવ જેવી છે કશું બોલે નહીં,
હું ય એવો છું કે સામેથી કશું પૂછું નહીં.

ઊઠતા જોયો મને એણે સભામાંથી, થયું;
હું ભલે દુનિયાથી ઊઠી જાઉં, પણ ઊઠું નહીં.

બોજ ઉંમરનો મને દઈ તું નમાવી નૈં શકે;
એથી બહુ બહુ તો કમરમાંથી વળું, ઝૂકું નહીં.

~ અનિલ ચાવડા

આ ગઝલ વીડિયોસ્વરૂપે સાંભળોઃ



ટેરવાં બેભાન થાતાં જાય છે, તોય આ લેશન ક્યાં પૂરું થાય છે.


લોગઇનઃ

ટેરવાં બેભાન થાતાં જાય છે,
તોય આ લેશન ક્યાં પૂરું થાય છે.

ઓટલાને છે રજેરજની ખબર,
રખડું ટોળી રોજ ક્યાં ક્યાં જાય છે.

કાચબો અંતે વિજયશ્રીને વર્યો,
તોય આ સસલાંઓ ક્યાં શરમાય છે.

સ્કૂલમાંથી બાળકો જ્યારે છૂટે,
ચોક, ફળિયું ને ગલી હરખાય છે.

ત્યાં જ મા ભણવા મને બેસાડજે,
સ્મિતથી જ્યાં કાળજી લેવાય છે.

ધૂળથી ખિસ્સાં ભરેલાં હો ભલે,
ભૂલકાં કાયમ ધની દેખાય છે.

હીંચકે રાકેશ તું બેઠો ભલે,
બાળકોની જેમ ક્યાં ઝૂલાય છે.

રાકેશ હાંસલિયા

ગુજરાતી ભાષામાં પુષ્કળ માત્રમાં ગઝલો લખાય છે ત્યારે આવી ધ્યાન ખેંચે એવી ગઝલ વાંચવામાં આવે ત્યારે આપોઆપ હૃદય એ બાજુ ઢળી જાય. સરળ ભાષામાં લખાયેલી આ ગઝલ કોઈને પણ વાંચતાવેંત ગમી જાય તેવી છે. બાળકને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ ગઝલ પણ એટલી જ બાળસહજ અને નિખાલસ છે. અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા ગુજરાતી વિદ્યાર્થીઓને જે હદે લેશન આપવામાં આવે છે તે જોતાં ઉપરની ગઝલનો પ્રથમ શેર જરા પણ અતિશયોક્તિયુક્ત નથી લાગતો. પાંચ-છ વરસનું બાળક જેની ઉંમર રમવા-કૂદવાની છે તે લખણપટ્ટીમાં એટલો બધો સમય આપે છે કે છેવટે રમવાનો તેની પાસે સમય જ રહેતો નથી. અડધોપોણો દિવસ સ્કૂલમાં જતો રહે, બાકીનો દિવસ સ્કૂલમાંથી સોંપાયેલું હોમવર્ક કરવામાં જતો રહે. થોડોઘણો સમય હોય તો એમાં ટ્યૂશનનો ટાઇમ ગોઠવાયો હોય, બાપડું બાળક રમે તો રમે ક્યારે? માતાપિતાની પણ ઘણી ઇચ્છા હોય કે બાળક આ બધું મેલીને શાંતિથી રમે, કૂદે, તોફાનો કરે... પણ શાળાનું કામ ન કરાવે તો માબાપને અન્ય બાળકોની સરખામણીમાં પોતાનું બાળક પાછળ રહી જતું લાગે. સિસ્ટમ જ એવી થઈ ગઈ છે કે તેમાં બાળકોનાં ટેરવાં બેભાન થયાં વિના છૂટકો નથી.

ઓટલાને રજેરજેની ખબર છે કે રખડું ટોળકી ક્યાં જાય છે. ઓટલો અર્થાત ઘરના મોભી. રખડું ટોળી એટલે બાળકો, તેમને એમ કે આપણે ક્યાં જઈએ શું કરીએ, વડીલોને શું ખબર પડવાની, પણ તેમને એ નથી ખબર કે ઓટલે બેસતા આ વડીલો પણ એક સમયે બાળકો હતા. તમે જે આજે કરી રહ્યાં છો તે તેઓ વર્ષો પહેલાં કરી ચૂક્યા છે.

ઘણા માણસો પેલી કહેવત મિયાં પડ્યા તોય તંગડી ઊંચી જેવા હોય છે. કાચબા અને સસલાના સંદર્ભવાળો શેર પણ કદાચ આવું જ કંઈક કહેવા માગતો હોય તો શી નવાઈ. કાચબો શાંત છતાં મક્કમ ગતિએ મુકામે પહોંચી ગયો, સસલું તેજ ગતિએ દોડી શકે છે, છતાં પોતાની જ ભૂલને લીધે રહી ગયું. પણ હારવા પછી પણ લેશમાત્ર શરમ તેનામાં ક્યાં છે.
આખો દિવસ ઉદાસ પડ્યા રહેતા ચોક, ફળિયું, શેરી, ગલી બાળકોના આગમનથી ભરાઈ જાય છે. તેમને પણ કદાચ તેમના આગમનની જ પ્રતીક્ષા રહેતી હશે. બાળકોની ધમાલમસ્તીથી આ બધું જીવંત થઈ જાય છે.

દરેક બાળક પણ એવું ઇચ્છતું હોય છે કે જ્યાં આનંદની તેની કાળજી લેવાય તેવી જગ્યાએ ભણવા મળે. પણ તેની એ ઉંમર નથી હોતી કે તે આપણને આ સમજાવી શકે. જોકે બાળકોના ભણતરનો મુદ્દો એટલો વિકરાળ છે કે કોઈ પણ એક નાનકડા શેરમાં તેને ક્યારેય સમાવી શકાય તેમ નથી.

કાલીદાસના અભિજ્ઞાન શાકુંતલમાં એક સુંદર શ્લોક છે, તેનો અર્થ કંઈક આવો થાય છે કે જે માબાપનાં વસ્ત્રો બાળક ધૂળમાં રમ્યા હોય તેનાથી રજોટાયેલાં ન હોય તેમનું જીવન વ્યર્થ છે. બાળકોના ખિસ્સામાં ધૂળ ભલે ભરી હોય, પણ તેમની એ ધૂળ પણ મૂલ્યવાન સંપત્તિ જેવી હોય છે. બાળપણમાં ધૂળમાં રમવાની મજા જ કંઈક ઓર છે. મોટા થઈને ધૂળમાં રમવા જઈએ તો ગામ ગાંડા ગણે. મોટા થઈને બાળક જેવું કંઈ પણ કામ કરવા જાવ તો તેમાં બાળક જેવી સહજતા આવતી નથી જ. કવિ રાકેશ હાંસલિયા આ વાત બહુ સારી રીતે જાણે છે. એટલે જ તે પોતાની જાતને કહે છે, રાકેશ! તું હીંચકે ભલે બેઠો, પણ પેલું બાળસહજ ઝૂલવાનું હવે રહ્યું નથી. રાકેશ હાંસલિયાની કલમમાં બળકટતા છે એ તેમની ઉપરની ગઝલ વાંચ્યા પછી આપોઆપ ખ્યાલ આવે. ગુજરાતીમાં પુષ્કળ માત્રામાં ગઝલો લખાય છે ત્યારે આવા બળુકા શાયર તરત ધ્યાન ખેંચે. અને આ શાયર તો મંજાયેલા છે. તેમની મંજાયેલી કલમે લખાયેલી અન્ય એક ગઝલથી લોગઆઉટ કરીએ.

Top of Formલોગઆઉટ

એક હૉસ્પિટલ અહીં સામે જ છે,
ઝૂંપડી તો પણ હજુ ખાંસે જ છે.

માંગવા જેવું તું ક્યાં માંગે જ છે,
આપવા જેવું તો એ આપે જ છે.

આમ તો બદલી ગયો છે પારધિ,
તો ય મનમાં જાળ તો નાખે જ છે.

બાળકો, ઝરણાં, પતંગિયાં, પહાડ,
કેટલા ઈશ્વર નજર સામે જ છે.

આભ પાસેથી હવે શું માંગવું ?
મા મને કાયમ દુઆ આપે જ છે.

~ રાકેશ હાંસલિયા

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

આંખો ઉપર ચશ્માં ઉપર દ્રશ્યો ઉપર...

આંખો ઉપર ચશ્માં ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે;
ઘણું બધું છે’ કહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે?
ડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કેટ-કેટલાં નક્ષત્રો છે, ગ્રહો કેટલા, જીવ કેટલા, કેટ-કેટલી ગેલેક્ષી છે?
ફક્ત તમે કે હું જ નથી કંઈ રહેતા આખી દુનિયા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત ઝળહળી એ વાતોને મહત્ત્વ આપો,
દરેક વખતે ઘર સળગ્યાની વાત ન માંડો તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

અહીં જ રાજા, અહીં ભીખારી, બુદ્ધ, મહાવીર, પયંગબર સૌ અહીંથી ચાલ્યા,
તું કહે કેવળ રસ્તો જેને એ રસ્તાના પગલાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

અનિલ ચાવડા

આ કવિતાનો વીડિયો પણ જુઓ


બોલો કંઈક તો બોલો...


આડબીડ ભીડી બેઠા છો શબ્દોના આ કમાડ ખોલો,
બોલો કંઈક તો બોલો...

એવું તો શું પૂછી લીધું કશું કહો તો ખબર પડેને?
છીપ હોઠની ખોલી નાખો મોતી અમને તો જ જડેને?
મૌન મગફળી જેમ હોય છે જરાક એને ફોલો,
બોલો કંઈક તો બોલો...

કાન અમારા થયા છે ફળિયું, તમે ઊગો થઈ ચંપો;
નહીંતર જે કંઈ ઊગશે એનું પડશે નામ અજંપો.
હોય, પરંતુ વાતચીતમાં આટલો મોટો ઝોલો?
બોલો કંઈક તો બોલો...

જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,
નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર
ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો,
બોલો કંઈક તો બોલો...

~ અનિલ ચાવડા


આ કવિતાનો વીડિયો પણ જુઓઃ


પજવે છે આમ શાને, અલ્લાહ તું સીધો રહેને



લોગઇનઃ

આવી ન બર મુરાદ તો શ્રદ્ધા ઊઠી ગઈ,
પાયા ડગી ગયા તો ઈમારત પડી ગઈ;
માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં,
પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ !

જલન માતરી

આપણી શ્રદ્ધા બહુ વામણી હોય છે. ઇચ્છાપૂર્તિ ન થતા શ્રદ્ધા ડગવા માંડે છે. આપણે પ્રાર્થના પણ આપણા સ્વાર્થ ખાતર કરતા હોઈએ છીએ. ભગવાનમાં પણ એટલે શ્રદ્ધા રાખીએ છીએ કે આપણને કંઈક મળતું રહે. જ્યારે ધાર્યું ન મળે તો તરત શ્રદ્ધાની નાવડીમાં કાણું પડે, અને આખી નાવ ડૂબી જાય. અને આમ પણ પાયા ડગી જાય પછી ઉપરની ઇમારત ગમે તેટલી સુશોભિત હોય, ટકતી નથી. મહેચ્છાની ઇમારત પડી ભાંગે તો આપોઆપ આંસુ સરી પડે છે. માણસનું રુદન આંસુ રૂપે સરે, જ્યારે પહાડનું નદી રૂપે. નદી એ પહાડનું રૂદન છે તેવી કલ્પના સુંદર છે. પણ એ કલ્પનામાં ભારોભાર પીડા છે.

જલન સાહેબનું આ મુક્તક ખૂબ જાણીતું છે. ગુજરાતી ભાષામાં એવા શાયર ઓછા છે, જેમણે એક કરતા વધારે યાદગાર શેર આપ્યા હોય. જલન સાહેબે અનેક ઉત્તમ અને અમર શેર આપ્યા. તેમના ઘણા શેર તો કહેવત સમા થઈ ગયા છે. એ કચકચાવીને ગઝલ લખતા. ઈશ્વરને પણ આડા હાથે લઈ લેતા. પણ એમની નેકી અને આસ્તિકપણું ગઝલમાં છલકાયા વિના ન રહેતું. નાસ્તિક-આસ્તિક બંનેને વિચારતા કરી મૂકે એવા શેર લખ્યા. માત્ર ઈશ્વર વિશે જ નહીં, સમાજની કુરીતિઓ, આંતરિક મનોમંથન, જીવ અને જગત વિશે પણ ગઝલ દ્વારા આકરા પ્રહારો કર્યા. તેમનો શેર તેમના મુખમાંથી સરે કે શ્રોતાઓના મુખમાંથી વાહ સરી પડે. તાળીઓનો વરસાદ વરસી પડે. જલન સાહેબનો ઠસ્સો એ તો જલન સાહેબનો જ હતો.

ઘણા શેર તેમણે જીવનપ્રસંગોમાંથી સાહજિક રીતે નિપજાવ્યા હતા. તેમણે જ એક કાર્યક્રમમાં કહેલું, ‘હું એક વખતે નમાજ પૂરી કરી મસ્જિદમાંથી બહાર નીકળવા ગયો કે દરવાજા સાથે માથું અફળાયું અને શેર ઊતરી આવ્યો...’

પજવે છે આમ શાને, અલ્લાહ તું સીધો રહેને,
શું જોઈએ છે તારે હાજર થઈને કહેને.

વળી આવો જ એક પ્રસંગ તે અમેરિકા ગયા તે વખતનો છે. એરપોર્ટ પર પહોંચ્યા તો આપોઆપ દરવાજો ખૂલી ગયો. તેમને નવાઈ લાગી, કોઈએ ખોલ્યો નથી છતાં જાતે કઈ રીતે ખૂલી ગયો? પછી તેમને આધુનિક ટેકનિક સમાજાઈ કે વૈજ્ઞાનિક વ્યવસ્થા જ એવી છે કે માણસ દરવાજા પાસે આવે એટલે તે ખૂલી જાય. પણ આવો દરવાજો જોઈ તેમના મુખમાંથી શેર સરી પડ્યો.

વ્યક્તિને જોઈને એ ખુલી જાય છે તરત,
દ્વારો ઘણી જગાનાં સમજદાર હોય છે.

તારીખ 1-9-1973ના રોજ સાબરમતીમાં ભયંકર પૂર આવેલું. પૂરનાં પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયેલાં. જલન સાહેબનું ઘર સાબરમતીને કિનારે છે. તેમના ઘરમાં પણ ખૂબ પાણી ઘૂસી ગયું. આવું ઘોડાપૂર જોઈને તેમને મૃત્યુની ઘડી દેખાવા માંડી. તેમણે શેર લખ્યો-

કમોતે મરવા નાહક આજ મૃત્યુની ઘડી આવી,
ઘણાં વર્ષો પછીથી શ્હેરમાં ફરવા નદી આવી.

ઘણા લોકો પોતાના ઘરમાં પણ આમથી તેમ ટહેલી શકે તેટલું મોટું ઘર હોય છે. અમુક લોકો તો ઘરમાં જ વૉક કરતા હોય છે. જલન સાહેબનું ઘર ખોબા જેવડું. પોતાના ઘરની આ સ્થિતિ જોઈને તેમણે શેર કહ્યો,

એટલું મોટું મળ્યું છે ઘર જલન કે શું કહું?
સ્હેજ ચાલું છું કે ઘરની બ્હાર આવી જાઉં છું.

પૈસા હાથનો મેલ છે. પૈસો આજે છે ને કાલે નથી. શું સાથે આવ્યું હતું ને શું સાથે લઈ જવાના છીએ. આવું કહેનાર માણસ પણ પૈસો જલદી છોડતો નથી. તેવા માણસોને પણ જલન સાહેબે આડેહાથે લીધા, કહ્યું,

થોડુંક ધન કુબેરો મને પણ મળે તો ઠીક,
હું પણ તમારી જેમ ક્યાં બાંધી જનાર છું
.

માનવીએ ચંદ્ર પર પગ મૂક્યો. પછી તો ચંદ્ર પર રહેઠાણ કરવા સુધી વાતો થઈ. ઘણા ધનવાન લોકોએ તો ચંદ્ર પર પ્લોટ પણ બુક કરી નાખ્યા. આવી બધી સાચીખોટી વાતો ચોતરફ ફેલાઈ ત્યારે પણ જલન સાહેબે ધનવાનો પર કટાક્ષ કરતો શેર લખ્યો-

ચલો એ રીતે તો કચરો થશે ઓછો આ ધરતીનો,
સુણ્યું છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે.

આજે તેમની જન્મતિથિ છે. આવા મુઠ્ઠી ઊંચેરા શાયરને દિલથી સલામ. એમણે ઓછું લખ્યું છે, પણ મજબૂત લખ્યું છે. તેમના ઓછા લખાણ વિશે તેમણે જ કહ્યું છે, 'હું ક્વોન્ટિટિમાં માનતો નથી, ક્વોલિટિમાં માનતો હોઈ મારું ગઝલ-લેખન ખૂબ જ મર્યાદિત રહ્યું છે.'

Top of Formલોગઆઉટ

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

~ જલન માતરી

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા