કૃષ્ણની પીડા જીરવી જવા કોણ તૈયાર છે?



લોગઇનઃ
કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે,
કોઈ તારી પીડને જીરવી જવા તૈયાર છે
?
રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી,
લોક સમજે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે.
કમનસીબી એ જ છે કે આંખ ખાલી બે જ છે,
શું કરે રાધા કે એનાં અશ્રુઓ ચોધાર છે.
વાંસળી છોડી સુદર્શન હાથ પર ધરવું પડ્યું,
આ જગત સામે બિચારો ઈશ્વરે લાચાર છે.
એક અમથું તીર એને કઈ રીતે મારી શકે?
આ ગુનામાં તો સ્વયં પોતે જ હિસ્સેદાર છે.
હિતેન આનંદપરા
હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીના તહેવારનું આગવું મહત્ત્વ છે. એમાંય ગુજરાતી સાહિત્યમાંથી કૃષ્ણકાવ્યોને બાદ કરવામાં આવે તો ગુજરાતી કવિતા લંગડાઈ જાય. નરસીંહથી લઈને આજના યુવાકવિઓએ કૃષ્ણ પર કવિતાઓ રચી છે. કૃષ્ણના નખરા, તોફાન, પરાક્રમો, સાહસ, તેને સામાન્ય માણસ રાખીને પણ ઈશ્વર બનાવે છે. ચોરી કરતો હોય એવો ઈશ્વર આપણે ત્યાં કૃષ્ણ એક જ છે. તે માખણ પણ ચોરે છે અને મન પણ. તે કાવતરા પણ કરે છે અને કથા પણ કહે. તે ગીતા સંભળાવે અને ગાયો પણ ચરાવે. કવિ ભરત ભટ્ટ કહે છે તેમ એનું કંઈ જ ઠેકાણું નથી. રામ મર્યાદાપુરુષોત્તમ છે, તો કૃષ્ણ સર્વવ્યાપક પુરુષોત્તમ છે.
કૃષ્ણલીલા, રાધાપ્રેમ, મીરાવિરહ, બાળકૃષ્ણ જેવા ભાવો વ્યક્તિ કરતી કવિતા તો અનેક છે, પણ કૃષ્ણની પીડાની વાત કરતી કવિતા ખૂબ ઓછી છે. હિતેન આનંદપરાએ આવી એક સુંદર ગઝલ લખી છે. મારા કૃષ્ણ, અમારા કૃષ્ણ કહેનાર લોકોનો આપણે ત્યાં તોટો નથી. પણ કૃષ્ણની કક્ષાએ પહોંચવા માટે જે પીડા ભોગવવી પડે, જે સહન કરવું પડે, તે સહન કરવા કોણ તૈયાર છે? મહાન વ્યક્તિ કશું કર્યા વિના ક્યારેય મહાન નથી થતી હોતી. આપણને માત્ર જે તે વ્યક્તિની સફળતા ઊડીને આંખે વળગતી હોય છે, પણ ત્યાં પહોંચવા માટે તેણે પોતાના લોહીનું પાણી કર્યું હોય છે તે આપણે ભૂલી જઈએ છીએ. કૃષ્ણની પ્રીતના તો સૌ દાવેદાર થશે, તેની પીડાના દાવેદાર કોણ? તેની મૂર્તિ માથે લઈને નાચતા લોકોને કૃષ્ણની પીડા લેવાનું કહેવામાં આવે તો તરત મૂર્તિ નીચે મૂકીને ઘરભેગા થાય. આપણને આપણું સુખ શેમાં છે, એમાં જ રસ છે, પછી તે ભગવાન પાસેથી લેવાનું હોય કે કોઈ સ્નેહી પાસેથી. કૃષ્ણની પ્રીત જગજાહેર છે, પણ તેની અંદર ધરબાયેલી પીડા જોવા માટે કવિની આંખ જોઈએ, એક સંવેદનશીલ વ્યક્તિ જ એ પીડાને પોતાની અંદર અનુભવી શકે. હિતેન આનંદપરામાં એ સંવેદનશીલતા છે.
સામાન્ય માણસને દ્વારિકા એટલે સુવર્ણનગરી એવું જ લાગે છે. પણ દરેક વખતે એવું નથી હોતું. કૃષ્ણએ જે દ્વારિકા વસાવી તેના યાદવો અંદરોઅંદર લડી મર્યા. શા માટે? એમનામાં પરસ્પર કેટલો સંઘર્ષ હશે, કેટલી વિષમતા હશે એ તો કલ્પવી રહી. યાદવોના મૃત્યુની તો આખી કથા છે. તેને કહેવાનો અહીં અવકાશ નથી, પણ એ કથામાંય ભવ્ચતામાં ધરબાયેલી ઉદાસી તો છે જ છે.
રાધા કૃષ્ણ વિના ટળવળતી રહી, તેવું સર્વસામાન્ય કલ્પન છે. આને આપણા જીવન સાથે જોડીએ તો જે પ્રેમ કરે છે તેને કલ્પાંત કરવાનો વારો આવે છે. કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા, મથુરાથી દ્વારિકા એમ તેમની સફર સતત ચાલતી રહી. આ બધામાં રાધા કૃષ્ણપ્રતીક્ષામાં જ રહી. જોકે રાધાનું પાત્ર પણ કાલ્પનિક છે, એ પાત્રને પણ કોઈ કવિહૃદયે જ કૃષ્ણ સાથે સ્થાપ્યું છે. મૂળ વાત પીડાની છે. કવિ પ્રેમની પીડા વ્યક્ત કરવા માગે છે, રાધામાં અનરાધાર આંસુ છે, પણ તેને વહાવવા તેની પાસે બે જ આંખ છે.  
કૃષ્ણ સુદર્શન કરતા વાંસળીમાં વધારે શોભે છે, પણ આપણે તેમના હાથમાં સુદર્શન પકડાવી દીધું. વિશ્વ ધાંધલધમાલથી ભરેલું છે. અંધાધૂંધીથી ભરેલું છે. તેમાં આવેલો ભગવાન પણ લીલા કરવાને બદલે લાલઘૂમ થઈ જાય છે. ગુસ્સો કરી બેસે છે. આપણી માણસાઈ ક્યાંય સખણી રહેતી નથી એનો આ જીવતો પુરાવો છે.
કૃષ્ણનું મૃત્યુ તેને પગમાં તીર વાગવાથી થયું હતું. ભગવાન જેવો ભગવાનને એક સામાન્ય પારધીનું તીર કઈ રીતે મારી શકે એવો પ્રશ્ન કોઈને પણ થાય. આપણે ત્યાં ભૂલ થાય એટલે સારો માણસ તરત કહે છે કે હશે, ભૂલ તો ભગવાનથી ય થાય. કૃષ્ણને પગમાં તીર વાગવાનું કારણ સ્વયં કૃષ્ણ છે એવું કવિ ઇંગિત કરે છે.   
Top of Formલોગઆઉટ
રાધાની વેદના તો દુનિયાએ જાણી પણ માધવની વેદના અજાણી;
હૈયાના ગોખમહી સાચવીને રાખી તે હોઠ ઉપર ક્યારેય ના આણી.
રાધાએ શબ્દોનાં બાણ ઘણાં માર્યાં, પણ માધવના ખોલે કંઈ વાણી,
વાંસળીના સ્વરમાં પણ વહેતી ના મૂકે એ, માધવ તો મનના બંધાણી.
માધવની નજરોમાં છાનુંછાનું જોયું ત્યાં ઝાંખી એ મુજને દેખાણી,
ઝળુંઝળું સાવ થતી આંખોમાં વાદળ, ને વાદળમાં વેદનાનાં પાણી.
રાધા રે રાધા આ મૂંગા તે માધવની વેદના છે તુજથી અજાણી,
તારી તે પીડાના કોચલામાં તુજને એ કદીયે ના થોડી સમજાણી?
એકવાર માધવના મનને તું વાંચજે ખૂટશે ના આંખોનાં પાણી;
શ્રાવણી તો શ્રાવણના જળમાં જઈ ડૂબી કે કોણ એને બ્હાર લેશે તાણી?
~ ઈન્દિરાબેટીજી
ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

હું કવિ છું, જે છે તે કેવળ મારી આંખમાં!



લોગઇનઃ
દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે.
મેં વડવાનલના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં ન પાડી શકાય.
ભીંજાવું અને દાઝવું એક જ છે.
સાગરના તળિયેથી જયારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી
હું કવિ છું.
જે છે તે કેવળ મારી આંખોમાં.
સિતાંશુ યશશ્ચંદ્ર
ગુજરાતી સાહિત્યમાં સિતાંશુ યશશ્ચંદ્રનું નામ જુદું તરી આવે છે. તેમના નામે આખો યુગ ગણાય છે. આજે તેમનો જન્મ દિવસ છે. ત્યારે તેમની ઉપરોક્ત કવિતા વિશે થોડી વાત કરીએ.

આ કવિતા દ્વારા કવિએ સર્જનપ્રક્રિયાની વાત કરી છે. કવિ જ્યારે ભાષાના દરિયામાં ડૂબકી લગાવે છે ત્યારે તેના તળિયેથી રત્નરૂપી મોતી લઈને નથી આવતા. કવિતાનું મોતી લઈને આવે છે. આપણી પ્રાચીન કથામાં દેવો-દાનવો દ્વારા સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું તે કથા આપણે બધા જાણીએ છીએ. કવિ એ જ કથાનો આધાર લઈને વાત કરે છે. તે કહે છે, મેં દેવો-દાનવોએ સરળ કરી નાખ્યો તે પહેલાનો સમુદ્ર જોયો છે. વાસ્તવિક રીતે જોઈએ તો આવું થઈ ન શકે, પણ કવિ કલ્પનાની પાંખે ત્યાં જઈ શકે. વળી કવિ તો ભાષાના સમુદ્રની વાત કરે છે. દેવો-દાનવો અર્થાત સારા નરસા - અર્થસભર કે અર્થવીહિન શબ્દોથી આપણે બધું સરળ કરી નાખ્યું છે. ભાષાના દરિયાને વલોવીને આપણે અનેક શબ્દો શોધી કાઢ્યા અને જે તે વસ્તુને અનુરૂપ તેની પર ફિટ કરી દીધા છે. પણ આ કવિએ ભાષાના સમુદ્રને વલોવાઈને સરળ થઈ ગયા પહેલા જોયો છે. આમ પણ શબ્દના છેક તળિયે મૌન પડેલું હોય છે.

કવિતાને પામવા માટે ભાષામાં ઊંડા ઊતરવું પડે છે. જેણે કાંઠે છબછબિયાં કરવા છે તેમની વાત જુદી છે. તળિયે પહોંચ્યા વિના કાંઠેથી મોતી શોધનારો માત્ર છીપ-શંખલાં મેળવીને જ સંતોષ માનતો હોય છે. પણ આ કવિ તો ભાષાના દરિયાના તળિયે જઈને ત્યાં વડવાનલના પ્રકાશને માણે છે. વડવાનલ અર્થાત સમુદ્રના તળિયે ઢબુરાયેલો અગ્નિ. દરિયાના તળે રહેલ અગ્નિના પ્રકાશમાં પાણી નિહાળનાર વ્યક્તિ આગ અને પાણીને કઈ રીતે અલગ પાડી શકે? કવિતા માટે દાઝવું અને ભીંજાવું બંને જરૂરી છે. જે માણસ દાઝ્યો નથી, તેની કલમમાં ઊષ્મા ક્યાંથી હોવાની? વળી જે ક્યારેય ભીંજાયો જ નથી તેના શબ્દમાં ભીનાશ મળવાની આશા વ્યર્થ છે! કવિતા માટે બંને જરૂરી છે. માત્ર કવિતા માટે જ નહીં, કોઈ પણ સર્જનપ્રક્રિયામાં તે જરૂરી છે. એ રીતે જોઈએ તો ભીંજાવું અને દાઝવું બંને એક જ છે.

કવિ ભાષાના દરિયાતળે જઈને, વડવાનલમાં અગ્ની અને પાણીનો સંગમ જોઈને, આગ અને ભીનાશનું એકત્વ માણીને બહાર આવે છે. ત્યારે તે કહે છે કે- હું બહાર આવું ત્યારે તમે મારી પાસે મોતીની આશા ન રાખતા. મારા હાથમાં મોતીના મૂઠા નહીં હોય. હું મરજીવો નથી. હું તો કવિ છું. જે કંઈ છે તે મારી આંખમાં છે. આંખમાં એટલા માટે, કેમકે કવિ જે જુએ છે તેનું દર્શન અને દૃષ્ટિકોણ જગત સામે રજૂ કરે છે. કવિની આંખ સામાન્ય વ્યક્તિને દેખાતી વસ્તુને જુદી રીતે જુએ છે. સામાન્ય માણસ પરોઢે પાંદડી પર બાઝેલાં ઝાકળનાં ટીપાં જુએ, ત્યારે કવિ એ જ ટીંપાને ઈશ્વરનાં આંસુ તરીકે જુએ તો નવા નહીં!

વળી આ કવિ તો વાસ્તવથી પણ આગળ પરાવાસ્તવની વાત કરનાર શબ્દનો બંદો છે. તેમણે ગુજરાતી કવિતામાં સરરિયલ કવિતાના વિશિષ્ટ પ્રયોગો કર્યા છે. ઘણાને સરરિયલ શબ્દ સમજવામાં તકલીફ પડે એવું બને. સરરિયલ’માં મુખ્ય શબ્દ ‘રિયલ’ છે. રિયલ એટલે વાસ્તવિક, ખરેખરું, જેવું હોય તેવું. કો પણ શબ્દની આગળ  ‘સર‘ ઉપસર્ગ લાગે એનો અર્થ થાય તે પછીનું, વધારાનું, વિશેષ. આપણી બોલચાલની ભાષામાં પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. જેમકે સરનેમ. સરનેમ એટલે નામથી કંઈક વિશેષ. એ જ રીતે સરરિયલ એટલે રિયલથી વિશેષ. વાસ્તવિકથી કંક વધારે. અતિવાસ્તવ અથવા તો પરાવાસ્તવ. સિતાંશુના આવા પ્રયોગોવાળી કવિતાને ઘણા ભાવકોએ દુર્બોધતાનું લેબલ લગાડીને વખોડી કાઢી છે. પણ જટાયુ, વખારથી લઈને અનેક ઉત્તમ કવિતાઓ તેમણે આપી છે એ ન ભૂલવું જોઈએ. ભારતીય સાહિત્યનો મોટો પુરસ્કાર સરસ્વતી સન્માન, પદ્મશ્રી, દિલ્હી સાહિત્ય અકાદમી જેવા અનેક સન્માનોથી તેઓ પુરસ્કૃત છે. માત્ર ગુજરાતી ભાષામાં જ નહીં, સમગ્ર ભારતમાં તેમની કવિતા જુદી કેડી કંડારે છે.

મૃત્યુ એક સરરિયલ અનુભવ નામની કવિતામાં તેમણે સરરિયલનો પ્રયોગ સારી રીતે કર્યો છે, તેનાથી લોગઆઉટ કરીએ.

Top of Formલોગઆઉટ
ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
કાળાડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા.
ભડક્યા સામી છાતી અડધાં કરું બંધ જ્યાં કમાડ
ધડધડ ધડધડ આવી સીધા અથડાયા ધાડ
પાંપણ તોડી તોડ્યા ખડકો
ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા.
સેળભેળ ભંગાર પડ્યો ત્યાં ગોળ ગોળ હું ફરું
મારી ને ઘોડાઓની ફાટેલી આંખે લળી ડોકિયાં કરું
અંદરથી ત્યાં
ક્યાં ક્યાં ક્યાં ક્યાં
ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
ડમ્મર, ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા.
~ સિતાંશુ યશશ્ચંદ્ર

ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

પાણીને લાગી તરસ તો શ્હેર આખું પી ગયાં!


લોગઇનઃ

દોડતાં આવ્યાં અને પળમાં જ ડૂબાડી ગયાં,
પાણીને લાગી તરસ તો શ્હેર આખું પી ગયાં!

સ્વપ્ન જાણે આંખનું સરનામું પણ ભૂલી ગયાં,
એમ દિવસો સાવ ખુલ્લી આંખમાં વીતી ગયાં.

આમ જોકે મૃત્યુથી તો સ્હેજ પણ બીતા નથી,
દીકરીને ભૂખ લાગી એટલે ધ્રૂજી ગયા.

પૂરના જળની સપાટી ના વધે બસ એટલે,
આંખનાં પાણીને લોકો આંખમાં રોકી ગયાં.

દોસ્ત, ઘરવખરીની સાથે કેટલી યાદો ગઈ,
પાણી તો વીત્યા સમયની જિંદગી તાણી ગયાં.

આ તબાહી ભૂલવી સ્હેલી નથી પણ તે છતાં,
તે છતાં સદભાગ્ય છે કે બસ અમે જીવી ગયાં.

કિરણસિંહ ચૌહાણ

કાવ્યલેખન કપરું કામ છે, તેમાં ય લાંબા સમય સુધી સાતત્ય જાળવીને લખવું તો એનાથી ય કપરું છે. ઘણા સર્જકો અમુક ગાળામાં ઉત્તમ કાવ્યો લખતાં હોય છે, પણ સમય જતાં તેમની કલમ વસૂકી જતી હોય છે. અથવા પછીના સર્જનમાં પહેલા જેવો કસ નથી રહેતો. પણ કિરણસિંહ ચૌહાણ એવો સર્જક છે, જે વર્ષોથી સાતત્યતા જાળવીને લખે છે. ચોમાસાની ઋતુ છે. વરસાદ ગુજરાત પર ખાંગો થયો છે. બરોડામાં વરસાદે જે માઝા મૂકી તેની પર હજી કોઈ કવિએ કવિતા નથી લખી. પણ સુરતમાં 2006માં થયેલી પૂરહોનારતે જે તારાજી સર્જેલી, તેના પર કિરણસિંહ ચૌહાણે અદભુત ગઝલ લખી છે. આ ગઝલ બરોડાની મનોવ્યથાને પણ આલેખે છે. લખાઈ છે સુરતની પૂર-તારાજીને ધ્યાનમાં રાખીને, પરંતુ કોઈ પણ પૂરપીડિત શહેરની વ્યથાને આ ગઝલ ભારોભર રજૂ કરે છે. અહીં કવિએ પોતે અનુભવેલી વ્યથાનો દસ્તાવેજ છે. આમ પણ કવિ પીડાનું કલામાં રૂપાંતર કરતો હોય છે.

માણસ પાણી પીએ છે, પણ પાણીને તરસ લાગે ત્યારે તે ગામ કે શ્હેર આખું પી જાય છે. સૂરતમાં પૂર આવ્યું ત્યારે કવિને કંઈક આવું અનુભવાતું લાગ્યું. ધસમસતું પૂર આવે ત્યારે પળમાં હતું ન હતું થઈ જાય છે. નગરમાં પાણી ઘૂસ્યાં ત્યારે ઘણાને ખબર નહીં હોય કે આ પાણી શું શું તાણી જવાનાં છે. જે ઘરમાં લાખો સપનાં સેવ્યાં હોય તે આંખ સામે તારાજ થવું નાનીસૂની વાત નથી. લોકો દિવસો સુધી ધાબા પર જીવ્યા. ચોતરફ પાણી હતું, છતાં પીવાના પાણી માટે ટળવળતાં હતાં. સપનાં આંખનું સરનામું ભૂલી ગયાં હતાં. ઊંઘ હરામ થઈ ગઈ હતી.

આવા સમયે માણસને મૃત્યુ આંખ સામે દેખાય. મૃત્યુની બીક કરતા સ્વજનોની પીડાનું દુઃખ વિશેષ હોય છે. એટલે જ કવિ કહે છે મને મૃત્યુની બીક નહોતી, પણ દીકરી ભૂખી થઈ હતી અને મારી પાસે અન્નનો દાણો સુધ્ધાં નહોતો, એને લીધે હું ખૂબ ડરી ગયો. સંતાનથી વિશેષ માતાપિતા માટે શું હોઈ શકે? અને સંતાન માટે માબાપ શું નથી કરતા? મૃત્યુ સામે બાથ ભીડી લઈએ, પણ બટકુંક રોટલો ક્યાંથી લાવવો આ પૂરતારાજીમાં?

નદી જાણે શહેરમાં ફરવા આવી હતી. કવિને ચિંતા થઈ કે એક તો શ્હેરમાં આટલું પાણી ભરાયું છે, અમે રડીશું તો એમાં વધારો થશે. તેથી આવેલાં આંસુને પણ આંખમાં જ રોકી રાખવા પડ્યાં. આનાથી વધુ વ્યથા બીજી કઈ હોઈ શકે? પૂરમાં માત્ર ઘરવઘરી નહોતી તણાઈ, તેની સાથે કેટલીય યાદો જોડાયેલી હતી, સ્મરણો વણાયેલાં હતાં, એ બધું તણાઈ ગયું. કોઈ વસ્તુ માત્ર વસ્તુ નથી હોતી, તેની સાથે આપણી લાગણી પણ ગૂંથાયેલી હોય છે. પૂરમાં તણાતી વસ્તુ સાથે આપણી યાદો પણ તણાતી હોય છે.

અંતે કવિ કહે છે કે આ તારાજી જીવનભર ભુલાય એવી નથી, પણ એક આશ્વાસન છે. આટલી તારાજી પછી હું જીવંત રહ્યો છું. એ મારું સદભાગ્ય છે. હિન્દીમાં કહેવત છે, જાન બચી તો લાખો પાયે. જીવતા રહીશું તો ફરીથી બધું ઊભું કરીશું. બરોડામાં થયેલી પૂરતારાજીમાં લોકો ઘરમાં હતા અને મગર રસ્તામાં વિહરતા હતા. નદીએ પોતાના પ્રતિનિધિઓને જાણે નગરદર્શન કરવા મોકલ્યા હતા! પણ બરોડા સયાજીરાવની મહેનત અને ખંતનું શહેર છે. વર્ષો પહેલાં મોરબીમાં થયેલી હોનારત આજે પણ લોકો ભૂલી શક્યાં નથી. મચ્છુ નદીએ વેરેલો વિનાશ હજી પણ યાદ આવે તો તેમાં જેમણે પોતાના પરિવારજનો ગુમાવ્યા તેમના હૈયા કકળી ઊઠે છે. માણસોએ આવી અનેક આપત્તીઓ જોઈ છે, તેનો સામનો કર્યો છે, ફરી બેઠા થયા છે. આ જ જીવનચક્ર છે.

2006માં સુરતે જે હાલાકી ભોગવી તે આજેય ભૂલાય એવી નથી. જોકે સુરતની ધરતીમાં ગજબની ખુમારી છે. તેમનું વ્યક્તિત્વ પાણીદાર છે. સુરતની માત્ર ઘારી જ નહીં, ખુમારી પણ વખણાય છે. પાણીને પાણી બતાવનાર આ પ્રજાની ખુમારીથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

સંઘર્ષ કેવો હોય છે જાણી બતાવશું,
ઝરણું કહે પહાડને તાણી બતાવશું.
ડૂબી જવાની પળને ડૂબાડીશું આપણે,
પાણીમાં રહીને પાણીને પાણી બતાવશું.
~ કિરણસિંહ ચૌહાણ

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

બળથી બાળક તને જો વંદે તો બાળમજૂરી ના ગણાય પ્રભુ?



લોગઇનઃ

હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ,
તો તને આવીને મળાય પ્રભુ.

તેંય મસ્તી તો બહુ કરેલી નહીં?
કેમ મારાથી ના કરાય પ્રભુ?

આ શું ટપટપથી રોજ નહાવાનું?
પહેલા વરસાદમાં નવાય પ્રભુ.

આખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં દૂધમાં રમાય પ્રભુ?

મમ્મી પપ્પા તો રોજ ઝગડે છે
તારાથી એને ના વઢાય પ્રભુ?

રોજ રમીએ અમે જે મેદાને
કેમ મંદિર નવું ચણાય પ્રભુ?

બળથી બાળક તને જો વંદે તો
બાળમજૂરી ના ગણાય પ્રભુ?

પ્રણવ પંડ્યા

પ્રણવ પંડ્યાના એક ગઝલગુચ્છમાં જુદાં-જુદાં પાત્રો પ્રભુપંચાયતમાં રજૂ થાય છે અને પોતાની વાત કરે છે. આ પાત્રકાવ્યો જોઈ નિરંજન ભગતે લખેલાં પાત્રો યાદ આવ્યા વિના ન રહે. તેમણે કવિફેરિયોઆંધળોભીખારીવેશ્યા જેવાં પાત્રો પર સુંદર કાવ્યો રચ્યાં છે. તો પ્રણવ પંડ્યાએ બાળક, સ્ત્રી અને કવિને પ્રભુપંચાયતમાં રજૂ કર્યાં છે.

આ કાવ્યમાં પ્રભુપંચાયતમાં બાળક પોતાની વાત રજૂ કરી રહ્યું છે. બાળકને સૌથી વધારે ન ગમતી પ્રવૃત્તિ હોય તો એ કદાચ હોમવર્ક છે. અને વળી આ પ્રવૃત્તિ તેણે ફરજિયાત કરવી પડે છે. તેથી કદાચ બાળક પ્રભુને કહે છે, જો પ્રભુ મારું હોમવર્ક વહેલું પૂરું થાય તો જ તને આવીને મળી શકું, નહીંતર શક્ય નથી. બાળકને ય બાપડાને થાય કે ભગવાને બાળપણમાં બહુ મસ્તી કરેલી. ચોરીને દહીં ખાધેલું, ગેડીદડે રમેલા, નદીમાં તરવા જતાં, અમારો શું વાંક? અમે રમતો ના રમી શકીએ? પણ ભણતર અને માણસની ઠાવકી સજ્જનતા બાળક પાસેથી આ બધું છીનવી લે છે.

બાળકને ડોલ ભરીને નાહવા બેસાડો અને ખુલ્લા વરસાદમાં મોકલો. તેની મસ્તી અને મોજનો તફાવત આપોઆપ દેખાઈ આવશે. આપણે તો, “રહેવા દે, વરસાદમાં ન જવાય, શર્દી થઈ જાય, કપડાં પલળે, કીચડવાળાં થવાય...” આવું કહીને બાળકને ઘરની બહાર નથી નીકળતા દેતા. આમાં ને આમાં બાપડાનું જીવન કોરું રહી જાય છે. ક્યારેક તો સાવ સૂકુંભઠ પણ થઈ જાય છે. પણ કવિ તેને વરસાદમાં મોકલવા માગે છે. એટલે જ તો પ્રભુને કહેવડાવે છે કે પહેલાં વરસાદમાં નવાય પ્રભુ! સકારણ કે અકારણ મસ્તી તો બાળકની ખરી ઓળખ છે. એકબાજુ આપણે બાળકને કૃષ્ણની મટકી ફોડવાનો પ્રસંગ કહીએ છીએ, બીજી બાજુ બાળકથી દૂધ ઢોળાઈ જાય તો તેને મેથીપાક આપીએ છીએ. આપણે બેધારા વ્યક્તિત્વમાં જીવીએ છીએ. બાળકને પણ મૂંઝવણ થાય છે કે ભગવાનની એ વારતા સાચી કે માબાપ કે છે એ સાચું? શું અમારે દહી દૂધમાં ન રમાય? તો પછી એવી વાર્તા કેમ સંભળાવે છે? બાળકને પ્રશ્નો તો થવાના જ. પ્રશ્નો વિનાનું બાળપણ ચિમળાયેલાં પાંદડા જેવું હોય છે. બહુ વિકસી નથી શકતું.

પતિપત્નીમાં હંમેશાં નાનામોટા ઝઘડા થતા રહેતા હોય છે. ઘણા તો બાળકો સામે જ એટલા મોટેથી બરાડીને ઝઘડતા હોય કે બાળક પોતે હેબતાઈ જાય. આપણે ત્યાં કહેવાય છે, વાસણ હોય તો ખખડે! બરોબર છે, ખખડે, પણ તેનો ખકડાટ કંઈક માપમાં તો હોવો જોઈએને? આ બધું જોઈને પણ બાળક ઈશ્વરને ફરિયાદ કરે કે તું મારા મમ્મીપપ્પાને ના ઝઘડે તે માટે કેમ નથી કહેતો?

આ ગઝલના છેલ્લા બે શેર તો ખરેખર ખૂબ ઉત્તમ છે. બાળક ભગવાનને કહે છે કે ભગવાન પેલા મેદાનમાં મંદિર બની રહ્યું છે, અમે રોજ ત્યાં રમીએ છીએ. બાળકમાં ભગવાનનો અંશ જોવામાં આવે છે. અમારી રમતની જગ્યા પર તારાથી મંદિર કઈ રીતે ચણાય?

આપણે ત્યાં ઘરે આવેલા મહેમાનોને બાળક કેટલું હોંશિયાર છે એ બતાવવા, “બેટા પેલું ગીત સંભળાવ, પેલો ડાન્સ કરીને બતાવ, આમ કરીને દેખાડ, તેમ કરીને દેખાડ…” એમ માતાપિતા ઘણી વાર કહ્યાં કરતાં હોય છે. બાળકની કે મહેમાનની ઇચ્છા છે કે નહીં તે જોવાતું જ નથી. વળી ઘણાં માબાપ મંદિરમાં જાય તો બાળકને કહે, જય-જય કરો બેટા. બાળકની ઇચ્છા ન હોય તો પરાણે મારીને પણ જયજય કરાવે, જાણે ભગવાન હમણા જ પ્રસન્ન થઈ જવાના હોય! આપણે ત્યાં બાળક પાસે મજૂરી કરાવવી એ બહુ મોટો ગુનો છે. આ રીતે ઈશ્વરને પરાણે વંદન કરાવવા એ પણ એક પ્રકારની બાળમજૂરી ન કહેવાય?

પ્રણવ પંડ્યાની કલમ ચીવટ અને ચોખવટ બંને છે. તે શબ્દ જોખી-તોલીને મૂકે છે. આ વર્ષે તેમને શયદા પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે, તે તેમની કવિતાનું સુફળ છે. તેમની જ અન્ય ગઝલથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

ભેદ આવો તો ના રખાય પ્રભુ,
આ તરફ પણ નજર નખાય પ્રભુ.

સાંભળ્યું છે કે તેં બોર ચાખ્યા’તા,
એવડા આંસુ પણ ચખાય પ્રભુ.

ચીર પૂર્યા’તા કદી તેં મારા,
પીડ મારી નહીં પૂરાય પ્રભુ?

રાત, રસ્તો, ઋતુ ને રાંધણિયું,
હર જગા મારાથી દઝાય પ્રભુ !

મારી દીકરી જુવારા વાવે છે,
ક્યાંક મારા સમી ન થાય પ્રભુ !

તો થયું શું કે હું નથી પથ્થર?
માણસાઈને ના અડાય પ્રભુ?

વેણ કર્કશ જણાશે મારા પણ,
વાંસળીથી ચૂલો ફૂંકાય પ્રભુ?

~ પ્રણવ પંડ્યા

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા